હિપોપૉટેમસ (Hippopotamus) : જમીન ઉપરનું ત્રીજા નંબરનું વજનદાર જીવંત સ્થળચર પ્રાણી. ‘હિપોપૉટેમસ’ શબ્દનો અર્થ છે – ‘નદીનો ઘોડો’. તે પોતાનો મોટા ભાગનો સમય પાણીમાં ગાળે છે. તે પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકાની નદીઓ અને સરોવરોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. તેનું શરીર ગોળ બેરલ (પીપ) જેવું હોય છે અને શીર્ષ ભારે વજનદાર હોય છે, તેની સાપેક્ષમાં તેના પગ ટૂંકા જણાય છે. તે ‘નદીનો ઘોડો’ કહેવાય છે; પરંતુ તે ખરેખર ભૂંડ (pig) સમૂહને મળતું પ્રાણી છે. વર્ગીકરણમાં તે મેરુદંડી સમુદાયના સસ્તનવર્ગની શ્રેણી આર્ટિયોડેક્ટિલા અને કુળ હિપોપૉટેમીડીનું પ્રાણી છે. તેમાં બે પ્રકારના હિપોપૉટેમસ છે.
દા. ત., હિપોપૉટેમસ એમ્ફ્રિબિયસ નદીનો, અને પિગ્મિ હિપોપૉટેમસ લાયબેરન્સીસ અથવા કોઇરોપ્સીસ લાયબેરન્સીસ.

હિપોપૉટેમસ

હિપોપૉટેમસની શીર્ષ સહિતની લંબાઈ 4.6 મીટર જેટલી અને વજન આશરે 2500 કિલોગ્રામ જેટલું હોઈ શકે છે. તેમ છતાં તે ઝડપથી દોડી શકે છે. શીર્ષ પર આવેલાં ત્રણેય સંવેદી અંગો (આંખ, કાન, નાક) સુવિકસિત હોય છે. આથી પાણીમાં સંતાયેલા રહીને પણ તે જોઈ શકે છે અને શ્વાસોચ્છવાસ લઈ શકે છે. તેની ત્વચામાં આવેલી ગ્રંથિઓ લાલ રંગના પ્રવાહીનો સ્રાવ કરતી હોવાથી ત્વચા ભીની રહે છે. તેનો રંગ ગુલાબી અથવા ઘેરો બદામી હોય છે. તેની ‘આલ્બીનો’ વેરાયટી પણ ક્વચિત્ જોવા મળે છે. શરીર પર વાળનું આચ્છાદન જોવા મળતું નથી. તેના મજબૂત છેદક અને રાક્ષસી દાંત રક્ષણ તેમજ ખોદવામાં ઉપયોગી બને છે. પાણીમાં તે 5થી 6 મિનિટ સુધી ડૂબકી મારી રહી શકે છે.

દિવસ દરમિયાન પાણીમાં રહેતું આ પ્રાણી રાત્રિના સમયે જમીન પર ઘાસચારા માટે આવે છે. આમ તે ઉભય જીવન જીવી શકતું હોવાથી તેની જાતિ ‘ઍમ્ફિબિયસ’ તરીકે ઓળખાય છે. હિપોપૉટેમસ ચપળતાથી તરી શકે છે તેમજ ડૂબકી મારી શકે છે. તેની નાના કદની જાતિ કોઇરોપ્સીસ લિબેરિયેન્સિસ (choeropsis liberiensis) માત્ર 2´ની ઊંચાઈ ધરાવે છે ! અને વજન 160થી 270 કિગ્રા. ધરાવે છે.

આ પ્રાણી મોટા ભાગે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. માદાઓ બચ્ચાંઓના આ જૂથની દેખભાળ સુંદર રીતે કરે છે. બચ્ચાં ક્યારેક માતાની પીઠ પર સવારી કરતાં દેખાય છે, જે મગરોથી રક્ષણ મેળવવા માટેનું અનુકૂલન હોઈ શકે !

હિપોપૉટેમસમાં સીમાવિસ્તાર માટે આક્રમક વલણ જોવા મળે છે. આવું દ્વંદ્વ પાણીમાં કે કાંઠા પર અવારનવાર શરૂ થાય છે. જેની શરૂઆત ‘બગાસા’ ખાવાની ક્રિયાથી થાય છે અને જો પ્રતિસ્પર્ધક માથું નમાવે, તો દ્વંદ્વની શરૂઆત થાય છે. રાક્ષી દાંતની મદદથી તેઓ એકબીજા સાથે દ્વંદ્વ કરે છે.

હિપોપૉટેમસ માદા પ્રજનન બાદ સામાન્ય રીતે 1 બચ્ચાને જન્મ આપે છે. તેનો ગર્ભાવધિકાળ આશરે 8 માસનો હોય છે. જન્મ સમયે બચ્ચાનું વજન 50 કિગ્રા. જેટલું હોય છે અને 1 વર્ષ સુધી માતાનું ધાવણ ધાવે છે. પ્રજનનક્રિયા પાણીની અંદર જોવા મળે છે. પાંચ-છ વર્ષ બાદ તે પુખ્ત બને છે. તેનું આયુષ્ય 30 વર્ષનું હોય છે. ઝૂમાં 50 વર્ષ સુધી જીવી શકે છે.

દિલીપ શુક્લ