હરતાલ (orpiment) : આર્થિક દૃષ્ટિએ મહત્વનાં ગણાતાં આર્સેનિક(સોમલ)નાં ત્રણ ખનિજો આર્સેનોપાયરાઇટ, હરતાલ(ળ) અને રિયલગાર પૈકીનું એક. તેને હરિતાલ પણ કહે છે. રાસા. બં. : As2S3 – આર્સેનિક ટ્રાયસલ્ફાઇડ, તેમાં આર્સેનિકની ટકાવારી 61.0 % અને ગંધકની 39 % જેટલી હોય છે. સ્ફ. વર્ગ : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો વિરલ, મોટે ભાગે તે પત્રબંધી (foliaceous) રૂપે કે સ્તંભાકાર-દળદાર રૂપે મળે છે. સંભેદ : ક્લાઇનોપિનેકૉઇડ ફલક(010)ને સંપૂર્ણપણે સમાંતર સંભેદવાળાં ફલકો ક્યારેક સળવાળાં પણ હોય છે. તેનાં વિભાજિત પડ નમનીય હોય છે; પરંતુ સ્થિતિસ્થાપક હોતાં નથી. રંગ : લીંબુ જેવો પીળો. ચૂર્ણરંગ : પીળો. ચમક : મૌક્તિક, સંભેદ-સપાટીઓ પર વધુ તેજસ્વી; ક્વચિત્ સંભેદ-સપાટીઓ રાળમય કે મંદ ચમક પણ દર્શાવે છે. તે દેખાવે આછું પારદર્શકથી આછું પારભાસક હોય છે. કઠિનતા : 1.5થી 2. વિ. ઘ. : 3.4–3.5. α = 2.4, β = 2.8, γ = 3.0. પ્રકાશીય સંજ્ઞા +Ve.
કસોટીઓ : બંધ કસનળીમાં ગરમ કરવાથી તે રતાશ પડતા પીળા રંગની બાષ્પ આપે છે. કોલસા પર ગરમ કરવાથી ગંધક કે લસણ જેવી ગંધ આપે છે. વળી તે ગરમ થતા રહેતા દ્રવ્યથી થોડે અંતરે પાતળી શ્વેત પોપડી જમા કરે છે. જો તેને ખુલ્લી કસનળીમાં ગરમ કરવામાં આવે તો શ્વેત જમાવટ સહિત લસણની ગંધ આપે છે.
પ્રાપ્તિસ્થિતિ અને પ્રાપ્તિસ્થાનો : તે આર્સેનિક શિરાઓના ઑક્સીભૂત વિભાગોમાં તેમજ ઍન્ટિમનીનાં ધાતુખનિજોના સંકલનવાળી શિરાઓમાં મળે છે. સ્થળ : એશિયાઈ તુર્કસ્તાનમાં કુર્દીસ્તાનના ટ્રાન્સિલ્વેનિયામાં કૅપનિક ખાતે મળે છે. આ ઉપરાંત, તે નેવાડા(યુ.એસ.)ના સ્ટીમબોટ ઝરાઓ ખાતે જમાવટ-સ્વરૂપે પણ મળે છે; નેપલ્સ ખાતેના જ્વાળામુખીના ઊર્ધ્વપાતન પેદાશ-સ્વરૂપે પણ મળે છે.
ઉપયોગ : તે વર્ણક (pigment) તરીકે તેમજ ચામડી પરના વાળ કાઢી નાખવાનું દ્રવ્ય બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
ગિરીશભાઈ પંડ્યા