અંત:સ્રાવો (રસાયણવિજ્ઞાન) : અંત:સ્રાવી ગ્રંથિઓ દ્વારા અતિસૂક્ષ્મ માત્રામાં સ્રવતાં કાર્બનિક સંયોજનો. આવાં સંયોજનોનું કાર્ય મગજમાં રહેલા એક વિશિષ્ટ કેન્દ્ર અધશ્ચેતક (hypothalamus) દ્વારા થાય છે. અંત:સ્રાવોનું રાસાયણિક વર્ગીકરણ મુખ્યત્વે તેમની પ્રકૃતિ મુજબ કરવામાં આવે છે.
1. 30,000થી ઓછા અણુભારવાળાં પ્રોટીનો; દા. ત., ઇન્સ્યુલિન.
2. નાનાં પૉલિપૅપ્ટાઇડો; દા. ત., પ્રતિ-મૂત્રલ (anti-diuretic) અંત:સ્રાવ.
3. એકલ ઍમિનોઍસિડો; દા. ત., થાયરૉક્સિન.
4. સ્ટેરૉઇડ અંત:સ્રાવ; દા. ત., એડ્રિનલ કૉર્ટિકલ અંત:સ્રાવ.
આ ઉપરાંત અંત:સ્રાવની કાર્યપદ્ધતિ (mode of action) મુજબ બીજી રીતે પણ વર્ગીકરણ થઈ શકે છે; દા. ત., 1. પ્લાઝ્મા મેમ્બ્રેન (રક્તરસ કલા) ઉપરના ગ્રાહી (receptor) સાથે જોડાઈને કાર્ય કરતા અંત:સ્રાવ; દા. ત., ઇન્સ્યુલિન.
2. જેઓ દ્વિતીય સંદેશવાહક cAMP મારફતે કાર્ય કરતા હોય; દા. ત., ગ્લુકાગોન, ઇપિનેફ્રિન.
3. જેઓ mRNAનું ઉત્પાદન વધારી પ્રોટીનનું ઉત્પાદન વધારી દે તેવા; દા. ત., સ્ટેરૉઇડો.
4. જેઓ સીધા જ નાભિકેન્દ્રમાં પ્રવેશીને તેમાં રહેલા ચોક્કસ પ્રોટીન સાથે આંતરક્રિયા કરીને અનુલેખન (transcription) તથા સ્થાનાંતરણ (translation) વધારે તેવા; દા. ત., ટ્રાઇઆયોડો થાયરૉક્સિન (T3).
5. અનુલેખન વધાર્યા વિના સ્થાનાંતરણનું પ્રમાણ વધારે તેવા; દા. ત., ઇન્સ્યુલિન, ACTH.
અંત:સ્રાવોનું રસાયણ તથા કાર્ય : રસાયણવિજ્ઞાનમાં બંધારણીય દૃષ્ટિએ અંત:સ્રાવો નીચે મુજબ વર્ગીકૃત કરાય છે :
ગલગ્રંથિ અંત:સ્રાવો તથા પ્રતિથાઇરૉઇડો : ગલગ્રંથિ આશરે 25–30 ગ્રામની હોય છે અને તેમાં પ્રોટીનયુક્ત કલિલ ભરેલું હોય છે. આ ગ્રંથિ થાયરૉક્સિન તથા ટ્રાઇઆયોડો થાયરૉક્સિન સ્રવે છે. શરીરમાં રહેલા કુલ 50 મિગ્રા. આયોડિનમાંથી 10થી 15 મિગ્રા. ગલગ્રંથિમાં હોય છે.
હાઇપોથાઇરૉઇડવાળી વ્યક્તિમાં ઑક્સિજનની વપરાશ ઘટે છે. થાયરૉક્સિન વધુ આંત્રીય ગ્લુકોઝ અવશોષણ વધારવા માટે કારણભૂત છે. ગલગ્રંથિ અંત:સ્રાવના વધુ પ્રમાણને લીધે હાડકાંમાંથી Ca ગતિશીલ (mobilize) થાય છે તથા પેશાબમાં K અને N વહી જાય છે. ઉપરાંત પેશાબમાં Ca તથા Pનું પ્રમાણ વધે છે. b-કૅરોટિનને વિટામિન Aમાં ફેરવવા માટે થાયરૉક્સિન આવશ્યક છે.
ગલગ્રંથિના કાર્યમાં અસાધારણ (અનિચ્છનીય) ફેરફાર (abnormality) થતાં શરીરનું વજન વધે છે. રક્તકોલેસ્ટેરૉલ તથા લિપિડ (lipid) લેવલ વધે છે. શરીરનું તાપમાન તથા નાડીગતિ અવસામાન્ય (subnormal) થાય છે.
ગલગ્રંથિ સાથે સંકળાયેલી ચાર નાની ગ્રંથિઓને પેરાથાઇરૉઇડ કહે છે તથા તેમનું કુલ વજન 0.05 – 0.3 ગ્રામ હોય છે.
પૅરાથૉર્માન અંત:સ્રાવનું મુખ્ય કાર્ય હાડકાંમાંથી Ca તથા Pનું પરિવહન (ગતિશીલ, mobilize) ઝડપી બનાવવાનું છે, સીરમ (serum, રક્તલસિકા, લસી) કૅલ્શિયમ વધારે છે તથા સીરમ P ઘટાડે છે. કૅલ્શિટોનિન અથવા થાયરૉકૅલ્શિટોનિન નામનો અંત:સ્રાવ હાડકાંને સીધી અસર કરી કિડનીમાં Ca સ્રાવ વધારે છે. ગલગ્રંથિના કાર્યમાં અસાધારણ અને અનિચ્છનીય ફેરફાર થવાને લીધે અલ્પગલગ્રંથિતા (હીનગલગ્રંથિતા, hypothyroidism) તથા ગલગ્રંથિ-અતિકાર્યતા (અતિગલગ્રંથિતા, hyperthyroidism) જેવા રોગ થાય છે.
સંશ્લેષણ : જુઓ વિશ્વકોશ ખંડ 25.
પ્રતિથાઇરૉઇડો તરીકે વપરાતાં ઔષધોમાં 2-મરકેપ્ટો-ઇમીડાઝોલ ઉપરાંત થાયૉયુરેસિલ ઔષધો પણ વપરાય છે.
સ્ટેરૉઇડ અંત:સ્રાવો : આમાં મુખ્યત્વે લૈંગિક અંત:સ્રાવો (sex hormones) ખૂબ અગત્યના છે. વૃષણ તથા અંડાશય (ovaries) દ્વારા અનુક્રમે શુક્રાણુ તથા અંડાણુ (ova) મળે છે અને તેમાં સ્ટેરૉઇડ અંત:સ્રાવો પેદા થાય છે.
પુંસકત્વ-અંત:સ્રાવો (Male sex hormones)
ટેસ્ટોસ્ટેરોન કોલેસ્ટેરોલમાંથી બને છે. સક્રિય અંત:સ્રાવ તો ડાઇહાઇડ્રો ટેસ્ટોસ્ટેરોન છે; તે શુક્રાણુઓના હલનચલન તથા ફળદ્રૂપતાશક્તિ (fertility-power) વધારે છે તથા જાળવી રાખે છે. સ્ત્રીઓમાં તે ઋતુસંજનન અતિક્રિયાશીલતા (estrogenic over activity) રોધે છે તથા ધાવણ અને માસિક રજોધર્મ અટકાવે છે. શરીરમાં તે પ્રોટીન-સંશ્લેષણ તેમજ ચરબીજ ઍસિડ સંશ્લેષણનો વેગ વધારે છે.
માદા–લિંગી અંત:સ્રાવો (female sex hormones) : અંડાશયમાંથી બે અંત:સ્રાવો સ્રવે છે : (અ) ઇસ્ટ્રોજન (ઋતુસંજનન રસો, estrogens) જે પુટિકા ઉતક (કોષવત્ ઉતક, follicular tissue) દ્વારા ઉત્પન્ન થાય છે અને (આ) કૉર્પસ લ્યુટિયમ (પીતપિંડ, corpus luteum) દ્વારા બનતો પ્રોજેસ્ટેરોન.
ઇસ્ટ્રોજન્સ (ઋતુસંજનનરસ) : આ C-18 સ્ટેરૉઇડ છે તથા ઍન્ડ્રોજન(પુંસત્ત્વજન)થી એ રીતે જુદો પડે છે કે અહીં C10 ઉપર CH3 સમૂહ હોતો નથી. તેનું વલય A ઍરોમેટિક હોય છે. ઍન્ડ્રોજન્સ, ટેસ્ટોસ્ટેરોન તથા એન્ડ્રોસ્ટીનડાયોન વૃષણ, અંડાશય, એડ્રિનલ તથા ઑર(placenta)માં ઇસ્ટ્રોજનના સંશ્લેષણ માટેના પૂર્વગામી (precurser) છે. ગર્ભાશય, યોનિ, શ્રોણિપ્રદેશ (pelvis), સ્તન, જઘન (pubic) તથા ગુપ્તાંગમાંના વાળના વિકાસ માટે ઇસ્ટ્રોજન જવાબદાર છે. તે માસિક રજોસ્રાવચક્રને અસર કરે છે તથા સ્તનના વિકાસ માટે આવશ્યક છે. ગર્ભાશયમાંના ઉતકો (uterine bind tissue) RNA સંશ્લેષણમાં ઝડપી વધારો કરે છે. યકૃતમાં લિપિડનો વધારો થતો અટકાવે છે. પ્લાઝ્મા(રક્તરસ)માંના કોલેસ્ટેરોલ લેવલ તથા અન્ય લિપિડોના ઘટાડા માટે તે કારણભૂત છે. સામાન્ય હાડકાંનું ચયાપચયન નિયંત્રણમાં રાખે છે. મેનોપોઝ બાદ તેના અભાવે સ્ત્રીઓમાં અસ્થિસુષિરતા (અસ્થિછિદ્રાળુતા, osteoporosis) વધે છે.
પ્રોજેસ્ટેરોન : અંડાશયના પીતપિંડ(કાય લ્યુટિયમ corpus luteum)માં આ અંત:સ્રાવ બને છે. અંડોત્સર્ગ (ovulation) થાય તેના 132 દિવસ અગાઉ તેનો સ્રાવ થાય છે. તેનું સંશ્લેષણ કોલેસ્ટેરોલમાંથી થાય છે. એડ્રિનલ કૉર્ટેક્સમાંથી C-19 તથા C-21 કોર્ટિકોસ્ટેરૉઇડોના પૂર્વગામી તરીકે પણ તે બને છે. તેના કાર્યમાં તે ફલિત અંડાણુ(fertilized ovum)ને આરોપિત (implant) થવા માટે આવશ્યક ગર્ભાશયાન્ત કલા (endometrium) વિકસાવે છે. ગર્ભ ધારણ થતાં જ આ અંત:સ્રાવ દ્વારા અંડોત્સર્ગ તથા માસિક ઋતુસ્રાવ (menstruation) અટકે છે તથા સ્તનગ્રંથિઓ(mammary glands)ને ઉત્તેજે છે.
અગત્યનાં અન્ય સ્ટેરૉઇડ અંત:સ્રાવોમાં એસ્ટ્રાડાયોલ, ડાઇઇથાઇલ સ્ટીલબીન, સ્ટીલ્બેસ્ટ્રોલ, હેક્સેસ્ટ્રોલ, કોર્ટિસોન, પ્રેડ્નિસોલ, પ્રેડ્નિસોલોન, પ્રેગનેનોલોલ, ડિસૉક્સિકોલિક ઍસિડ વગેરેનો સમાવેશ થાય છે. (સ્ટેરૉઇડો અંગે વિગત માટે જુઓ વિશ્વકોશ ખંડ 24, P. 249–253.)
III. અધિવૃક્ક બાહ્યસ્તર (વલ્કુટ) (Adrenal cortex)ના અંત:-સ્રાવ : આમાં કોર્ટિસોન, કોર્ટિસોલ, આલ્ડોસ્ટેરોન, એડ્રિનોસ્ટેરોન, ઇસ્ટ્રોન, કોલેસ્ટેરોલ, પ્રોજેસ્ટેરોલ વગેરેને ગણાવી શકાય.
આ અંત:સ્રાવોના સંશ્લેષણ માટે કોલેસ્ટેરોલ, β-સીટોસ્ટેરોલ, સ્ટિગ્માસ્ટેરોલ, કોલિક ઍસિડ, ડિસૉક્સિકોલિક ઍસિડ તથા ડાયોસ્જેનીન (સેપોજેનીન) વપરાય છે. બાઇલ ઍસિડમાંથી ઍડ્રિનો-કૉર્ટિકોઇડ બને છે. એન્ડ્રોજન્સ તથા ઇસ્ટ્રોજન્સ સેપોજેનીનમાંથી સંશ્લેષિત થાય છે.
એડ્રિનલ ગ્રંથિમાંથી લગભગ 50 સ્ટેરૉઇડો તારવાયાં છે; પરંતુ બહુ થોડાં જ શરીરક્રિયાત્મક ગુણધર્મ ધરાવે છે. આમાં કૉર્ટિસોન, હાઇડ્રૉકૉર્ટિસોન (કૉર્ટિસોલ), આલ્ડોસ્ટેરોન તથા ઍન્ડ્રોસ્ટેનડાયોન અને ડિહાઇડ્રૉ ઇપિએન્ડ્રોસ્ટેરોન મુખ્ય છે. માનવ-રક્તરસ(plasma)માં કૉર્ટિસોલ મુક્ત રીતે ફરતો (free circulating) ઍડ્રિનોકૉર્ટિકલ અંત:સ્રાવ છે. તેના વલયના A તથા B ભાગ સમપક્ષ અથવા વિપક્ષ સ્થિતિમાં જોડાયેલા હોય છે. ઇસ્ટ્રોજનમાં વલય A ઍરોમેટિક હોવાથી આવી સમઘટકતા જોવા મળતી નથી. કુદરતી સ્ટેરૉઇડના C17 ઉપર જોડાયેલ બંને ઉપશાખાઓ તથા C11 ઉપરનાં વિવિધ વિસ્થાપનો β-સ્થિતિમાં હોય છે.
માનવીમાં ઍડ્રિનલ કૉર્ટેક્સના હ્રાસ(degeneration)થી એડિસનનો રોગ થાય છે. જેમાં પેશાબમાં વધુ પડતું NaCl વહી જવું, રક્તલસિકા(serum)માં Kનું લેવલ ઘટી જવું, શરીર ઠંડું પડતાં નીચું રક્ત-ચાપ, જઠરાંત્ર તકલીફો, હાઇપોગ્લાયસેમિયા (ગ્લુકોઝ અલ્પતા) તથા ભૂખરી વર્ણકતા(brownish pigmentation)નું વધી જવું વગેરે થાય છે.
કૉર્ટેક્સની વધુ સક્રિયતા(hyper function)થી કુશિંગ(cushing’s)નો રોગ થાય છે જેમાં ઊંચું રક્ત-ચાપ, ગ્લુકોસુરિયા (glucosurea), પોટૅશિયમ અવક્ષય (depletion) વગેરે રોગ થાય છે.
પૉલિપૅપ્ટાઇડ તથા પ્રોટીન અંત:સ્રાવો : આમાં (i) અગ્નાશયી (સ્વાદુપિંડીય) (pancreatic) અંતસ્રાવોમાં ઇન્સ્યુલિન તથા ગ્લુકાગોન (glucagon); (ii) પીયૂષિકાગ્રંથિના (pitutiary) અંત:સ્રાવોમાં ઑક્સિટોસીન, વેસોપ્રેસીન, ACTH (ઍડ્રિનોકૉર્ટિકોટ્રોપીન), થાઇરોટ્રોપીન, સોમાટોટ્રોપીન, કેટલાંક ગોનેડોટ્રોપિક (જનનગ્રંથિને લગતા) અંતસ્રાવો (FSH, ICSH, LH, પ્રોલેક્ટિન) વગેરે અને (iii) આંત્ર (intestinal) અંત:સ્રાવોમાં સિક્રેટીન, કોલેસિસ્ટોકિનીન વગેરેનો સમાવેશ થાય છે.
ઇન્સ્યુલિન : 1953માં સેંગર દ્વારા તેમાંના ઍમિનોઍસિડનો ક્રમ શોધાયો તથા 1962માં એબલ દ્વારા સ્ફટિક રૂપે સ્વાદુપિંડ(અગ્ન્યાશય)માંથી તે મેળવાયું. તે લૅંગરહેન દ્વીપ(islet of Langerhans; મધુવશિગ્રંથિ)ના b-કોષોમાંથી સ્રવતો અંત:સ્રાવ છે. પ્રોટિયોલિટિક (પ્રોટીનવિઘટક) ઉત્સેચકો ઇન્સ્યુલિન પ્રોટીન પચાવી લઈને નિષ્ક્રિય કરતાં હોવાથી તે મોં વાટે લેવાતું નથી. પ્રતિદિન લગભગ 50 યુનિટ (Iu) ઇન્સ્યુલિન જરૂરી હોય છે. માનવીના સ્વાદુપિંડ(અગ્ન્યાશય)માં તે લગભગ 250 યુનિટ સંઘરાયેલ હોય છે. [વધુ વિગત માટે જુઓ ગુજરાતી વિશ્વકોશ ખંડ 2 (બીજી આવૃત્તિ), પૃ. 667.]
ગ્લુકાગોન (Glucago) : આ 3485 અણુભારવાળો પૉલિપૅપ્ટાઇડ છે, જેમાં 29 ઍમિનોઍસિડ એક સરળ શૃંખલામાં જોડાયેલા હોય છે. તેમાં સિસ્ટાઇન, પ્રોલીન કે આઇસોલ્યુસીન હોતાં નથી; પરંતુ વિવિધ પ્રમાણમાં મિથિયોનીન તથા ટ્રિપ્ટોફીન હોય છે. સ્વાદુપિંડ(અગ્ન્યાશય)ના a-કોષમાં તે પ્રથમ ઉદભવે છે. નીચા બ્લડ-ગ્લુકોઝથી અગ્ન્યાશયી ગ્લુકાગોનનું સ્રવણ વધે છે. ચરબીજ ઍસિડ તેનો સ્રાવ ઘટાડે છે. ખોરાકમાં કાર્બોહાઇડ્રેટયુક્ત ભોજન ઇન્સ્યુલિનનું મોચન (release) કરે છે જ્યારે વધુ પ્રોટીનયુક્ત ખોરાક ગ્લુકાગોનના સ્રવણને ઉત્તેજે છે. ચિંતા, માનસિક વ્યથા વગેરે દરમિયાન ઇન્સ્યુલિન-સ્રાવ ઘટે છે; પરંતુ ગ્લુકોગાન સ્રાવ ઉત્તેજાય છે. ગ્લુકાગોન ગ્લાયકોજન વિઘટન વધારી તેનું સંશ્લેષણ અટકાવે છે. લિવરમાંથી Kનો સ્રાવ વધારે છે. હાઇપોગ્લાયસેમિક દર્દીને સ્ફટિકમય ગ્લુકાગોન પૉલિપૅપ્ટાઇન સારવાર માટે અપાય છે. જે રોગમાં ગ્લાયકોજન એકઠો થતો હોય તેમાં રોગનિદાન માટે ગ્લુકાગોન કસોટી તરીકે વપરાય છે. ગ્લુકાગોન ઉપમધુમયતારોધી (પ્રતિગ્લુકોઝ અલ્પતા, antihypo-glycemic) છે.
પીયૂષિકાગ્રંથિ(pituitary)ના અંત:સ્રાવ : માનવીમાં પીયૂષિકા-ગ્રંથિ ચાક્ષુષ (optic) પ્રણાલીની પાછળ હોય છે, જે હાઇપૉથેલેમસનો વિસ્તૃત થયેલો ભાગ છે. પુરુષોમાં પીયૂષિકાગ્રંથિનું સરાસરી વજન 0.5થી 0.6 ગ્રામ તથા સ્ત્રીઓમાં 0.6થી 0.7 ગ્રામ હોય છે. આ ગ્રંથિ બે ભાગની બનેલી હોય છે. અગ્ર/પૂર્વ ખંડ અથવા પીયૂષિકાગ્ર (adenohypophysis) તથા પૃષ્ઠખંડ અથવા ચેતા-અધોવર્ધ (neurohypophysis). હાઇપૉથેલેમસનું કાર્ય પીયૂષિકાગ્રંથિમાંથી સ્રવતા સ્રાવનું નિયંત્રણ કરવાનું છે.
ઍડ્રિનોકૉર્ટિકોટ્રૉપિક અંત:સ્રાવ ACTH : આ પૉલિપૅપ્ટાઇડ છે તથા 39 ઍમિનોઍસિડ ધરાવે છે. તે કૉર્ટિકોસ્ટેરૉઇડનું સંશ્લેષણ ઉત્તેજી તેનો સ્રાવ વધારે છે. ACTH દાખલ કરવાથી (a) N1K તથા Pનો સ્રાવ વધે છે (b) Na તથા C તેમજ પાણીને જાળવી (retention) રાખે છે. (c) ફાસ્ટિંગ બ્લડસુગર વધારે છે. (d) યુરિક ઍસિડનું નિષ્કાસન (excretion) વધારે છે. ACTHનું નિયંત્રણ હાઇપૉથેલેમસમાંના કૉર્ટિકોટ્રૉપિન મુક્ત કરનાર અંત:સ્રાવ (CRH) દ્વારા થાય છે.
ઑક્સિટોસીન (Oxytocin) પીયૂષિકાગ્રંથિના પૃષ્ઠભાગમાંથી સ્રવે છે. આ એક ચક્રીય પૉલિપૅપ્ટાઇડ છે, જેનું બંધારણ લગભગ વેસોપ્રેસીન જેવું છે.
પ્રૉલેક્ટિન (Prolactin, PL or mammary tropin) : પીયૂષિકાના ઍસિડોફીલ (ઍસિડ આકર્ષીય) કોષો દ્વારા બને છે. તે કૉર્પસલ્યુટિયમ (પીતપિંડ) તથા પ્રોજેસ્ટેરોન બનવા માટે ઉત્તેજે છે. ગર્ભધારણ દરમિયાન તેનું પ્રમાણ વધે છે તથા સ્તનવિકાસમાં મદદ કરે છે. વેસોપ્રેસિન (vasopressin) આઠ ઍમિનોઍસિડ ધરાવતો ચક્રીય પૉલિપૅપ્ટાઇડ છે. તે પ્રતિમૂત્રલતા (antidiuretic effect) નિપજાવે છે. આથી તેને Antidiuretic hormone (ADH) કહે છે. ADHની ગેરહાજરીમાં પેશાબનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે (30 lit/day). શરીરમાં તે પાણીના સમતોલન(balance)નું નિયંત્રણ કરે છે. પીયૂષિકાગ્રંથિની ખામીભરી કાર્યપદ્ધતિથી હાઇપર-પિચ્યુટિયારિઝમ (hyperpitutiarism), અતિકાયતા (સ્થૂળતા, gigantism), શાખાબૃહતી (acromegaly) થાય છે. હાઇપૉપિચ્યુટિયારિઝમથી ઠીંગુજીપણું (Dwarfism), ફ્રોલિક સિન્ડ્રોમ (Frolich’s syndrome) તથા panhypopitutiarism થાય છે.
ઍડ્રિનલ્સ (Adrenals; Adrenal medulla) ઍડ્રિનલ (મધ્યક) મજ્જા
ઇપિનેફ્રીન તથા નૉરઇપિનેફ્રીન (Epinephrine and Norepinephrin) :
કેટેકોલ સમૂહ સાથે બંધારણીય રીતે સંબંધિત આ અંત:સ્રાવમાં ઍરોમેટિક વલય કેટેકોલ (1, 2-ડાઇહાઇડ્રૉક્સીબેન્ઝિન) હોય છે. ઍમિનોઍસિડ સમૂહ ઉપશાખા સાથે જોડાયેલ હોવાથી તેને કેટેકોલએમાઇન પણ કહે છે. કેટેકોલએમાઇનની 80 % ક્રિયાશીલતા ઇપિનેફ્રીનને આભારી હોય છે. કુદરતી ઇપિનેફ્રીન L (લીવો) સમઘટક છે. સંશ્લેષિત D-(ડેક્ષ્ટ્રો) સમઘટકમાં માત્ર 4 ભાગ ક્રિયાશીલતા હોય છે. ઇપિનેફ્રીન ઠંડી, થાક, આઘાત વગેરે સામે તરત પ્રક્રિયા કરે છે. મુખ વાટે લેવાથી ઉપચયનને લીધે ઉપરના બંને નાશ પામે છે. તે લેવાથી રક્તચાપ વધે છે તથા રક્તશર્કરા વધે છે; સ્નાયુ (muscles) ગ્લાયકોજનને ઇપિનેફ્રીન લૅક્ટિક ઍસિડમાં વિભાજે છે. પરિણામે બ્લડલૅક્ટેટ વધે છે. ઇપિનેફ્રીન મુક્ત ચરબીજ ઍસિડને પરિભ્રમણ માટે મુક્ત કરે છે. હૃદયકાર્યને તે ઉત્તેજિત કરે છે (વાહિની-વિસ્ફારણ, vasodilation) નૉર-ઇપિનેફ્રીનમાં આ અસરો ઓછી હોય છે. ઇપિનેફ્રીન હોજરી, આંતરડાં, શ્વસનકોષો, મૂત્રાશય વગેરેના કોમળ સ્નાયુઓને શિથિલ (relax) કરે છે. તેથી દમના દર્દીઓ માટે તે ઉપયોગી ઔષધ છે. ખૂબ ઉત્તેજિત અવસ્થામાં (ઝઘડો, બીક, મારામારી કે પલાયનવૃત્તિ) આ અંત:સ્રાવ ઝડપથી બને છે.
સંશ્લેષિત અંત:સ્રાવો (Artificial/synthetic hormones) : ઋતુસંજનન (estrogenic acitivity) ધરાવતા પરંતુ સ્ટેરૉઇડ બંધારણ વિનાના અંત:સ્રાવો સંશ્લેષણ દ્વારા મેળવાયા છે. સ્ટિલ્બેસ્ટ્રૉલ (stilbestrol) (4, 4´–dihydroxy-diethyl stilbene) 1939માં Dodd દ્વારા મેળવાયેલો.
આ સંયોજનની બે સંરચના (configuration) સમપક્ષ-વિપક્ષ પ્રકારની હોય છે, જેમાં વિપક્ષ સંયોજન ક્રિયાશીલતા દર્શાવે છે. તેનું સંશ્લેષણ એનિસાલ્ડીહાઇડમાંથી અથવા વધુ સરળ રીતે એનિથોલમાંથી કરવામાં આવે છે. ઉસ્ટ્રોન કરતાં અવત્વકીય (subcutaneously) ઇન્જેક્શન તરીકે તે વધુ ક્રિયાશીલ છે. તે મોં વાટે પણ લઈ શકાય છે. હેક્ઝોસ્ટ્રોલ(dihydrostilbestrol)ના ત્રણ સમઘટકોમાં (વિન્યાસ) મેસો સમઘટક ક્રિયાશીલ છે.
આનું સંશ્લેષણ પણ એનિથોલ માંથી કરવામાં આવે છે.
જ. પો. ત્રિવેદી