અંત:સ્રાવ (hormone) : શરીરની ક્રિયાઓનું નિયમન કરતાં લોહીમાં સીધાં ઝરતાં રસાયણો. ઇન્સ્યુલિન, એડ્રીનાલિન, કૉર્ટિકોસ્ટીરૉઇડ, ગલગ્રંથિ(thyroid)ના સ્રાવો વગેરે ઘણા અંત:સ્રાવો શરીરમાં હોય છે. તેમનાં મુખ્ય ચાર કાર્યક્ષેત્રો હોય છે : (1) શરીરની આંતરિક પરિસ્થિતિ અને રાસાયણિક બંધારણનું નિયમન; (2) ઈજા, ચેપ, ભૂખમરો, શરીરમાંથી પાણીનું ઘટી જવું, ખૂબ લોહી વહી જવું, અતિશય ગરમી કે માનસિક તણાવ વગેરેથી ઉત્પન્ન થતા અણધાર્યા સંકટ(emergency)માં યોગ્ય પ્રતિભાવ; (3) શરીરનાં વૃદ્ધિ અને વિકાસનું સંકલન અને (4) પ્રજનનલક્ષી ક્રિયાઓનું નિયમન. ગ્રંથિઓમાં ઉત્પન્ન થઈ, અંત:સ્રાવો સીધા લોહીમાં ભળે છે, શરીરમાં અન્યત્ર આવેલા અવયવો અને કોષો પર તે જરૂરી અસર કરે છે. અંત:સ્રાવો બે પ્રકારના હોય છે – જલદ્રાવી અને મેદદ્રાવી. પીયૂષિકા (pituitary) ગ્રંથિ, પરાગલ (parathyroid) ગ્રંથિ, સ્વાદુપિંડ (pancreas) અને અધિવૃક્ક (adrenal) ગ્રંથિનું અંત:સ્તર (medulla) જલદ્રાવ્ય અંત:સ્રાવો ઉત્પન્ન કરે છે. અધિવૃક્ક ગ્રંથિનું બહિ:સ્તર (adrenal cortex), અંડગ્રંથિ (ovary) અને શુક્રગ્રંથિના (testis) કોલેસ્ટેરૉલમાંથી સ્ટીરૉઇડ જૂથના અંત:સ્રાવો ઉત્પન્ન કરે છે. સ્ટીરૉઇડ અંત:સ્રાવો તથા ગલગ્રંથિ(thyroid)ના અંતસ્રાવો મેદદ્રાવ્ય છે. જઠર અને આંતરડાં દ્વારા ઉત્પન્ન થતા અંતસ્રાવો સૌપ્રથમ શોધાયા હતા. અંત:સ્રાવો લક્ષ્યકોષ (target cell) પર વિવિધ રીતે નિશ્ચિત અસર ઉપજાવે છે. સ્ટીરૉઇડ જૂથના અંત:સ્રાવો તથા ગલગ્રંથિ અંત:સ્રાવ કોષકેન્દ્રમાંના જનીન (genes) પર સીધી અસર કરીને કોષકાર્યમાં ફેરફાર આણે છે.
કેટલાક અંત:સ્રાવો કોષના બહારના આવરણ કોષતરલકલા (plasma membrane) પરનાં ચોક્કસ રાસાયણિક સ્થાનો (સ્વીકારકો, receptors) સાથે જોડાય છે. તેમાં રહેલા એડીનાઇલ સાઇક્લેઝ નામના ઉત્સેચક(enzyme)ને ઉત્તેજિત કરે છે. એડીનાઇલ સાઇક્લેઝ ચક્રીય એ.એમ.પી. (cyclic adenosine monophosphate) નામના દ્રવ્યનું ઉત્પાદન કરાવે છે. ચક્રીય એ.એમ.પી. કોષમાંના ઉત્સેચકોને ઉત્તેજિત કરીને કોષક્રિયા પર ધારી અસર ઉપજાવે છે. આમ, અંત:સ્રાવી ગ્રંથિ તરફથી આવતા નિયમનને લગતા સંદેશાનું ક્રમશ: બે સંદેશાવાહકો (messengers) દ્વારા વહન થાય છે. અંતસ્રાવ પોતે પ્રથમ સંદેશવાહક છે. જ્યારે ચક્રીય એ.એમ.પી. અનુગામી સંદેશવાહક છે.
મોટાભાગના જલદ્રાવી અંત:સ્રાવો આ રીતે કાર્ય કરે છે; પરંતુ ઇન્સ્યુલિન, વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) અને પયસર્જી અંત:સ્રાવ (prolactin) કોષતરલમાંના અન્ય સ્વીકારકો સાથે જોડાઈને ચક્રીય એ.એમ.પી.ની સહાય વિના પણ ધારી અસર ઉપજાવે છે.
હસમુખ ચીમનલાલ મહેતા
શિલીન નં. શુક્લ