હંસાઉલી : ભવાઈના પિતા કહેવાતા અસાઇતે ઈ. સ. 1371માં લખેલી કુલ 438 કડીનું પૂર ધરાવતી મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા. દુહા અને ચોપાઈમાં લખાયેલી હસ્તપ્રતના રૂપમાં ઉપલબ્ધ બનેલી આ પહેલી મનોરંજક પદ્યવાર્તા છે. એનું કથાનક આ પ્રમાણે છે :

પાટણપુર પહિઠાણના રાજા નરવાહનને સ્વપ્ન આવ્યું કે એનાં લગ્ન કણયાપુર પાટણના કનકભ્રમ રાજાની કુંવરી હંસાઉલી સાથે થઈ રહ્યાં છે. આ જ સમયે મનકેસર નામના પ્રધાને રાજાને જગાડતાં સ્વપ્નભંગથી ગુસ્સે થયેલા નરવાહને પ્રધાનને મૃત્યુદંડ દેવાની વાત કરી. રાજાના સ્વપ્નની વાત જાણીને પ્રધાને ખાતરી આપી કે તે સ્વપ્નમાં આવેલી સુંદરીને શોધીને રાજાનાં લગ્ન તેની સાથે કરાવી આપશે. રાજાએ એની વાત કબૂલી મહેતલ આપી. પ્રધાને નગરમાં પ્રવાસીઓના વિરામ-ભોજન માટેનો સત્તુકાર શરૂ કર્યો અને તેમાં આવતા વેપારીઓ, વિપ્રો, ભાટ, યોગી, દરવેશનો સંપર્ક કરી અંતે કણયાપુર પહોંચવાની માહિતી મેળવી.

રાજા અને પ્રધાન સ્વપ્નમાં જોયેલી સુંદરીને શોધવા ત્રણ માસને અંતે કણયાપુર પહોંચ્યા અને માલણના ઘરે ઊતર્યા. માલણે માહિતી આપી કે રાજકુમારી હંસાઉલી પુરુષદ્વેષી છે અને દર આઠમ, ચૌદશ અને પૂનમે પાંચસો સશસ્ત્ર દાસીઓને લઈને દેવીનાં દર્શને નીકળે છે અને રસ્તામાં જે પુરુષ મળે, એનો ઘાત કરે છે. આથી નિયત દિવસે બુદ્ધિશાળી પ્રધાન મનકેસર અગાઉથી મંદિરે જઈને મૂર્તિ પાછળ છુપાયો અને જાણે દેવી બોલતાં હોય એમ બોલીને હંસાઉલીને પુરુષોના ઘાત કરવાનું પાપ બંધ કરવા આદેશ આપ્યો. હંસાઉલીએ પોતાના પુરુષદ્વેષનું કારણ જણાવતાં કહ્યું કે પૂર્વભવમાં જ્યારે તે પોપટી હતી ત્યારે પોપટ પાણી લાવવાના બહાને છટકી ગયો હતો અને પોતે સખીઓ અને સંતાનો સાથે દાવાનળમાં બળી મરી હતી. દેવીના રૂપમાં પ્રધાન બોલ્યો : ‘તું અધૂરું જાણે છે. સાચું જાણે તો તું ફાટી પડે !’ આ સાંભળી હંસાઉલીએ પુરુષનો વધ નહિ કરવાનું વચન આપ્યું. હંસાઉલી મંદિરમાંથી બહાર નીકળી ત્યારે દેવીએ પ્રધાનની ચતુરાઈ પર હાસ્ય કર્યું, પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. પ્રધાને ચિત્રકારની વિદ્યા માગી.

ચિતારો બનેલો પ્રધાન રાજકુંવરીના મહેલમાં ગયો અને દાવાનળના પ્રસંગનું આલેખન કરીને દર્શાવ્યું કે પાણી લઈને પાછા ફરેલા પોપટે જ્યારે જોયું કે એની પત્ની દાવાનળમાં બળી મરી છે, ત્યારે પોતે પણ દાવાનળમાં કૂદીને બળી મર્યો. આ ચિત્રાલેખન જોતાં હંસાઉલી રડી પડી અને બેભાન બની ગઈ. પ્રધાને એના કાનમાં કહ્યું : ‘તારો પોપટ પણ રાજા નરવાહન તરીકે જન્મ્યો છે.’

પૂર્વભવના પોતાના પતિને પામવા માટે હંસાઉલીએ પિતા કનકભ્રમ રાજાને સ્વયંવર યોજવા અને એમાં પાટણપુર પહિઠાણના રાજા નરવાહનને નિમંત્રણ મોકલવા જણાવ્યું. સ્વયંવર યોજાયો અને રાજા નરવાહન અને હંસાઉલીનાં લગ્ન થયાં.

અસાઇતની આ રચનામાં કથાનું નિરૂપણ સીધુંસાદું લાઘવયુક્ત અને લક્ષ્યગામી છે. મધ્યકાળની હસ્તપ્રતમાં ઉપલબ્ધ એવી આ પ્રથમ પદ્યવાર્તાનું મુખ્ય માધ્યમ દુહા-ચોપાઈ છે; પરંતુ વચ્ચે વચ્ચે અપભ્રંશની અસર હેઠળ વસ્તુ અને ગાથાનો તેમજ વચ્ચે એક ગીતનો પણ પ્રયોગ થયો છે. ચિત્રના માધ્યમે પૂર્વ ભવના પતિની નિષ્ઠા જાણતાં ઉદ્વિગ્ન ચિત્ત હંસાઉલી ‘પોપટ પંખીઆ, નવલનેહ નરનાથ’ એવા ત્રીજા ચરણની ધ્રુવપંક્તિ ધરાવતું ગીત ગાય છે. અસાઇત ‘વીરકથા વરણવ્યાસ’ કહી પોતાની રચનાને વીરકથા તરીકે ઓળખાવે છે. પદ્યકથાના આરંભ અને વિકાસની દૃષ્ટિએ આ કથા અત્યંત મહત્વના સીમાસ્તંભ જેવી છે.

આ કથાની સાથે જ ઉદયભાનુ, મતિસુંદર, શિવદાસ સ્વપ્નમાં આવેલી સુંદરી, ચિત્રાલેખને પૂર્વભવનો પરિચય જેવા કથાઘટકો સાથે હંસરાજ અને વત્સરાજની કથા જોડે છે. આથી કાળક્રમે આ કથા ચાર ખંડમાં વહેંચાઈને વિકાસ પામે છે.

ઉદયભાનુ ‘વિક્રમચરિત રાસ’ (ર. ઈ. 1509)માં હંસાઉલીની કથાનો, સ્વપ્નમાં થયેલાં લગ્ન અને સ્વપ્નમાં જોયેલી સુંદરીની શોધના કથાનકનો ઉપયોગ વિક્રમના પાત્ર સાથે કરે છે. અહીં દુહા, ચોપાઈ, ગાથા, વસ્તુની 560 કડીઓમાં કથા આપી છે. તેમાં પોપટપોપટીને સ્થાને મૃગમૃગલી છે. અહીં પ્રધાન સ્ત્રીરૂપે સખી બને છે અને વિક્રમ યોગીવેશે નાટક ભજવે છે; પરંતુ ઉત્તરાર્ધમાં તો ઉદયભાનુ વિક્રમ–લીલાવતીના પુત્ર વિક્રમચરિતના ચતુરાઈભર્યાં ધૂર્તતાપૂર્ણ સાહસકાર્યોથી કથાને રસિક બનાવે છે.

હંસાઉલીની કથામાં બીજાં રૂપાન્તરો છે. તેમાં વ્યભિચારની માગણી ઠુકરાવતા કુમારોને અપરમાતા દેશવટો અપાવે છે અને એમાંથી હંસરાજ અને વત્સરાજ નામના બે રાજકુમારોના સાહસશૌર્યની કથા આલેખાય છે, તેના પર વિવિધ રાસસ્વરૂપની કૃતિઓ રચાઈ છે. પુરુષદ્વેષી રાજકુમારીના મુખ્ય કથાનકે આમ અન્ય કથાઓને રોચક રૂપમાં સાંકળીને અવનવી પદ્યકથાઓ રચવાની અનુકૂળ ભૂમિકા પૂરી પાડી છે. આ રીતે પણ હંસાઉલી અત્યંત લોકપ્રિય બનેલી, પ્રભાવક કથાનક ધરાવતી કૃતિ પુરવાર થઈ છે.

મતિસુંદરે ઈ. સ. 1565માં હંસાઉલીની પૂર્વભવની કથા આપી છે, જે બીજે ભવે પોપટપોપટી અને ત્રીજે ભવે નરવાહન–હંસાઉલી તરીકે જન્મે છે. હંસાઉલીની કથાનું પૂર્ણ રૂપ ઈ. સ. 1614માં શિવદાસે રચેલી હંસાઉલી ચાર ખંડીમાં સિદ્ધ થયું છે. આ રચના દુહા, ચોપાઈ, ગાથા, કવિત અને શ્લોકની કુલ 1,362 કડીઓ ધરાવે છે.

આમ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની આ અત્યંત લોકપ્રિય રહેલી અને વિવિધ રૂપાન્તરે સુપુષ્ટ બનેલી મહત્વની પ્રેમકથા છે.

હસુ યાજ્ઞિક