હૃદય : લોહીના પરિભ્રમણ માટે શરીરમાં સ્વયંસંચાલિત પંપનું કાર્ય કરતું અંગ. તમામ પૃષ્ઠવંશી પ્રાણીઓ (મનુષ્ય સહિત) અને ઉત્કૃષ્ટ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં (higher invertebrates) રુધિરના પરિભ્રમણ માટે વિવિધ રચના ધરાવતાં હૃદય જોવા મળે છે. તદ્દન સાદી રચના ધરાવતું હૃદય માંસલ દીવાલો ધરાવતું સ્પંદનશીલ નલિકા જેવું હોય છે. અળસિયા કે રેતીકીડા જેવાં પ્રાણીઓમાં આવાં હૃદય જોવા મળે છે. મૃદુકાય સમુદાયનાં પ્રાણીઓમાં હૃદય બે કોટરો ધરાવતું માંસલ નલિકા જેવું હોય છે. આમાં ઉપરના કોટરને અલિંદ કે કર્ણક કહે છે અને નીચેના (પાછળના) કોટરને નિલય કે ક્ષેપક કહે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં માછલીથી મનુષ્ય સુધીના હૃદયની રચનામાં ઉત્તરોત્તર જટિલતા વધતી જોવા મળે છે. માછલીનું હૃદય બે ખંડોવાળું છે, જેમાં અગ્રખંડને અલિંદ કહે છે. અલિંદની સંકોચનક્રિયાથી લોહી શરીરના વિવિધ ભાગોમાં જાય છે અને વિવિધ અંગોમાંથી ભેગું કરેલું લોહી નિલયમાં આવે છે. અલિંદ-નિલય વચ્ચે વાલ્વ હોય છે; જેથી નિલયના સંકોચનથી લોહી અલિંદમાં પ્રવેશી શકે છે; પરંતુ અલિંદના સંકોચનથી લોહી નિલયમાં પાછું ફરી શકતું નથી.
વિવિધ પ્રાણીઓનાં હૃદય
ઉભયજીવી (ઉદા. દેડકો) અને સરીસૃપ (ઉદા. કાચિંડો) પ્રાણીઓમાં હૃદય ત્રિખંડીય હોય છે. ઉપર તરફ (અગ્ર છેડે) બે ખાનાંવાળું અલિંદ અને નીચે તરફ (પશ્ચ છેડે) એક ખાનાવાળું નિલય હોય છે. આવી રચનાવાળા હૃદયમાં અગ્ર અને પશ્ચ મહાશિરાઓ મારફત આખા શરીરનું અશુદ્ધ લોહી જમણા અલિંદમાં આવે છે અને જમણા અલિંદમાંથી નિલયમાં ઠલવાય છે. ડાબા અલિંદમાં ફેફસાંમાંથી શુદ્ધ થયેલું લોહી આવે છે અને ત્યાંથી નિલયમાં ઠલવાય છે. એક જ ખાનાવાળા નિલયમાં તેની અંદરની ખાંચોમાં શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ લોહી ભેગું થાય છે. નિલયના ક્રમિક સ્પંદનથી લોહી ધમનીકાંડમાં પ્રવેશે છે. ધમનીકાંડમાં એક ઊભો કુંતલાકાર વાલ્વ હોય છે. આ વાલ્વને કારણે નિલયના ક્રમિક સંકોચનથી પ્રથમ હપ્તે શુદ્ધ લોહી મગજ અને શીર્ષના ભાગમાં જાય છે, બીજા હપ્તે મિશ્ર લોહી દૈહિક કમાન વાટે શરીરના ભાગોમાં વિતરિત થાય છે. ત્રીજા તબક્કે અશુદ્ધ લોહી શુદ્ધીકરણ માટે ફેફસાંમાં જાય છે. નિલયની ખાંચોમાં ઊભરાતું લોહી મોટે ભાગે શુદ્ધ-અશુદ્ધ લોહીનું મિશ્રણ જ હોય છે અને તે જ આખા શરીરમાં હૃદયનાં સ્પંદનોથી પહોંચાડવામાં આવે છે. સરીસૃપોમાં માત્ર મગરના હૃદયની રચનામાં નિલયના અંશત: બે ભાગ બને છે અને તેથી તેમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી અલગ રાખવાની રચના છે. તેથી જ સરીસૃપોમાં મગરનું હૃદય અપવાદરૂપ ચાર ખંડોવાળું જોવા મળે છે.
વિહગ અને સસ્તન પ્રાણીઓમાં હૃદય ચાર પૂર્ણ ખંડોનું બનેલું હોય છે અને તેથી તેમાં શુદ્ધ અને અશુદ્ધ લોહીનું મિશ્રણ થવાનો અવકાશ રહેતો નથી. મનુષ્ય સહિત આ પ્રાણીઓના હૃદયની આંતરિક રચનામાં વિશેષ તફાવત હોતો નથી. માત્ર જમણા નિલયમાંથી ઉદભવતો ધમનીકાંડ સસ્તન પ્રાણીઓમાં ડાબી બાજુએ વળાંક લઈ શરીરના વિવિધ ભાગોને લોહી પૂરું પાડે છે. વિહગમાં આ ધમનીકાંડ જમણી બાજુએ વળે છે. ઉભયજીવી અને સરીસૃપોમાં ધમનીકાંડ બંને બાજુ ફંટાય છે અને ધમની કમાન બનાવે છે. મનુષ્યના હૃદયની રચના અને પરિભ્રમણક્રિયા આ મુજબ છે :
માનવહૃદયનું પરિભ્રમણ
માનવહૃદય ચાર ખંડોનું બનેલું છે, જેમાં બે અલિંદ (કર્ણક) અને બે નિલય (ક્ષેપક) છે. માનવમાં રુધિર બે વખત સંપૂર્ણપણે હૃદયમાંથી પસાર થાય છે. આ ઉપરાંત હૃદયમાં શુદ્ધ અને અશુદ્ધ રુધિરનું મિશ્રણ થતું નથી. માનવહૃદયનું કદ તેની મુઠ્ઠી જેવડું હોય છે. હૃદયની દીવાલ ત્રણ સ્તરની બનેલી હોય છે, જેમાં બહારની તરફનું આવરણ તે એપીકાર્ડિયમ છે. માયોકાર્ડિયમ મધ્યમાં આવેલું સ્તર છે અને સૌથી અંદરનું સ્તર એન્ડોકાર્ડિયમ તરીકે ઓળખાય છે અને આ સ્તર રુધિરના સંપર્કમાં આવે છે. માનવહૃદયના ઉપરના ડાબા અને જમણા બે ખંડો કર્ણક તરીકે ઓળખાય છે; જ્યારે નીચે આવેલા ખંડો અનુક્રમે ડાબા અને જમણા ક્ષેપક તરીકે ઓળખાય છે. બંને કર્ણકના ખંડો એકબીજાથી પાતળા આંતર કર્ણક પટલથી છૂટા પડે છે. માનવમાં અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં અગ્ર મહાશિરા અને પશ્ચ મહાશિરા દ્વારા દાખલ થાય છે. આ મહાશિરાના છિદ્ર પાસે જમણા કર્ણકની દીવાલમાં રૂપાંતરિત હૃદ્-સ્નાયુની બનેલી સાન્યુએટ્રિયલ નોડ (એસ. એ. નોડ) આવેલી છે. બીજા રૂપાંતરિત હૃદ્-સ્નાયુની બનેલી એટ્રિયો-વેન્ટિક્યુલર નૉડ(એ.વી. નૉડ)નું સ્થાન હૃદયના જમણા ખંડની નીચે આંતર કર્ણક પટલ પાસે આવેલું છે. ડાબા અલિંદમાંથી પ્રાણવાયુયુક્ત રુધિર (શુદ્ધ રુધિર) ચાર ફુપ્ફુસ શિરામાં દાખલ થાય છે. ત્રિદલ વાલ્વ દ્વારા જમણું કર્ણક, જમણા ક્ષેપકથી છૂટું પડે છે; જ્યારે દ્વિદલ વાલ્વ દ્વારા ડાબું કર્ણક ડાબા ક્ષેપકથી છૂટું પડે છે. બંને ક્ષેપક એકબીજાંથી જાડાં આંતર ક્ષેપક પટલ દ્વારા છૂટાં પડે છે. ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિરનું વહન ધમનીકાંડમાં થાય છે, જે શરીરની સૌથી મોટી ધમની છે. આ ધમનીકાંડના પ્રવેશદ્વાર પાસે ત્રણ અર્ધચંદ્રાકાર વાલ્વ રુધિરના એકમાર્ગીય વહન માટે આવેલા છે. જમણા ક્ષેપકમાં આવેલું અશુદ્ધ રુધિર ફેફસામાં ફુપ્ફુસ ધમની દ્વારા દાખલ થાય છે. ફુપ્ફુસ ધમનીના પ્રવેશદ્વાર પાસે ત્રણ અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા છે. આ વાલ્વની હાજરીને લીધે રુધિર પાછું ધકેલાતું અટકે છે. માનવના 70 વર્ષના જીવનકાળ દરમિયાન લગભગ 2,70,00,00,000 વાર હૃદયનું સ્પંદન થાય છે.
મનુષ્યનું હૃદય 340 ગ્રામ વજન ધરાવે છે. તે 15 સેમી. લાંબું અને 10 સેમી. પહોળું હોય છે. ચાર ખંડોવાળું હૃદય વાસ્તવિક રીતે જોતાં બે પંપ છે. તેના દ્વારા દરરોજ 15,100 લિટર લોહી રુધિરવાહિનીઓમાં 90,000 કિમી. જેટલી લંબાઈનું પરિભ્રમણ કરે છે. હૃદયના સ્નાયુઓ શરીરના કોઈ પણ સ્નાયુ કરતાં વિશેષ સશક્ત છે. દોડનારા રમતવીરના પગના સ્નાયુઓ કરતાં હૃદ્-સ્નાયુની શક્તિ બેવડી હોય છે. મનુષ્યની જિંદગી દરમિયાન 3,00,000 ટન લોહી હૃદયના પંપથી પરિભ્રમણ પામે છે. હૃદય કદમાં શરીરના 200મા ભાગનું છે; પરંતુ તેને ભ્રમણ પામતા લોહીનો મો ભાગ પોષણ માટે જરૂરી છે. હૃદય તેમાંથી પસાર થતા લોહીમાંથી બારોબાર પોષણ મેળવતું નથી; પરંતુ તે હૃદય ઉપર આવેલી કૉરોનરી આર્ટરી (ધમની) મારફત પોષણ મેળવે છે. આ ધમનીમાં લોહીની રુકાવટ થતાં ‘હાર્ટ-ઍટેક’નો હુમલો થાય છે. ચરબીયુક્ત ખોરાક વિશેષ ખાવાથી ધમનીઓની દીવાલોમાં કૉલેસ્ટેરોલનો જમાવ થતાં રુધિર પ્રવાહ અટવાઈ જાય છે અને પરિણામે હાર્ટ-ઍટેકની સંભાવના વધી જાય છે. અતિશય વજનવધારાથી પણ હૃદય ઉપર દબાણ વધે છે અને હૃદયની તકલીફો વધે છે. ધૂમ્રપાનથી પણ ધમનીઓ સંકોચાય છે અને રુધિર-દાબ(blood-pressure)માં વધારો થાય છે.
યોગેશ મ. દલાલ
રા. ય. ગુપ્તે