અંતિમ વેગ (terminal velocity) : તરલ(વાયુ કે પ્રવાહી)માં મુક્ત રીતે અધોદિશામાં પ્રયાણ કરતા પદાર્થે ધારણ કરેલો અચળ (constant) વેગ.

પદાર્થને સ્થિર સ્થિતિમાંથી પૃથ્વી પર પડવા દેવામાં આવે ત્યારે તેના ઉપર અધોદિશામાં ગુરુત્વાકર્ષણબળ અને ઊર્ધ્વ દિશામાં હવાનું અવરોધક બળ લાગે છે. આ રીતે પતન કરતા પદાર્થનો વેગ વધતાં વધતાં છેવટે અચળ બને છે જે અંતિમ વેગ જેટલો હોય છે. સ્ટોકના નિયમનો ઉપયોગ કરીને અંતિમ વેગનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે. પ્રયોગ ઉપરથી માલૂમ પડ્યું છે કે છત્રીદળનો સૈનિક વિમાનમાંથી પડતાં છત્રી મોડી ખૂલે તો તેનો અંતિમ વેગ કલાકના 240 કિમી. જેટલો હોય છે. વરસાદના પાણીના ટીપાનો અંતિમ વેગ આનાથી ઘણો ઓછો હોય છે. ધુમ્મસમાંનાં તૈલબિંદુઓ તો અતિશય ઓછા અંતિમ વેગથી નીચે આવે છે. પતન કરતા પદાર્થ ઉપર અધોદિશામાં લાગુ પડતું ગુરુત્વાકર્ષણબળ અને ઊર્ધ્વ દિશામાં લાગુ પડતું અવરોધબળ સરખાં થાય ત્યારે પરિણામી બળ શૂન્ય થતાં તે અંતિમ વેગથી ગતિ કરે છે. હવામાં નીચે પડતા પદાર્થને નડતો હવાનો અવરોધ લગભગ ગતિના સમપ્રમાણમાં હોય છે. આથી અધોદિશામાં પતન કરતા પદાર્થનો વેગ જેમ વધતો જાય છે તેમ તેની સામે અવરોધ પણ વધતો જાય છે. એટલે મુક્ત પતન કરતા પદાર્થ ઉપર અધોબળ અને ઊર્ધ્વબળ સરખાં થતાં કુલ બળ શૂન્ય થાય છે અને પદાર્થ અચલ વેગ(અંતિમ વેગ)થી ગતિ કરે છે.

એરચ મા. બલસારા