હનિસકલ (Honeysuckle) : દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્રિફોલિયેસી કુળની લોનીસેરા પ્રજાતિ(genus)ની જાતિઓ. તેનું વિતરણ ઉત્તર ગોળાર્ધના ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 40 જેટલી જાતિઓ થાય છે. બહુ થોડીક વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે.

જાપાની હનિસકલ (Lonicera japonica) તરીકે ઓળખાવાતી જાતિ લુશાઈની ટેકરીઓ (આસામ) પર 750 મીટરની ઊંચાઈએ જોવા મળતી મોટી આરોહી વનસ્પતિ છે અને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. દરિયાની સપાટી જેટલી ઊંચાઈવાળી જગ્યાઓએ માત્ર L. japonica var. chinensis જાત જ સારી રીતે ઊછરી શકે છે. તે બહુ મોટી હોતી નથી.

આ જાતિનાં પર્ણો અંડાકારથી માંડી લંબચોરસ-અંડાકાર (oblong-ovate), અરોમિલ (glabrous) કે આછાં રોમિલ હોય છે. પુષ્પો કક્ષીય અને પૃષ્પવૃંત (peduncle) યુગ્મમાં હોય છે. ઘણી વાર પુષ્પો શાખાઓને છેડે ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. તેઓ સુવાસિત, સફેદ કે જાંબલી છાંટવાળાં અને નલિકાકાર હોય છે અને પીળા રંગમાં ફેરવાય છે.

જાપાની હનિસકલ સપાટ મેદાનો અને ટેકરીઓ પર આવેલાં ઉદ્યાનોમાં સામાન્ય રીતે જોવા મળે છે. તે ગોરાડુ મૃદામાં ખૂબ સારી રીતે થાય છે; છતાં ઉદ્યાનની કોઈ પણ સારી મૃદામાં થાય છે. તે કેટલેક અંશે હિમસંવેદી હોય છે. તે સારું ભૂમિ-આવરણ રચે છે અને મૃદાબંધક (soil binder) છે. તેની વૃદ્ધિ પર નિયંત્રણ ન રાખવામાં આવે તો તે અનિષ્ટકારી (noxious) અપતૃણ બને છે અને તૃણભૂમિને આવરી લે છે, અથવા જંગલોમાં તરુણ વૃક્ષની વૃદ્ધિ અવરોધે છે. તેથી તેનો નાશ કરવા 2, 4–D (2, 4–ડાઇક્લોરોફિનોક્સિ એસિટિક ઍસિડ), એમોનિયમ સલ્ફામેટ કે મોનોથાયોફિનોલિક સંયોજનો જેવા અપતૃણનાશકોનો ઉપયોગ કરવો જરૂરી બને છે.

હનિસકલ

ઢોરો જાપાની હનિસકલ ખાય છે. વન્ય પશુઓ અને પક્ષીઓ શિયાળામાં તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ડેરીનાં ઢોરો માટે કટોકટીના સમયે લીલા ચારા તરીકે તેનો ઉપયોગ થાય છે. તેનું પોષણમૂલ્ય ચારાના સામાન્ય તૃણ સાથે તુલનીય હોય છે.

છોડનો જ્વરરોધી (antipyretic) અને ક્ષુધાપ્રેરક (stomachic) તરીકે અને મરડામાં ઉપયોગ થાય છે. શુષ્ક પુષ્પો મૂત્રલ (diuretic) ગણાય છે. તે ટેનિન અને સેપોનિન ધરાવે છે. પુષ્પોમાંથી લ્યુટિયોલિન અને i-ઇનોસિટોલ અલગ કરવામાં આવ્યાં છે. ફળમાં કૅરોટિનૉઇડો વિપુલ પ્રમાણમાં હોય છે, જેમાં ક્રિપ્ટોઝેન્થિન મુખ્ય ઘટક છે.

વૂડબાઇન હનિસકલ (L. periclymenum Linn.) ભારતના પર્વતો પરનાં શહેરોમાં મીઠી સુવાસવાળાં પુષ્પો માટે ઉછેરવામાં આવતી નાની આરોહી ક્ષુપસ્વરૂપ વનસ્પતિ છે. પર્ણો અંડાકાર કે ઉપવલયાકાર(elliptic)થી માંડી લંબચોરસ-અંડાકાર હોય છે અને થોડા પ્રમાણમાં રોમિલ હોય છે. પુષ્પો અગ્રસ્થ મુંડકો(heads)ને સ્વરૂપે, સુવાસિત, પીળાશ પડતાં સફેદ અને ઘણી વાર બહારની બાજુએ જાંબલી રંગનાં હોય છે. ફળ અનષ્ઠિલ (berry) પ્રકારનું ગોળાકાર અને લાલ હોય છે.

વૂડબાઇન હનિસકલનો લીલી કે શુષ્ક સ્થિતિમાં ઢોરો ખાવામાં ઉપયોગ કરે છે. પુષ્પો આનંદદાયી મીઠી સુવાસ ધરાવતાં હોવા છતાં તેનો વ્યાપારિક ધોરણે અત્તરના નિષ્કર્ષણ માટેં ઉપયોગ થતો નથી. વ્યાપારિક હનિસકલ અત્તરો સાંશ્લેષિક (synthetic) નીપજો છે. પુષ્પો રંજકદ્રવ્ય ધરાવે છે, જે ઍલ્યુમિનિયમ રંગબંધિત (mordanted) સુતરાઉ કાપડને આછો પીળો રંગ આપે છે. તેઓ ક્લેદયુક્ત હોય છે અને પ્રતિઉદ્વેષ્ટિ (anti-spasmodic), મૂત્રલ અને પ્રસ્વેદક (sudorific) ગુણધર્મો ધરાવે છે. તેનો શ્વસનમાર્ગના અને બરોળના રોગોમાં શરબત સ્વરૂપે ઉપયોગ થાય છે. પર્ણોમાં અસ્ફટિકી (amorphous) ગ્લાયકોસાઇડ અને સેલિસિલિક ઍસિડ હોય છે.

હિમાલયી હનિસકલ (L. quinquelocularis Hardw.) મોટા પર્ણપાતી ક્ષુપ કે ક્વચિત્ નાના વૃક્ષ સ્વરૂપે હિમાલયમાં કાશ્મીરથી માંડી ભુતાન સુધી 4,000 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેની છાલ આછી બદામી કે સફેદ રંગની, ખરબચડી અને છીછરી તિરાડોવાળી હોય છે. તેનું રેસાયુક્ત પટ્ટી સ્વરૂપે વિશલ્કન (peeling) થાય છે. તરુણ પ્રરોહ ઘટ્ટ રોમિલ હોય છે. પર્ણો અંડાકાર કે પહોળાં-ભાલાકાર અને વધતેઓછે અંશે રોમિલ હોય છે. પુષ્પો કક્ષીય યુગ્મમાં ઉત્પન્ન થાય છે. તેઓ સફેદથી માંડી પીળા રંગનાં હોય છે. અનષ્ઠિલ ફળ અંડાકાર અને સફેદ રંગનું હોય છે. તે કૅન્થેરિડ ભમરાની જાતિ (Cantharis anteralis) અને Fomes conchatus નામની ફૂગની સંવેદી છે.

તેનું રસકાષ્ઠ (sapwood) સફેદ અને અંત:કાષ્ઠ ભૂખરું બદામી હોય છે. કાષ્ઠ ખૂબ સખત, ભારે (લગભગ 833 કિગ્રા./ઘ.મી.) અને ગીચ કણવાળું (close-grained) હોય છે. તે ખરાદીકામ (turnery), કોતરકામ, ઓજારોના હાથાઓ અને હળ બનાવવામાં ઉપયોગી છે. તેની શાખાઓમાંથી ચાલવાની લાકડીઓ બનાવાય છે. બહારની છાલમાંથી ઉત્પન્ન થતો રેસો ગાલીચા ભરવામાં ઉપયોગમાં આવે છે. પર્ણો બકરીઓના ચારામાં વપરાય છે.

angustifolia Wall. ex. DC (પં. – મિઠિગા, જિંજરુ, ફિલકુ; ઉ. પ્ર. – જેઆંગ, પિર્લુ) 1.8-3.6 મી. ઊંચી ક્ષુપ જાતિ છે અને મીઠાં, ખાદ્ય અનષ્ઠિલ ફળો ધરાવે છે. તે હિમાલયમાં કાશ્મીરથી સિક્કિમ સુધી 1,800–3,600 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનું કાષ્ઠ (લગભગ 961 કિગ્રા./ઘ.મી.) સફેદ અને ગીચ કણવાળું હોય છે. તેની શાખાઓનો ચાલવાની લાકડી બનાવવામાં ઉપયોગ થાય છે.

glauca Hook. f. & Thoms. (પં. – શિંટિક, શેવા, શેઆ) નાની ઉન્નત કે ઉચ્ચાગ્રભૂશાયી (decumbent) ક્ષુપ જાતિ છે અને હિમાલયમાં કાશ્મીરથી કુમાઉન સુધી 3,600–4,800 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનાં બીજ ઘોડાઓને આંત્રશોથ (colic) પર આપવામાં આવે છે.

hypoleuca Decne (પં. – ખાર્મો, કોડી, ઝીકો, રાપેશો) ફેલાતી ક્ષુપ જાતિ છે અને હિમાલયમાં કાશ્મીરથી કુમાઉન સુધી શુષ્ક માર્ગો પર 2,100–3,000 મી.ની ઊંચાઈ સુધી થાય છે.

ટ્રમ્પેટ હનિસકલ(L. sempervirens)ને કેસરી-લાલ રંગનાં પુષ્પ આવે છે. તેમાં સુવાસ હોતી નથી.

બધી જાતિઓ કટકારોપણ દ્વારા ઉછેરી શકાય છે. તે માટે તેની શાખાઓ બહુ પાકટ કે બહુ નાજુક ન હોય તેવી પસંદ કરવામાં આવે છે.

હનિસકલની બીજી જાતિઓમાં L. rupicola Hook. f. & Thoms.; L. tomentella Hook. f. & Thoms. અને L. webbiana Wall. syn. L. alpigena C. B. Clarke(ઉ. પ્ર.  ફુલોર)નો સમાવેશ થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ