હાઇલૅન્ડ રીજન (Highland Region) : ઉત્તર સ્કૉટલૅન્ડમાં આવેલો, ભૂપૃષ્ઠનાં વિવિધ લક્ષણો ધરાવતો વિશાળ વિસ્તાર. તેમાં બેન નેવિસ નામનો બ્રિટનનો ઊંચામાં ઊંચો પર્વત છે તો લૉક મોરાર નામનું ઊંડું સરોવર પણ છે. બ્રિટનની મુખ્ય ભૂમિનો ઉત્તર છેડો ‘ડનેટ હેડ’ તેમજ આદૃનમરકાન (Ardnamurchan) પૉઇન્ટ નામનું છેક પશ્ચિમ છેડાનું સ્થળ પણ આ વિસ્તારમાં જ છે.

ભૂપૃષ્ઠ : હાઇલૅન્ડ રીજન એ સ્કૉટલૅન્ડની મુખ્ય ભૂમિનો ઉત્તર તરફનો વિભાગ છે. તેની ઉત્તરે અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર, પૂર્વમાં ઉત્તર સમુદ્ર, અગ્નિ તરફ ગ્રેમ્પિયનનો સીમાવર્તી પ્રદેશ તથા દક્ષિણમાં ટાયસાઇડ અને સ્ટ્રેથક્લાઇડના પ્રદેશો આવેલા છે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 185 કિમી. જેટલું છે.

 

સ્કાય ટાપુને સમાવેશ કરતો સ્કૉટલૅન્ડની મુખ્ય ભૂમિનો ઉત્તર છેડાનો વિસ્તાર

હિમનદીઓએ કોતરી કાઢેલાં ઘણાં દૃશ્યો અહીં તૈયાર થયેલાં છે. કોતરાયેલી ખીણોમાં સરોવરોનું પણ નિર્માણ થયું છે. હિમનદીઓના ઘસારાથી તેની સમગ્ર કિનારારેખા પુષ્કળ ખાંચાખૂંચીવાળી બની રહેલી છે. ઉત્તર તરફનો પ્રાદેશિક વિસ્તાર તથા પૂર્વ તરફનો મોરે ખાડીનો વિસ્તાર નીચાણવાળો છે. આ સિવાય બાકીનો ભાગ ઊંચાણવાળો છે. બ્રિટનનો ઊંચામાં ઊંચો પર્વત બેન નેવિસ ગ્લેન મૉર નજીક આવેલો છે. ઈશાન-નૈર્ઋત્ય દિશામાં વિસ્તરેલી ગ્લેન મૉર નામની વિશાળ ખીણ અહીં આવેલી છે. ઉત્તર સમુદ્રમાં ઠલવાતી ગ્લાસ અને સ્પેય નદીઓ સિવાય આ પ્રદેશમાં વહેતી મોટા ભાગની બધી નદીઓ નાની છે. અહીં લૉક નેસ સહિતનાં ઘણાં સરોવરો પણ જોવા મળે છે.

આ પ્રદેશની આબોહવા એકંદરે ખુશનુમા રહે છે. જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 3°થી 5° સે. તથા 12°થી 15° સે. જેટલાં રહે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ સ્થળભેદે જુદા જુદા પ્રમાણમાં પડે છે, પૂર્વ તરફ આશરે 500 મિમી. અને પશ્ચિમ તરફ 5000 મિમી. જેટલો પડે છે. ઊંચા પર્વતો પર હિમવર્ષા થાય છે. પહાડી ભાગોનાં હવામાન ઠંડાં રહે છે, તેથી તે વેરાન દેખાય છે.

અર્થતંત્ર : જંગલો : હાઇલૅન્ડ રીજનનો 10 % ભૂમિભાગ જંગલ-આચ્છાદિત છે, અહીં હરણની વસ્તી અંદાજે 1.5 લાખ જેટલી છે; તેથી હરણ પકડવાની પ્રવૃત્તિ મુખ્ય છે; દર વર્ષે આશરે 25,000 જેટલાં હરણને માંસ માટે મારી નાખવામાં આવે છે.

ખેતી : ખેતી માટે અહીંની જમીનો બિનઉપજાઉ ગણાય છે. કૈથનેસ અને મોરે ખાડીના નીચાણવાળા ભાગોમાં ખેડૂતો જવની ખેતી કરે છે અને દૂધની પેદાશોનું ઉત્પાદન લે છે. બ્લૅક ટાપુ પરની ફળદ્રૂપ જમીનોમાં બટાટાની ખેતી થાય છે. પહાડી વિભાગોમાં ઘેટાઉછેર અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે.

માછીમારી : માલાઇગ, કિનલૉકબર્વી, ઉલ્લાપુલ અને વિક માછીમારી માટેનાં મુખ્ય મથકો છે. આ મથકો ખાતે લેવાતું મત્સ્ય-ઉત્પાદન સ્કૉટલૅન્ડમાં ઉત્પન્ન થતી કુલ માછલીઓના આશરે 25 % જેટલું થાય છે. અહીં વિશેષે કરીને સાલમન અને શેલફિશનો ઉછેર થાય છે.

ઔદ્યોગિક ઉત્પાદન : ફૉર્ટ વિલિયમ અને કિનલૉક લેવન ખાતે આવેલાં ધાતુશોધન કારખાનાંમાં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન લેવાય છે. ફૉર્ટ વિલિયમ ખાતે કાગળની મિલ આવેલી છે. ડૉનરેમાં અણુઊર્જાનું રિઍક્ટર છે. ઉત્તર સમુદ્રના ખનિજતેલ-ઉદ્યોગ માટે જરૂરી સાધનોનો ઉદ્યોગ ક્રોમાર્ટી અને મોરે ખાડીની આસપાસ વિકસ્યો છે. અન્ય ઉદ્યોગોમાં જળવિદ્યુતમથક, વ્હિસ્કી બનાવવા માટેની ગાળણભઠ્ઠીઓ, કાપડ-ઉદ્યોગ તથા ગૂંથેલાં કપડાંના ઉદ્યોગનો સમાવેશ થાય છે.

પ્રવાસન : પ્રવાસન આ વિસ્તારનો મહત્વનો ઉદ્યોગ ગણાય છે. ફૉર્ટ વિલિયમ અને ઇન્વરનેસ તેમજ કારબ્રિજ, ડૉરનૉક, કિંગસી અને સ્કાય ટાપુ પ્રવાસન માટેનાં મુખ્ય મથકો છે. શિયાળુ રમતો એવીમોર ખાતે રમાય છે. સ્કીઇંગ ધીમે ધીમે લોકપ્રિય બનતી જાય છે.

પરિવહન અને સંદેશાવ્યવહાર : હાઇલૅન્ડ રીજન પહાડી ભૂપૃષ્ઠ ધરાવતો હોવાથી અહીંનું પરિવહનક્ષેત્ર મર્યાદિત છે. અહીં રેલમાર્ગો અને સડકમાર્ગો થોડા છે. 1970 અને 1980ના દાયકાઓમાં સડકમાર્ગો વિકસાવવામાં આવ્યા છે. આંતરિક અવરજવર માટે હવાઈ સેવાઓ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોવા છતાં તે મહત્વનો ભાગ ભજવે છે.

બ્રિટનના ઊંચામાં ઊંચા પર્વત બેન નેવિલ નજીક આવેલું ફૉર્ટ વિલિયમ પ્રવાસી મથક

અહીંના અંતરિયાળ ભાગોમાં ટેલિવિઝન અને ટેલિફોન-સેવાઓ ઉપલબ્ધ નથી; પરંતુ 12 જેટલાં સ્થાનિક વર્તમાનપત્રો બહાર પડે છે. બીબીસી સ્થાનિક રેડિયોમથક તેમજ રેડિયો હાઇલૅન્ડ ઇન્વરનેસ ખાતેથી ઇંગ્લિશ અને ગૅલિક ભાષાઓમાં પ્રસારણ થાય છે. રેડિયો મોરે ખાડીનું સ્વતંત્ર મથક છે. તે ઇન્વરનેસ તેમજ મોરે ખાડી વિસ્તારને તેના પ્રસારણની સુવિધા પૂરી પાડે છે.

લોકો : જીવનનિભાવ માટેના કપરા સંજોગો તથા નોકરીઓ માટેની અપૂરતી તકોને કારણે 1960ના દાયકા સુધી લોકો આ પ્રદેશ છોડી જતા હતા. તે પછીથી તો અર્થતંત્ર સુધર્યું છે, તેથી વસ્તી પણ પહેલાં કરતાં વધી છે. અહીંના પશ્ચિમ તરફના ભાગોમાં લોકો ગૅલિક ભાષાનો ઉપયોગ કરે છે. જોકે હવે ઘણા ભાગોમાં તેનો ઉપયોગ ઘટતો જાય છે.

અહીં બે પ્રાચીન ગૅલિક પરંપરાઓ આજે પણ ચાલી રહી છે. સિલિધ નામની એક પરંપરામાં શિયાળુ સાંજનું મનોરંજન ચાલે છે, તેમાં તત્કાલ ગીતો ગાવાનું, સંગીતનું, ચર્ચા કરવાનું તેમજ વાર્તાઓ કહેવાનું ચાલે છે. આ ઉપરાંત અન્ય પરંપરાગત રિવાજમાં ટાર્ટન, પ્લેઇડ અને કિટ પણ હજી ચાલુ છે. સૉકર જેવી રાષ્ટ્રીય રમત પણ અહીં રમાય છે. સાલમન અને ટ્રાઉટની માછીમારી તેમજ ગોલ્ફ અહીં ખૂબ લોકપ્રિય છે.

આ વિસ્તાર આઠ વહીવટી વિભાગોમાં વહેંચાયેલો છે. આ આખાય વિસ્તાર માટે એક પોલીસદળ રખાયેલું છે. તે ઑર્કની, શેટલૅન્ડ તથા વેસ્ટર્ન ટાપુઓ માટે પણ સેવાઓ પૂરી પાડે છે. કાયદાની અદાલતો ઇન્વરનેસ ખાતે આવેલી છે.

ઇતિહાસ : પાંચમા સૈકા દરમિયાન આયર્લૅન્ડમાંથી સ્કૉટ્સ નામની જાતિના લોકો અહીંના નૈર્ઋત્ય વિભાગમાં વસવા આવેલા. તેમની ગૅલિક ભાષા અને સંસ્કૃતિ ધીમે ધીમે અહીં પણ વિસ્તરતાં ગયાં.

આઠમાથી બારમા સૈકા સુધી ચાંચિયાઓ અહીં આવી આવીને વારંવાર હુમલાઓ કરતા રહેતા, તેથી અહીંનો પશ્ચિમી કંઠાર વિભાગ ટાપુઓના ચાંચિયા સામ્રાજ્યનો ભાગ બની રહેલો.

પંદરમી સદી સુધીમાં અહીંનું સામાજિક માળખું વિકસ્યું, જે બીજાં ચારસો વર્ષો સુધી વિકસતું ગયું. વિકસેલા માળખાનો 1746ની કુલાડેનની લડાઈમાં નાશ થયો. અઢારમી સદીમાં રસ્તાઓ બંધાયા તથા સંદેશાવ્યવહારની સુવિધાઓ ઉપલબ્ધ થતી ગઈ. અહીં ઘેટાઉછેર-પ્રવૃત્તિ શરૂ થઈ. અહીંના કેટલાક લોકોએ સ્થળાંતર કર્યું. તે પૈકીના કેટલાક લોકો મધ્ય સ્કૉટલૅન્ડના વિકસિત બનતાં જતાં ઔદ્યોગિક મથકોમાં જઈને વસ્યા; બીજા કેટલાકે કિનારા પરનાં નાનાં ખેતરો વિકસાવ્યાં અને ત્યાં વસ્યા. ઓગણીસમી સદી દરમિયાન કંઠારના ખેડૂતોએ બટાટાની ખેતી શરૂ કરી. જાહેર જનતાની સહાનુભૂતિ મળે તે હેતુથી સરકાર દ્વારા ખેડૂતોની કેટલીક સમસ્યાઓ માટે પંચ નિમાયું અને તેમની સમસ્યાઓના ઉકેલ પણ થયા.

1975માં હાઇલૅન્ડ રીજનનો વિસ્તાર નક્કી થયો. એ વખતે સ્કૉટલૅન્ડની સ્થાનિક સરકાર રચવાની વ્યવસ્થા ગોઠવાઈ. હાઇલૅન્ડ રીજન સ્કૉટલૅન્ડના લગભગ ત્રીજા ભાગને આવરી લે છે. આ વ્યવસ્થા થઈ, તે અગાઉ અહીં પાંચ પરગણાં હતાં – કેઇથનેસ, ઇન્વરનેસ-શાયર, નૈર્ન-શાયર, રૉસ અને ક્રોમાર્ટી તેમજ સુધરલૅન્ડ. આ પુનર્વ્યવસ્થામાં ઇન્વરનેસ-શાયર તથા રૉસ અને ક્રોમાર્ટીના ભાગોનો એક સરકારી એકમ રચાયો; જ્યારે હાઇલૅન્ડ રીજનમાં આર્જિલશાયર, બૅંફશાયર અને મોરે પરગણાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા