હલ્દિયા (Haldia)

February, 2009

 : પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં આવેલું શહેર તેમજ બંગાળની ખાડી પરનું મોટું દરિયાઈ બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 02´થી 22° 03´ ઉ. અ. અને 88° 04´થી 88° 06´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તે કૉલકાતાથી નૈર્ઋત્યમાં આશરે 50 કિમી.ને અંતરે ગંગા નદીના ફાંટારૂપ હુગલી નદીના મુખ પર સમુદ્રસપાટીથી 8 મીટરની ઊંચાઈએ વસેલું છે.

આબોહવા : અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય, ભેજવાળી છે. ઉનાળા દરમિયાન હવામાન ગરમ તેમજ ભેજવાળું રહે છે. અહીંનું તાપમાન ઉનાળામાં 40° સે. સુધી પહોંચે છે; જ્યારે શિયાળા પ્રમાણમાં ઠંડા રહે છે અને તે દરમિયાન તાપમાન 8°થી 12° સે. જેટલું રહે છે. અહીં વરસાદની મોસમ મેથી સપ્ટેમ્બર વચ્ચેની ગણાય છે.

પરિવહન : હલ્દિયા કૉલકાતા સાથે રેલમાર્ગે તેમજ સડકમાર્ગે જોડાયેલું છે. અહીં રેલવેની અને બસોની સુવિધા સારી છે. આ બંને શહેરો વચ્ચે વાતાનુકૂલિત બસ ચાલે છે. આ ઉપરાંત, અહીં ખાનગી પરિવહનનાં સાધનો પણ કાર્યરત રહે છે.

ઉદ્યોગો : હલ્દિયાનો વેપાર કૉલકાતા સાથે સંકળાયેલો છે, આ જ કારણે હલ્દિયાને બંદર તરીકે વિકસાવવામાં આવ્યું છે; તેથી કોલકાતા ખાતેનું ભારણ ઘટ્યું છે. આ બંદરેથી માલસામાનની આયાત-નિકાસ થતી રહે છે. અહીં ઘણા ઔદ્યોગિક એકમો વિકસ્યા છે; તેમાં સાઉથ એશિયન પેટ્રોકેમિકલ્સ, ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિ. (IOCL), એક્સાઇડ બૅટરી, ટાટા કેમિકલ્સ, હલ્દિયા પેટ્રોકેમિકલ્સ, હિન્દુસ્તાન લિવર લિ.નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નાના ઔદ્યોગિક એકમો પણ કાર્યરત છે. વળી, આ બંદરની કેટલીક કંપનીઓ વિદેશી કંપનીઓ સાથે પણ સંકળાયેલી છે, જેમ કે મિત્સુબિસી કેમિકલ્સ કંપની (MCL) અને ડ્રેજિંગ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા લિ. (DCI). અહીંનું હલ્દિયા પેટ્રોકેમિકલ્સ સંકુલ ભારતના સૌથી મોટા પેટ્રોકેમિકલ્સ એકમો પૈકી બીજા ક્રમે આવે છે, તે બાબત ઉલ્લેખનીય ગણાય.

હલ્દિયા પોર્ટ

વસ્તી : 2001 મુજબ આ શહેરની બંદર સહિત વસ્તી 1,70,695 જેટલી છે. શહેરની વસ્તીના 72 % લોકો શિક્ષિત છે. શહેરમાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની સુવિધા ઉપલબ્ધ છે. અહીં હૉસ્પિટલ તેમજ ચિકિત્સાલયો આવેલાં છે. અહીંનો સૌથી મોટો ઉત્સવ દુર્ગાપૂજા છે.

બંદર : કોલકાતા બંદરની ડ્રાફ્ટ અને લંબાઈની મર્યાદાને કારણે કોલકાતા બંદરે મોટી સ્ટીમરો આવી શકતી ન હોવાથી આ બંદરને વિકસાવવામાં આવેલું છે. કોલકાતા બંદરથી નદીના નીચાણવાળા ભાગમાં આશરે 50 નૉટિકલ માઈલ દૂર આધુનિક ડૉકની રચના કરવામાં આવી છે. આ બંદરને બારમાસી બંદર તરીકે તૈયાર કરાયું છે અને તે ધક્કા ઉપર સીધેસીધો માલ ઉતારી શકાય એવી સગવડ ઊભી કરવામાં આવી છે. અહીં આવેલી જેટીની લંબાઈ 300 મીટરની છે. 10 મીટર ઊંડી ચેમ્બરની વ્યવસ્થા પણ કરી છે. બંદર ખાતે પૂરતું પાણી મળી રહે તે માટે લૉકગેટની વ્યવસ્થા પણ રાખેલી છે. ત્યાંના અંદરના દરવાજાની લંબાઈ 298.5 મીટર અને પહોળાઈ 40 મીટરની છે. અહીં કાદવ ઉલેચ્યા પછીની પાણીની ઊંડાઈ 13.6 મીટર થાય છે. બારાથી લંગરસ્થાન 116.7 કિમી. દૂર આવેલું છે.

નદી પર જેટી તથા ડૉકની વ્યવસ્થા છે. અહીં કુલ આઠ બર્થ છે; વળી ટ્રાન્ઝિટ શેડ અને ખુલ્લા પ્લૉટોની પણ વ્યવસ્થા રાખેલી છે. મુસાફરો કોલકાતાથી આવજા કરી શકે છે. ક્રેઇન, લોડર, ટ્રૅક્ટરોની પણ વ્યવસ્થા છે.

હલ્દિયા તટરક્ષક દળનું એક મથક પણ છે. અહીં ભૂમિ અને જળ પર ઉપયોગમાં લઈ શકાય એવું હૉવરક્રાફ્ટ પણ રાખવામાં આવેલું છે, આ કારણે આ બંદર ‘હૉવરપૉર્ટ’ તરીકે પણ ઓળખાય છે. તટરક્ષક દળ પાસે આજે આવાં 6 હૉવરક્રાફ્ટ રહેલાં છે.

નીતિન કોઠારી