હટન, જેમ્સ (જ. 1726; અ. 1797) : સ્કૉટિશ ભૂસ્તરશાસ્ત્રી અને ડૉક્ટર. હટનનો જન્મ એડિનબરોમાં થયેલો. તેઓએ એડિનબરો, પૅરિસ અને લીડેન તથા નેધરલૅન્ડમાં અભ્યાસ કરેલો. તેઓ પૃથ્વીની ઉત્પત્તિના સિદ્ધાંતો માટે જાણીતા બન્યા છે. તેઓ અર્વાચીન ભૂસ્તરશાસ્ત્રના પિતા ગણાય છે.

જેમ્સ હટન

હટનના ઘણા સિદ્ધાંતો પૈકીના એક સિદ્ધાંત મુજબ, પૃથ્વીની ઉત્પત્તિમાં ગરમીએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. તેઓ એમ માનતા હતા કે બેસાલ્ટ અને ગ્રૅનાઇટના ખડકો પીગળેલા દ્રવ્યમાંથી બનેલા છે. બીજા ઘણા વિજ્ઞાનીઓ એવું વિચારતા હતા કે ક્યારેક પૃથ્વી પર બધે જ પાણી હતું, તેથી પાણીના તળ પર ખનિજોની જમાવટથી બધા ખડકો તૈયાર થયેલા છે. હટને એવો સિદ્ધાંત પણ

તારવેલો કે કુદરતી પ્રવિધિઓથી પૃથ્વી ક્રમશ: બદલાતી રહેલી છે અને ભવિષ્યમાં પણ એવી જ રીતે બદલાતી રહેશે. બીજા કેટલાક વૈજ્ઞાનિકો માનતા હતા કે પૃથ્વી આશરે 6,000 વર્ષ અગાઉ સંપૂર્ણપણે બની ગઈ છે અને કોઈક અદભુત ઘટના જ તેનાં લક્ષણોમાં ફેરફારો લાવી શકે.

ગિરીશભાઈ પંડ્યા