હેલુંગજિયાંગ (Heilungkiang)

February, 2009

હેલુંગજિયાંગ (Heilungkiang) : ચીનના ઈશાન ભાગમાં આવેલું સરહદી રાજ્ય. તે હેલાંગજિયાંગ નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 48° 00´ ઉ. અ. અને 128° 00´ પૂ. રે.ની આજુબાજુનો લગભગ 4,63,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ હેલુંગ અને વુ-શુ-લી (wu-su-li) નદીથી અલગ પડતી રશિયાની આંતરરાષ્ટ્રીય સીમા આવેલી છે; દક્ષિણ તરફ ચીનના જિલિન (Jilin) રાજ્યની સીમા તથા પશ્ચિમ તરફ ચીનનું સ્વાયત્ત રાજ્ય મૉંગોલિયા આવેલાં છે.

હેલુંગજિયાંગ (હેલાંગજિયાંગ)

ભૂપૃષ્ઠ : રાજ્યનો લગભગ અડધો ભાગ મંચુરિયન મેદાનથી રોકાયેલો છે; રાજ્યની દક્ષિણ સિવાયની ત્રણ દિશાઓ તરફ મધ્યમ ઊંચાઈ ધરાવતી પર્વતીય હારમાળા આવેલી છે. રાજ્યના મધ્ય ભાગમાં સુનગરી નેન (Sungari Nen) નદીનું મેદાન પથરાયેલું છે. તેની પશ્ચિમે મહા ખિંગાન હારમાળા, ઉત્તરે લઘુ ખિંગાન હારમાળા અને પૂર્વ તરફ લાઓ યેહ લિંગ (Lao-Yeh-Ling) અને ચાંગ-કુઆંગ-ત્સાઇ (Chang-Kuang-t’sai) હારમાળા આવેલી છે. આ ઉપરાંત, ઝાંગગુઆંગસેઇ (Zhangguangcai) હારમાળા, લાઓયે (Laoye) હારમાળા અને વાન્ડા હારમાળા પણ આવેલી છે. જિલિન રાજ્યની સીમા પર આવેલી હારમાળાનું સૌથી ઊંચું શિખર (1690 મીટર) માઉન્ટ ડાટુડિંગઝી (Datudingzi) છે. મહા ખિંગાન હારમાળામાં આવેલાં ગીચ જંગલોમાંથી મહત્વની જંગલપેદાશો મળે છે.

જળપરિવાહ : હેલુંગજિયાંગ (આમુર) આ રાજ્યની સૌથી લાંબી નદી છે, તે રાજ્યના ઊંચાણવાળા અને મધ્ય ભાગમાં રશિયાની સીમા પર વહે છે. તેની લંબાઈ 1180 કિમી. જેટલી છે. સોંગહુઆ, નેન અને મુદાન તેની સહાયક નદીઓ છે. વર્ષના લગભગ પાંચથી સાત મહિના સુધી ચાલતા અહીંના શિયાળા દરમિયાન આ નદીઓ ઉપયોગી બનતી નથી; પરંતુ ઉનાળાની ટૂંકી ઋતુ દરમિયાન તેનાં પાણી ખેતી માટે ઉપયોગમાં લેવાય છે. રશિયાની સીમા પર ખાનકા (Khanka) નામનું એક સરોવર આવેલું છે.

આબોહવા : રાજ્યના અક્ષાંશીય સ્થાનને કારણે તેની આબોહવા ધ્રુવવૃત્તીય પ્રકારની છે. શિયાળાની લાંબી ઋતુ દરમિયાન સમગ્ર પ્રદેશ હિમાચ્છાદિત રહે છે. શિયાળાનું સરેરાશ તાપમાન સમયભેદે –15°થી –31° સે. જેટલું રહે છે. ઉનાળો ટૂંકો હોવા છતાં ઠંડકવાળો હોય છે, તે દરમિયાનનું તાપમાન 18°થી 23° સે. જેટલું રહે છે. આ ઋતુ દરમિયાન અહીં 500થી 600 મિમી. જેટલો વરસાદ પડે છે.

અર્થતંત્ર : રાજ્યના મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીંની મુખ્ય કૃષિપેદાશોમાં ઘઉં, મકાઈ, સોયાબીન, શાકભાજી, શણ (ફ્લૅક્સ) અને સૂર્યમુખીનો સમાવેશ થાય છે. રાજ્યના શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો ઊભા થવાથી ગ્રામીણ વસ્તી શહેરો તરફ વળતી જાય છે, પરિણામે આયોજનબદ્ધ વસાહતો ઊભી થઈ શકી નથી. શહેરી વિસ્તારોમાં થ્રેસર મશીનના, જિનિંગ-પ્રેસિંગના, અનાજ દળવાના, ખાણકાર્ય માટેની યંત્રસામગ્રી બનાવવાના એકમો આવેલા છે. વીજાણુ-સામગ્રી તથા સંદેશાવ્યવહારનાં સાધનો બનાવવાના એકમો પણ સ્થપાયા છે. કાગળનું ઉત્પાદન કરતી ચીનની સૌથી મોટી મિલ અહીં આવેલી છે. દેશના આંતરિક વપરાશ માટે તેમજ નિકાસ માટેના કાગળોનું ઉત્પાદન અહીં થાય છે. ચિયા-મુ-સુ (Chia-Mu-Ssu) અહીંનું રેલમાર્ગનું મહત્વનું જંક્શન છે, જ્યાંથી અહીંની મોટા ભાગની પેદાશોની હેરફેર થાય છે.

ચી-ચી-હા-એર (Ch’i-Ch’i-ha-erh) અહીંનું હર્બિન પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર છે. તે અગાઉના સમયનું પાટનગર હતું. યંત્રસામગ્રી અને ખાદ્યપ્રક્રમણના ઘણા એકમો અહીં આવેલા છે. હર્બિન આ રાજ્યનું પાટનગર છે. તે પરિવહન અને સંદેશાવ્યવહારનું મુખ્ય મથક છે. હર્બિન અને ઉત્તર મંચુરિયા થઈને રશિયાને સાંકળતો રેલમાર્ગ તૈયાર કરવામાં આવ્યો છે, આ રેલમાર્ગ દ્વારા જાપાનના સમુદ્રકિનારા સુધી જઈ શકાય છે. હર્બિન રેલમાર્ગનું જંક્શન પણ છે, જે ચીનને કોરિયા સાથે સાંકળે છે. આ રેલમાર્ગે પૅસિફિકના કિનારા સુધી પહોંચી શકાય છે. અહીંની ઔદ્યોગિક વસાહતમાં યંત્રો અને યાંત્રિક પુરજા, ખેતીને લગતાં સાધનો, ખાતરો, રસાયણો, કાપડ અને બાંધકામને લગતી ચીજવસ્તુઓ બનાવવાના એકમો આવેલા છે.

ખનિજસંપત્તિ : રાજ્યની મહત્ત્વની ખનિજસંપત્તિમાં ખનિજતેલ, કોલસો, ગ્રૅફાઇટ અને સોનાનો સમાવેશ થાય છે. ક્વિક્વિહર(Qiqihar)ની ઈશાન દિશાએ આવેલું ડેક્વિંગ (Daqing) ખનિજતેલ ઉત્પાદનનું મુખ્ય મથક છે. હેગાંગ, શુઆંગયાશાન (Shuangyashan) અને જિક્સી (Jixi) કોલસાનાં મહત્વનાં મથકો છે. સોનું આમુર નદીની સહાયક નદીઓના પટમાંથી મેળવાય છે. આ ઉપરાંત, આ રાજ્યમાં પવનચક્કીઓ દ્વારા ઊર્જા મેળવવામાં આવે છે.

જંગલપેદાશો : ચીનની લાકડાંની મોટા ભાગની જરૂરિયાત આ રાજ્ય પૂરી પાડે છે. અહીંનાં જંગલોમાં પાઇન, કોરિયન પાઇન અને લાર્ચ જેવાં સમશીતોષ્ણ કટિબંધનાં વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ જંગલો મોટે ભાગે દક્સિંગાન અને ક્સિક્વૉક્સિંગાનના પર્વતીય વિસ્તારોમાં આવેલાં છે. આ જંગલોને સાઇબીરિયન વાઘ, લિંક્સ (બિલાડી સમકક્ષ પ્રાણી) અને લાલ ડોક ધરાવતા બગલા માટે આરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરેલા છે.

રાજ્યમાં પશુપાલનપ્રવૃત્તિ પર વિશેષ ધ્યાન અપાય છે. અહીં ઘોડા અને ગાયનો ઉછેર વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે છે. આ રાજ્ય ચીનમાં સૌથી વધુ દૂધ આપતી ગાયો ધરાવતું હોવાથી અહીં દૂધનું વધુ ઉત્પાદન મેળવાય છે.

પરિવહન : આ રાજ્ય રેલમાર્ગનું વિશાળ માળખું ધરાવે છે. આ રાજ્યમાંથી પસાર થતો મુખ્ય રેલમાર્ગ રાજ્યના દક્ષિણે આવેલ વાયવ્ય-અગ્નિ ભાગના ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોને સાંકળે છે. ઉનાળાની ઋતુમાં સુનગરી નદી જળવ્યવહાર માટે ઉપયોગી બની રહે છે. આ ઉપરાંત રાજ્યનાં મહત્વનાં શહેરોને સાંકળતા પાકા અને કાચા રસ્તા પણ આવેલા છે.

સેન્ટ સોફિયા ચર્ચ, હર્બિન

વસ્તી : 2000 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 3,75,10,000 જેટલી છે. રાજ્યમાં સૌથી વધુ વસ્તી ‘હાન ચાઇનીઝ’ લોકોની છે, આ સિવાય અહીં માંચુસ, કોરિયન, મૉંગોલિયન, હુઈ, રશિયન વગેરે જાતિના લોકો પણ વસે છે. થોડા પ્રમાણમાં અહીં મુસ્લિમ, તિબેટિયન અને યાકુટ્સ પ્રજા પણ વસે છે. માંચુસ લોકોએ દક્ષિણના પ્રદેશમાં ઓછી વસ્તી ધરાવતા લોકો પર ત્રાસ ગુજારેલો; પરંતુ હવે તેમણે ચીનની સંસ્કૃતિને અપનાવી છે તેમજ તેમની સાથે સામાજિક સંબંધો પણ બાંધ્યા છે. અહીં મુખ્યત્વે ચીની ભાષા બોલાય છે, તેમ છતાં પ્રાદેશિક ભાષા દ્વારા પણ શિક્ષણ અપાય છે. રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, તેમ છતાં હર્બિન ખાતે ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ રાજ્યને 13 જિલ્લાઓમાં વહેંચેલું છે. રાજ્યમાં 473 જેટલાં શહેરો આવેલાં છે.

હર્બિન આ રાજ્યનું પાટનગર છે. અહીં વસતા ખ્રિસ્તી લોકો માટે સેન્ટ સોફિયા ચર્ચ, ઑર્થોડૉક્સ ચર્ચ, રોમન કૅથલિક ચર્ચ તેમજ પ્રૉટેસ્ટંટ ચર્ચ આવેલાં છે. અહીં પ્રવર્તતી શિયાળાની લાંબી ઋતુને ધ્યાનમાં લઈને બરફની કલાકૃતિઓનું પ્રદર્શન પણ લગભગ દર વર્ષે યોજાય છે. 2007માં ભરાયેલું આ પ્રકારનું પ્રદર્શન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલું; તેમાં આશરે 2000 જેટલી કલાકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.

ઈ. સ. 1719થી 1721ના ગાળા દરમિયાન રશિયા સાથેની સીમા પર લાવાનાં પ્રસ્ફુટનોના અવરોધથી આમુર નદીની સહાયક શાખાઓમાં એકબીજા સાથે સંકળાયેલાં પાંચ સરોવરો નિર્માણ પામેલાં, જે વુડાલિયાન્ચી (Wudalianchi lakes) સરોવરો તરીકે ઓળખાય છે. અહીંનું જિંગ્બો (Jingbo) સરોવર પણ લાવા-પ્રસ્ફુટનની ક્રિયાથી બનેલું છે. મુદાન નદી પર આવેલો દિયાઓશુઇલોવ (Diaoshuilou) ધોધ અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. પાટનગર હર્બિનની વસ્તી 30,48,000 (2000) જેટલી છે.

નીતિન કોઠારી