હૉફ જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff Jacobus Hennicus Van’t)

February, 2009

હૉફ, જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff, Jacobus Hennicus Van’t) (જ. 30 ઑગસ્ટ 1852, રોટરડેમ, નેધરલૅન્ડ્ઝ; અ. 2 માર્ચ 1911, બર્લિન, જર્મની) : ત્રિવિમરસાયણ(stereochemistry)ના સ્થાપક અને 1901ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારવિજેતા. 17 વર્ષની વયે તેમણે માતા-પિતા આગળ પોતે રસાયણવિદ બનવા માગે છે તેવો વિચાર રજૂ કરેલો. આનો સાનુકૂળ પ્રત્યુત્તર ન મળવા છતાં પોતે ડેલ્ફ પૉલિટૅકનિકમાં દાખલ થયા અને ત્રણ વર્ષનો અભ્યાસક્રમ બે વર્ષમાં પૂરો કરી ડિપ્લોમા મેળવ્યો. તે પછી તેમણે લૅડન(Leidon)માં અને ત્યારબાદ થોડો સમય બોન ખાતે ઑગુસ્ત કેકુલેના હાથ નીચે કામ કર્યું. ત્યાંથી તેઓ ચાર્લ્સ એડૉલ્ફ-વુર્ટ્ઝની પૅરિસ લૅબોરેટરીમાં કામ કરવા આવ્યા, જ્યાં તેઓની મુલાકાત જૉસેફ-એકિલે લ બેલ સાથે થઈ. 1874માં વાન્ટ હૉફ અને લ બેલે એકબીજાથી સ્વતંત્ર રીતે એવો ખ્યાલ રજૂ કર્યો જે કાર્બનિક સંયોજનોની ત્રિપરિમાણી સંરચનાના અભ્યાસ માટે માર્ગદર્શક બની રહ્યો.

22 વર્ષની વયે તેઓ નેધરલૅન્ડ્ઝ પાછા આવ્યા અને ડૉક્ટરેટની પદવી માટે સંશોધન શરૂ કર્યું. આ દરમિયાન તેમણે એક સંશોધનલેખ પ્રકાશિત કર્યો જેના દ્વારા ત્રિવિમરસાયણ(stereochemistry)નો પાયો નંખાયો. આ અગાઉ બાયોટના કાર્યથી એ જાણીતું હતું કે ઘણાં કાર્બનિક સંયોજનો પ્રકાશિક રીતે સક્રિય હોય છે અને ધ્રુવીભૂત (polarized) પ્રકાશના તલ(plane)નું ધૂર્ણન (rotation) કરે છે. પાશ્ચરે સ્ફટિકમય પદાર્થો માટે આ ગુણ સ્ફટિકની વિસંમિતિ (dissymmetry) સાથે સાંકળી લીધેલો. કાર્બનિક પદાર્થોનાં દ્રાવણો પણ પ્રકાશક્રિયાશીલતા (photoactivity) દર્શાવતાં માલૂમ પડવાથી બધાંને તેમાં રસ પડ્યો.

અગાઉ કેકુલેએ રજૂઆત કરેલી (1867) કે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા ચાર સમૂહો અવકાશમાં તેની આસપાસ એકસમાન રીતે વિતરિત થયેલા હોઈ શકે છે (સમચતુષ્ફલકીય વિતરણ). વાન્ટ હૉફે જોયું કે જો ચારેય સમૂહો એકબીજાથી જુદા હોય તો કાર્બન પરમાણુની આસપાસ તેમની ગોઠવણી બે રીતે થઈ શકે અને અણુના આ બે પરિવર્તો (variants) અધ્યારોપિત (superimposed) થઈ ન શકે તેવા એકબીજાના આરસી-પ્રતિબિંબો (mirror images) અથવા ત્રિવિમસમાવયવી (stereo-isomers) હોય છે. તેમણે સૂચવ્યું કે એક સ્વરૂપ ધ્રુવીભૂત પ્રકાશના તલને ડાબી બાજુ જ્યારે બીજું તેને જમણી તરફ ફેરવી શકે અને આ મુદ્દા પર આણ્વિક આકારનો એક સિદ્ધાંત વિકસાવી શકાય. આ જ વિચારો લ બેલે પણ રજૂ કરેલા પણ તેમણે તે વિકસાવેલા નહિ.

જેકોબસ હેન્નિકસ વાન્ટ હૉફ

23 વર્ષની વયે વાન્ટ હૉફે શાળાના શિક્ષક બનવા માટે પ્રયત્નો કરેલો પણ દિવાસ્વપ્નદ્રષ્ટા (day dreamer) ગણી તેમને પસંદ કરવામાં આવ્યા ન હતા. છેવટે 1876માં તેમને પશુચિકિત્સા (veterinary) કૉલેજમાં જુનિયર હોદ્દો મળ્યો. બે વર્ષ બાદ 1878માં તેઓ યુનિવર્સિટી ઑવ્ ઍમસ્ટરડેમ ખાતે રસાયણશાસ્ત્ર, ખનિજવિજ્ઞાન અને ભૂસ્તરવિદ્યાના પ્રાધ્યાપક બન્યા અને 1896 સુધી ત્યાં રહ્યા. 1896માં તેઓ બર્લિનની પ્રુશિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝમાં પ્રાધ્યાપક બન્યા.

1884માં તેમણે Etudes de Dynamique Chimique (studies in chemical dynamics) નામનો લેખ પ્રકાશિત કર્યો જેમાં રાસાયણિક ગતિશાસ્ત્રના સિદ્ધાંતો, પ્રક્રિયાનો ક્રમાંક (order of a reaction) નક્કી કરવાની નવી રીત અને રાસાયણિક સંતુલનોમાં ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો સમાયેલા હતા. રાસાયણિક મમતા(chemical affinity)નો આધુનિક ખ્યાલ પણ તેમણે દાખલ કર્યો. 1886માં તેમણે મંદ દ્રાવણો અને વાયુઓની વર્તણૂક વચ્ચેનું સામ્ય દર્શાવ્યું. 1895 સુધી તેમણે સ્વાન્તે અર્હેનિયસના  વિદ્યુતવિભાજ્યોના વિયોજનના સિદ્ધાંત ઉપર કાર્ય કર્યું.

સ્ટાસફર્ડ (જર્મની) ખાતે આવેલ લવણ-નિક્ષેપો(salt deposits)ના અભ્યાસ દ્વારા જર્મનીના રાસાયણિક ઉદ્યોગને લાભ મળ્યો હતો. 1887માં તેમણે અને જર્મન રસાયણવિદ વિલ્હેમ ઑસ્વાલ્ડ (Whilhelm Ostwald) Zeitschrift Fiir Physikalische Chemie(Journal of Physical Chemistry)નો પાયો નાંખ્યો.

રાસાયણિક ગતિકતા(dynamics)ના નિયમો, રાસાયણિક સંતુલન અને દ્રાવણના પરાસરણ (osmotic) દબાણ અંગેના સંશોધન બદલ તેમને 1901ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો સૌપ્રથમ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

જ. દા. તલાટી