હાઇડ્રિલા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા હાઇડ્રૉકૅરિટેસી કુળની એક જલજ પ્રજાતિ. તે તળાવો અને નદીઓમાં વિપુલ પ્રમાણમાં નિમગ્ન (submerged) સ્થિતિમાં મળી આવે છે. Hydrilla verticillata Pregl.(હિં. બં. ઝાંગી, કુરેલી; તે. પુનાચુ, પાચી, નચુ; પં. જાલા, મુંબઈ-સાખરી શેવાળ; ગુ. બામ)નું પ્રકાંડ પાતળું અને નાજુક હોય છે. તેની ગાંઠો પરથી અસ્થાનિક (adventitious) પાતળાં તંતુમય મૂળો ઉત્પન્ન થાય છે. આંતરગાંઠો (internodes) લાંબી કે ટૂંકી હોય છે. પર્ણો સાદાં, અદંડી, રેખીય, ટોચેથી અણીદાર, અખંડિત અને દરેક ચક્રમાં 4–8 જેટલાં હોય છે.

પુષ્પો ખૂબ નાનાં અને દ્વિગૃહી (dioecious) હોય છે. નર-પુષ્પ ટૂંકો પુષ્પદંડ ધરાવે છે. ઉપગોલાકાર (subglobose), પૃથુપર્ણ(spathe)માં એક જ નર-પુષ્પ હોય છે. માદા પુષ્પો અદંડી અને નલિકાકાર તથા 2–દંતુર (toothed) પૃથુપર્ણમાં 1–2ની સંખ્યામાં હોય છે. વજ્રપત્રો 3, અંડાકાર અને દલપત્રો 3, લંબચોરસ હોય છે. પુંકેસરો 3ની સંખ્યામાં અને પરાગાશયો મોટાં તથા મૂત્રપિંડ આકારનાં હોય છે. બીજાશય લાંબું અને એકકોટરીય હોય છે તથા પૃથુપર્ણની બહાર નીકળી ચાંચ જેવું બને છે. પરાગવાહિની 2 કે 3 અને રેખીય હોય છે. પરાગાસનો ઝાલરદાર (fimbricate) હોય છે. ફળ લીસાં હોય છે.

તેનો જલચરગૃહ(aquarium)માં ઉપયોગ થાય છે. તે પ્રાણવાયુજનક (oxygenator) છે. તે કેટલાક પ્રકારની માછલીઓનો ખોરાક છે. તેનો લીલા ખાતર તરીકે ઉપયોગ થાય છે.

બળદેવભાઈ પટેલ