હૅમ્લેટ પ્રિન્સ ઑફ ડેન્માર્ક (1601)

February, 2009

હૅમ્લેટ, પ્રિન્સ ઑફ ડેન્માર્ક (1601) : વિશ્વના મહાન અંગ્રેજ કવિ-નાટકકાર શેક્સપિયર(1564–1616)ની પ્રસિદ્ધ ટ્રૅજેડી (કરુણાંત નાટક). નાટકની રચના સર્જકના 1601થી 1608 વર્ષોનાં પરિપક્વ સર્જનકાળ દરમિયાન થઈ હતી; એ જ સમયગાળામાં ‘ઑથેલો’, ‘કિંગ લિયર’ અને ‘મૅકબેથ’ એ ત્રણ અન્ય મહાન કરુણાંત નાટકો પણ રચાયાં હતાં. ‘હૅમ્લેટ’ અતિ પ્રસિદ્ધ અને બહુચર્ચિત નાટક છે. શેક્સપિયરની આ ચારે ટ્રૅજેડીઓમાં પાત્રવિશેષની કથા કેન્દ્રમાં છે, પણ નાટકકારે એમાં માનવજાત વિશેની શાશ્વત વાણી ઉચ્ચારી છે. એ નાટકોમાં અનુભૂતિની ગહનતા સાથે માનવજીવનમાં રહેલ ટ્રૅજિક તત્વની  કરુણની  ઘેરી છાયા વ્યાપ્ત છે. મૂળ તો એક ડૅનિશ કથામાંથી શેક્સપિયરે ‘હૅમ્લેટ’ નાટકની સામગ્રી લીધી છે, પણ એ નાટ્યલેખકની અદભુત સર્જકતાથી એ સામગ્રીનું વિશ્વસાહિત્યની ભવ્ય ટ્રૅજેડીમાં રૂપાંતર થયું છે. નાટકકારે અપાર્થિવ એવી ભૂતસૃષ્ટિનો ‘મૅકબેથ’ની જેમ અહીં જે નાટ્યક્ષમ વિનિયોગ કર્યો છે, તે શેક્સપિયરનું ઉમેરણ છે. મૃત રાજવી હૅમ્લેટના પિતાના ભૂતનો ‘હૅમ્લેટ’ની રચનામાં ચોક્કસ હેતુ છે. એલિઝાબેથન યુગના લોકો ભૂતપ્રેતની વિશિષ્ટ શક્તિમાં તો રસ ધરાવતા હતા, પણ ‘હૅમ્લેટ’માં તે ભૂત દ્વારા જ રાજકુમાર હૅમ્લેટને બનેલી ઘટનાની વિગત મળે છે  ભૂત જાણે અપરાધીને સજા કરવા નિયતિએ મોકલેલ એજન્ટ બને છે. આરંભમાં જ આ મૃત રાજવી પિતાના ભૂત પાસેથી હૅમ્લેટને જાણ થાય છે કે પિતાનું મૃત્યુ એમના ભાઈ ક્લૉડિયસે કાનમાં રેડેલા ઝેરથી થયું છે, નહિ કે સર્પદંશથી. હૅમ્લેટની મા ગટર્રુડે પિતાના મૃત્યુ પછી બહુ થોડા જ સમયમાં રાજા બનેલા હૅમ્લેટના કાકા સાથે લગ્ન કરી લીધું હતું. એ હકીકતથી હૅમ્લેટ અત્યંત વિચલિત થયેલો જ હતો ત્યાં આ ભૂત દ્વારા બીજા તથ્યની જાણથી હૅમ્લેટના સંવેદનશીલ હૈયાને ભારે ચોટ લાગે છે. પ્રેતાત્માના ‘ખૂનનું વેર લેજે’ શબ્દોથી અસ્વસ્થ, વ્યાકુળ થયેલો હૅમ્લેટ એની પ્રેમિકા ઑફિલિયા પાસે સાન્ત્વના મેળવવા દોડી જાય છે, પણ ઑફિલિયાના પિતા પોલોનિયસ  મહેલના અધિકારી  અને ભાઈ લિયાર્ટિસ પાસેથી ઑફિલિયાએ હૅમ્લેટના પ્રેમમાં નહિ ફસાવાની વાત સાંભળેલી, એટલે તે ઠંડો પ્રતિભાવ આપી ગભરાઈને જતી રહે છે. માતા અને હવે પ્રેમિકા – બંનેની ચંચળતા – બેવફાઈ જોતાં હૅમ્લેટ હતપ્રભ થઈ જાય છે. લગભગ બહાવરા જેવા લાગતા હૅમ્લેટની શૂન્યમનસ્કતાથી ચિંતાતુર થયેલા રાજા અને રાણી હૅમ્લેટને આવી મન:સ્થિતિમાંથી બહાર લાવવા તેના મિત્રો રોઝેન ફ્રાંટ્સ અને ગિલ્ડન સ્ટર્ન દ્વારા નાટક ભજવવાની વાત કરાવે છે; પ્રસન્ન થયેલો હૅમ્લેટ દરબારમાં રાજારાણીની હાજરીમાં આ ઉપક્રમ ગોઠવાવે છે. હૅમ્લેટ તેના મનમાં જે અંદેશો છે તેની ચકાસણી કરવા એક દૃશ્ય આ નાટકમાં ગૂંથે છે. એ દૃશ્ય ભજવાતા નાટકમાં એક રાજાના કાનમાં ભત્રીજો ઝેરી રસ રેડતો બતાવવામાં આવે છે; એ જોતાં જ હૅમ્લેટના કાકા ક્લૉડિયસ ઊઠીને ચાલી જતાં હૅમ્લેટને ખાતરી થાય છે કે કાકા જ પિતાના ખૂની છે. વ્યથિત થયેલી માતા રાણી ગટર્રુડ હૅમ્લેટને મળવા બોલાવે છે, ત્યારે હૅમ્લેટ ક્લૉડિયસને ઈશ્વર-પ્રાર્થનામાં મગ્ન જુએ છે, એ સ્થિતિમાં હૅમ્લેટ વેર લેવા એની હત્યા કરવાનું વિચારે છે, પણ એનું હૈયું પાછું પડે છે. ‘વેર પછી ક્યારેક લઈશ’ એમ નક્કી કરી મા પાસે જાય છે. આક્રોશમાં તે માનો ભારે તિરસ્કાર કરે છે; પડદા પાછળ કશોક સંચાર થતાં પોતાની આ માનસિકતામાં હૅમ્લેટ ત્યાં તલવાર ઘોંચી દે છે, જેથી ત્યાં સંતાઈને ઊભેલા ઑફિલિયાના પિતા પોલોનિયસનું મૃત્યુ થાય છે. હૅમ્લેટને ત્યાં પિતાનું ભૂત દેખાય છે. એના આ વિચિત્ર વર્તનથી ગર્ટ્રુડને તે પાગલ જ થયો લાગે છે. બીજી તરફ આ ઘટનાઓથી છળી ઊઠેલો ક્લૉડિયસ – હૅમ્લેટના કાકા – એને ‘ઠેકાણે પાડી દેવા’ ઇંગ્લૅન્ડ મોકલી દે છે. હૅમ્લેટની અવજ્ઞાથી અને પિતા પોલોનિયસના ખૂનથી ચિત્તભ્રમિત થયેલી દશામાં ઑફિલિયા પાણીમાં ડૂબી મૃત્યુ પામે છે. રાજધાનીમાં પાછો ફરેલો હૅમ્લેટ અને લિયાર્ટિસ ઑફિલિયાની કબરમાં જ સ્થળકાળ વીસરી સામસામે આવે છે. ક્લૉડિયસ હેતુપૂર્વક દરબારમાં બે વચ્ચે દ્વંદ્વયુદ્ધનું આયોજન કરે છે, જે દરમિયાન ઝેર નાખેલી શરાબની પ્યાલી પી જતાં ગર્ટ્રુડનું, હૅમ્લેટની તલવારના મરણતોલ ઘાથી લિયાર્ટિસનું, ઝેર પાયેલી તલવારથી ક્લૉડિયસ તેમજ હૅમ્લેટનું મૃત્યુ થાય છે  – મંચ પર ચાર મૃતદેહો પડે છે. હૅમ્લેટનો મિત્ર હોરેશિયો હૅમ્લેટની સાચી કથા અને હેતુ કહેવા આ નિષ્ઠુર વિશ્વમાં પાછળ જીવતો રહે છે  – ઉદાત્તતા, વિદ્વત્તા, નૈતિકતા જેવાં લક્ષણો ધરાવતો ડેન્માર્કનો યુવાન રાજકુમાર હૅમ્લેટ વેર લેવાનું કાર્ય શી રીતે કરે છે તે આ નાટકની કેન્દ્રીય ઘટના છે. દૃશ્ય પછી દૃશ્યમાં આપણે એનાં મનોમંથનો સ્વગતોક્તિઓ સાંભળીએ છીએ, પણ એ કોઈ નિર્ણય લઈ શકતો નથી; એના વિચારો આંદોલિત થતા રહે છે, જે અકાર્યમાં પરિણમે છે અને વિલંબની સ્થિતિઓ સરજાતી જાય છે; એક સમયે ત્રીજા અંકમાં પ્રાર્થનારત ક્લૉડિયસને જોઈને તો વેરની વાત પડતી મૂકે છે  અને દ્વંદ્વયુદ્ધમાં થતું ક્લૉડિયસનું મૃત્યુ તો આકસ્મિક ઘટના છે. વાસ્તવમાં હૅમ્લેટના સ્વભાવમાં જ કોઈ પગલું લેવાનું, કાર્યરત થવાનું વલણ નથી. એક સ્થળે એ જ કહે છે :

The time is out of joint. O cursed spite,

That ever I was born to set it right.

(Act I, Sc. V)

નાયક હૅમ્લેટને માથે જે જવાબદારીનો ભાર છે તેને તે પોતાના વ્યક્તિત્વની મર્યાદાને કારણે (hamartia) કાર્યમાં પરિણત કરી શકતો નથી. એની ઉદાત્તતા જે વ્યવહારના જીવનમાં મર્યાદા બને છે એને કારણે તે જગતમાં વ્યાપ્ત દુરિત (evil) સામે દેખીતી રીતે નિષ્ફળ જાય છે. આ છે ટ્રેજિક તત્વ, અને એ માનવઅંતરનું ટ્રેજિક તત્વ છે. ‘ઑથેલો’, ‘કિંગ લિયર’, ‘મૅકબેથ’માં પણ આ મુખ્ય પાત્રોની કરુણાંતિકા આવી જ કોઈ જે તે પાત્રના વ્યક્તિત્વની મર્યાદામાંથી ઉદભવે છે. ‘શેક્સપિરિયન ટ્રેજેડી’નું આ હાર્દ છે. સતનો વિજય અને અસતનો વિનાશ એવા બોધનો હેતુ, અથવા તો જે poetic justice – કવિન્યાય – કહીએ એવો ઉદ્દેશ પણ આ રચનાઓમાં નાટકકારે બતાવ્યો નથી.

હૅમ્લેટના સંકુલ વ્યક્તિત્વના આલેખન સમક્ષ નાટકનાં અન્ય પાત્રો લગભગ ગૌણ બની રહે છે. ઑફિલિયાએ હૅમ્લેટની આરંભમાં દેખાતી ગાંડપણની સ્થિતિ વખતે ઉચ્ચારેલા શબ્દો હૅમ્લેટના વ્યક્તિત્વનાં પાસાંઓને ખોલી આપે છે :

O, what a noble mind is here o’erthrown ! The courtier’s, scholar’s, soldier’s eye, tongue, sword; ક્લૉડિયસ પણ કબૂલે છે કે હૅમ્લેટ ‘most generous and free from contriving’ છે. હૅમ્લેટ સંજોગોથી ભ્રમિત થયો છે, તેમ છતાં આપણે જોઈએ છીએ કે તેનું પાગલપણું ‘assumed’ છે, એ પાગલપણામાં પણ એક ‘method’ છે.

શેક્સપિયરે સર્જેલાં નારીપાત્રોમાં ઑફિલિયા, ડેસ્ડિમોના કે જુલિયેટ – એમનાં જીવનમાં પ્રેમ પ્રકટે ન પ્રકટે ત્યાં તો તે બુઝાઈ જાય છે. ઑફિલિયાની છબી એક ગભરુ તરુણીની છે; તે એટલી કોમળ અને સાચુકલી સુંદરી છે કે દુનિયાની આંટીઘૂંટીઓનો તે શિકાર બને છે. અલબત્ત, હૅમ્લેટ પ્રત્યેના પ્રેમ સંબંધે એની માનસિક નબળાઈ ટ્રૅજેડીને ધપાવવાનું પરિબળ બને છે. જ્યારે હૅમ્લેટને ઑફિલિયાના સાથ-સહાનુભૂતિની તીવ્ર જરૂર છે ત્યારે આ તરુણી ભાઈ અને પિતાનાં વચનોથી દોરવાઈ હૅમ્લેટને સાથ આપી શકતી નથી, ઇમોજન જેવી દૃઢતા એનામાં નથી, અને નસીબનાં વંટોળમાં તે ખેંચાઈ જાય છે : હૅમ્લેટ કહે છે તેમ ‘there’s a divinity that shapes our ends’ (V, ii)

‘The Mouse Trap’ કહેવાય છે તે ‘play within play’ની નાટ્યોચિત પ્રભાવકતા છે. શેક્સપિયરનું પોતાનું આ ઉમેરણ હૅમ્લેટને કાકા ક્લૉડિયસના અપરાધની ચકાસણીમાં ઉપકારક છે. એમાં આવતાં હૅમ્લેટ અને અન્ય નટોનાં વક્તવ્યો તે સમયની નાટ્યકલાની – એની પદ્ધતિઓ તેમજ બીજી નબળી કડીઓની શેક્સપિયરની અભિવ્યક્તિ તો છે, પણ હૅમ્લેટ જણાવે છે તેમ

…. the play’s the thing

Wherein I’ll catch the conscience of the king…..

(II, ii)

તે સાથે હૅમ્લેટની વિલંબ (delay) કરવાની લાક્ષણિકતાને પ્રકટ કરે છે. ‘mouse trap’ સંદર્ભનાં દૃશ્યો તેમજ હૅમ્લેટની ઇંગ્લૅન્ડ તરફની મુસાફરીનાં દૃશ્યો ‘હૅમ્લેટ’ નાટકનાં કાર્યને કે કથાવસ્તુને માટે કશું કાર્યશીલ બનતું નથી. એ દ્વારા હૅમ્લેટની અનિર્ણયાત્મકતા, અ-કર્મણ્યતાની સ્વભાવની લાક્ષણિકતાને ધાર મળે છે, એ રીતે પણ નાટ્યક્ષમ બને છે. આ રીતે The ‘grave-digger scene’ પણ એક આડકથા છે, પણ શેક્સપિયર જીવનમાં રહેલાં હાસ્ય-આનંદ તેમજ દર્દ-દુ:ખ બંનેની વાત કરવા આ દૃશ્યમાં હાસ્યરસને કેન્દ્રમાં રાખે છે અને અંતિમ કરુણ દૃશ્ય આવતાં પહેલાં પ્રેક્ષકોને થોડા ઉલ્લાસની ક્ષણોમાં લઈ જાય છે, જેને આપણે comic relief કહીએ. હૅમ્લેટ નાટકમાં ઘણીબધી એવી ઉદગારાત્મક પંક્તિઓ છે, જે કહેવતો જેવી સર્વજનીન બની છે અને સામાન્ય વ્યવહારમાં પણ વારંવાર પ્રયોજાય છે. અલ્પ સમયમાં જ માતાએ કરેલા પુનર્લગ્નથી ડઘાઈ ગયેલા હૅમ્લેટનો સમગ્ર સ્ત્રીજાતિ માટેનો આ ઉદગાર : ‘‘Frailty, thy name is woman.’’ પિતા પોલોનિયસ વિદેશ જતા પુત્ર લિયાર્ટિસને સલાહ આપે છે : ‘Give everyman thine ear, but few thy voice’, તો ભૂત દેખાવાની વાતથી હૅમ્લેટ ‘all is not well, I doubt some foul play’ અથવા તો માર્સેલસ કહે છે : ‘something is rotten in the state of Denmark’. પોતા સાથે જ સંઘર્ષ કરી રહેલા હૅમ્લેટની જાણીતી સ્વગતોક્તિમાં ‘To be or not to be; that is the question’  સતત અનિર્ણયની સ્થિતિમાં રહેલા હૅમ્લેટનો ઉદગાર છે અને મૃત્યુ નજીકની અંતિમ ક્ષણે હૉરેશિયોને હૅમ્લેટ કહે છે : ‘the rest is silence’, જેના વિશે સાહિત્યમાં ઘણો વિમર્શ થયો છે.

ટી. એસ. ઍલિયટે પોતાની રચનારીતિ અને શિલ્પવિધાનના સંદર્ભે ભલે ‘હૅમ્લેટ’ને શેક્સપિયરનું એક નિષ્ફળ નાટક ગણાવ્યું હોય, પણ ‘હૅમ્લેટ’ વિશ્વસાહિત્યની એક અમર કૃતિ બની રહી છે.

અનિલા દલાલ