હેલી મિશન (Halley Mission)

February, 2009

હેલી મિશન (Halley Mission) : હેલી ધૂમકેતુના વૈજ્ઞાનિક અભ્યાસ માટેનો અંતરીક્ષ-કાર્યક્રમ.

હેલીનો ધૂમકેતુ તેની કક્ષામાં 9 ફેબ્રુઆરી, 1986ના રોજ સૂર્યની ખૂબ નજીક આવ્યો હતો તથા 11 એપ્રિલ, 1986ના રોજ પૃથ્વીથી સૌથી વધારે નજીક આવ્યો હતો. એ સમયગાળામાં હેલીના ધૂમકેતુનાં વૈજ્ઞાનિક અવલોકનો મેળવવા માટે જુદાં જુદાં અંતરીક્ષયાનો પૃથ્વી પરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યાં હતાં. એ અંતરીક્ષ-કાર્યક્રમ ‘હેલી મિશન’ તરીકે ઓળખાય છે, જેની વિગતો નીચે પ્રમાણે છે :

(1) ડિસેમ્બર, 1984ની મધ્યમાં સોવિયેત રશિયાનાં બે અંતરીક્ષયાનો વેગા–1 અને વેગા–2 શુક્ર ગ્રહ પાસે થઈને હેલીની કક્ષા તરફ મોકલવામાં આવ્યાં હતાં.

(2) 10 જુલાઈ, 1985ના રોજ યુરોપનું જિયૉટો (Giotto) અંતરીક્ષયાન દક્ષિણ અમેરિકાના કુરુ પ્રક્ષેપણ-મથક પરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.

(3) 14 ઑગસ્ટ, 1985ના રોજ જાપાનનું અંતરીક્ષયાન પ્લેનેટ–A (Planet–A) પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.

ઉપર્યુક્ત અંતરીક્ષયાનોની કામગીરી વિશેની કેટલીક માહિતી નીચે પ્રમાણે છે :

8 માર્ચ, 1986ના રોજ જાપાનનું પ્લેનેટ–A યાન હેલીના ધૂમકેતુથી લગભગ એક લાખ કિમી.ના અંતરેથી પસાર થયું હતું ત્યારે હેલીના મસ્તકની બધી બાજુ પર ફેલાયેલા હાઇડ્રોજન વાયુના વિશાળ આવરણ(Halo)નાં અવલોકનો પારજાંબલી પ્રકાશમાં લીધાં હતાં. 9 માર્ચ, 1986ના રોજ વેગા–1 યાન દ્વારા લગભગ 10,000 કિમી. દૂરથી હેલીના ધૂમકેતુનાં અવલોકનો મળ્યાં હતાં. 13, 14 માર્ચ, 1986 દરમિયાન યુરોપનું જિયૉટો યાન હેલીના નાભિથી 600 કિમી. દૂર રહીને તેની પૂંછડીમાંથી પસાર થયું હતું ત્યારે તેના નાભિની ફક્ત એક તસવીર મેળવી શક્યું હતું. ત્યારબાદ ધૂમકેતુમાંથી ફેંકાતા ધૂળના કણો ટકરાવાને કારણે જિયૉટો યાનને નુકસાન થયું હતું અને તેથી તેનું કાર્ય અટકી ગયું હતું. જિયૉટો યાન દ્વારા મળેલી અન્ય માહિતી નીચે પ્રમાણે છે :

(1) નાભિનું કદ – 15 કિમી. × 8 કિમી..

(2) નાભિનો આકાર અને રંગ – લંબગોળ અને કાળો.

(3) નાભિનું તાપમાન – લગભગ 300 કેલ્વિન.

(4) પૂંછડીની લંબાઈ – આશરે 41,000 કિમી..

(5) પૂંછડીમાંના વાયુ – ફૉર્માલ્ડિહાઇડ, કાર્બન મૉનોક્સાઇડ તથા એમોનિયા જેવા ઝેરી વાયુ અને ધૂળ.

(6) નાભિમાંથી જળબાષ્પ નીકળવાનો દર – આશરે 10 ટન/સેકંડ.

પરંતપ પાઠક