હેમગર્ભ પોટલી રસ (રસૌષધિ) : આયુર્વેદની રસ-ઔષધિ પ્રકારની એક વિશિષ્ટ ઔષધિ. તે રસવિજ્ઞાનના અમૂલ્ય ઔષધિરત્નોમાંનું એક ઉત્તમ રત્ન છે. આ એક જ નામની ઔષધિના વિવિધ રસગ્રંથોમાં તેમાં પડનારા દ્રવ્યોના પ્રકાર અને તેમની લેવાતી માત્રાની વિવિધતાને કારણે લગભગ 10થી પણ વધુ પ્રકાર જોવા મળે છે. એકલા ‘આર્યભિષક’ ગ્રંથમાં તેના 10 પ્રકાર આપેલા છે. અત્રે ‘રસતંત્રસાર અને સિદ્ધપ્રયોગસંગ્રહ’ ગ્રંથના પ્રથમ ખંડમાંથી મૂળ મરાઠી ગ્રંથ ‘ઔષધગુણધર્મશાસ્ત્ર’માંથી ઉદ્ધૃત પાઠ નીચે આપેલ છે :

ઔષધિના સંઘટકો : શુદ્ધ પારો 40 ગ્રામ, શુદ્ધ ગંધક 20 ગ્રામ, સુવર્ણભસ્મ 10 ગ્રામ, તામ્રભસ્મ 30 ગ્રામ અને સમીર પન્નગરસ 5 ગ્રામ લઈ, તે બધાંને ખરલમાં લઈ, તેમાં કુંવારપાઠાનો રસ ઉમેરતા જઈ 7 દિન સુધી રોજ દવા ખરલ કરી, તેની રેશમી કપડામાં સોગઠી બનાવી, તેને ગંધક રસમાં હાંડલીમાં લટકાવીને, ઉકાળ્યા પછી તે પોટલી બહાર કાઢી, સોગઠીઓને ગરમ પાણીથી ધોઈ લેવામાં આવે છે. ઘણી મોટી આયુર્વેદિક ફાર્મસીઓ આ દવા બનાવીને વેચે છે.

માત્રા : આ એક બહુ ઉગ્ર અને ઉષ્ણવીર્ય (ગરમ) રસ-ઔષધિ હોઈ, તેની માત્રા ખૂબ અલ્પ અપાય છે. આ દવા 15.5 મિગ્રા.થી શરૂ કરી વધુમાં વધુ 120 મિગ્રા. જેટલી નાની માત્રામાં આદુંના, તુલસીના કે નાગરવેલના પાનના રસ તથા મધ સાથે, દર્દીની (રોગની) સ્થિતિ મુજબ 2 કે તેથી વધુ વાર વૈદ્યની સલાહ અનુસાર જ અપાય છે.

ગુણધર્મ અને ઉપયોગ : આ વિશિષ્ટ કીમતી રસાયન ઔષધિની ખ્યાતિ અસાધ્ય અને મૃત્યુના મુખમાં પ્રવેશવા તત્પર દર્દીઓને થોડા કે વધુ સમય માટે જીવતદાન આપવા માટે છે. અંતકાળિયા વૈદ્યો આવી દવાના ઉપયોગથી મરતી વ્યક્તિને થોડી વાર ભાનમાં લાવી શકતા હતા. ખાસ કરી સંનિપાત કે ત્રિદોષ તાવની અંતિમ સ્થિતિમાં જ્યારે દર્દીની નાડી અને હૃદય સતત ડૂબતાં હોય, દર્દી બેભાન રહેતો હોય અને નાડીના ધબકારા સાવ ધીમા તથા અનિયમિત હોય; અંતિમ શ્વાસ ચાલતો હોય, શરીર સાવ ઠંડું પડી ગયું હોય, દર્દી સતત ઘેનમાં કે નિદ્રામાં રહેતો હોય, કપાળે અને શરીરે ઠંડો પરસેવો થતો હોય, આવી કફપ્રધાન સંનિપાતની સ્થિતિમાં કે શ્વસનક (ન્યૂમોનિયા) તાવની સ્થિતિમાં અથવા માર-ચોટ કે મસ્તિષ્કાવરણશોથ(meningitis)ની કે અન્ય અજ્ઞાત કારણોથી દર્દી બેહોશીમાં સતત રહેતો હોય તેવી તમામ સ્થિતિમાં આ ઔષધિ એક શીઘ્ર ફળદાયી દવા તરીકે કામ કરે છે; પરંતુ આવા ત્રિદોષ (સંનિપાત) જ્વરની પ્રાથમિક તથા બીજી અવસ્થામાં આ દવા વધુ ઉગ્ર હોઈ આપવામાં આવતી નથી. કદાચ અપાય તો તાવ વધી જાય, નાડી વેગથી ચાલે અને કોઈને મુખમાંથી લોહી પડે છે, માટે અનુભવી વૈદ્યો સિવાય નવા વૈદ્યો આ દવાના પ્રયોગથી દૂર રહે છે.

આ દવા ઋતુપરિવર્તનથી થનારા કૉલેરા કે અપચાથી થતા ઝાડાની ગંભીર સ્થિતિમાં તથા તમક-પ્રતમક, ઊર્ધ્વ અને મહાશ્વાસમાં, ખૂબ સાવચેતીપૂર્વક અલ્પ માત્રામાં વાપરવાથી સારું પરિણામ મળે છે. આ ઉપરાંત વાઇ, હિસ્ટીરિયા, સંન્યાસ જેવા વાત-કફપ્રધાન દર્દોમાં, ફેફસાંમાં પાણી ભરાવા (પ્લ્યુરસી) અને કુક્ષિશૂળ, પ્રસૂતાના તીવ્ર વાતપ્રકોપમાં કે પ્રસવમાં જરૂરી જોર ઓછું પડે અને નાડી ક્ષીણ (અલ્પબળ) ચાલે ત્યારે હેમગર્ભનો ઉપયોગ સારું પરિણામ આપે છે.

નોંધ : જે દર્દીને ખાસ જરૂર ન હોય તેને આ દવા આપવાથી, શરીરમાં ગરમી ખૂબ વધી જાય છે. તે વધુ માત્રામાં કે રોગની નવી અવસ્થામાં ન વાપરવી સલાહભર્યું છે. આ દવા આપ્યા પછી અન્ય કોઈ પણ દવાની ખાસ અસર થઈ શકતી નથી. આ દવાની અસર નાશ પામ્યા પછી જ બીજી દવા વાપરી શકાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા