હોનોલુલુ : ઉત્તર પૅસિફિક મહાસાગરમાં મધ્યભાગમાં આવેલા હવાઈ ટાપુઓનું પાટનગર, મોટામાં મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 21° 19´ ઉ. અ. અને 157° 52´ પ. રે.. આ શહેરનું સત્તાવાર નામ ‘સિટી અને હોનોલુલુનો પ્રાદેશિક વિભાગ’ છે. વાસ્તવમાં તો હોનોલુલુ ઓઆહુના આખાય ટાપુને આવરી લે છે; તેમ છતાં ઓઆહુના અગ્નિ કાંઠા પરના મોટા શહેરી વિસ્તારને જ હોનોલુલુ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વસતી જાતિઓને પણ તેમનાં પોતાનાં જુદાં જુદાં નામ છે. 2000 મુજબ તેની વસ્તી 3,71,657 જેટલી છે. હોનોલુલુ એ પૅસિફિકમાં થઈને પસાર થતાં જહાજો અને વિમાનો માટેનું જંક્શન ગણાય છે. તે સાન ફ્રાન્સિસ્કોથી આશરે 3860 કિમી. અને ટોકિયોથી આશરે 6120 કિમી.ને અંતરે આવેલું છે.

હોનોલુલુનો નકશો

1794માં ઇંગ્લૅન્ડનો કૅપ્ટન વિલિયમ બ્રાઉન આજના હોનોલુલુના બારા સુધી જઈ પહોંચેલો. તેને અહીં આશ્રય અને આરામ બંને મળ્યાં; તે પછી તો અહીં આવતાં-જતાં વહાણો પણ થોભવા માંડ્યાં. આ કારણે હોનોલુલુ અગત્યનું વેપારી મથક બની રહ્યું. ‘હોનોલુલુ’ એ હવાઇયન શબ્દ છે, જેનો અર્થ ‘આશ્રયદાતા ઉપસાગર’ એવો થાય છે.

વીસમી સદીની શરૂઆતના ગાળામાં ઓઆહુ પર યુ.એસ.નાં ઘણાં લશ્કરી મથક બંધાયાં. 1941ના ડિસેમ્બરની સાતમીએ જાપાની વિમાનોએ આ ટાપુ પરના યુ.એસ. નૌકામથકને બૉંબથી ફૂંકી માર્યું હતું. યુ.એસે. તેના બીજા જ દિવસે બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. જેટ હવાઈ સફર કરતાં વિમાનો અને નીચા સ્તરે ઊડતાં વિમાનોને કારણે હોનોલુલુ જાણીતું બન્યું; એટલું જ નહિ, તે આ ટાપુદેશનું વિકસતું શહેર પણ બની રહ્યું.

લોકો : અહીંના 25 % લોકો જાપાની વંશના છે. 25 % શ્વેત લોકો છે, 16 % હવાઇયન કે અંશત: હવાઇયન છે. અન્ય નિવાસી સમૂહોમાં ચીની, કોરિયન, ફિલિપિનો, પ્યુર્ટોરિકન કે સેમોસન વંશના છે. 25 % લોકો મિશ્રવંશી છે. બાકીના અમેરિકી લશ્કરી લોકો છે.

અર્થતંત્ર : પ્રવાસન-ઉદ્યોગ અહીંની આવક માટેનો મુખ્ય સ્રોત છે. અહીં દર વર્ષે આશરે 40 લાખ પ્રવાસીઓની અવરજવર રહે છે. વિશેષે કરીને અહીંનાં સુંદર કુદરતી દૃશ્યો, વાઈકીકી કંઠાર રેતપટ, મનોરંજન-સ્થળો તથા ખુશનુમા આબોહવાનો લાભ લેવા-માણવા તેમજ રજાઓ ગાળવા લોકો આવે છે. પ્રવાસીઓને કારણે અહીં વાહનવ્યવહાર વધી ગયો છે, વસ્તી પણ વધી છે. બીજો આવકસ્રોત લશ્કરી પ્રવૃત્તિના કારણે છે. આ શહેર પૅસિફિક વિસ્તારમાં યુ.એસ.નું લશ્કરી પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહેલું છે. ભૂમિદળ, હવાઈ દળ તેમજ નૌકાદળનાં મથકો માટે ઓઆહુ સેવા આપે છે. યુ.એસ. સરકાર લશ્કરી અફસરોને તથા અન્ય કર્મચારીઓને તેમજ શ્રમિકોને પગાર ચૂકવે છે, તેમાંથી પણ આવક મળી રહે છે.

હોનોલુલુમાં આશરે 500 જેટલી ઉત્પાદકીય કંપનીઓ આવેલી છે. અહીંનો મુખ્ય ઉદ્યોગ ખાદ્યપ્રક્રમણ છે, આ કંપનીઓ હવાઈની કૃષિપેદાશો, પાઇનેપલ અને શેરડીનો ઉપયોગ કરે છે. અન્ય એકમોમાં સિમેન્ટ, કપડાં, રાચરચીલું, કાચની પેદાશો, તેલપેદાશો, પ્લાસ્ટિક અને લાકડાં મુખ્ય છે.

હોનોલુલુ બારાના બાહ્ય વિભાગનું વિહંગદૃશ્ય

ઇતિહાસ : 19મી સદી દરમિયાન, હોનોલુલુ સુખડનાં લાકડાંના મથક તરીકે તથા પૅસિફિક વિસ્તારના વહેલ-મથક તરીકે પ્રસિદ્ધિ પામેલું. 20મી સદીના અંતિમ ચરણ દરમિયાન, અહીંના ખેડૂતોએ પાઇનેપલ અને શેરડીનું ઉત્પાદન મોટા પાયા પર વધારી મૂક્યું. આ કારણે ચીન, જાપાન અને અન્ય દેશોમાંથી ઘણા શ્રમિકો આવેલા; બીજા ઘણા, ખાદ્ય પેદાશોનાં કારખાનાંઓમાં કામ કરવા માટે પણ આવેલા.

1845માં હોનોલુલુ હવાઈનું કાયમી પાટનગર બન્યું. 1900માં તે યુ.એસ.નો પ્રાદેશિક ભાગ બન્યું. પછી પણ પાટનગર તરીકે તે રહ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા