હૉન્ડુરાસ (Honduras) : મધ્ય અમેરિકાની સંયોગી ભૂમિમાં આવેલો નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : તે 13° 00´થી 16° 30´ ઉ. અ. અને 83° 15´થી 89° 30´ પ. રે. વચ્ચેનો 1,12,492 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનાં પૂર્વ–પશ્ચિમ અને ઉત્તર–દક્ષિણ મહત્તમ અંતર અનુક્રમે 652 કિમી. અને 386 કિમી. જેટલાં છે. હૉન્ડુરાસની ઉત્તરે કૅરિબિયન સમુદ્ર, પૂર્વ અને દક્ષિણ તરફ નિકારાગુઆ, નૈર્ઋત્ય તરફ ઉત્તર પૅસિફિક મહાસાગર તથા પશ્ચિમ તરફ અલ સાલ્વાડોર અને ગ્વાટેમાલા આવેલાં છે. મધ્યદક્ષિણ ભાગમાં આવેલું તેગુસિગૅલ્પા તેનું પાટનગર છે. આ દેશને 615 કિમી. લાંબો કૅરિબિયન કાંઠો અને 77 કિમી. લાંબો પૅસિફિક કાંઠો મળેલો છે.

હૉન્ડુરાસ ગરીબ દેશ છે, લોકોની સરેરાશ આવક ઓછી છે. વસ્તીના 50 % લોકો કામમાં રોકાયેલા છે, 25 % વસ્તી બેકાર છે. આ દેશ કેળાંના ઉત્પાદન માટે જાણીતો છે. દેશની આવકનો મુખ્ય સ્રોત કેળાં છે. મોટા ભાગના લોકો કેળાંની વાડીઓમાં કામ કરે છે. કૅરિબિયન કાંઠાની નીચાણવાળી ભૂમિમાં કેળાંનું ઉત્પાદન લેવાય છે.

હૉન્ડુરાસનો નકશો

અંતરિયાળના પહાડી ઢોળાવોમાં રહેતા લોકો ઢોરઉછેર કરે છે તથા વાલ, કૉફી અને મકાઈની ખેતી કરે છે. દેશના દક્ષિણ ભાગમાં પૅસિફિક કાંઠાની સીમા પર આવેલાં મેદાનોમાં લોકો પશુપાલન ઉપરાંત કપાસનું વાવેતર પણ કરે છે.

હૉન્ડુરાસનું પાટનગર તેગુસિગૅલ્પા 2001 મુજબ 8,19,867 જેટલી વસ્તી ધરાવતું, દેશનું મોટામાં મોટું શહેર છે. દેશની પરિવહન સુવિધા ખૂબ જ મર્યાદિત છે.

1502માં ક્રિસ્ટોફર કોલંબસ હૉન્ડુરાસ ખાતે આવેલો. આ ભૂમિને કોલંબસે કે બીજા કોઈએ હૉન્ડુરાસ નામ આપેલું; ‘હૉન્ડુરાસ’નો સ્પૅનિશ અર્થ ‘ઊંડાઈ’ થાય છે, આવી ઊંડાઈ ઉત્તર તરફના કૅરિબિયન સમુદ્રમાં હોવાથી ‘હૉન્ડુરાસ’ નામ અપાયું હશે !

ભૂપૃષ્ઠ : હૉન્ડુરાસના ભૂપૃષ્ઠને મુખ્ય ચાર પ્રાકૃતિક વિભાગોમાં વહેંચેલું છે : (1) પહાડી અંતરિયાળ, (2) ઉત્તરનો કાંઠાવિભાગ, (3) ઈશાની મેદાન અને (4) દક્ષિણનો કાંઠાવિભાગ.

(1) પહાડી અંતરિયાળ : મધ્યનો પહાડી પ્રદેશ દેશનો 60 % ભાગ આવરી લે છે. અહીંની સીરોઝ દ સેલાક હારમાળામાં આવેલું સર્વોચ્ચ શિખર 2,870 મીટર ઊંચાઈ ધરાવે છે; પરંતુ ત્યાંનો બાકીનો પહાડી ભાગ પ્રમાણમાં નીચો છે. 2,100 મીટરની ઊંચાઈથી નીચેનો ભાગ ઓક અને પાઇનનાં વૃક્ષોથી આચ્છાદિત છે. તેનાથી વધુ ઊંચાઈએ પહોળાં પાંદડાંવાળાં સદાહરિત જંગલો આવેલાં છે; જ્યાં જ્યાં વૃક્ષો કાપી નાંખવામાં આવેલાં છે ત્યાં ઝાંખરાંવાળાં પાઇન વૃક્ષો ઠીંગરાયેલી સ્થિતિમાં જોવા મળે છે.

અહીંના આ પહાડી વિભાગમાં પડોશી દેશોની જેમ કોઈ સક્રિય જ્વાળામુખી નથી, તેથી જ્વાળામુખી ભસ્મજન્ય ફળદ્રૂપ જમીનો પણ નથી; પરંતુ કેટલાક ખીણ-વિભાગોમાં વિશેષે કરીને પશ્ચિમ તેમજ મધ્ય ભાગોમાં, જમીનો ફળદ્રૂપ હોવાથી ત્યાં ખેડૂતો ખેતી કરી શકે છે.

(2) ઉત્તરનો કાંઠાવિભાગ : આ વિભાગ કેળાંના ઉત્પાદન માટે જાણીતો છે. અહીંનો નદીથાળાનો વિસ્તાર ફળદ્રૂપ છે. સાન પેદ્રો સુલા હૉન્ડુરાસનું બીજા ક્રમે આવતું મોટું શહેર છે. તે અહીંનું મુખ્ય વાણિજ્ય-મથક પણ છે. નજીકમાં આવેલું પ્યુર્ટો કૉર્ટિસ મુખ્ય બંદર છે. ઉત્તર કાંઠાના આ વિભાગમાં રેલમાર્ગ વિકસાવી શકાયો છે. તે અંતરિયાળ તરફ 105 કિમી. સુધી વિસ્તરેલો છે. આ રેલમાર્ગનો ઉપયોગ મુખ્યત્વે વાડીઓમાંથી બંદર સુધી કેળાં પહોંચાડવા માટે થાય છે. તેલા બંદર નજીક કિનારાનું મેદાન આવેલું છે. તેલાથી પૂર્વ તરફનો વિસ્તાર અવિકસિત હોવાથી ત્યાં વસ્તી પણ ઓછી છે; તે ઘાસભૂમિ, કળણ, તાડ અને પાઇનનાં વૃક્ષોથી છવાયેલો છે. જોકે અહીંની અગુસાન ખીણમાં તથા અન્ય નદીખીણોમાં થોડા પ્રમાણમાં ખેતી થાય છે.

આકૃતિ 1 : મધ્યના પહાડી વિસ્તારમાં આવેલું પાટનગર તેગુસિગૅલ્પા. સ્પૅનિશ વસાહતીઓએ બાંધેલું વર્જિન ઑવ્ સોરોઝનું ચર્ચ

(3) ઈશાની મેદાન : આ વિભાગ અલ્પવિકસિત હોઈને ઓછી વસ્તીવાળો છે. અહીં થોડાક ઇન્ડિયનો વસે છે, તેથી થોડાં નગરો અને કસબા વિકસ્યાં છે. આ વિભાગ અયનવૃત્તીય વર્ષાજંગલોથી આચ્છાદિત છે, વળી તે ગરમ, ભેજવાળો રહેતો હવાથી તેને ‘મૉસ્ક્વિટિયા’ અથવા ‘મૉસ્ક્વિટો કોસ્ટ’ કહે છે. આ વિભાગ પણ ઘાસભૂમિથી તેમજ તાડ અને પાઇનનાં વૃક્ષોથી છવાયેલો છે.

અહીંની નિકારાગુઆ સાથેની સીમા 1960 સુધી વિવાદાસ્પદ રહેલી. નેધરલૅન્ડ્ઝની આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે હૉન્ડુરાસના દાવાની તરફેણમાં ચુકાદો આપ્યો અને કોકો અથવા વાક નદીને સીમા તરીકે સ્થાપી આપી. આ વિભાગની ઉત્તરે કૅરિબિયન સમુદ્રમાં આશરે 200 કિમી.ને અંતરે સ્વાન્સ નામના બે નાના ટાપુઓ આવેલા છે, જે હૉન્ડુરાસને હસ્તક છે.

(4) દક્ષિણનો કાંઠાવિભાગ : આ વિભાગ ફૉન્સેકાના અખાત પર આવેલો છે. હૉન્ડુરાસ માટે પૅસિફિક મહાસાગરમાં જવાનો આ એક માત્ર (નિર્ગમ) માર્ગ છે. કાંઠે ચેરીનાં વૃક્ષો અને તેની પાછળ સાંકડું મેદાન છે. અહીંની ચોલુટિકા નદીના વિશાળ મેદાનની જમીનો ફળદ્રૂપ છે. ત્યાં ઘણાં ખેતરો અને ઢોરવાડા આવેલાં છે. અહીંથી જહાજોને મહાસાગરમાં જવા માટે ઊંડાં પાણી નથી, તેથી ફૉન્સેકાના અખાતમાં આવેલા ટાપુ પરના અંપાલા બંદરનો ઉપયોગ થાય છે.

આબોહવા : હૉન્ડુરાસની આબોહવા અયનવૃત્તીય છે, તેથી દેશમાં ગરમ અને ભેજવાળી આબોહવા પ્રવર્તે છે; પરંતુ જ્યાં પહાડો છે ત્યાં ઊંચાઈના વધવા સાથે ઠંડી આબોહવા પ્રવર્તે છે. કિનારાના નીચાણવાળા ભાગોનું સરેરાશ વાર્ષિક તાપમાન 31° સે. રહે છે. જોકે, ઋતુ મુજબ ફેરફાર રહે છે. 936 મીટરની ઊંચાઈએ આવેલા પાટનગર તેગુસિગૅલ્પાનું સરેરાશ વાર્ષિક તાપમાન 23° સે. રહે છે, મે માસમાં તાપમાન ભાગ્યે જ 32° સે.થી ઉપર જાય છે, ડિસેમ્બર ઠંડો રહે છે, તે વખતનું સરેરાશ તાપમાન 10° સે. જેટલું રહે છે. ઊંચાણવાળા ભાગો પ્રમાણમાં સમધાત રહે છે. ઊંચાઈવાળા ભાગોનું સરેરાશ તાપમાન 15° સે. જેટલું રહે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ મેથી નવેમ્બર દરમિયાન 750થી 1500 મિમી. જેટલો પડે છે; અયનવૃત્તીય વર્ષાજંગલોમાં વરસાદનું પ્રમાણ 2500 મિમી. જેટલું રહે છે. ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ક્યારેક વાવાઝોડાં (‘હરિકેન’) આવી જાય છે, ત્યારે જાનમાલની ભારે ખુવારી થાય છે, ત્યારે નીચાણવાળાં ગામો કળણવાળાં બની રહે છે.

આકૃતિ 2 : હૉન્ડુરાસના ઉત્તર કિનારા પર ઓછી વસ્તી ધરાવતું ગ્વાનજા

વનસ્પતિજીવનપ્રાણીજીવન : આ દેશના લગભગ 68 % વિસ્તારમાં જંગલો તથા ઝાડીઝાંખરાં તેમજ 14 % વિસ્તારમાં ઘાસનું આચ્છાદન છે. જંગલોમાંથી કઠણ તથા પોચું લાકડું મેળવવામાં આવે છે, જે દેશની આવક રળવા માટેનું અગત્યનું સાધન બની રહે છે. ઈશાન ભાગનાં જંગલોમાંથી મૅહોગની, વૉલનટ, રોઝવૂડ વગેરે વૃક્ષોનું કઠણ લાકડું તથા ઊંચાં પહાડી ક્ષેત્રોમાંથી ચીડ અને સીડારનું પોચું લાકડું મેળવાય છે. દેશમાં લાકડાં વહેરવાનો મિલ-ઉદ્યોગ, કાગળનો માવો, પ્લાયવૂડ તથા જીવનજરૂરી લાકડાની પેદાશોને લગતા ઉદ્યોગો વિકસ્યા છે.

અહીંનાં જંગલોમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ તથા પક્ષીઓ જોવા મળે છે. દેશના કૅરિબિયન કાંઠેથી શ્રીંપ માછલી, વાદળી, ઝિંગા (લૉબ્સ્ટર) વગેરે જેવી દરિયાઈ પેદાશો મેળવાય છે. આ ઉપરાંત આ દેશમાં પેકરી (Peccary) અને સૂવર જેવાં જંગલી પ્રાણીઓને તેમજ મગર અને અન્ય જળચર પ્રાણીઓને તથા તેમની ચામડીને વિદેશોનાં બજારોમાં વેચવાનો ધીકતો ધંધો ચાલે છે.

અર્થતંત્ર : લૅટિન અમેરિકામાં હૉન્ડુરાસનું અર્થતંત્ર ખૂબ જ ઓછું વિકસિત રહ્યું છે. અહીં કુદરતી સંપત્તિના સ્રોત ઓછા છે, માત્ર ખેતી જ અહીંની આર્થિક પ્રવૃત્તિ છે. દેશના ભૂમિ-વિસ્તારનો આશરે 18 % જેટલો હિસ્સો ખેતી હેઠળ છે. દેશની મોટા ભાગની આવક કેળાં અને કૉફીની નિકાસમાંથી થાય છે. દેશના આશરે 50 % લોકો ખેતીમાં રોકાયેલા છે. ખાદ્ય ચીજો પરત્વે આ દેશ સ્વાવલંબી છે. દેશની કુલ નિકાસ પૈકીની 33 % નિકાસ કેળાંની અને 25 % નિકાસ કૉફીની થાય છે. અહીંના લોકોનો મુખ્ય ખોરાક મકાઈ છે. ખેડૂતો કેળાં, ડાંગર, જુવાર, મકાઈ, વાલ, અન્ય કઠોળ, બટાટા, કસાવા, કૉફી, કપાસ, શેરડી, ફળો અને તમાકુનું વાવેતર કરે છે. હવે તેલ-તાડની ખેતી પણ થવા લાગી છે. મોટા ભાગની જમીનો કેળાં, મકાઈ અને કૉફીના પાક માટે રોકાયેલી છે. ઊંચાણવાળા પ્રદેશોની ખીણોમાં તથા દક્ષિણની ઘાસભૂમિમાં ઢોરઉછેર થાય છે તેમજ પશુવાડા પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. પશુપાલનની પ્રવૃત્તિમાંથી દૂધ અને માંસનું ઉત્પાદન લેવાય છે. કેળાં અને કૉફી ઉપરાંત અહીંથી શ્રીંપ માછલી, પોચાં અને સખત લાકડાં તથા ગોમાંસની પણ નિકાસ થાય છે.

ખનિજસંપત્તિઉદ્યોગો : આ દેશમાં ચાંદી, સીસું, જસત, સોનું વગેરેનાં ધાતુખનિજો તથા થોડા પ્રમાણમાં કોલસો મળે છે. અહીંની અલ મોચિટો ખાતેની ચાંદીની ખાણો પ્રખ્યાત છે. તેમાંથી ચાંદીની સાથે જસત અને સીસાનાં મિશ્રખનિજો પણ મળે છે. દેશના નિકાસ વ્યાપારમાં ચાંદીનો ફાળો લગભગ 5 % જેટલો થવા જાય છે.

આ દેશમાં નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો વિકસ્યા છે. આ પૈકી ખાદ્યપ્રક્રમણના ઉદ્યોગો આગળ પડતા છે. તેમાં ડાંગર છડવાનો અને અનાજ દળવાનો મિલઉદ્યોગ, ખાંડઉદ્યોગ, કેળાંનો પાઉડર બનાવવાનો ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાકડાને લગતા ઉદ્યોગો, સિમેન્ટ અને બિયર બનાવવાના તથા ખનિજતેલ-શુદ્ધીકરણના એકમો પણ છે.

પાટનગર તેગુસિગૅલ્પા અને સાન પેદ્રો સુલા – આ બે મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો છે. તેગુસિગૅલ્પા દેશના ઉદ્યોગો ધરાવે છે. પ્યુર્ટો કૉર્ટિસ ખાતે ખનિજતેલની રિફાઇનરી પણ આવેલી છે.

દેશમાંના આશરે 33 % લોકો શ્રમિકો તરીકે સેવાઉદ્યોગમાં રોકાયેલા છે. તેમાં જથ્થાબંધ અને છૂટક વેપારનો સમાવેશ થાય છે. દેશનો મોટા ભાગનો વેપાર ખેતીની પેદાશો પર આધારિત છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય-સંભાળ જેવી બીજા ક્રમે આવતી સેવાઓમાં અને શહેરોમાંની સામાજિક સેવાઓમાં પણ કેટલાક લોકો કામ કરે છે. આ ઉપરાંત મકાન-બાંધકામ, શરાફી કામ, વીમો, મિલકતો, સરકારી નોકરીઓ તેમજ ઉપભોક્તા ચીજવસ્તુઓનો પણ સેવાઉદ્યોગમાં સમાવેશ થાય છે.

આકૃતિ 3 : હૉન્ડુરાસમાં નાના કદનાં ખેતરોમાં કૃષિપાકોનું વાવેતર કરતાં પહેલાં ઝડપથી ઊગી નીકળતી વનસ્પતિને બાળી નાખવામાં આવે છે.

દેશના ઉત્પાદનક્ષેત્રમાં 14 % જેટલા શ્રમિકો રોકાયેલા છે. હૉન્ડુરાસ તેની જરૂરિયાતો માટે યંત્રો અને યંત્રસામગ્રી, વાહનો, ઔદ્યોગિક કાચો માલ, રાસાયણિક પેદાશો, બળતણ તેમજ પ્રક્રમિત ખાદ્યપેદાશો, પીણાં, કાપડ અને પોશાકો જેવો તૈયાર માલ તેના વેપારી ભાગીદાર યુ.એસ.માંથી આયાત કરે છે; જ્યારે કેળાં, કૉફી, લાકડાં, માંસ, શ્રીંપ માછલી, લૉબ્સ્ટર, જસત, ચાંદી જેવી વસ્તુઓની નિકાસ થાય છે. વેપાર માટેના અન્ય ભાગીદાર દેશોમાં ગ્વાટેમાલા, મેક્સિકો, અલ સાલ્વાડોર, કોસ્ટારિકા, બેલ્જિયમ, જર્મની, જાપાન વગેરેનો સમાવેશ થાય છે. રાચરચીલા, કાગળ અને લાકડાની ચીજવસ્તુઓ બનાવવા લાટીઓ લાકડાં પૂરાં પાડે છે. તેગુસિગૅલ્પા અને સાન પેદ્રો સુલા જેવાં શહેરોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું ઉત્પાદન લેવાય છે. દેશવાસીઓનાં ઘરોમાં ઉપયોગમાં લેવાતાં માટીનાં વાસણો  પાત્રો ગામડાંઓમાં ગૃહઉદ્યોગમાં બને છે.

હૉન્ડુરાસમાં સડકમાર્ગોનું પ્રમાણ (699 કિમી.) ઓછું છે. તેમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં પાકા રસ્તાઓ જૂજ છે. પડોશી દેશો સાથે સંકલન ધરાવતો ‘પાન અમેરિકન ધોરી માર્ગ’ આ દેશમાંથી પસાર થાય છે. તેની સાથે પાટનગર તેગુસિગૅલ્પા અને ચોલુટિકા સંકળાયેલાં છે. અહીં લોકો બસ મારફતે તેમજ ઘોડા કે ખચ્ચરો પર મુસાફરી કરે છે. માત્ર 2 % લોકો પાસે પોતાનાં મોટર-વાહન હોય છે. ઉત્તર કાંઠા પૂરતી રેલમાર્ગની સગવડ છે, તેનું સંચાલન ફળની પેઢીઓ દ્વારા થાય છે. દેશમાં રેલમાર્ગોની કુલ લંબાઈ 13,602 કિમી. જેટલી છે. આ દેશમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો તેગુસિગૅલ્પા અને સાન પેદ્રો સુલા ખાતે આવેલાં છે. આ ઉપરાંત દેશમાં અન્ય 40 જેટલાં આંતરિક હવાઈ મથકો પણ છે. પ્યુર્ટો કૉર્ટિસ, તેલા અને લા સિબા દેશનાં અગત્યનાં બંદરો છે, જ્યાંથી આયાત-નિકાસનો વેપાર થાય છે.

હૉન્ડુરાસમાંથી છ દૈનિક સમાચારપત્રો બહાર પડે છે, તે પૈકીનું તેગુસિગૅલ્પા ખાતેથી નીકળતું ‘લા ટ્રિબ્યૂના’ વધુ ફેલાવો ધરાવે છે. અહીંનાં મોટા ભાગનાં રેડિયો-ટેલિવિઝન મથકો ખાનગી ક્ષેત્ર હસ્તક ચાલે છે; ત્રણ વ્યક્તિદીઠ એક રેડિયો હોવાની સરેરાશ મૂકી શકાય, તથા અહીંના માત્ર 3 % લોકો પાસે ટેલિવિઝન-સેટ હોય છે. ટેલિફોન લાઇનો સરકારની માલિકીની છે; પરંતુ તે તેગુસિગૅલ્પા અને સાન પેદ્રો સુલા પૂરતી જ મર્યાદિત છે. અહીંની ફળ-પેઢીઓ કેળાં-વિસ્તાર પૂરતો તેનો ઉપયોગ કરે છે. દેશમાં લગભગ 2,34,000 (1997) જેટલા ટેલિફોનધારકો; 14,427 (1997) જેટલા મોબાઇલ તેમજ 1,68,600 (2002) જેટલા ઇન્ટરનેટ વપરાશકારો છે.

વસ્તીલોકો : 2003 મુજબ, હૉન્ડુરાસની વસ્તી 68.03 લાખ જેટલી છે, 2010માં તે 82 લાખ જેટલી થવાનો અંદાજ મુકાયો છે. દર ચોકિમી.દીઠ વસ્તીગીચતા માત્ર 51 વ્યક્તિની છે. અહીં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 46.3 % અને 53.7 % જેટલું છે. દેશના 86.6 %થી વધુ લોકો મેસ્ટિઝો જાતિના છે; તેઓ મૂળ સ્પૅનિશ અને ઇન્ડિયન પૂર્વજોમાંથી ઊતરી આવેલા છે. તેઓ બધા જ સ્પૅનિશ બોલે છે અને રોમન કૅથલિક ધર્મ પાળે છે; મેસ્ટિઝો ઉપરાંત 2.3 % ગોરા, 5.5 % અમેરિન્ડિયન અને 4.3 % નિગ્રો જાતિના છે. કેળાં-ઉત્પાદનના ઉત્તર વિભાગમાં તથા બંદરો પર ઘણા લોકો અંગ્રેજી ભાષા બોલે છે. આ વિસ્તારમાં યુ.એસ.ની ફળ-પેઢીઓ ઘણા લાંબા સમયથી ધંધો કરતી આવી હોવાથી ત્યાંના સ્થાનિક લોકો પણ અંગ્રેજી શીખી ગયા છે.

આશરે 20,000 જેટલા મિસ્કિટો જાતિના ઇન્ડિયનો ઈશાન હૉન્ડુરાસના અલ્પ વસ્તીવાળા ભાગમાં વસે છે. આ સમૂહ મૂળ ઇન્ડિયનો મુક્ત થયેલા અશ્વેત ગુલામો તેમજ અન્ય જૂથોમાંથી ઊતરી આવેલી મિશ્ર પ્રજા છે. તેઓ મિસ્કિટો ભાષા બોલે છે, બધા જ ખ્રિસ્તી છે, પણ તે પૈકીના ઘણાખરા પ્રૉટેસ્ટંટ પંથના મોરેવિયન ચર્ચમાં માનનારા છે.

હૉન્ડુરાસના વાયવ્ય કાંઠે વસતા લોકો ગૅરીફુના તરીકે ઓળખાતા અશ્વેત કૅરિબ છે. તેઓ અશ્વેત ગુલામો અને કૅરિબિયનના સેન્ટ વિન્સેન્ટ ટાપુના સારાવાક ઇન્ડિયનોમાંથી ઊતરી આવેલા વંશજો છે. 1797માં સેન્ટ વિન્સેન્ટના બ્રિટિશ શાસકોએ ત્યાંનાં બળવાખોર ગણાતા જે કૅરિબ લોકોને હૉન્ડુરાસ ખાતે સ્થળાંતર કરાવેલું તેમના આ વંશજો છે. આ ગૅરીફુના લોકો સારવાક ભાષા બોલે છે; પરંતુ તેઓ સ્પૅનિશ અને ઇંગ્લિશ ભાષા પણ જાણે છે. આ ઉપરાંત ઉત્તર કાંઠાથી દૂર આવેલા બે ટાપુના લોકો ઇંગ્લિશભાષી પ્રૉટેસ્ટંટ છે. આ લોકોમાં, 19મી સદીમાં કૅરિબિયન સમુદ્રમાંના કાયમાન ટાપુઓમાંથી સ્થળાંતર કરી આવેલા ગૅરીફુના, મુક્ત અશ્વેત ગુલામો તેમજ વસાહતી અંગ્રેજ કૃષિકારોના વંશજોનો સમાવેશ થાય છે.

હૉન્ડુરાસના આશરે 60 % લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. પશ્ચિમ ગોળાર્ધમાં આવેલા બધા જ દેશો પૈકી હૉન્ડુરાસમાં ગ્રામીણ વસ્તીની ટકાવારી ઊંચી છે. હૉન્ડુરાસના ઘણાખરા ગ્રામીણ નિવાસીઓ ગરીબ છે, તેઓ પોતાનાં કે ભાડાનાં ખેતરોમાં કામ કરે છે. તેમની પાસે અવરજવર માટે વાહનની સુવિધા ન હોવાથી તેઓ શહેરોના સંપર્કમાં રહી શકતા નથી.

શહેરોમાં હવે આધુનિકતાનો પ્રસાર થતો જાય છે, ઉદ્યોગો અને શિક્ષણ વિસ્તરતાં જાય છે; પરંતુ તે પ્રકારની સંદેશાવ્યવહારની આપ-લે હજી ગ્રામીણ ખેતવિસ્તારો સુધી પહોંચી નથી. મોટા ભાગના ગ્રામીણ નિવાસીઓ માટીનાં, પૂંઠાનાં, લાકડાંના થાંભલાવાળાં કે પથ્થર અને માટીથી બનાવેલાં નાનાં ઘરોમાં રહે છે.

શિક્ષણ : હૉન્ડુરાસમાં 7થી 12 વર્ષનાં બાળકો માટે શાળામાં જવાની કાયદાકીય જોગવાઈ હોવા છતાં તેનું પૂરેપૂરું પાલન કરવામાં આવતું નથી. હૉન્ડુરાસમાં, વિશેષે કરીને ગ્રામીણ વિસ્તારો પૂરતી શાળાઓની સગવડ ઘણી ઓછી છે; તેથી હૉન્ડુરાસના લગભગ 43 % પુખ્ત વયના ગ્રામીણ લોકો લખી-વાંચી શકતા નથી. શહેરો અને ગામડાંઓને સંયુક્ત રીતે લેતાં દેશમાં શિક્ષણનું પ્રમાણ સરેરાશ 76 % ગણાય.

હૉન્ડુરાસની એકમાત્ર યુનિવર્સિટી, ‘નૅશનલ ઑટોનોમસ યુનિવર્સિટી ઑવ્ હૉન્ડુરાસ’ પાટનગર તેગુસિગૅલ્પામાં 1847માં સ્થાપવામાં આવેલી છે. તેમાં આશરે 27,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત, પાટનગર નજીક, યુનાઇટેડ બ્રાન્ડ્ઝ કંપનીની નાણાકીય સહાયથી ચાલતી ‘ધ પાન અમેરિકન ઍગ્રિકલ્ચરલ સ્કૂલ’ પણ કાર્યરત છે.

8,19,867ની (2001) વસ્તી ધરાવતું પાટનગર તેગુસિગૅલ્પા દેશનું મોટામાં મોટું શહેર છે. અન્ય મોટાં શહેરોમાં અલ પ્રોગ્રેસો, લા સીબા, તેલા તથા સાન પેદ્રો સુલા(વસ્તી : 4,83,384 (2001) મુજબનો)નો સમાવેશ થાય છે.

ઇતિહાસ : ઇન્ડિયન કાળ : 16મી સદીની શરૂઆતમાં સ્પેનવાસીઓ અહીં આવ્યા, તે પહેલાંના ઇતિહાસની કોઈ જાણકારી મળતી નથી. નવમી સદી સુધી કોપાન ખાતે પ્રાચીન મય સંસ્કૃતિનું મથક અહીંના પૂર્વ ભાગમાં અસ્તિત્વ ધરાવતું હતું. કોપાનમાં સુંદર પાષાણમહેલો, પિરામિડો અને મંદિરો હતાં. ત્યાંના લોકો વિદ્વાન તેમજ વિજ્ઞાનની જાણકારી ધરાવતા હતા; પરંતુ સ્પેનના લોકો જ્યારે અહીં આવ્યા ત્યારે તો કોપાન ખંડિયેરોમાં ફેરવાયેલું હતું તથા ત્યાંના ઇન્ડિયનો કોપાન શહેરને ભૂલી ચૂકેલા હતા.

વસાહતી કાળ : 1502માં ક્રિસ્ટોફર કોલંબસ હૉન્ડુરાસની ભૂશિર ખાતે ઊતરેલો. તેણે આ ભૂમિ પર સ્પેનનો દાવો મૂકેલો. તે પછી તો સંખ્યાબંધ સ્પેનવાસીઓ અહીં આવ્યા અને વસાહતો સ્થાપી. ધીમે ધીમે તેમણે અહીંના ઇન્ડિયનોને જીતી લઈને પોતાનું વર્ચસ્ સ્થાપી દીધું. તેમણે ઘણા ઇન્ડિયનોને મારી નાખ્યા, કેટલાક રોગથી મરી ગયા, તેમજ બીજા ઘણાને ગુલામો તરીકે જહાજોમાં ભરીને વેસ્ટ ઇન્ડિઝમાં લઈ જઈ ખેતીમાં લગાડી દીધા.

સ્પેનના વસાહતીઓએ અહીં સોના-ચાંદીની ખાણો વિકસાવી. તેમણે અહીંના ઇન્ડિયનોની સાથે આફ્રિકામાંથી ગુલામો તરીકે અશ્વેતોને લાવીને ખાણોમાં કામે લગાડ્યા. તેમણે આ ખાણશ્રમિકોને ખોરાક પૂરો પાડવા ઢોરવાડા પણ વિકસાવ્યા; પરંતુ આ ખાણો વસાહતીઓને નફાકારક નીવડી નહિ.

સ્વાતંત્ર્ય : 1821ના સપ્ટેમ્બરની 15મી તારીખે હૉન્ડુરાસે તેમજ બીજાં ચાર મધ્ય અમેરિકી રાજ્યોએ અહીંના સ્પેનના શાસન સામે પોતાના સ્વાતંત્ર્યની ઘોષણા કરી. તેઓ મેક્સિકન સામ્રાજ્યના ભાગરૂપ બન્યાં. 1823માં તેઓ આ સામ્રાજ્યમાંથી છૂટાં પડ્યાં અને મધ્ય અમેરિકાના સંયુક્ત પ્રાંતોની રચના કરી. આ સંઘે ઉદાર નીતિઓ અપનાવી. તેમણે લોકશાહી અધિકારોની સ્થાપના કરી તથા સમર્થ ઉમરાવશાહી તેમજ રોમન કૅથલિક ચર્ચના વિશેષાધિકારોનો અંત આણ્યો. જમીનદારો અને પાદરીઓ તેમના હક્કો પાછા મેળવવા મથતા હોવાથી તથા સંઘરાજ્યોને વિવિધ દબાણોની અસર હેઠળ આવતાં જોઈને હૉન્ડુરાસે 1838માં સંઘને છોડી દીધો.

મધ્ય અમેરિકામાં એ વખતે હૉન્ડુરાસ એક નબળો દેશ બની રહ્યો; તેથી થોડા વખતમાં તે તેનાં વધુ સમર્થ પડોશી રાજ્યો, વિશેષે કરીને ગ્વાટેમાલાના પ્રભાવ હેઠળ આવ્યું. 19મી સદી દરમિયાન ગ્વાટેમાલાએ હૉન્ડુરાસમાં બળવા શરૂ કરાવ્યા અને બળવામાં મદદ કરી; એટલું જ નહિ, ગ્વાટેમાલામાં જ્યારે જે પક્ષ સત્તા પર હોય ત્યારે એવા હૉન્ડુરાસના રૂઢિવાદીઓને, ઉદ્દામવાદીઓને સમર્થન આપ્યાં.

યુનાઇટેડ સ્ટેટ્સની ફળ કંપનીઓએ 1890ના દશકામાં કેળાં ઉગાડવા હૉન્ડુરાસમાં આવવાનું શરૂ કર્યું. તેમણે જંગલો સાફ કર્યાં અને ઉત્તર કાંઠાના વિસ્તારમાં છોડની રોપણી શરૂ કરી, રેલમાર્ગ અને બંદરો બાંધ્યાં. શ્રમિકો માટે નગરો, દવાખાનાં અને શાળાઓની સગવડો ઊભી કરી. 20મી સદીની શરૂઆતમાં કેળાંમાંથી સારી આવક થવા માંડી. યુ.એસ.ની ફળ-કંપનીઓએ ભરેલા નિકાસ વેરામાંથી હૉન્ડુરાસની સરકારનો ખર્ચ નીકળવા માંડ્યો. આ આવક વધારવાના હેતુથી સરકારે ફળ કંપનીઓને વિશેષાધિકારો આપ્યા; તેમાંથી સરકાર પર ફળ કંપનીઓનું વર્ચસ્ વધતું ગયું. લૅટિન અમેરિકામાં ‘કેળાં–પ્રજાસત્તાક’ શબ્દ હૉન્ડુરાસ માટે પર્યાયવાચી બની રહ્યો.

હૉન્ડુરાસની વિકાસયાત્રા : 1933 સુધી તો હૉન્ડુરાસમાં થતી ગયેલી વારંવારની ક્રાંતિને કારણે રાષ્ટ્રપ્રમુખો લાંબી સેવા આપી શકેલા નહિ; પરંતુ 1933માં બનેલા રાષ્ટ્રપ્રમુખ જનરલ તિબર્સિયો કારિયાસ એન્ડિનોએ 16 વર્ષ સુધી કાર્યભાર સંભાળ્યો અને આપખુદી શાસન કર્યું. તેમને ઉથલાવવાના અનેક બળવા અસફળ રહ્યા. 1948માં તેમણે નિવૃત્તિ સ્વીકારી.

1950ના દશકા દરમિયાન ઘણા રાજકીય હિંસાત્મક સંઘર્ષોમાંથી છેવટે 1957માં યોજાયેલી ચૂંટણીમાં રૅમન વિલેડા મોટાલિસ નામના ડૉક્ટર રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. વિલેડાએ ભૂમિસુધારણા-કાર્યક્રમ શરૂ કર્યો, દવાખાનાં, રસ્તા અને શાળાઓ બંધાવ્યાં.

1963માં કર્નલ ઓસવેલ્ડો લોપેઝ ઍરેલેનોએ લશ્કરી બળવો કરી સરકાર ઉથલાવી. ચૂંટાયેલી ઍસેમ્બલીએ નવું બંધારણ રચી લોપેઝને રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા. 1971માં મતદારોએ પ્રમુખ તરીકે એક વકીલ રેમોન અર્નેસ્ટો ક્રુઝને ચૂંટી કાઢ્યા; પરંતુ 1972માં લશ્કરી દળોએ ક્રુઝ સરકારને ઉથલાવીને લોપેઝને ફરીથી પ્રમુખપદે બેસાડ્યા.

આ દરમિયાન 1969માં હૉન્ડુરન ભૂમિસુધારણા કાયદાની રૂએ અલ સાલ્વાડોરના ઘણાં કુટુંબોને તેમની જમીન આપી દેવાની ફરજ પડી. 1969ના જુલાઈમાં અલ સાલ્વાડોરનાં દળો હૉન્ડુરાસમાં પ્રવેશ્યાં; પરંતુ ઑગસ્ટમાં પાછાં ગયાં. 1970માં અમેરિકન સ્ટેટ્સ ઑર્ગેનાઇઝેશને આ બંને દેશોને મદદરૂપ થઈ તેમની સીમા પર તટસ્થ ભૂમિપટ્ટો નક્કી કરી આપ્યો. 1980માં આ બંને દેશોએ તેમના સીમા-વિવાદનો અંત લાવવા કરાર પર હસ્તાક્ષર કર્યા.

1975માં લશ્કરી દળોએ લોપેઝને પ્રમુખપદેથી દૂર કર્યા અને કર્નલ જુઆન આલ્બર્ટો મેલગર કૅસ્ટ્રોને પ્રમુખ બનાવ્યા. લોપેઝ સરકાર કેળાં પરની નિકાસ ઘટાડી આપવા યુ.એસ. પેઢી પાસેથી લાંચ સ્વીકારવાના કૌભાંડમાં સંડોવાઈ હતી. 1978માં લશ્કરી દળના ત્રણ અગ્રેસરોએ મેલગરને સત્તા પરથી હઠાવી સરકાર કબજે કરી લીધી. 1981માં લોકશાહી સરકાર માટે ચૂંટણીઓ યોજાઈ. લોકોએ રૉબર્ટો સુએઝો કૉર્ડોવાને પ્રમુખપદ માટે ચૂંટ્યા અને નવા ધારાઓ બનાવ્યા. 1985માં જોસ ઍઝકોના હોયો તેમના અનુગામી બન્યા.

1980ના દશકામાં, નિકારાગુઆની સરકાર અને બળવાખોરોના સંઘર્ષોનું સ્થળ હૉન્ડુરાસ બનેલો, તેનો અંત છેવટે 1988માં આવ્યો. 1989માં રાફેલ લિયોનાર્ડો કેલિજસ પ્રમુખ બન્યા. 1990થી 1994 સુધી તેઓ પ્રમુખ રહ્યા. 1994થી 1997 સુધી કાર્લોસ રૉબર્ટો રેઇના તથા 1997થી 2001 સુધી કાર્લોસ રૉબર્ટો ફ્લોરસ ફાકુસે પ્રમુખ રહ્યા.

‘મધ્ય અમેરિકન (સેન્ટ્રલ અમેરિકન) મુક્ત-વ્યાપાર કરાર’ અન્વયે યુ.એસ. તેમજ ચાર મધ્ય અમેરિકન દેશો વચ્ચે ચાલેલી વાટાઘાટોમાં હૉન્ડુરાસે પણ ભાગ લીધેલો.

યુ.એસ.એ ઇરાક સામે યુદ્ધ છેડ્યું ત્યારે હૉન્ડુરાસ તેની પડખે રહેલું. હૉન્ડુરાસે 370 જેટલી લશ્કરી ટુકડીઓ ઇરાક ખાતે રવાના કરેલી. 2004માં સ્પેનના પગલે પગલે હૉન્ડુરાસે પણ આ લશ્કરી ટુકડીઓ પાછી ખેંચી લીધી હતી.

બીજલભાઈ શં. પરમાર