અંતરીક્ષમાં લશ્કરી કામગીરી

January, 2001

અંતરીક્ષમાં લશ્કરી કામગીરી : તા. 12 એપ્રિલ, 1961ના દિવસે સોવિયેત રશિયન સંઘના કઝાખસ્તાન રાજ્યમાંથી યુરી ગૅગારિન ‘વસ્ટોક’ નામના રૉકેટ વડે અવકાશમાં ચઢીને પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં ગયો અને પૃથ્વીની એક પ્રદક્ષિણા કરીને હેમખેમ પાછો આવ્યો ત્યારે અવકાશના લશ્કરીકરણનો આરંભ થઈ ગયો એમ કહી શકાય. તે પહેલાં બંને પ્રતિસ્પર્ધી મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત સંઘ એકબીજા દેશ સામે અણુશસ્ત્રધારી સ્વયંસંચાલિત આંતરખંડીય રૉકેટો બનાવી ચૂકીં હતી અને મહાસાગર ઓળંગીને એકબીજાનાં મર્મસ્થાનો ઉપર ત્રાટકે એ રીતે તે ગોઠવી ચૂકી હતી. જગતના ઇતિહાસમાં પહેલો માણસ પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં જઈ આવ્યો, તે પછી બીજું પગલું અવકાશના લશ્કરીકરણ માટે યોજનાઓ ઘડીને અમલમાં મૂકવાનું હતું. તે માટે બંને મહાસત્તાઓએ કેટલાંક તંત્ર (systems) રચી કાઢ્યાં. આ તંત્રોને રક્ષણાત્મક ગણાવવામાં આવે છે, પરંતુ વસ્તુત: તે આક્રમણ-તંત્રો પણ છે.

Asat missile

પ્રતિ-ઉપગ્રહ (ASAT)

સૌ. "Asat missile" | CC BY 3.0

બંને દેશોએ વિવિધ હેતુથી કેટલાક સ્વયંસંચાલિત અને અમાનવ એટલે કે માણસ વિનાના ઉપગ્રહો અવકાશમાં ફરતા કર્યા છે. યુદ્ધમાં સંદેશાવ્યવહારનું મહત્ત્વ ઘણું જ છે. તેમાં જે પક્ષ નબળો હોય તેના હારી જવાની શક્યતા ઘણી. તેથી વિગ્રહ ફાટી નીકળવાની અણી પર હોય ત્યારે દુશ્મનના સંદેશાવાહક ઉપગ્રહોનો તત્કાળ વિનાશ કરી નાખવામાં આવે તો શત્રુ પાંગળો બની જાય. ઉપગ્રહોનો નાશ કરે એવા શસ્ત્રતંત્રને ‘ઍસૅટ’ – Asat — એટલે કે પ્રતિ-ઉપગ્રહ (anti-satellite) કહેવામાં આવે છે. આવાં શસ્ત્રો વિવિધ પ્રકારનાં હોય છે; દા.ત., જે ભ્રમણકક્ષામાં દુશ્મનનો ઉપગ્રહ હોય તે ભ્રમણકક્ષામાં શિકારી (killer) ઉપગ્રહ મોકલીને તેમાંથી છોડેલાં વેધક કિરણો વડે તેનો નાશ કરવો. અતિઆધુનિક શસ્ત્ર તરીકે લેઝર કિરણોનો ઉપયોગ કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. લેઝર કિરણો વડે દુશ્મનના યાન, વિમાન કે ઉપગ્રહના મર્મસ્થાનને વીંધી નાખવામાં આવે તો તે તૂટી પડે છે, પરંતુ તેમાં હજી બહુ મર્યાદિત સફળતા મળી છે.

MIDAS Sensor

અગમચેતી ઉપગ્રહ (MIDAS)

સૌ. "MIDAS Sensor" | CC BY 2.0

અવકાશમાં એવા ચોકિયાત ઉપગ્રહો ચડાવવામાં આવ્યા છે કે જે દુશ્મનની આક્રમક લશ્કરી હિલચાલની ચેતવણી આપે. આ ઉપગ્રહોને ‘Early Warning Satellites’ (અગમચેતી ઉપગ્રહો) તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાએ તેને મિડાસ  MIDAS (Missile Defence Alarm System) નામ આપ્યું છે. આ તંત્રમાં બારથી પંદર ઉપગ્રહો હોય છે, જે બે હજાર માઈલ (3,218 કિમી.) ઊંચે પૃથ્વીની આસપાસ બે ધ્રુવોની દિશામાં ફર્યા કરે, જેથી તેમની ભ્રમણકક્ષા બદલાય નહિ અને દુશ્મન અણુશસ્ત્રોના પ્રયોગ કરે અથવા આક્રમણ માટે દુશ્મનનું રૉકેટ ઊપડે તો તત્ક્ષણ તેની ખબર આપી દે.

રશિયા અણુશસ્ત્રોનો પ્રયોગ કરે તેની જાણકારી બહુ જરૂરી હોવાથી અમેરિકાએ ‘વેલા’ (Vela) નામના બે ચોકિયાત ઉપગ્રહોને 1963ના ઑક્ટોબરમાં ચડાવ્યા અને પછી બીજી સુધારેલી આવૃત્તિઓ અવકાશમાં મોકલી.

આખી પૃથ્વી ઉપર અને ખાસ કરીને દુશ્મનનાં મથકો ઉપર ચાંપતી નજર રાખે એવા નિરીક્ષક ઉપગ્રહો (reconnaissance satellites) છે.

રશિયાએ અમેરિકાના કોઈ પણ ઉપગ્રહને આંતરીને તેનો નાશ કરી શકે તેવા મારક ઉપગ્રહો બનાવ્યા છે. તેણે પ્રયોગ ખાતર એક ઉપગ્રહ ચડાવ્યો અને તેની પાછળ બીજો ઉપગ્રહ ચડાવીને તેના વડે આગલા ઉપગ્રહનો નાશ કરી નાખ્યો. અમેરિકાએ પણ ઉપગ્રહવિનાશક (hunter-killer) ઉપગ્રહો બનાવેલા છે, જે લેઝર કિરણ વડે શત્રુના ઉપગ્રહનો શિકાર કરે એવી યોજના છે.

આ બધા ઉપગ્રહો અમાનવ એટલે કે માણસ વિનાના સ્વયંસંચાલિત છે, પરંતુ ઉપગ્રહોનું એક તંત્ર ‘મૉલ’ (Manned Orbital Laboratory-MOL) છે. તેમાં બે અવકાશયાત્રીઓ અવકાશમાં 30 દિવસ ગાળી શકે છે.

અમેરિકા ‘સ્પેસ-શટલ’ (space shuttle) નામનાં અવકાશયાન ચડાવે છે. તે તરેહ તરેહના વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે હોય છે. આથી એ બીજા મિત્ર દેશોના પ્રયોગો પણ કરી આપે છે. ભારતને પણ તેનો લાભ મળે છે. અત્યાર સુધી જે અવકાશયાનો ચડાવવામાં આવે છે તે ફરીથી વાપરી શકાતાં નથી, પરંતુ સ્પેસ-શટલ ફરીથી વાપરી શકાય તેવાં હોય છે. તે માટે તેમને એરોપ્લેન જેવી, પણ પ્રમાણમાં ટૂંકી પાંખો હોય છે, જેને લીધે પાછું આવવા અવકાશમાંથી વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઝડપ ઘટાડી નાખવાથી તેનું બાહ્યાવરણ સળગી ઊઠે નહિ અને પાંખો વડે ગ્લાઇડરની જેમ હવા પર સરકતું નીચે ઊતરી શકે. સામાન્ય અવકાશયાનોને રક્ષણ માટે બાહ્ય આવરણ હોય છે, જે હવા સાથે વેગથી ઘસાવાથી સળગી ઊઠે છે, અંદર બેઠેલા અવકાશયાત્રીઓને તેનાથી ઈજા થતી નથી. સ્પેસ-શટલને બે સમાંતર રૉકેટો વડે અવકાશમાં ચડાવવામાં આવે છે. તેમાં લશ્કરી પ્રકારના પ્રયોગો પણ કરવામાં આવે છે, પરંતુ એ પ્રયોગો વિશે ગુપ્તતા જાળવવામાં આવે છે. હવે રશિયાએ પણ સ્પેસ-શટલ બનાવીને તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં એક વાર ફેરવેલ છે. તેની વિશિષ્ટતા એ કે તેની એ યાત્રા અમાનવ હતી.

સમગ્ર પૃથ્વીના નિરીક્ષણ માટે અવકાશમાં એક વિશાળ મથક ફરતું રાખ્યું હોય તો તેમાં અવકાશયાત્રીઓ મહિનાઓ સુધી રહી શકે અને પૃથ્વી પરની દુશ્મનની કોઈ પણ હિલચાલનું નિરીક્ષણ કરીને માહિતી મેળવી શકે. રશિયાએ ‘સાલ્યુત’ નામનું એક નમૂનારૂપ અવકાશી મથક સ્થાપ્યું છે. માણસ ગુરુત્વાકર્ષણથી મુક્ત સ્થિતિમાં કેટલા લાંબા સમય સુધી રહી શકે તેના પ્રયોગો તે કરે છે. રશિયન અવકાશયાત્રીઓએ તેમાં એક વર્ષ અને એક દિવસ રહીને વિસ્મયકારક વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. તેમના અવકાશવાસ દરમિયાન રશિયામાંથી ‘સોયુઝ’ નામના અવકાશયાનમાં બેસીને અવકાશયાત્રીઓ તેમને જોઈતો તમામ પુરવઠો પહોંચાડી આવતા હતા. દેખીતી રીતે આ પ્રયોગો મંગળ પર જવા કે બીજા કોઈ અવકાશી પિંડ સુધી પહોંચવાના હોય એમ લાગે છે; પરંતુ વિગ્રહમાં આવા અવકાશી મથકનું મહત્વ ઘણું જ છે. ‘સોયુઝ’, ‘સાલ્યુત’ની ભ્રમણકક્ષામાં દાખલ થઈને ‘સાલ્યુત’ સાથે જોડાઈ જાય છે, પછી બંને યાન વચ્ચેના દરવાજા ખોલીને પુરવઠો લઈને આવેલા અવકાશયાત્રીઓ ‘સાલ્યુત’માં દાખલ થાય છે અને થોડા દિવસ બંને યાનના અવકાશયાત્રીઓ સાથે રહે છે.

શત્રુનાં નૌકાદળો કે છૂટીછવાઈ મનવારો સમુદ્ર પર ક્યાં છે અને શું કરે છે તે જાણવા અમેરિકા વિમાનો દ્વારા પણ માહિતી મેળવી શકે છે, કારણ કે દુનિયાના બધા ખંડોમાં તેનાં લશ્કરી મથકો છે. ઉપરાંત, સર્વેક્ષણ (reconnaissance) કરનારા ઉપગ્રહો તો છે જ. રશિયા દુનિયાના બીજા દેશોમાં બહુ જ થોડાં મથકો ધરાવે છે, તેથી તેણે સમુદ્રોના સર્વેક્ષણ માટે ઉપગ્રહો ઉપર વધુ આધાર રાખ્યો છે. આ શ્રેણીમાં તેના ‘કૉસ્મૉસ’ (Cosmos) ઉપગ્રહો જાણીતા છે. આવા ઉપગ્રહોમાં વધુ શક્તિશાળી રડાર હોય છે.

સૌથી વધુ રહસ્યમય લશ્કરી ઉપગ્રહ અમેરિકાનો ‘કૉમસાટ’ (comsat) છે. તેના ફોટોગ્રાફ અને તેની કાર્યવાહી ગુપ્ત રાખવામાં આવી છે. રશિયાએ ‘મોલ્નિયા કૉમસાટ’ નામનો રહસ્યમય ઉપગ્રહ ચડાવ્યા પછી અમેરિકાએ તેની પાછળ અતિલંબગોળ ભ્રમણકક્ષામાં બે ભૌગોલિક ધ્રુવોની દિશામાં ફર્યા કરે એવો કૉમસાટ ઉપગ્રહ ચડાવ્યો.

બીજા સંદેશાવ્યવહારમાં ખલેલ પહોંચી હોય ત્યારે પણ માહિતી એકઠી કરીને સંદેશા આપ્યા કરે એવા રશિયાના આઠ ઉપગ્રહોની એક ટુકડી એકસાથે અવકાશમાં ચડાવવામાં આવી છે. દર વર્ષે આવી બેથી ત્રણ ટુકડીઓ અવકાશમાં જાય છે. ‘મોલ્નિયા’ શ્રેણીના ઉપગ્રહો પોતાના મથક સાથે કે બીજા કોઈ પણ નિશ્ચિત મથક સાથે સીધા સંપર્કમાં રહી શકે છે.

મહાસત્તાઓનાં બંને પ્રતિસ્પર્ધી જૂથો હવામાનની સચિત્ર માહિતી પહોંચાડવા માટેના ઉપગ્રહોની શ્રેણી પણ ધરાવે છે, કારણ કે યુદ્ધના સમયે ક્યાં કેવું હવામાન હોય છે, તે જાણવું પણ જરૂરી હોય છે. બંને મહાસત્તાઓ જાસૂસી શ્રેણીના ઉપગ્રહો પણ ધરાવે છે. ધરતી પર, સમુદ્રમાં, સમુદ્ર ઉપર અને અવકાશમાં જાસૂસી પ્રવૃત્તિ તો ચાલે જ છે; પરંતુ તેને મર્યાદાઓ હોય છે. અવકાશમાંથી જાસૂસી કરી શકે એવા ઉપગ્રહો આખી પૃથ્વીને આવરી લે છે. આવા ઉપગ્રહોમાં અતિસૂક્ષ્મગ્રાહી વીજાણુ સાધનો હોય છે. આવા ઉપગ્રહો વિશે કશી માહિતી આપવામાં આવતી નથી.

બંને મહાસત્તાઓ લેઝર કિરણો વડે ઉપગ્રહોનો, આંતરખંડીય સ્વયંસંચાલિત રૉકેટોનો અને વિમાનોનો નાશ કેમ કરવો તેને વિશે પ્રયોગ કરી રહી છે.

નગેન્દ્રવિજય