અંતરીક્ષ મથક (space station) : પૃથ્વીથી લગભગ 300-400 કિમી.ની ઊંચાઈ પર કક્ષામાં ફરતી વૈજ્ઞાનિક પ્રયોગશાળા, જેમાં ત્રણથી ચાર માનવીઓ લાંબા સમય સુધી રહીને જુદા જુદા વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકે છે. અમેરિકાનાં ‘સ્કાયલૅબ’ (1973) અને ‘સ્પેસ-શટલ’ (1981થી ચાલુ) તથા રશિયાનાં ‘સોયુઝ’ (1967-1971), સેલ્યુટ’ (1971-1986) (1982માં પ્રક્ષેપિત થયેલું છેલ્લું ‘સેલ્યુટ7’ 1986 પછી વપરાતું નહોતું અને ફેબ્રુઆરી 1991માં પૃથ્વી પર તૂટી પડ્યું હતું.) અને ‘મીર’ (1986થી ચાલુ). આ પ્રકારનાં જાણીતાં અંતરીક્ષ મથકો છે. 1990ના અંતભાગમાં ‘આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક’ (International Space Station) નામનું અંતરીક્ષ મથક તૈયાર કરવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં 16 દેશો તરફથી સહકાર મળે છે અને ઈ. સ. 2003માં આ અંતરીક્ષ મથક કાર્ય કરતું થશે તેવી ધારણા છે.
સ-માનવ અંતરીક્ષયાન જેવી બધી સુવિધાઓ ધરાવતાં આવાં અંતરીક્ષ મથકોમાં આધુનિક ઉપકરણો અને કમ્પ્યૂટરોથી સજ્જ પ્રયોગશાળા હોય છે, જેમાં માનવી જુદા જુદા વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકે છે. અંતરીક્ષ મથકના કાર્યમાં તેનાં નીચેનાં ઉપ-તંત્રો અગત્યનો ભાગ ભજવે છે :
(1) દિશા-નિયંત્રણ માટે ગાયરોસ્કોપ ઉપર આધારિત ઉપ-તંત્ર.
(2) દિશા-પરિવર્તન અને કક્ષા-નિયંત્રણ માટે પ્રતિક્રિયાત્મક નિયંત્રણ-તંત્ર (reaction control system).
(3) કક્ષા-પરિવર્તન માટે રૉકેટ-એન્જિન.
(4) વિદ્યુત-શક્તિ માટે અંતરીક્ષ મથકની બહારની બાજુએ સંખ્યાબંધ સૌર કોષ ધરાવતાં પાંખિયાં (solar panels), જેમની મદદથી સૂર્ય-શક્તિનું વિદ્યુત-શક્તિમાં રૂપાંતર થાય છે.
(5) અંતરીક્ષ મથકની બહાર જવા માટે તથા બહારથી અંદર આવવા માટે ‘હવા-ચુસ્ત ભાગ’ (air lock module).
અંતરીક્ષ મથકનું બધું સંચાલન ભૂમિ પરથી રેડિયો-કંટ્રોલ દ્વારા કરવામાં આવે છે તથા તેમાં રહેતા માનવીઓ પણ તેનું સંચાલન કરી શકે છે.
અંતરીક્ષ મથકમાં નીચે જણાવેલાં ક્ષેત્રોને લગતા વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવે છે.
(1) અંતરીક્ષ મથકની અંદર ‘શૂન્ય અથવા સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ’ (microgravity) એટલે કે ‘વજનવિહીનતા’ જેવી વિશિષ્ટ પરિસ્થિતિમાં દ્રવ્ય-વિજ્ઞાન(material science)ને લગતા પ્રયોગો કરવામાં આવે છે; દાખલા તરીકે, પાત્રના સંપર્કમાં લાવ્યા સિવાય વિદ્યુત-ભઠ્ઠી વેલ્ડિંગનો ઉપયોગ કરીને અતિશુદ્ધ ધાતુઓ તૈયાર કરવામાં આવે છે. વજનવિહીનતાની પરિસ્થિતિમાં પરિશુદ્ધ ગોળાઈ ધરાવતા ધાતુના અત્યંત નાના છરા (ball-bearing) તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત, ભિન્ન ગુણધર્મો ધરાવતા બે દ્રવ્યોને (દા.ત., કાચ અને ધાતુ) ભેગાં કરીને વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા નવતર દ્રવ્યો પેદા કરી શકાય છે તથા ઇલેક્ટ્રૉનિક ક્ષેત્ર માટે અત્યંત ઉપયોગી શુદ્ધ સ્ફટિકો (crystals) બનાવી શકાય છે. (2) ઔષધવિજ્ઞાનના ક્ષેત્રમાં વજનવિહીન પરિસ્થિતિનો લાભ લઈને પ્રતિજૈવ (antibiotic) ઔષધો તથા અતિસંતૃપ્ત પ્રતિદ્રવ્યો (antibodies) અને શુદ્ધ વૅક્સિન બનાવી શકાય છે. વનસ્પતિવિજ્ઞાન અને જીવવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં પણ વજનવિહીન પરિસ્થિતિનો લાભ લઈને ઉપયોગી નવીન સંશોધનો કરવામાં આવે છે. (3) ભૂ-ભૌતિકશાસ્ત્ર અને ખગોળવિજ્ઞાનના પ્રયોગો માટે પણ અંતરીક્ષ મથકનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ ‘સ્કાયલૅબ’માં એક દૂરબીન મૂકવામાં આવ્યું હતું, જેની મદદથી સૂર્ય અને ‘કોહુટેક’ ધૂમકેતુનાં અવલોકનો લેવામાં આવ્યાં હતાં. 1985 દરમિયાન ‘સ્પેસ-શટલ’માં ‘સ્પેસલૅબ’ નામની પ્રયોગશાળા મૂકવામાં આવી હતી અને એમાં એક સૌર દૂરબીન રાખવામાં આવ્યું હતું. (4) ભૂમિ અને સમુદ્રને લગતી માહિતી મેળવવા માટે અંતરીક્ષ મથકમાં મૂકેલાં કૅમેરા અને અન્ય ઉપકરણો ઉપયોગમાં લેવાય છે. 1981 અને 1984 દરમિયાન સ્પેસ-શટલમાં મૂકવામાં આવેલા ખાસ પ્રકારના રડાર વડે સમુદ્રવિજ્ઞાન અને હવામાનવિજ્ઞાનને લગતી માહિતી મેળવવામાં આવી હતી.
સ્પેસ-શટલની બે વિશિષ્ટ ઉપયોગિતા એ છે કે તેની મદદથી ઉપગ્રહ પ્રક્ષેપિત કરી શકાય છે અને કાર્ય કરતા અટકી ગયા હોય તેવા ઉપગ્રહોને અંતરીક્ષમાં જ દુરસ્ત કરી શકાય છે અથવા પૃથ્વી પર પાછા લાવી શકાય છે.
પરંતપ પાઠક