અંતરા (જ. 525; અ. 615) : આરબ કવિ. નામ અંતરા. અટક અબૂ અલ્ મુગલ્લસ. તેની મા હબસી ગુલામ અને પિતા કબીલા અબસનો સરદાર શદ્દાદ હતો. અંતરા કાળા રંગનો હોવાથી કબીલાના લોકો અને તેનો પિતા તેને તુચ્છ ગણતા; પરંતુ ‘દાહિસ’ની લડાઈ(ઈ. સ. 568-608)માં તલવાર અને વીરતાનું પ્રદર્શન કરવાથી અને તેનાં શૌર્યપૂર્ણ કાવ્યોની ખ્યાતિ ફેલાતાં તેને કબીલા અબસનો સરદાર નીમવામાં આવ્યો અને સમગ્ર અરબ પ્રદેશનો લોકપ્રિય કવિ થઈ ગયો. તેના એક કસીદા કાવ્યને સોનાના પાણી વડે લખી મક્કાના પવિત્ર કાબા પર લટકાવવામાં આવેલું, તેથી અંતરા અરબસ્તાનના સાત સર્વોત્તમ કવિઓમાં ગણાયો છે. અંતરા પોતાના કાકાની પુત્રી અબલાને પ્રેમ કરતો હતો. સમય પસાર થતાં અંતરા-અબલાની પ્રેમવાર્તા વિવિધ સુંદર સ્વરૂપોમાં અરબી સાહિત્યની શોભા બની હતી.

Statue of Antarah ibn Shaddad

અંતરાની પ્રતિમા

સૌ. "Statue of Antarah ibn Shaddad" | CC BY-SA 3.0

મહેમૂદહુસેન મોહંમદહુસેન શેખ