હૉસ્પેટ (Hospet Hosapete)

February, 2009

હૉસ્પેટ (Hospet, Hosapete) : ઉત્તર કર્ણાટકના બેલારી જિલ્લામાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : તે 15° 27´ ઉ. અ. અને 76° 04´ પૂ. રે. પર આશરે 480 મીટરની ઊંચાઈ પર તુંગભદ્રા નદી પર વસેલું છે. તેનો વિસ્તાર 51 ચોકિમી. જેટલો છે. આ નદી પર વીસમી સદીમાં તુંગભદ્રા બંધ બાંધવામાં આવેલો છે. અહીંથી 12 કિમી.ને અંતરે મધ્યકાલીન યુગમાં જાણીતા બનેલા વિજયનગર સામ્રાજ્યની રાજધાની વિજયનગર શહેરનાં આજે હમ્પી નામથી ઓળખાતાં ખંડિયેરો આવેલાં છે. ગોવા અને પશ્ચિમ કાંઠા પરથી પર્યટકો આ ખંડિયેરો જોવા આવે છે. હૉસ્પેટ એ હમ્પી માટેનું પ્રવેશદ્ધાર છે.

આજે હૉસ્પેટની આજુબાજુનો વિસ્તાર લોહ-અયસ્કના ખાણકાર્ય માટે દક્ષિણ ભારતમાં જાણીતો બનેલો છે; ખાસ કરીને ચીનમાં તેમજ અન્યત્ર આ લોહ-અયસ્કની નિકાસ થાય છે. અહીં ખાણકાર્ય એટલું બધું વિસ્તર્યું છે કે હમ્પીનાં ખંડિયેરો તેમજ તુંગભદ્રા બંધ આ વિકાસને કારણે ભયમાં મુકાયાં છે.

તુંગભદ્રા બંધ, હૉસ્પેટ

હૉસ્પેટ બે બાબતો માટે જગપ્રસિદ્ધ બન્યું છે. એક તો હમ્પીનાં ખંડિયેરો જોવા માટે ઘણા પર્યટકોની અવરજવર થતી રહે છે; બીજું લોહ-અયસ્કની ખાણોને કારણે અહીંના પટ્ટામાં લોહ-પોલાદ ઉદ્યોગો વિકસ્યા છે, તેથી હૉસ્પેટને ‘પોલાદના શહેર’ (Steel City) તરીકે નવાજવામાં આવે છે.

હૉસ્પેટ બ્રૉડ ગેજ રેલવે દ્વારા પશ્ચિમ તરફ હુબલી સાથે અને પૂર્વ તરફ ગુંટકલ સાથે જોડાયેલું છે; જૂના વખતમાં ચાલતી મીટર ગેજ રેલવે હવે કાઢી નાંખવામાં આવી છે.

2001ની વસ્તીગણતરી મુજબ હૉસ્પેટની વસ્તી 1,63,284 જેટલી છે. તે પૈકી પુરુષોની ટકાવારી 51 % જ્યારે સ્ત્રીઓની ટકાવારી 49 % જેટલી છે. વસ્તીના 65 % લોકો શિક્ષિત છે.

નીતિન કોઠારી