સ્વાર્ટ્ઝચાઇલ્ડ, કાર્લ (જ. 9 ઑક્ટોબર 1873, ફ્રેન્કફર્ટ મેઇન; અ. 11 મે 1916, પોટ્સડમ, જર્મની) : વીસમી સદીના ખગોળવિજ્ઞાન માટે વિકાસપાયો નાખનાર ખ્યાતનામ જર્મન ખગોળવિદ. તેમણે આ ક્ષેત્રે પ્રાયોગિક અને સૈદ્ધાંતિક નોંધપાત્ર ફાળો આપ્યો છે, જે પ્રાથમિક અને તાત્વિક મૂલ્ય ધરાવે છે.

કાર્લ સ્વાર્ટ્ઝચાઇલ્ડ

વિજ્ઞાનક્ષેત્રે તે અપવાદરૂપ શક્તિ અને ક્ષમતા ધરાવતા હતા. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે ખગોલીય કક્ષાઓના સિદ્ધાંતને લગતો સંશોધનલેખ પ્રગટ કર્યો. 1901માં તે ગોટિન્જન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને વેધશાળાના નિયામક બન્યા. આઠ વર્ષ બાદ તે પોટ્સડમ ઍસ્ટ્રોનૉમિકલ ઓબ્ઝર્વેટરીના નિયામકપદે નિયુક્ત થયા.

ગોટિન્જન યુનિવર્સિટીમાં હતા ત્યારે તેમણે ફોટોગ્રાફિક ફોટોમેટ્રીમાં ચોક્કસ પદ્ધતિઓ વિકસાવીને દાખલ કરી. તેમનાં અભ્યાસયુક્ત પરિણામોને આધારે વર્ણપટીય (spectral) પ્રકાર અને તારકના વર્ણ (રંગ) વચ્ચેનો સંબંધ નિર્દેશિત કરી શકાયો. દ્વિતારક(double star)ના વિયોજનના માપન માટે બરછટ (coarse) પોત જેવી ગ્રેટિંગનો ઉપયોગ કરનાર તે પ્રથમ હતા. (સામાન્ય રીતે કાચની તકતી ઉપર અત્યંત નજીક નજીક સમાંતર અને સરખા અંતરે નિરેખિત (etched) રેખાઓની રચનાને ગ્રેટિંગ કહે છે.) તારાકીય માન (magnitude) અને રંગ નક્કી કરવા માટે તેમની આ રીતનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. વધુમાં, સૂર્યગ્રહણ દરમિયાન સૌર વર્ણપટના વિશ્લેષણ માટે તેમણે પાયાની પદ્ધતિઓ તૈયાર કરી.

સ્વાર્ટ્ઝચાઇલ્ડે વિકિરણી સંતુલન(radiative equillibrium)નો સિદ્ધાંત પ્રતિજ્ઞાપિત (enunciate) કર્યો. તારાકીય (steller) વાતાવરણમાં ઉષ્માના પરિવહન(transport)માં વિકિરણી પ્રક્રિયાની ભૂમિકા પિછાણનાર તે પ્રથમ હતા. ખગોળવિદ્યામાં આધુનિક આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓના મૂળભૂત સંશોધનમાંથી તારાકીય ગતિની સંકલ્પના (hypothesis) તૈયાર કરી. વિકિરણ વડે નાના ઘન કણો ઉપર પ્રવર્તતા દબાણનો પણ તેમણે અભ્યાસ કર્યો.

સ્વાર્ટ્ઝચાઇલ્ડે સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન અને સાપેક્ષવાદના ક્ષેત્રે મૂળભૂત ફાળો આપ્યો છે. નીલ્સ બોહરે સૂચિત કરેલ પારમાણ્વિક વર્ણપટ(atomic spectrum)નો સિદ્ધાંત વિકસાવનાર થોડાકમાં તે એક હતા. આર્નોલ્ડ સોમરફીલ્ડથી સ્વતંત્ર રીતે તેમણે ક્વૉન્ટમીકરણના વ્યાપક સિદ્ધાંતના નિયમો આપ્યા. સ્ટાર્ક ઘટના(પ્રકાશ ઉપર વિદ્યુત ક્ષેત્રની અસર)નો સંપૂર્ણ સિદ્ધાંત આપ્યો, સાથે સાથે આણ્વિક વર્ણપટ(molecular spectrum)નો ક્વૉન્ટ્મ સિદ્ધાંત વિકસાવવાની શરૂઆત કરી. આઇન્સ્ટાઇનના વ્યાપક ગુરુત્વાકર્ષણ સમીકરણનો સચોટ ઉકેલ આપ્યો. આ ઉકેલને આધારે દળદાર બિંદુવત્ પદાર્થની આસપાસ અવકાશ(space)ની ભૂમિતિનું વર્ણન શક્ય બન્યું. શ્યામલ છિદ્ર(black hole)ના સિદ્ધાંતનું ચણતર તૈયાર કર્યું.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇમ્પીરિયલ જર્મન લશ્કરમાં સેવાઓ આપતાં આપતાં ઘાતક માંદગીને લીધે અવસાન થયું.

પ્રહલાદ છ. પટેલ