હજીરા : સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ખંભાતના અખાતને કાંઠે આવેલું ગામ અને બંદર. ભૌગોલિક સ્થાન : 21° 10´ ઉ. અ. અને 72° 15´ પૂ. રે.. તે તાપી નદીના જમણા કાંઠે આવેલા મુખત્રિકોણપ્રદેશની પંકભૂમિ નજીક વસેલું છે. નદીના ડાબા કાંઠા પર પ્રવાસન-મથક તરીકે જાણીતું ડુમસ આવેલું છે. હજીરાની પૂર્વમાં આશરે 30 કિમી.ને અંતરે સૂરત શહેર અને ઉત્તરે 10 કિમી.ને અંતરે મોરા ગામ આવેલું છે.

હજીરા બંદર

બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર : હજીરાને બંદર તરીકે વિકસાવવા ગુજરાત મેરીટાઇમ બોર્ડે 1990ના દાયકામાં પ્રયાસો શરૂ કર્યા. કાંઠાથી એકાદ કિમી. સુધીના સમુદ્રની ઊંડાઈ લગભગ 10 મીટર જેટલી છે, જ્યારે પવનની ગતિ આશરે 18 કિમી./કલાક જેટલી રહે છે. હજીરા બંદર વિકસાવવા પાછળ ખંભાતના અખાતની બહાર અરબી સમુદ્રના દરિયાઈ માર્ગનો લાભ લેવાનો હેતુ રહેલો છે.

નદી અને ખાડીના વિસ્તૃત જલસ્રાવી પ્રદેશ(estuarine land)ની જમીન નવસાધ્ય કરવામાં આવી છે; જેથી આ બંદરને સૂરત સાથે પરિવહન માર્ગોથી સાંકળી શકાય. આ ઉપરાંત ગુજરાત સરકારે આ પ્રદેશના નવસાધ્ય અને ઔદ્યોગિક વિકાસના હેતુથી શેલ રૉયલ ડચ ગ્રૂપ, રિલાયન્સ, એસ્સાર, લાર્સન ઍન્ડ ટુબ્રો જેવા ઔદ્યોગિક એકમોને પરવાનગી આપી છે.

બૉમ્બે હાઈ, પન્ના-મુક્તા, તાપ્તી અને અન્ય ગૅસફિલ્ડમાંથી પ્રાપ્ત થતા કુદરતી વાયુને હજીરા લાવવામાં આવે છે અને ભારતનાં વિવિધ રાજ્યોમાં વિતરણ થતું હોવાથી તેનું મહત્વ વધ્યું છે. ગૅસ-આધારિત એસ્સાર (સ્ટીલ પ્લાન્ટ), રિલાયન્સ (પેટ્રોકેમિકલ્સ), શેલ-ટોટાલ (LNG ટર્મિનલ અને પૉર્ટ), એનટીપીસી (પાવર), ONGC (ગૅસ-તેલ સંકુલ), ક્રીભ્કો (ફર્ટિલાઇઝર) જેવાં ઔદ્યોગિક સંકુલો અત્રે ઊભાં થયાં છે. અણુ-ઊર્જા પંચ(ઍટમિક ઍનર્જી કમિશન)નો ‘હેવી વૉટર પ્લાન્ટ’ પણ અહીં જ ઊભો કરાયો છે અને કરોડો રૂપિયાનાં મૂડીરોકાણો થયાં છે.

હજીરા ખાતે માછીમારોની વસ્તી વધુ છે. અહીં ખાંડીવાળો, ભાથીવાળો, હજીરા તળાવ, દીવાદાંડી, ડુંગળી તળાવ વગેરે આવેલાં છે. આ ઉપરાંત શિકોતર માતાનું મંદિર, સોમેશ્વર મહાદેવ, હનુમાન મંદિર, જોગણી માતાનું મંદિર, જળદેવી મંદિર પણ આવેલાં છે. ગામમાં પ્રાથમિકથી ઉચ્ચ-માધ્યમિક કક્ષા સુધીની શાળાઓની સગવડ છે. રાષ્ટ્રીયકૃત બૅંકો, દવાખાનું, પોસ્ટ-ઑફિસ તથા અતિથિગૃહની સુવિધા પણ છે. ગામના લોકોની અવરજવરની સગવડ પૂરી પાડવા ઇચ્છાપોર–મોરા–હજીરાને સાંકળતા રાજ્ય ધોરી માર્ગ નં. 81નું પણ આયોજન કરાયું છે. હજીરાની વસ્તી 8329 (2003) જેટલી છે; જેમાં 1230 જેટલા બહારથી આવી વસેલા લોકો છે.

‘હજીરા’ નામ શાથી પડ્યું તેનો ઇતિહાસ રોચક છે. હજીરા દીવાદાંડીની પાસે વૉક્સ નામના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ અધિકારી રહેતા, જેઓ મુંબઈ ઇલાકાના એક વખતના ડેપ્યુટી ગવર્નર હતા, તેમનો 10 મીટર ઊંચો ઘૂમટવાળો મકબરો (હજીરો) હજી આજે પણ અહીં ભગ્નાવશેષ સ્વરૂપે હયાત છે. 1697માં વૉક્સ અને તેમનાં પત્ની આ સમુદ્રકાંઠે ડૂબી જતાં, તેમના સ્મરણાર્થે આ હજીરો–મકબરો બાંધવામાં આવ્યો હતો. તેથી આ સ્થળ હજીરા તરીકે ઓળખાય છે.

નીતિન કોઠારી

રા. ય. ગુપ્તે