હ્યૂસ્ટન કંટ્રોલ સ્ટેશન હ્યૂસ્ટન (અમેરિકા)

February, 2009

હ્યૂસ્ટન કંટ્રોલ સ્ટેશન, હ્યૂસ્ટન (અમેરિકા) (જ્હૉનસન સ્પેસ સેન્ટર, હ્યૂસ્ટન) : ‘નાસા’(NASA) (અમેરિકા)ના સ-માનવ અંતરીક્ષયાનોનું મુખ્ય નિયંત્રણ-કેન્દ્ર. કેપ કેનાવરલ ખાતેથી સ-માનવ અંતરીક્ષયાનનું પ્રક્ષેપણ થયા પછી દસ સેકંડ બાદ તેનું સમગ્ર નિયંત્રણ હ્યુસ્ટન-(ટેક્સાસ)થી 32 કિમી. દૂર અગ્નિ દિશામાં આવેલા ‘જ્હૉનસન સ્પેસ સેન્ટર’ (પહેલાંના ‘સ-માનવ અંતરીક્ષ કેન્દ્ર’) ખાતે તબદીલ કરવામાં આવે છે.

નાસાનું કંટ્રોલ સ્ટેશન, હ્યૂસ્ટન

 1961 સુધી આ સ્થળ અવિકસિત ગોચર જમીન હતું; પરંતુ ‘નાસા’નાં સ-માનવ અંતરીક્ષ ઉડ્ડયનોની શરૂઆત થયા પછી ફક્ત ત્રણ વર્ષમાં આ એક અત્યંત આધુનિક વૈજ્ઞાનિક કેન્દ્ર બની ગયું હતું. તેનું મુખ્ય સ્થાન ‘મિશન કંટ્રોલ સેન્ટર’ છે, જે અમેરિકાના સ-માનવ અંતરીક્ષયાન જેમિની-4(જૂન 1965)થી શરૂ કરીને સ-માનવ અંતરીક્ષ ઉડ્ડયનોના મુખ્ય નિયંત્રણ કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. અહીંની વિવિધ યંત્ર-સામગ્રીની મદદથી ફક્ત અમુક બટન દબાવીને સ-માનવ અંતરીક્ષ ઉડ્ડયનોનાં બધાં કાર્યોની સમયપત્રક પ્રમાણે ચકાસણી થાય છે. આ માટે અહીં સંખ્યાબંધ રેડિયો-રિસીવર, ટેલિવિઝન સેટ, કમ્પ્યૂટર્સ અને ટેલિવિઝિન કૅમેરાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત, આ કેન્દ્રમાં સ-માનવ અંતરીક્ષયાનોની રચના, વિકાસ અને પરીક્ષણ તથા અંતરીક્ષયાત્રીઓની પસંદગી તથા તાલીમ અંગેનાં બધાં કાર્યો થાય છે. (જુઓ અધિકરણ  ‘નાસા’ : વિશ્વકોશ ગ્રંથ 10, પૃ. 134)

પરંતપ પાઠક