અંગોલા : આ દેશ ધ રિપબ્લિક ઓફ અંગોલા તરીકે ઓળખાય છે. આફ્રિકાની નૈર્ઋત્યે દરિયાકિનારે આવેલો દેશ. કુલ વિસ્તાર 12,46,699 ચોકિમી. વસ્તી આશરે 3,18,00,૦૦૦ (2019), જે 1996 સુધીમાં આશરે 1,18,6૦,૦૦૦ થવાની શક્યતા હતી. તેની ઈશાને ઝાયર, દક્ષિણ-પૂર્વમાં ઝાંબિયા અને દક્ષિણ તરફ દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા/નામીબિયા છે. આટલાંટિક સમુદ્ર તેની સમગ્ર પશ્ચિમ સરહદને સ્પર્શે છે. પાટનગર લુઆંડા દેશનું સૌથી મોટું શહેર છે. તેના ચલણનું નામ ક્વાંઝા (Kwanza) છે.
અંગોલાનો ઇતિહાસ અતિપ્રાચીન છે, પરંતુ તેને વિશે અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી. તેના મૂળ રહેવાસીઓ ખોઇસાન બોલી બોલનારા શિકારીઓ અને વણજારાઓ હતા એવી માન્યતા છે. 1483માં પૉર્ટુગીઝ પ્રવાસી સંશોધકો ત્યાં પહોંચ્યા, પૉર્ટુગીઝ લોકો ગુલામોના વ્યાપારમાં સંડોવાયેલા હોવાથી સ્થાનિક પ્રજામાં તેમના પ્રત્યે રોષની લાગણી પેદા થયેલી. સત્તરમી સદીની શરૂઆતનાં વર્ષો સુધી ગુલામોના વ્યાપારમાં એટલી બધી તેજી આવી કે એકલા લુઆંડાથી દર વર્ષે સરેરાશ 5,૦૦૦થી 1૦,૦૦૦ જેટલા ગુલામોની નિકાસ થતી હતી.
1926 સુધી અંગોલાની બધી બાજુની સરહદો અધિકૃત રીતે નિર્ધારિત થઈ ન હતી, પરંતુ તે વર્ષે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા સાથેના સરહદ અંગેના વિવાદનો અંત આવ્યો. તે પહેલાં ઓગણીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન બાકીની સરહદો નિર્ધારિત થઈ હતી.
અંગોલા પર પૉર્ટુગીઝ શાસન દાખલ થયું ત્યારથી દેશની સાધનસંપત્તિનો ઉપયોગ સ્થાનિક પ્રજાના કલ્યાણ માટે થવાને બદલે પૉર્ટુગલના લાભાર્થે થવા લાગ્યો. એક તરફ સ્થાનિક પ્રજા માટેની આર્થિક તકો નહિવત્ થઈ તો બીજી તરફ છેક વીસમી સદી સુધી વેઠની પ્રથા ચાલુ રહી. પૉર્ટુગલની શોષણનીતિ સામે સ્થાનિક પ્રજામાં સશસ્ત્ર પ્રતિરોધ જાગ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી દેશની સ્વતંત્રતાની ચળવળ વધુ ઉગ્ર બની, જેને પરિણામે 1975માં છેવટે પૉર્ટુગલે અંગોલામાંથી પાછા હઠી જવું પડ્યું. ત્યારથી અંગોલામાં સ્વશાસન છે.
દેશ ચાર ભૌગોલિક (physiographic) પ્રદેશોમાં વહેંચાયેલો છે. તેના દક્ષિણ અને પૂર્વ તરફનો વિસ્તાર સૌથી મોટો છે, જે દેશના કુલ ભૂપૃષ્ઠના 6૦ ટકા જેટલો છે, અને તે 1,1૦૦થી 1,4૦૦ મીટર ઊંચાઈ પર છે. સિંચાઈની દૃષ્ટિએ અંગોલા અવિકસિત છે. લુઆન્ડાની ઉત્તર-પશ્ચિમમાં આવેલો ક્વાંઝા નદી પરનો કબામ્બે બંધ દેશની કુલ જળવિદ્યુતશક્તિમાંથી ૨ જેટલી વીજળી પૂરી પાડે છે. દેશના 4૦ ટકા જેટલા ભાગમાં જંગલો અને વનસ્થલી છે તથા માત્ર ૩ ટકા જેટલી જમીન ખેડાણલાયક છે, જે મુખ્યત્વે દક્ષિણ અને પશ્ચિમ તરફ આવેલી છે. દેશની ખોરાકની પેદાશોમાં મુખ્યત્વે મકાઈ, બટાકા જેવાં કંદમૂળ અને કઠોળ છે. ખેતી હેઠળની બાકીની જમીન પર શેરડી, કૉફી, તમાકુ અને સફેદ શણ જેવા રોકડિયા પાક લેવાય છે. અંગોલા તેનાં વન્ય પ્રાણીઓ માટે સુવિખ્યાત છે. અંગોલામાં ભરપૂર ખનિજ-તેલ તથા કુદરતી વાયુના ભંડાર છે. હીરાના ઉત્પાદન માટે પણ તે વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત, કાચું લોખંડ, મૅંગેનીઝ, તાંબું તથા કોબાલ્ટ અન્ય ખનિજ પદાર્થો છે.
અંગોલામાં વસ્તીવધારાનો વાર્ષિક દર 2.7 % ટકા (1991) છે. વસ્તીની ગીચતા દર ચોરસ કિલોમીટરે 9 જેટલી છે. અનેક સમુદાયો, જાતિઓ અને ઉપજાતિઓના બનેલા આ દેશમાં ઓવિમ્બુન્ડુ (Ovimbundu) તથા એમ્બુન્ડુ (Mbundu) સમુદાયોનું સંખ્યાત્મક બળ વધારે છે. અંગોલાની સરકારમાન્ય ભાષા પૉર્ટુગીઝ છે, છતાં ત્યાં અનેક પ્રાદેશિક ભાષાઓ પ્રચલિત છે. ત્યાં પરંપરાગત ધર્મ માનનારાઓનું પ્રાબલ્ય છે; બાકીનામાં રોમન કૅથલિક અથવા પ્રૉટેસ્ટંટ ધર્મપંથીઓ છે. 1975માં પૉર્ટુગીઝ શાસનના અંત સાથે મોટાભાગની ગોરી પ્રજા દેશવટો કરી ગયેલી; જેમાંના ત્રણ લાખ જેટલા લોકો પાછળથી અંગોલામાં પાછા ફર્યા હતા. 1975 પછી આંતરવિગ્રહ, વ્યાપક સ્થળાંતર, દુકાળ અને રોગચાળો જેવી માનવસર્જિત કે કુદરતી આપત્તિઓને લીધે લગભગ 1,5૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા.
ખનિજ તેલ તથા અન્ય ખનિજ પદાર્થોનો ભંડાર ધરાવતા અંગોલાની કાચી રાષ્ટ્રીય પેદાશ (GDP) 4 અબજ 4૦ કરોડ (1994) અમેરિકન ડૉલર તથા માથાદીઠ આવક 62૦ અમેરિકન ડૉલર (1989) હતી. અંગોલાની કુલ જમીનમાં 23 ટકા જેટલી જમીન ગોચર છે, જેના પર ઢોરઉછેર થાય છે. વિશ્વમાં મધનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા દેશોમાં અંગોલાનો ઉલ્લેખ થાય છે. દેશની કુલ જમીનમાંથી 4૦ ટકા જમીન જંગલોથી આચ્છાદિત છે. ખનિજ-તેલ ઉપરાંત હીરાનું ઉત્પાદન નોંધપાત્ર પ્રમાણમાં થાય છે. ઉત્પાદનમૂલ્યની દૃષ્ટિએ કુદરતી વાયુનો ક્રમ તે પછી આવે છે. અંગોલામાં કોબાલ્ટ, ક્રોમિયમ, મૅંગેનીઝ અને યુરેનિયમ જેવા ત્રીસ જેટલા ખનિજ-પદાર્થોનો નોંધપાત્ર જથ્થો છે. દેશમાં થતા કુલ વિદ્યુતશક્તિ પુરવઠામાં 27 ટકા (198૦) જેટલો પુરવઠો જળવિદ્યુતશક્તિ દ્વારા અને બાકીનો થર્મલ પ્લાન્ટ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. ઔદ્યોગિક ચીજવસ્તુઓના ઉત્પાદનની બાબતમાં શુદ્ધ ખનિજ-તેલની બનાવટો, સિમેન્ટ, લોખંડ અને પોલાદ, ખાંડ, પામ-ઑઇલ, પ્લાયવુડ, રેડિયો, બિયર (દારૂ), સિગારેટ તથા સુતરાઉ કાપડ મુખ્ય છે.
અંગોલાએ ઝડપી આર્થિક વિકાસ માટે કેન્દ્રસ્થ આયોજનપદ્ધતિ (centralised planning) સ્વીકારી છે. બધા ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવા જતાં ઊભી થયેલી સમસ્યાઓમાંથી બોધપાઠ લઈને 1975-76માં કેટલાક ઉદ્યોગો ફરી ખાનગી હસ્તક સોંપવામાં આવ્યા છે; જોકે કુલ ઉદ્યોગોમાંથી 8૦ ટકા ઉદ્યોગો હજુ રાજ્યહસ્તક છે. વિદેશી મૂડીરોકાણને અંકુશિત પ્રોત્સાહન આપવાની નીતિ અખત્યાર કરવામાં આવી છે. હીરા-ઉદ્યોગમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ નોંધપાત્ર છે. કૃષિક્ષેત્રે સમૂહખેતી નિષ્ફળ જતાં ફરી ખાનગી માલિકીની પ્રથા દાખલ કરવામાં આવી અને ખેડૂત સહકારી સંગઠનો રચવામાં આવ્યાં છે. વસ્તીના 57 ટકા કૃષિક્ષેત્રમાંથી આજીવિકા મેળવે છે. દેશમાં બે મજૂરસંગઠનો છે, જેના પર રાજ્યનું નિયંત્રણ છે. સામૂહિક સોદાશક્તિનો અધિકાર (collective bargaining) કાયદામાન્ય છે, પણ બિનઅનામત હડતાલો ગેરકાયદેસર ગણાય છે. સતત ચાલતા સશસ્ત્ર સંઘર્ષોની આર્થિક વિકાસ પર વિપરીત અસર થઈ છે. દેશમાં 1,982 કિમી. લાંબી રેલ છે તથા 85,875 કિમી.ના પાકા રસ્તા છે. દેશમાં એક જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અને ત્રણ મુખ્ય બંદરો છે. અંગોલાની નિકાસોમાં મુખ્યત્વે કાચું તેલ, શુદ્ધ ખનિજ-તેલની બનાવટો, કૉફી, હીરા, કેતકીનાં પાનના રેસા (sisal) તથા સિમેન્ટ તેમજ આયાતોમાં યંત્રો અને ઉત્પાદનનાં સાધનો, ખાદ્ય પદાર્થો, કાચો માલ, સુતરાઉ કાપડ, પગરખાં અને ઓજારો છે.
દેશનાં પ્રસારમાધ્યમો પર રાજ્યનો સીધો અંકુશ છે. એક જ સમાચારપત્ર ‘ઓ જર્નલ દ અંગોલા’ છે. મોટાભાગના લોકો ભીંતપત્રો વાંચીને દેશવિદેશના સમાચાર મેળવે છે.
વ્યાપક અપોષણ, સ્વાસ્થ્યશિક્ષણનો અભાવ, શહેરો અને ગ્રામવિસ્તારોમાં રોગોનો વ્યાપક ફેલાવો તથા બાળમૃત્યુનું ઊંચું પ્રમાણ હોવાથી સરેરાશ આયુષ્યમર્યાદા પુરુષોમાં 4૦ અને સ્ત્રીઓમાં 43 વર્ષની છે.
અંગોલામાં મફત શિક્ષણ તથા ફરજિયાત પ્રાથમિક શિક્ષણની નીતિ અમલમાં છે. નિરક્ષરતાનાબૂદી ઝુંબેશમાં દેશનો મુખ્ય રાજકીય પક્ષ પૉપ્યુલર લિબરેશન મૂવમેન્ટ ઑવ્ અંગોલા (PLMA) સક્રિય છે. માકર્સવાદી વિચારસરણીમાં વિશ્વાસ ધરાવતા આ પક્ષનું દેશના રાજ્યતંત્ર પર નિયંત્રણ છે. આ પક્ષના પ્રમુખ એ જ દેશના પ્રમુખ બને છે. દેશ માટે કાયદા ઘડવાની સત્તા લોકોનું પ્રતિનિધિત્વ ધરાવતી ધારાસભા (People’s Assembly) ધરાવે છે.
અંગોલા સંયુક્ત રાષ્ટ્ર (UNO) તથા અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું સભ્ય છે. ઉપરાંત, આફ્રિકન એકતા સંગઠન (OAU) તથા બિનજોડાણવાદી ચળવળને સક્રિય સમર્થન આપે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે