અંગવિજ્જા (ઈ. સ. ચોથી સદી) : અંગવિદ્યાને લગતો જૈન આચાર્યો દ્વારા પ્રણીત, પ્રાકૃતનો એક મહત્વપૂર્ણ ગ્રંથ. તેમાંથી મનુષ્યની વિવિધ ચેષ્ટાઓના નિરીક્ષણ દ્વારા તેના ભવિષ્યનું જ્ઞાન મળી શકે છે. બૌદ્ધોના ‘દીઘનિકાય’ પછી ‘બ્રહ્મજાલસુત્ત’(1, પૃષ્ઠ 1૦)માં તથા કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ (1.11.17) અને ‘મનુસ્મૃતિ’(6.5૦)માં અંગવિદ્યાનો ઉલ્લેખ છે. વરાહમિહિરકૃત ‘બૃહત્સંહિતા’(51)માં આનું 88 શ્લોકોમાં વિવેચન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ શ્લોક ‘અંગવિજ્જા’ના પ્રથમ પરિશિષ્ટ(પૃષ્ઠ 272-280)માં સંપાદકીય ટિપ્પણી સાથે આપેલા છે. ‘સ્થાનાંગ’ (8.608) અને ‘ઉત્તરાધ્યયન’ (1507 વિ.) વગેરે આગમગ્રંથોમાં અંગવિદ્યાની ગણતરી અષ્ટાંગ મહાનિમિત્તોમાં કરીને જૈન સાધુ માટે તેનો ઉપયોગ વર્જિત મનાયો છે. જિનપ્રભસૂરિ(ઈ. સ. 1306)રચિત વિધિમાર્ગપ્રપામાં અંગવિદ્યાની સાધનવિધિ બતાવવામાં આવી છે. આ ગ્રંથમાં 6૦ અધ્યાય છે, જેમાં જય-પરાજય, સુખ-દુ:ખ, જીવન-મરણ વગેરેની સાથે દેવી, દેવતા, સ્થાપત્ય, રાજકર્મચારી, પ્રાચીન નગરીઓ, ધન-ધાન્ય, વસ્ત્ર-આભૂષણ, વાહન, લૌકિક દેવતા, સિક્કા વગેરેની મહત્વપૂર્ણ સૂચિ આપવામાં આવી છે, જે અન્યત્ર દુર્લભ છે. ‘અંગવિજ્જા’નો સમય ઈ. સ.ની ચોથી શતાબ્દી માનવામાં આવે છે. જોકે તેમાં આલેખાયેલી સામગ્રી પ્રાચીન છે. ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે અને કેટલાય પ્રયોગો આર્ષ છે, જે વ્યાકરણના નિયમોથી સિદ્ધ થતા નથી.
જગદીશચંદ્ર જૈન