હેમાદ્રિ : આયુર્વેદિક ટીકાકાર. આયુર્વેદના પ્રાચીનતમ સાહિત્યમાં ‘બૃહદ્ત્રયી’ ગ્રંથોમાંના એક ‘અષ્ટાંગહૃદય’(લેખક : મહર્ષિ વાગ્ભટ્ટ)ના ગ્રંથ ઉપર હેમાદ્રિએ ‘આયુર્વેદ રસાયન’ નામની સુંદર ટીકા ઈ. સ. 1271થી 1309ની વચ્ચે લખી છે.

શ્રી હેમાદ્રિ દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખૂબ પ્રસિદ્ધ મહા પંડિત ગણાય છે; જેમણે ઉપર્યુક્ત ટીકા ઉપરાંત ‘ચતુર્વર્ગ ચિન્તામણિ’ નામનો બીજો એક સંસ્કૃત ગ્રંથ પણ લખેલો છે.

દક્ષિણ ભારતના દેવગિરિના પ્રબળ પ્રતાપી હિન્દુ સમ્રાટ યાદવરાજ મહાદેવ (ઈ. સ. 1260થી 1271) અને તેમના અનુયાયી યાદવ રાજા રામચંદ્ર(ઈ. સ. 1271થી 1309)ની રાજ્યસભાના હેમાદ્રિ મુખ્યમંત્રી, ન્યાયાધીશ અને પ્રધાન વૈદ્ય – એમ ત્રણ રાજકીય હોદ્દા ધરાવતા હતા. શ્રી હેમાદ્રિએ બીજા પણ ઘણા સંસ્કૃત ગ્રંથો લખ્યા છે.

હેમાદ્રિએ ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથની લખેલી ટીકા એમની વિદ્વત્તાની સૂચક અને અનેક ઉલ્લેખોથી ભરપૂર છે. તેમણે ટીકા લખવા ઉપરાંત ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના અધ્યાયોનો ક્રમ બદલીને જુદા જુદા સ્થાનના અધ્યાયોને પ્રકરણવાર સાથે લઈને ટીકા લખી છે. આવો ફેરફાર હેમાદ્રિએ પોતાના ‘સુખસંગ્રહ’ (નિજાનંદ) માટે કર્યો છે, એમ પોતે જ ટીકામાં નોંધ્યું છે.

હેમાદ્રિએ પોતાનું આત્મવૃત્ત (જીવનકથા) ‘ચતુર્વર્ગ ચિંતામણિ’ ગ્રંથના આરંભમાં લખ્યું છે.

દક્ષિણના બીજા સંસ્કૃત પંડિત વૈદ્યવર કેશવ કે જેમણે ‘સિદ્ધમંત્ર’ નામનો આયુર્વેદનો એક નિઘંટુ ગ્રંથ લખ્યો છે, જે મુંબઈમાં સંવત 1965માં પ્રકાશિત થયેલ છે. તે પોતે દેવગિરિના રાજા રામચંદ્ર યાદવની રાજસભાના (હેમાદ્રિના સમકાલીન) સભા-પંડિત હતા.

પંડિત હેમાદ્રિએ ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથોક્ત દાનવ્રતાદિની સિદ્ધિ માટે જરૂરી અને આરોગ્ય સ્થિર રાખવા માટે લખેલી ટીકા સંહિતાકારો હારિત, ચરક તથા સુશ્રુતાદિના ગ્રંથોના સિદ્ધાંતોને સંમત ટીકા ગણાય છે. આયુર્વેદના ગ્રંથોમાં તેની ટીકા ઉપયોગી ગણાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા