હોબાર્ટ : ઑસ્ટ્રેલિયાના તસ્માનિયાનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 42° 53´ દ. અ. અને 147° 19´ પૂ. રે.. તે તસ્માનિયાના અગ્નિભાગમાં ડરવેન્ટ નદી પર આવેલું છે. શહેરી વિભાગનું ક્ષેત્રફળ 78 ચોકિમી. જેટલું છે. બૃહદ્ હોબાર્ટમાં ગ્લેનોર્કી શહેર તથા નજીકના ક્લેરન્સ, કિંગબરો, બ્રાઇટન, સોરેલ અને ન્યૂ નોફૉર્ક જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. મૅલબૉર્નથી તેનું અંતર દરિયાઈ માર્ગે 735 કિમી. અને હવાઈ માર્ગે આશરે 1 કલાક 30 મિનિટની સફર જેટલું થાય છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 660 મિમી. તથા જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 21° સે. અને 11° સે. જેટલાં રહે છે.

માઉન્ટ વેલિંગ્ટનની તળેટીમાં આવેલું હોબાર્ટ

હોબાર્ટ એ પાટનગર હોવા ઉપરાંત શહેર અને સ્ટૉર્મના અખાતના મથાળે આવેલું બંદર પણ છે. અહીં પ્રવાસીઓની ઘણી અવરજવર રહે છે. સિડની-હોબાર્ટ(1100 કિમી.)ની તથા પશ્ચિમ કિનારા તરફની મૅલબૉર્ન-હોબાર્ટ નૌકાસ્પર્ધાઓ દર વર્ષે 26મી ડિસેમ્બરે શરૂ થાય છે, તે અહીંના લોકોમાં ખૂબ જ ઉત્તેજના જગાવે છે.

શહેરનો મધ્યભાગ ધંધા-વેપારથી ખૂબ જ વ્યસ્ત રહે છે, અહીં ઘણી દુકાનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને ગગનચુંબી ઇમારતો આવેલી છે. ઔદ્યોગિક વિસ્તાર આ વેપારી વિભાગથી દૂર આવેલો છે. ભારે ઉદ્યોગો મુનાહ અને ગ્લેનોર્કીની આજુબાજુ કેન્દ્રિત થયેલા છે. નવા નિવાસી પરામાં રિઝ્ડન વૅલ, વૉરેન, ચિંગ વૅલ, સ્પ્રિંગફીલ્ડ ગાર્ડન્સ તથા જૂનાં પરામાં ન્યૂટાઉન, લિનાહ વૅલી, સૅન્ડી બે અને તરુનાનો સમાવેશ થાય છે. શહેરી મધ્યભાગથી આશરે 20 કિમી. દૂર બ્રિજવૉટર, હર્ડ્ઝમૅન્સ કોવ અને ગૅગબ્રુકથી બનેલો નિવાસી વિસ્તાર ઝડપથી વિકસતો જાય છે.

હોબાર્ટની આજુબાજુ ઐતિહાસિક મહત્વ ધરાવતાં સ્થળો પણ આવેલાં છે. ‘સાલામૅન્કા પ્લેસ’ ખાતેનાં રેતીખડકોમાંથી બાંધેલાં ગોદામો અને કોઠારો હવે પ્રવાસી દુકાનો–રેસ્ટોરાંમાં ફેરવાયાં છે. બૅટરી પૉઇન્ટ (બંદર માટે બાંધેલું જૂનું રક્ષણ-મથક) તથા 1847 અને 1852 વચ્ચેના ગાળામાં બાંધેલી સંખ્યાબંધ જ્યૉર્જિયન કુટિરો હવે ખાનગી આવાસો તરીકે વપરાય છે. જૂનાં સરસ ઘરો સાથેના બૅટરી પૉઇન્ટના સ્થળે તેનું ઐતિહાસિક મહત્વ જાળવી રાખ્યું છે.

હોબાર્ટમાં કેટલાંક જોવાલાયક સ્થાપત્યો પણ છે. જેના બાંધકામનું આયોજન સંસ્થાના સ્થપતિ જ્હૉન લી આર્ચરે કરેલું તે વિક્ટોરિયન થિયેટર રૉયલ (1834) અને ઓલ્ડ ટ્રિનિટી ચર્ચ, લેડી ફ્રેન્કલીન મ્યુઝિયમ (1843), સેન્ટ જ્યૉર્જ ચર્ચ, તથા 1870માં બંધાયેલા તરુનાનું શૉટ ટાવર અહીંનાં અગત્યનાં સ્થાપત્યો છે. 1973માં ખુલ્લું મુકાયેલું Casino Wrest Point ખાતે આવેલું ઑસ્ટ્રેલિયાનું કાયદેસરનું જુગારખાનું અહીંની ખૂબ જ જાણીતી બનેલી અર્વાચીન ઇમારત છે.

અર્થતંત્ર : હોબાર્ટના ઘણાખરા લોકો અહીંના ઊંડા જળના બંદર ખાતે મોટા પાયા પર થતી માલની હેરફેરમાં; સેવાઉદ્યોગોમાં તથા સરકારી ખાતાઓમાં કામ કરે છે. 1824થી બિયર બનાવતો પીણાઉદ્યોગ જાણીતો બનેલો છે. ઑસ્ટ્રેલિયાના આશરે 65 % જસતનું શુદ્ધીકરણ કરતી એક કંપની રિઝ્ડન ખાતે આવેલી છે. અર્ધા ઑસ્ટ્રેલિયાને કાગળ પૂરો પાડતી ન્યૂઝપ્રિન્ટ મિલો બોયર ખાતે છે. ક્લૅરમૉન્ટ ખાતે ઑસ્ટ્રેલિયાની મોટામાં મોટી કોકો તથા મીઠાઈ બનાવતી કંપની આવેલી છે.

હોબાર્ટ એ તસ્માનિયાના સડકમાર્ગો, રેલમાર્ગો, હવાઈમાર્ગો અને જળમાર્ગોનું મુખ્ય કેન્દ્રીય મથક છે. શહેરની બધા જ પ્રકારની જાહેર વ્યવસ્થા અને સુવિધાઓનો વહીવટ મૅટ્રોપોલિટન ટ્રાન્સપૉર્ટ ટ્રસ્ટ (MTT) કરે છે. શહેરથી 18 કિમી.ના અંતરે પૂર્વ તરફ લૅનહર્ન હવાઈમથક આવેલું છે.

લોકો : 2004 મુજબ હોબાર્ટ શહેરની અને મહાનગરની વસ્તી 2,02,100 જેટલી છે. અહીં વસતા મોટા ભાગના લોકો મૂળ બ્રિટિશ વંશના છે. બીજું વિશ્વયુદ્ધ (1939–1945) પૂરું થયા પછી અહીં ઠીક ઠીક સંખ્યામાં ડચ, ગ્રીક, ઇટાલિયન અને પોલિશ લોકો શહેરમાં અને આજુબાજુમાં આવીને વસ્યા છે.

શહેરની મોટા ભાગની શાળાઓ સરકાર હસ્તક છે. અહીંની હચિન્સ શાળા 1846માં સ્થપાયેલી જૂનામાં જૂની શાળા છે. તસ્માનિયા યુનિવર્સિટી(1890)માં 6000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શહેરમાં ટૅકનિકલ કૉલેજ તેમજ સ્ટેટ લાઇબ્રેરી આવેલી છે.

આ શહેરને તેનો પાણીપુરવઠો ફેન્ટોન અને માઉન્ટ વેલિંગ્ટનમાંથી મળે છે. મૅટ્રોપોલિટન વૉટર બૉર્ડ તેનો વહીવટ કરે છે. બ્રાયન, એસ્તિન અને ન્યૂ નોફૉર્ક ખાતે જળશુદ્ધિના એકમો છે. ડરવેન્ટ નદીમાંથી પાણી ખેંચીને પૂર્વના પરાને પૂરું પડાય છે.

માઉન્ટ વેલિંગ્ટન અને ડરવેન્ટ નદી

વહીવટ : હોબાર્ટનો વહીવટ દર ચાર વર્ષના સત્ર માટે ચૂંટાતા 12 સભ્યોની બનેલી શહેરી કાઉન્સિલ દ્વારા ચાલે છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી દર બે વર્ષ માટે થાય છે. બૃહદ્ હોબાર્ટમાં આવેલા ગ્લેનોર્કી શહેરનો વહીવટ પણ આ જ રીતે ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર અને શહેરી કાઉન્સિલ દ્વારા જ થાય છે.

ઇતિહાસ : તસ્માનિયામાં યુરોપિયનો સર્વપ્રથમ 1642માં આવેલા. અહીં સર્વપ્રથમ બ્રિટિશ વસાહત રિઝ્ડન કોવ ખાતે 1803માં સ્થપાયેલી. 1804ના ફેબ્રુઆરીમાં, લેફ્ટેનન્ટ ગવર્નર ડૅવિડ કૉલિન્સે રિઝ્ડન કોવ ખાતેની વસાહત છોડી દીધી. તેમણે સૈનિકોનાં જૂથ, ગુનેગારો, મુક્ત વસાહતીઓ સાથે સુલિવાન કોવ ખાતે નવી વસાહત સ્થાપી. ત્યારે આ વસાહત ખાતે 226 પુરુષો, 15 સ્ત્રીઓ અને 21 બાળકો હતાં. શહેરનું નામ સંસ્થાનો માટેના બ્રિટિશ સેક્રેટરી લૉર્ડ હોબાર્ટ પરથી પાડેલું છે. લેફ્ટેનન્ટ ગવર્નર જ્યૉર્જ આર્થર અહીં 1824માં આવ્યા પછી આ શહેરનો ઝડપથી વિકાસ થયો. સ્થાનિક ઉદ્યોગો વિકસ્યા. 1842માં હોબાર્ટ શહેર બન્યું. છેલ્લી ગુનેગાર-ટુકડી 1853માં અહીં આવેલી. 1856માં તસ્માનિયાની ધારાસભા તથા ધારાસમિતિનાં ગૃહો પણ હોબાર્ટ ખાતે હતાં.

બહારના વસાહતીઓ અહીં રહેવા આવ્યા ત્યારે અહીંના આદિવાસીઓ અને બહારવટિયાઓએ તેમની સાથે સંઘર્ષો કરેલા. આ આદિવાસીઓ પૈકીનો એક ટ્રુગેનીની 1876માં હોબાર્ટ ખાતે મૃત્યુ પામ્યો. 1914–1918ના પ્રથમ વિશ્વયુદ્ધ બાદ આ શહેર ઘણું વિકસ્યું. 1964માં તસ્માનબ્રિજ ખુલ્લો મુકાયો. 1967ના ફેબ્રુઆરીની 7મી તારીખે (મંગળવારે) બુશફાયર્સ (જૂથ નામ) લોકોએ આ શહેર પર હુમલો કરેલો. તે દિવસ Black Tuesday તરીકે ઓળખાય છે. ત્યારે આગથી 62 લોકો મરણ પામ્યા અને 1400 મકાનો નાશ પામ્યાં. તે તસ્માનિયા યુનિવર્સિટીનું મથક છે. ત્યાં કાપડ, કાગળ, રસાયણો, કાચ, જસત, ફુડ પ્રોસેસિંગના ઉદ્યોગો વિકસ્યા છે. 1836માં સ્થપાયેલ હોબાર્ટ થિયેટર રૉયલ ઑસ્ટ્રેલિયાનું સૌથી જૂનું મહત્વનું થિયેટર છે.

ગિરીશભાઈ પંડ્યા