હવાઈ વહનપત્ર (air consignment note Air waybill)

February, 2009

હવાઈ વહનપત્ર (air consignment note, Air waybill) : હવાઈ માર્ગે માલ મોકલનારે (પ્રેષક) માલની સોંપણી માલગ્રહણ કરનાર(પ્રેષિત)ને સરળતાથી થાય તે માટે કરી આપેલો દસ્તાવેજ. રેલવે, ભારખટારા, જહાજ અને વિમાન દ્વારા માલ મોકલીને વ્યાપાર-ધંધો કરવામાં આવે છે. આંતરિક વ્યાપાર મહદ્અંશે માર્ગ-વ્યવહાર દ્વારા થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મહદ્અંશે દરિયાઈ અને હવાઈ માર્ગો દ્વારા થાય છે. ખરીદનારા અને વેચનારા જુદા જુદા દેશોના હોય છે. દરેક દેશના વાણિજ્યવિષયક કાયદા અલગ હોય છે. માલિકી અને તબદીલી અંગેના કાયદા પણ અલગ હોય છે. વાહનો મારફતે મોકલવામાં આવતા માલની માલિકી અને તબદીલીની કાર્યવાહી દરેક તબક્કે ખૂબ કાળજી માંગે છે. સંબંધિત દેશોના કાયદાનુસાર તબદીલી થાય તે જોવાનું રહે છે. હવાઈ વ્યવહાર દ્વારા માલ મોકલવાનો થાય છે ત્યારે સલામતીનો મુદ્દો ખૂબ અગત્યનો બની જાય છે. આથી, માલ જ્યારે હવાઈ મથકે લાવવામાં આવે છે ત્યારે હવાઈ મથકના તેમજ જે હવાઈ વાહનવ્યવહાર સંસ્થા માલ લઈ જવાની હોય તેના સત્તાવાળા માલનો કબજો લઈને તેની પૂરી તપાસ કરવા સુધીના હક્ક પ્રાપ્ત કરે છે. વેચનારો પહેલાં તો માલનો કબજો હવાઈ મથકના સત્તાવાળાઓને સોંપે છે, જે આખરે માલ વહન કરનારી કંપનીના પ્રતિનિધિને એટલે કે વિમાનના કૅપ્ટનને સોંપે છે. વિમાનનો કૅપ્ટન કે તેનો પ્રતિનિધિ માલ મળ્યાની રસીદ આપે છે, જેના આધારે માલ મોકલનારો હવાઈ કંપની પાસેથી હવાઈ વહનપત્ર મેળવે છે. હવાઈ વહનપત્ર દ્વારા હવાઈ કંપની સ્વીકારે છે કે માલનો કબજો એની પાસે છે. આ ઉપરાંત, એ ખાતરી આપે છે કે માલ મોકલનારના શેરા અનુસાર તે માલના ગંતવ્યવસ્થાને એ હવાઈ વહનપત્ર રજૂ કરનારને માલ આપી દેશે. હવાઈ કંપની વધુમાં સ્વીકારે છે કે અન્ય સૂચનાની ગેરહાજરીમાં એ માલ મોકલનારની માલિકીને સ્વીકારશે અને માલ મોકલનાર શેરો કરીને જેની તરફેણમાં હવાઈ વહનપત્ર આપશે તેને માલિક તરીકે સ્વીકારી તેને માલનો કબજો આપી દેશે. આ વહનપત્રમાં માલ મોકલનાર અને લેનારનાં નામ અને સરનામાં; માલનાં વજન, કદ, સ્વરૂપ, સંકેત-ચિહનો વગેરેનું વર્ણન; મોકલનારના દેશના ચલણમાં અને/અથવા આંતરરાષ્ટ્રીય ચલણ ડૉલર/યુરોમાં માલની કિંમત; માલના પૅકિંગની મજબૂતાઈ અને સલામતી અંગેની માહિતી વગેરે દર્શાવેલાં હોય છે. વાહનવ્યવહારનું નૂર જો માલ લેનારે ચૂકવવાનું હોય તો હવાઈ વહનપત્રમાં સ્પષ્ટ દર્શાવવામાં આવે છે કે નૂર ચૂકવાયા બાદ જ માલનો કબજો છોડવામાં આવશે. જો મોકલનારે નૂર ચૂકવી દીધું હોય તો તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. વહન દરમિયાન માલને જો નુકસાન થાય તો હવાઈ કંપની કેટલી અને કઈ હદ સુધી જવાબદાર રહેશે એની સ્પષ્ટતા પણ કરવામાં આવે છે. માલ લેનારના હવાઈ મથકે માલ-સંબંધી થતા ખર્ચા માલ લેનાર ચૂકવે પછી જ માલનો કબજો એને મળે, તેનો નિર્દેશ કરવામાં આવે છે. આમ, હવાઈ વહનપત્ર, હવાઈ વાહનવ્યવહાર મારફતે માલ મોકલવાના કામકાજમાં પાયાનો દસ્તાવેજ છે. માલ લેનારાને હવાઈ વહનપત્ર મળતાં તે હવાઈ મથકના સત્તાવાળાઓને બતાવી એમને જે ખર્ચા આપવાના થતા હોય તે ચૂકવીને વહનપત્ર પર શેરો મેળવીને તે હવાઈ કંપની તેમજ આયાત-જકાત સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરી એમને કરવેરાની જે રકમ આપવાની હોય તે ચૂકવીને તેનો શેરો મેળવે છે. ત્યાર બાદ તે હવાઈ વહનચિઠ્ઠી વિમાનના કૅપ્ટન કે તેના પ્રતિનિધિને સુપરત કરીને પોતાને મળવાપાત્ર માલનો કબજો અને માલિકી મેળવે છે.

સૂર્યકાન્ત શાહ