અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC) : અમદાવાદનું અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (Space Application Centre). એ ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન(Indian Space Research Organisation – ISRO)નાં ચાર મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. અધિક વસ્તી ધરાવતા અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થતી નૈસર્ગિક સંપત્તિનો પૂરેપૂરો ઉપયોગ ન થતો હોય તેવા ભારત જેવા દેશની ઘણી સમસ્યાઓ અંતરીક્ષ-વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના વિકાસ અને ઉપયોગ દ્વારા હલ થઈ શકે છે. અંતરીક્ષવિજ્ઞાન અને ટૅકનૉલૉજીનો વ્યાવહારિક ઉપયોગ કરવો એ અંતરીક્ષ ઉપયોગ કેન્દ્રનું મુખ્ય ધ્યેય છે. આ ધ્યેય સિદ્ધ કરવા માટે અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર તરફથી નીચેના કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે :

(1) સંદેશાવ્યવહાર ઉપગ્રહની મદદથી પ્રગતિલક્ષી દૂરદર્શન કાર્યક્રમોનું પ્રસારણ અને તેને લગતાં સાધનો અને કાર્યક્રમોનો વિકાસ;

(2) સંદેશાવ્યવહાર ઉપગ્રહ માટેની સાધનસામગ્રીના ક્ષેત્રમાં સંશોધન, વિકાસ અને રચના તેમજ તે માટેના ભૂમિમથકની ટૅકનૉલૉજીનાં સંશોધન, વિકાસ અને રચના;

(3) દૂર-સંવેદન પદ્ધતિના ઉપયોગથી નૈસર્ગિક અને પુન:ઉત્પન્ન (renewable) ભૂ-સંપત્તિનું સર્વેક્ષણ અને એ માટેના ઉપગ્રહની સાધનસામગ્રીનાં સંશોધન, વિકાસ અને રચના;

(4) અંતરીક્ષવિજ્ઞાનના ઉપયોગ વડે હવામાન, ઉચ્ચ વાતાવરણ અને ભૂ-માપનનો અભ્યાસ.

ડૉ. વિક્રમ સારાભાઈ માનતા હતા કે ભારત જેવા વિશાળ દેશમાં લોકોની સાથે ઝડપથી અને ગાઢ સંપર્ક સાધવા માટે ઉપગ્રહ સંદેશાવ્યવહાર ટેક્નૉલૉજી મદદરૂપ થાય તેમ છે. આ સિદ્ધિ હાંસલ કરવા એમણે 1967માં અમદાવાદમાં જોધપુર ટેકરા ઉપર પ્રાયોગિક ઉપગ્રહ સંદેશાવ્યવહાર ભૂમિમથક(Experimental Satellite Communication Earth Station – ESCES)ની સ્થાપના કરી, તે હાલના અંતરીક્ષ ઉપયોગ કેન્દ્રનું પૂર્વરૂપ હતું. ભારતમાં સ્થપાયેલું આ પહેલું ભૂમિમથક હતું. એનું હાર્દ 14 મીટર વ્યાસનો જંગી ઍન્ટેના છે. તે બધી જ દિશાઓમાં ફેરવી શકાય એવો રકાબી આકારનો છે અને ઉપગ્રહને અવકાશમાં શોધી એ દિશાને વળગી રહેવાની સ્વયંસંચાલિત સગવડ ધરાવે છે. આ ભૂમિમથક દ્વારા 1975-76 દરમિયાન SITE પ્રયોગ (Satelite Instructional Television Experiment) સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો, જેમાં નાસા(NASA)ના ઉપગ્રહ ATS-6 દ્વારા જીવનલક્ષી અને ગ્રામલક્ષી દૂરદર્શન કાર્યક્રમો ભારતનાં 2,400 ગામડાં સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ કેન્દ્રનું શરૂઆતનાં વર્ષોમાં મુખ્ય કામ ઉપગ્રહ સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં તાલીમ આપવાનું હતું અને ભારત તેમજ જગતના બીજા વિકાસશીલ દેશોના ઘણા ઇજનેરોએ આ કેન્દ્રમાં તાલીમ લીધી છે.

SITE શૈક્ષણિક પ્રયોગ એ આ કેન્દ્રનો સંદેશાવ્યવહારના ઉપયોગ માટેનો સૌપ્રથમ મહાન પ્રયોગ હતો. આ પછી 1977-79માં Satellite Telecommunications Experiment Project (STEP) અને તે પછી 1981-83માં Apple જેવા અગત્યના સંદેશાવ્યવહાર ઉપગ્રહના ઉપયોગ અંગેના પ્રૉજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા. Apple એ ભારતમાં બનેલો સૌપ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો. આ Apple ઉપગ્રહના હાર્દ જેવું ટ્રાન્સપૉન્ડર અને તેને લગતાં બધાં ઉપકરણોનાં વિકાસ અને રચના અંતરીક્ષ ઉપયોગ કેન્દ્રમાં કરવામાં આવ્યાં હતાં. હાલ આ કેન્દ્રમાં INSAT-2 શ્રેણીના ઉપગ્રહનાં ઉપકરણો બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.

ઉપગ્રહની મદદથી દૂર-સંવેદન(remote sensing)ના ઉપયોગ માટે આ કેન્દ્રમાં પાયાનું કામકાજ થયું છે. કોઈ પણ પદાર્થ સાથે સીધા સંસર્ગમાં આવ્યા વગર તેની પ્રકૃતિ અને તેના ગુણધર્મ શોધી કાઢવા માટેની પદ્ધતિને દૂર-સંવેદન કહેવાય છે. પ્રાથમિક તબક્કે આ માટે બે-પાંખિયો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોની એક ટુકડી ભારતમાં આ માટે ઉપયોગમાં લઈ શકાય તેવાં સંવેદનયંત્રોના વિકાસના કામમાં લાગી હતી, જ્યારે બીજી ટુકડી અમેરિકાના LANDSAT ઉપગ્રહમાંથી ઉપલબ્ધ ભૂમિચિત્રોનું દાર્શનિક અર્થઘટન (visual photo-interpretation) અને કમ્પ્યૂટરના ઉપયોગથી માહિતીનું પૃથક્કરણ કરવાની રીતોથી જુદી જુદી નૈસર્ગિક સંપત્તિ અને ભૂમિ-ઉપયોગ વિશેના નકશા ચોકસાઈથી મેળવવાની આવડત વિકસાવવાના કામમાં લાગી હતી. ભારતના પ્રથમ બે પ્રાયોગિક દૂર-સંવેદન ઉપગ્રહ ભાસ્કર-1 અને 2નાં દૂર-સંવેદક યંત્રો અને ઉપકરણોની રચના આ કેન્દ્રમાં કરવામાં આવી હતી તેમજ તેનાં ભૂમિચિત્રોનું અર્થઘટન અને તેનો ભારતનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં ઉપયોગ થઈ શકે તે માટેની કાર્યવાહીની રચના આ કેન્દ્રમાં જ કરવામાં આવી હતી. આ સિદ્ધિઓ પછી આ કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ભારતના પ્રથમ દૂર-સંવેદન ઉપગ્રહ IRSIAનાં સંવેદક યંત્રો વિકસાવીને રચના કરી છે તેમજ તેના ઉપયોગ માટેનો કાર્યક્રમ તૈયાર કરી એના પ્રચાર અને શિક્ષણની વ્યવસ્થા સંપૂર્ણપણે કરી છે.

હવામાન અને વાતાવરણના અભ્યાસ માટે અમેરિકાના ‘નોઆ’ (NOAA) નૅશનલ ઓશનૉગ્રાફિક અને ઍટમોસ્ફેરિક એડ્મિનિસ્ટ્રેશન ઉપગ્રહથી ઉપલબ્ધ થતી માહિતીના ઉપયોગ માટે પણ પાયાનું કામ અંતરીક્ષ ઉપયોગ કેન્દ્રમાં થયું છે. તે ઉપરાંત, ભારતીય ઉપગ્રહોમાં ઉપયોગમાં લેવા માટેના વાતાવરણ તથા સમુદ્રની સપાટીના તાપમાનના અભ્યાસ માટે ઉપયોગી અધોરક્ત (thermal infrared) વીજચુંબકીય વર્ણપટના ગાળામાં કાર્ય કરતાં સંવેદક યંત્રો (sensors) તથા સૂક્ષ્મ તરંગલંબાઈ (microwaves) વીજચુંબકીય વર્ણપટના ગાળામાં કાર્ય કરતાં સંવેદક યંત્રો (sensors) તથા તેના ઉપયોગ માટેની કળા આ કેન્દ્રમાં વિકસાવવામાં આવી છે.

ભૂ-માપનના ઉપયોગમાં લેવાતું યંત્ર ‘georeceiver’ તેમજ તેના ઉપયોગની કળા પણ આ કેન્દ્રમાં વિકસાવવામાં આવી છે.

હાલ આ કેન્દ્ર ત્રણ મુખ્ય વિભાગમાં વહેંચાયેલું છે : ઉપગ્રહ સંદેશાવ્યવહાર વિભાગ, દૂર-સંવેદન વિભાગ અને ઇજનેરી યા તકનીકી આધાર વિભાગ. તે ઉપરાંત, સૂક્ષ્મ તરંગ દૂર-સંવેદન(microwave remote sensing)ના વિકાસ માટેની યોજનાનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રગતિલક્ષી દૂરદર્શન કાર્યક્રમો તથા શૈક્ષણિક કાર્યક્રમોનાં સંશોધન તથા તેની કેળવણી માટેનું કાર્ય આગળ ધપાવવા માટે આ કેન્દ્ર સાથે સંકળાયેલા દેસુ એકમ(Development Education and Communication Unit – DECU)ની સ્થાપના કરવામાં આવી છે.

પ્રફુલ્લ દ. ભાવસાર