હકીમ અજમલખાન

February, 2009

હકીમ અજમલખાન (જ. 1863; અ. 29 ડિસેમ્બર 1927) : યુનાની વૈદકીય પદ્ધતિના પુરસ્કર્તા અને મુસ્લિમ લીગના એક સ્થાપક. દિલ્હીમાં જન્મેલા અજમલખાનના પૂર્વજોએ મુઘલ બાદશાહોના શાહી હકીમ તરીકે કામ કર્યું હતું. નાની વયથી જ અજમલખાને અંગ્રેજી શિક્ષણ લેવાને બદલે કુટુંબમાં જ યુનાની વૈદકીય અભ્યાસ કર્યો હતો. પાછળથી તેમણે યુનાની વૈદકીય સારવારને આધુનિક બનાવવા દિલ્હીમાં તિબ્બિયા કૉલેજ પણ સ્થાપી હતી.

હકીમ અજમલખાન

1892થી 1902 સુધી તે રામપુરના નવાબના મુખ્ય હકીમ હતા. આ સમય દરમિયાન તે સર સૈયદ અહમદખાનની શૈક્ષણિક પ્રવૃત્તિ તરફ આકર્ષાયા અને અલીગઢ કૉલેજના ટ્રસ્ટી તરીકે પણ નિયુક્ત થયા. તેમનાં ત્રીસીનાં વર્ષોથી જ તે રાજકારણમાં રસ લેતા થયા. જોકે આ પ્રવૃત્તિ મુસ્લિમ રાજકારણ પૂરતી જ મર્યાદિત હતી. 1906માં વાઇસરૉયને મળવા જનાર મુસ્લિમ પ્રતિનિધિમંડળમાં અજમલખાન પણ સામેલ હતા.

1917માં અજમલખાન ગાંધીજીના સંપર્કમાં આવ્યા. 1918માં તેઓ હિંદી રાષ્ટ્રીય મહાસભાના દિલ્હી અધિવેશનના સ્વાગત-સમિતિના પ્રમુખ બન્યા. 1920માં તમણે હાઝીક-ઉલ-મુલ્ક નામના સરકારી ખિતાબનો ત્યાગ કર્યો. આથી લોકોએ તેમને મસીહ-ઉલ-મુલ્ક તરીકે નવાજ્યા. 1921માં તે હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ બન્યા. અસહકારના આંદોલનને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ ટેકો ન આપ્યો તેથી તેમણે તેના ટ્રસ્ટી તરીકે રાજીનામું આપ્યું. અલીગઢમાં જામિયા મિલિયા ઇસ્લામિયા નામની નવી રાષ્ટ્રીય શિક્ષણસંસ્થા સ્થપાઈ, તેના પ્રથમ કુલાધિપતિ અજમલખાન હતા. પાછળથી આ સંસ્થા દિલ્હી ખાતે ખસેડવામાં આવી.

રજનીકાન્ત લ. રાવલ