હૅન્ગઝોઉ : ચીનના ઝેઝિયાંગ પ્રાંતનું પાટનગર, બંદર તથા પ્રવાસી-મથક. ભૌગોલિક સ્થાન : 30° 15´ ઉ. અ. અને 120° 10´ પૂ. રે.. તેને હૅન્ગચોઉ કે હૅન્ગચોવ પણ કહે છે. તે શાંગહાઈથી નૈર્ઋત્યમાં આશરે 160 કિમી. અંતરે હૅન્ગઝોઉ ઉપસાગર પર આવેલું છે.

હૅન્ગઝોઉની નજીકમાં આવેલા, ખૂબ જ જાણીતા બનેલા, કિસ હુ નામના રમણીય સરોવરને જોવા માટે ઘણા પ્રવાસીઓ આવે છે. તેના કાંઠા પર તેમજ ચાર બેટ પર બાગ, બાવલાં અને મંદિરો પણ છે. અહીંના ઉદ્યોગોમાં રસાયણો, વીજાણુ સાધનસામગ્રી, લોખંડ-પોલાદ, ચા, શણ તથા રેશમનો સમાવેશ થાય છે.

શરૂઆતમાં હૅન્ગઝોઉ માછીમારોનું એક નાનકડું ગામ હતું. છઠ્ઠી સદી દરમિયાન, તે વેપારી-મથક બન્યું, તે પછીથી તેનો ઝડપથી વિકાસ થતો ગયો. 1127થી 1278 દરમિયાન તે જ્યારે શુંગ વંશના શહેનશાહોના શાસન હેઠળ હતું ત્યારે તેને પાટનગર બનાવાયેલું. તેરમી સદીમાં તે દુનિયાભરમાં મોટામાં મોટું શહેર ગણાતું હતું. 1850–1864 દરમિયાન થયેલા તાઇપિંગના બળવા વખતે આ શહેર ઘણા મોટા પ્રમાણમાં તારાજ થયેલું; પરંતુ પછીથી તેનું પુનર્નિર્માણ થયેલું. 1937થી 1945 સુધી, બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી, તે જાપાનના કબજામાં હતું. 1949માં ચીને તેનો કબજો મેળવ્યો. પછીથી તે ઝડપભેર વિકસ્યું છે. 2000 મુજબ તેની વસ્તી 24 લાખ 50 હજાર જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા