હયાતી : હરીન્દ્ર દવેની ચૂંટેલી કવિતાનો સુરેશ દલાલે સંપાદિત કરેલો અને સાહિત્ય અકાદમીના 1978નો પુરસ્કાર જેને એનાયત થયો છે તે કાવ્યગ્રંથ. તેમાં ચોસઠ પાનાંની દીર્ઘ પ્રસ્તાવના લખીને હરીન્દ્ર દવેની કવિતાને સમજાવવાનો સાર્થ પ્રયત્ન કર્યો છે. અહીં એમના કાવ્યસંગ્રહો ‘આસવ’, ‘મૌન’, ‘અર્પણ’, ‘સમય’ અને ‘સૂર્યોપનિષદ’માંથી છ્યાસી રચનાઓ અને અન્ય સોળ અગ્રંથસ્થ રચનાઓ મળીને કુલ એકસો બે રચનાઓ સમાવિષ્ટ કરાઈ છે. તે દ્વારા હરીન્દ્ર દવેની કવિપ્રતિભાનો સમ્યક પરિચય પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત એમના કવનકાળ દરમિયાનની ગુજરાતી કવિતાની દિશાનો નિર્દેશ પ્રાપ્ત થાય છે. તેમણે છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ ઇત્યાદિ કાવ્યનાં વિવિધ સ્વરૂપોમાં બહુધા સફળ ખેડાણ કર્યું છે. તેની પ્રતીતિ અહીં સમાસ પામેલી તેમની કવિતા પરથી થાય છે.

હરીન્દ્ર દવે મૂળ સૌંદર્યલક્ષી કુળના કવિ છે અને એમની કવિતામાં વાસ્તવિક રંગદર્શિતા પણ છે. તેઓ પરંપરાને તદ્દન ઉવેખીને ચાલ્યા નથી, આધુનિકતા સાથે તેમણે તાલ મેળવ્યો છે. આ ઊર્મિકવિ પરલક્ષીમાંથી કાળક્રમે આત્મલક્ષી બન્યા છે; જેમાં સામાજિકતા ભળી છે. ‘પ્રેમ એ મારી કવિતા-પ્રવૃત્તિની પ્રથમ અને પરમ નિસબત છે.’ એવું કહેનાર હરીન્દ્ર દવેની કવિતામાં પ્રેમનું તત્ત્વ વિસ્તરેલું–વ્યાપેલું છે. આ જ કવિ ‘હું તને પ્રેમ કરતો રહ્યો, હે ધરા’ કહી શકે. ‘એક મહોબ્બત છે જગતમાં જે ટકી રહેવાની’ એવી તેમની માન્યતા પડછે તેમની પ્રણયભાવના ડોકાય છે. વ્યક્તિનિષ્ઠ પ્રણય તેમનું આધારબિન્દુ છે; જે ‘શબ્દોમાં ઘૂંટાતો રહું તારા વિરહનો કેફ’ દ્વારા પમાય છે. વળી ‘તેં પૂછ્યો પ્રેમનો મર્મ / અને હું દઈ બેઠો આલિંગન’ જેવી મુખર અભિવ્યક્તિ હરીન્દ્રની કવિતામાં છે. દયારામની કવિતાના ચાહક આ કવિની પ્રણયકવિતામાં મુગ્ધતા, ઉલ્લાસ અને મસ્તી છે. દયારામ જેટલી મુખરતા નથી, તે સાથે ક્યાંક અધ્યાત્મભાવ ઝબકી જાય છે.

હરીન્દ્ર જીવનના ચાહક છે. જોકે ‘જીવતરના થાક’નો અનુભવ તેમને છે. જીવનના વિવિધ ભાવોને એમણે કવિતામાં વણ્યા છે તો બીજી બાજુ મૃત્યુનું ગાન પણ સહજ રીતે ગાયું છે. ‘પહેલાં ને પછી’ નામક ગઝલમાં એમણે લખ્યું છે : ‘હવે મૃત્યુનો પણ ભય નથી.’ ‘મૃત્યુનો અવાજ’ પણ તેમને સંભળાયો છે. મૃત્યુ એ જાણે તેમનો સ્થાયીભાવ હોય એવું લાગે છે. જે વિવિધ રીતે તેમની કવિતામાં વ્યક્ત થયો છે. મૃત્યુ પ્રિય વ્યક્તિ હોય તેવી રીતે તેમની કવિતામાં અભિવ્યક્ત થયું છે. ‘મૃત્યુ’ નામક રચનામાં તેમણે નકારાત્મક રીતે મૃત્યુને નિરૂપ્યું છે. ‘શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો’ એમ કહેવા પાછળ હરીન્દ્ર મૃત્યુને પૂર્ણવિરામ માનતા નથી એવી તેમની વિભાવના છે.

સુરેશ દલાલ હરીન્દ્ર દવેને ‘વેદના-સંવેદનાના કવિ’ કહે છે અને આ વેદના-સંવેદનાનું મૂળ તેમના જીવનના પ્રત્યક્ષ અનુભવ અને વાચનમાં જુએ છે. વળી વેદનાથી કવિમાં હતાશા વ્યાપી ગઈ છે એવું નથી. એ તો ખુમારીથી કહે છે  ‘આ વેદનાની વાત દાદ આપી સાંભળો.’ પોતાની ઉદાસી વચ્ચે પણ એ સૌને પુલકિત કરે તેવું ગીત રચવાની ઇચ્છા કરે છે અને ઉદાસી વચ્ચે કવિ ‘મારે ખડખડાટ હસી લેવું છે’ની મનીષા સેવે છે.

નગરજીવનની વિષમતાની, સામાજિક-રાજકીય નિસબતની અને ધર્મની કવિતા ઉપરાંત કૃષ્ણકવિતા પણ ‘હયાતી’માં સમાસ પામી છે. ‘ઘર’ જેવી વિશિષ્ટ કાવ્યકૃતિમાં હરીન્દ્રની નિજી નિસબત છતી થઈ છે.

‘હયાતી’માં જેમ વિષય-નિરૂપણનું વૈવિધ્ય તેમ સ્વરૂપનું વૈવિધ્ય પણ છે જ. ઉર્દૂની અસર કવિએ ઝીલી છે. છંદમાં તેમની સફળ ગતિ છે તો અછાંદસ કવિતા દ્વારા હરીન્દ્રે પોતાની નોખી કવિછબિ ઘડી છે.

આ સંચય દ્વારા હરીન્દ્ર દવેની કવિપ્રતિભા સમુચિત રીતે ઉજાગર થઈ છે.

પ્રફુલ્લ રાવલ