હેમામાલિની (જ. 16 ઑક્ટોબર 1948, અમ્મનકુડી, ત્રિચી, તામિલનાડુ) : ભારતીય નૃત્યાંગના, અભિનેત્રી અને રાજકારણી. હિંદી ચલચિત્રજગતમાં વૈજયંતીમાલા પછી સૌથી વધુ સફળતા મેળવનાર દક્ષિણ ભારતીય અભિનેત્રી હેમામાલિનીની પહેલાં નૃત્યાંગના અને પછી અભિનેત્રીની કારકિર્દી ઘડવામાં તેમનાં માતા સ્વ. જયા ચક્રવર્તીનો બહુ મોટો ફાળો રહ્યો છે. હેમાએ માત્ર આઠ વર્ષની ઉંમરે પિતા વી. એસ. આર. ચક્રવર્તીની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેને કારણે બાળપણ આર્થિક અભાવો વચ્ચે વીત્યું હોઈ હેમા મૅટ્રિક સુધીનો અભ્યાસ પણ માંડ કરી શક્યાં હતાં. જોકે માતાએ ગમે તેવી આર્થિક સંકડામણો વચ્ચે પણ દીકરીને ખૂબ નાની ઉંમરથી નૃત્યની તાલીમ અપાવવા માંડી હતી. હેમાએ જાહેરમાં નૃત્યનો પહેલો કાર્યક્રમ રજૂ કર્યો ત્યારે તેમની ઉંમર માંડ બાર વર્ષની હતી. 14મા વર્ષે તેમણે પહેલી વાર એક તમિળ ચિત્ર ‘પાંડવવનવાસમ્’માં કામ કર્યું હતું. તેમાં હેમાનું માત્ર એક નૃત્ય જ હતું. એ પછી દિગ્દર્શક શ્રીધરે હેમાને પોતાના ચિત્રમાં લીધાં હતાં અને તેમણે હેમાનું નામ બદલીને સુજાતા રાખ્યું હતું, પણ એ ચિત્ર કદી બન્યું જ નહિ. હેમામાલિનીનું પહેલું હિંદી ચિત્ર રાજ કપૂર સાથે ‘સપનોં કા સૌદાગર’ હતું. ‘સપનોં કા સૌદાગર’થી જ હેમામાલિનીને તેમનાં સૌંદર્ય અને ભાવપ્રણવ આંખોને કારણે ‘ડ્રીમગર્લ’નું બિરુદ મળી ગયું હતું.

બેવડી ભૂમિકાવાળા તેમના અત્યંત સફળ ચિત્ર ‘સીતા ઔર ગીતા’ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો પ્રથમ ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો. 1975 સુધીમાં તેઓ હિંદી ચિત્રોમાં ટોચનાં નાયિકા બની ચૂક્યાં હતાં. ‘શોલે’ ચિત્રમાંનું બસંતીનું તેમનું પાત્ર સૌથી વધુ લોકપ્રિય બની ગયું છે. લગભગ એકસો જેટલાં ચિત્રોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવ્યા બાદ હેમામાલિનીએ ચરિત્ર ભૂમિકાઓમાં પણ કેટલાંક યાદગાર પાત્રો ભજવ્યાં છે. ‘દિલ આશના હૈ’ જેવા જુદી ભાત પાડતા ચિત્રનું નિર્માણ અને દિગ્દર્શન પણ તેમણે કર્યું. હેમાએ તેમના સમયના તમામ ટોચના અભિનેતાઓ સાથે કામ કર્યું, તેમાં ધર્મેન્દ્ર સાથે પડદા પર તેમની જોડી વધુ લોકપ્રિય બની હતી. ધર્મેન્દ્ર પરિણીત હોવા છતાં તેમની સાથે હેમામાલિનીએ 1979માં લગ્ન કર્યું. તેમની મોટી પુત્રી ઈશા દેઓલ પણ હિંદી ચિત્રોની અભિનેત્રી બની ચૂકી છે. નાની પુત્રી આહનાને અભિનય કરતાં લેખન અને દિગ્દર્શનમાં વધુ રુચિ છે. બંને પુત્રીઓને તેમણે નૃત્યની તાલીમ અપાવી છે અને ઘણી વાર આ ત્રણેય એકસાથે નૃત્યના કાર્યક્રમોમાં ભાગ લે છે.

હેમામાલિની

હેમાએ અભિનય કરવા સાથે નૃત્ય સાથેનો નાતો પણ હંમેશ જાળવી રાખ્યો છે. ‘દ્રૌપદી’ સહિતની તેમની નૃત્યનાટિકાઓનું મંચન દેશભરમાં તેઓ કરતાં રહે છે. 1990માં નૃત્ય પર આધારિત એક ટીવી સિરિયલ ‘નુપૂર’નું તેમણે દિગ્દર્શન કર્યું હતું અને તેમાં ભૂમિકા પણ ભજવી હતી. 1995માં ટીવી સિરિયલ ‘મોહિની’નું તેમણે નિર્માણ કર્યું હતું. 2003માં તેઓ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્ત થયાં હતાં અને 2004માં તેઓ રાજકીય પક્ષ ભારતીય જનતા પક્ષ સાથે જોડાયાં હતાં. 2000થી 2003 સુધી ચલચિત્રોને નાણાકીય સહાય આપતી સંસ્થા ‘રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ’(એનએફડીસી)નાં અધ્યક્ષા તરીકેની જવાબદારી પણ તેમણે વહન કરી હતી. 1999માં તેમને ફિલ્મફેરનો ‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ’ એનાયત થયો હતો. 1995માં ભારત સરકારે હેમાને ‘પદ્મશ્રી’નો ખિતાબ આપ્યો હતો.

નોંધપાત્ર ચિત્રો : ‘સપનોં કા સૌદાગર’ (1968); ‘જોની મેરા નામ’, ‘શરાફત’ (1970); ‘તેરે મેરે સપને’, ‘અંદાજ’, ‘પરાયા ધન’, ‘નયા ઝમાના’, ‘લાલ પત્થર’ (1971); ‘સીતા ઔર ગીતા’, ‘ભાઈ હો તો ઐસા’ (1972); ‘દુલ્હન’, ‘દોસ્ત’, ‘પ્રેમનગર’, ‘અમીર ગરીબ’ (1974); ‘શોલે’, ‘ખુશબૂ’, ‘સંન્યાસી’, ‘ધર્માત્મા’, ‘પ્રતિજ્ઞા’ (1975); ‘મેહબૂબા’ (1976); ‘સ્વામી’ (1976); ‘કિનારા’, ‘ડ્રીમ ગર્લ’ (1977); ‘મીરાં’ (1979); ‘નસીબ’, ‘ક્રાંતિ’, ‘કુદરત’, ‘મેરી આવાઝ સુનો’ (1981); ‘દેશપ્રેમી’ (1982); ‘રઝિયા સુલતાન’ (1983); ‘એક ચાદર મૈલી સી’ (1986); ‘રિહાઈ’ (1988); ‘લેકિન’ (1990); ‘બાગબાં’ (2003).

હરસુખ થાનકી