હાન, ઓટ્ટો (Haan, Otto) (જ. 8 માર્ચ 1879, ફ્રૅન્કફર્ટ, એમ મેઇન, જર્મની; અ. 28 જુલાઈ 1968, ગોટિંજન, જર્મની) : નાભિકીય વિખંડન(nuclear fission)ના શોધક અને 1944ના નોબેલ પુરસ્કાર-વિજેતા જર્મન ભૌતિક-રસાયણવિદ. કાચ જડનાર(glazier)ના પુત્ર. તેમનાં માતાપિતા તેઓ સ્થપતિ બને તેમ ઇચ્છતાં હતાં; પણ તેમણે યુનિવર્સિટી ઑવ્ મારબુર્ગમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને 1901માં પીએચ.ડી. પદવી મેળવી. એક વર્ષ લશ્કરમાં સેવાઓ આપ્યા બાદ તેઓ રસાયણશાસ્ત્રના સહાયક વ્યાખ્યાતા તરીકે યુનિવર્સિટીમાં પાછા આવ્યા.

ઓટ્ટો હાન

1904માં તેઓ અંગ્રેજીના અભ્યાસ માટે લંડન ગયા પણ ત્યાંની યુનિવર્સિટી-કૉલેજમાં સર વિલિયમ રામ્સે(N.L.)ના માર્ગદર્શનથી વિકિરણધર્મીરસાયણ (radiochemistry) તરફ વળ્યા. રામ્સેએ તેમને રેડિયમની એક અપરિષ્કૃત બનાવટ શુદ્ધ કરવાનું કામ સોંપ્યું. આમ કરતાં હાને દર્શાવ્યું કે તેમાં એક નવો વિકિરણધર્મી (radioactive) પદાર્થ, રેડિયોથોરિયમ હાજર હતો. પોતાની આ શોધથી ઉત્તેજિત થઈ હાને ઉદ્યોગમાં જવાને બદલે વિકિરણધર્મિતા (radioactivity) પર સંશોધન શરૂ કર્યું. રામ્સેની સહાયથી તેમને યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં નિમણૂક મળી; પણ જોડાતાં પહેલાં હાને મૉન્ટ્રિયલ (કૅનેડા) ખાતે અર્નેસ્ટ રધરફૉર્ડ (N.L.) સાથે કેટલાક મહિના ગાળી વિકિરણધર્મી રસાયણમાં વધુ અનુભવ લેવાનું પસંદ કર્યું.

1906માં તેઓ જર્મની પાછા આવ્યા તે પછી ટૂંક સમયમાં જ તેમની સાથે ઑસ્ટ્રિયામાં જન્મેલા ભૌતિકવિજ્ઞાની લાઇઝ મીટનર જોડાયા. (બંને વચ્ચેની સંશોધન-ભાગીદારી 30 વર્ષ સુધી ચાલુ રહી હતી.) પાંચ વર્ષ બાદ બંને બર્લિન-દહલેમના કૈસર વિલિયમ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કેમિસ્ટ્રીમાં જોડાયા. જ્યાં હાન નાના પણ સ્વતંત્ર એવા રેડિયોકેમિસ્ટ્રી વિભાગના વડા બન્યા.

હવે પોતાનું ભાવિ સુરક્ષિત છે એમ માનીને હાને 1913માં સ્ટેટિન સિટી કાઉન્સિલના ચૅરમૅનનાં પુત્રી એડિથ જુઘાન્સ સાથે લગ્ન કર્યું; પણ એક વર્ષ બાદ પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં હાનને એક રેજિમેન્ટમાં નિમણૂક આપવામાં આવી. 1915માં તેઓ રાસાયણિક યુદ્ધ(chemical warfare)માં નિષ્ણાત બન્યા અને બધા યુરોપિયન મોરચા ઉપર સેવાઓ આપી.

પ્રથમ વિશ્વયુદ્ધ બાદ હાન અને મીટનરે તે સમયે નવા શોધાયેલા વિકિરણધર્મી તત્વ, પ્રોટેક્ટિનિયમનો એક સમસ્થાનિક પ્રોટેક્ટિનિયમ–231 શોધી કાઢ્યો. આ સમયે કુદરતી રીતે વિકિરણધર્મી એવાં બધાં તત્વો શોધાઈ ચૂક્યાં હોઈ હાને પછીનાં 12 વર્ષ રાસાયણિક કોયડાઓના ઉકેલમાં વિકિરણધર્મી પદ્ધતિઓના ઉપયોગમાં ગાળ્યાં.

પોતાના સંશોધનકાર્ય દરમિયાન યુરેનિયમનું ધીમા ન્યૂટ્રૉન વડે પ્રતાડન (bombardment) કરતાં તેની વર્તણૂકથી હાન મુગ્ધ થયા. તેમણે માન્યું કે પ્રક્રિયા ન્યૂટ્રૉન-પ્રગ્રહણ પ્રકારની હશે. હાન અને મીટનરે સંશોધન આગળ ધપાવ્યું અને તારણ કાઢ્યું કે યુરેનિયમનું પ્રતાડન કરતાં ખરેખર નવા તત્વના પરમાણુઓ બને છે.

1938માં હાનની સાથે ફ્રિટ્ઝ સ્ટ્રાસમૅન જોડાયા. બંનેએ પ્રથમ તો માન્યું કે પ્રક્રિયા દરમિયાન રેડિયમનો સમસ્થાનિક બનતો હશે; પણ પ્રયોગો તેમ બતાવતા ન હતા. ખરેખર તો બેરિયમનો વિકિરણધર્મી સમસ્થાનિક બનતો હોવાનું જણાયું. હાને માન્યું કે કોઈ અવનવી ઘટના બનતી હોવી જોઈએ. આ વિધિની સમજૂતી તો જ આપી શકાય કે જો એમ માનવામાં આવે કે યુરેનિયમ જેવા ભારે તત્વનો પરમાણુ વિખંડિત થઈ હલકા પરમાણુઓના નાભિકો ઉત્પન્ન થાય. હાને આ વિધિને ‘નાભિકીય વિખંડન’ નામ આપ્યું. આ સમયે (જુલાઈ, 1938માં) મીટનર તેમની યહૂદી-વંશતાને કારણે જર્મની છોડી હોલૅન્ડ ગયા અને ત્યાંથી સ્ટૉકહોમ(સ્વીડન)માં સ્થાયી થયા હતા. હાન તેજસ્વી સિદ્ધાંતશાસ્ત્રી (theoretician) પણ નિરભિમાની અને ચીવટવાળા (dogged) હતા. તેઓ પોતાની જાતને ઓછી આંકતા હોવાથી પોતાની આ ક્રાંતિકારી શોધને જાહેર કરવામાં ખચકાયા. તેમણે સંશોધનનો અહેવાલ મીટનરને મોકલી આપ્યો અને સ્ટૉકહોમમાંથી પ્રયોગનાં પરિણામોની સમજૂતી આપતો સંશોધનલેખ પ્રસિદ્ધ કર્યો.

લેખ પ્રસિદ્ધ થતાંની સાથે જ નાભિકીય વિખંડનની પ્રવિધિને નાભિકીય ભઠ્ઠી (nuclear reactor) માટે કામ આવે તેવા સિદ્ધાંત તરીકે જોવામાં આવી. એન્રિકો ફર્મિએ 1942માં શિકાગોમાં ભઠ્ઠીનો અજમાયશી (prototype) નમૂનો તૈયાર કર્યો, જે પરમાણુ-બૉમ્બ તૈયાર કરવામાં પરિણમ્યો. હાને જોયું કે પોતાની શોધ પરમાણુ-બૉમ્બ જેવા અત્યંત વિનાશક હેતુઓ માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. આ માટે તેમણે પોતાની જાતને દોષિત માની અને તેમને આપઘાત કરવાનો વિચાર આવ્યો. પણ તેમ ન કરતાં તેઓ નાભિકીય નિ:શસ્ત્રીકરણ (nuclear disarmament) માટે સક્રિય બન્યા.

1944માં અન્ય જર્મન વૈજ્ઞાનિકો સાથે હાનને પણ ઇંગ્લૅન્ડ લઈ જવામાં આવ્યા. આ સમયે જ તેમને ભારે નાભિકોના વિખંડનની શોધ બદલ 1944નો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર આપવાનું જાહેર થયું. 1946માં જર્મની પાછા આવ્યા બાદ તેઓ મૅક્સ પ્લાન્ક સોસાયટી ફૉર ઍડ્વાન્સમેન્ટ ઑવ્ સાયન્સના પ્રમુખ ચૂંટાયા અને જર્મનીમાં વિજ્ઞાનના પુનરુદ્ધારમાં મદદરૂપ બન્યા. તેઓ એક સન્માનનીય જાહેર વ્યક્તિ ઉપરાંત ફેડરલ રિપબ્લિક ઑવ્ જર્મનીના પ્રથમ પ્રમુખ થિયૉડૉર હ્યુસ(Theodor Heurs)ના મિત્ર પણ હતા.

હાને સંશોધનલેખો ઉપરાંત પોતાનું જીવનવૃત્તાંત ‘Mein Leben’(1968) પ્રકાશિત કરેલ છે. તેમને ઘણી યુનિવર્સિટીઓ તેમજ અનેક વિદ્વત્-મંડળો તરફથી સન્માનવામાં આવ્યા હતા. 1966માં હાન, મીટનર અને સ્ટ્રાસમૅનને એન્રિકો ફર્મિ ઍવૉર્ડ વડે નવાજવામાં આવ્યા. તેમની સ્મૃતિ ‘હાન-મીટનર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યૂક્લિયર રિસર્ચ’ (બર્લિન), ‘ઓટ્ટો હાન ઇન્સ્ટિટ્યૂટ ફૉર કેમિસ્ટ્રી’ (મેઇન્ઝ) અને તે સમયના પશ્ચિમ જર્મનીની પ્રથમ નાભિકીય નૌકા (nuclear versel) ‘ઓટ્ટો હાન’ વડે જળવાઈ રહી છે.

1960માં તેમના એકમાત્ર પુત્ર હેન્નો અને પુત્રવધૂ કાર-અકસ્માતમાં અવસાન પામ્યાં. જીવનનાં પાછલાં થોડાં વર્ષો હાને પોતાનાં અશક્ત (invalid) પત્ની અને પૌત્રની સારસંભાળ લેવામાં ગાળ્યાં. 1968માં તેમનું પડી જવાથી અવસાન થયું. તેમનાં પત્ની પણ બે અઠવાડિયાં પછી મૃત્યુ પામ્યાં.

જ. દા. તલાટી