સ્વામી : મરાઠી નવલકથાના વિકાસમાં સીમાચિહન ગણાતી રણજિત દેસાઈ (જ. 1928) કૃત નવલકથા. તે 1962માં પુણેથી પ્રગટ કરવામાં આવેલી. તે એટલી બધી લોકપ્રિય બની કે તેની અનેક આવૃત્તિઓ થઈ. તેને રાજ્ય પુરસ્કાર તથા અનેક સન્માન ઉપરાંત 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

આ નવલકથા માધવરાવ પેશવાના જીવન અને કાળનું ચિત્રાંકન કરતી ઐતિહાસિક નવલકથા છે. માધવરાવ નાની વયે ગાદીનશીન થઈ પેશવા બન્યા ત્યારે રાજ્યની ડામાડોળ પરિસ્થિતિ હતી. તેમણે અત્યંત કુશળતાપૂર્વક રાજ્યની સમસ્યાઓ હલ કરી, જે મોટે ભાગે કુટુંબકલહ અને દરબારીઓનાં કાવતરાંને લગતી હતી. તેમ છતાં તેમણે કુનેહપૂર્વક રાજ્યને સ્થિર કરવાના વીરતાભર્યા અથાગ પ્રયાસો કર્યા, પરંતુ ક્ષયની બીમારીને કારણે 28 વર્ષની વયે તેમનું નિધન થયું.

તેમના ટૂંકા રાજ્યકાળ દરમિયાન તેમણે મરાઠાઓને પૂર્વવત્ જીવનની તાજગી આપી અને તેમનામાં નવી આશા અને વિશ્વાસ જન્માવ્યાં. તેમણે રાજ્યકારોબાર હલ કરવામાં અનુકરણીય વિચક્ષણતા અને નિર્ણયશક્તિની પરિપક્વતા દર્શાવી. માધવરાવની એટલી જ શક્તિશાળી યુવાન અને સુંદર પત્ની રમાબાઈની મોહકતા અને તેજસ્વી બુદ્ધિ નવલકથાની જુદી જુદી ઘટનાઓમાં દૃષ્ટિગોચર થાય છે. નાના ફડનવીસ જેવા વરિષ્ઠ વહીવટકર્તાને ભૂલ કરતા દરબારીઓ પ્રત્યે રમાબાઈનું મક્કમ પણ ઉદાર વલણનું નૈતિક દર્શન થાય છે. વળી પતિ પાછળ સતી થવાની ઘટના તેનો ત્યાગ અને પતિ પ્રત્યેનો ઉત્કટ પ્રેમ દર્શાવે છે.

આમ આ નવલકથામાં યુદ્ધો અને યુદ્ધવિરામના કરારો તથા રાજકીય કાવાદાવાનું આબેહૂબ વર્ણન જોવા મળે છે. આમ તેમાંનાં જીવંત પાત્રાલેખન, વિવિધ ઐતિહાસિક ઘટનાઓની વાસ્તવિક આબેહૂબ ગૂંથણી તથા ઊંડી માનવતાને કારણે તેનું તત્કાલીન મરાઠી નવલકથાસાહિત્યમાં આગવું અને ગૌરવભર્યું સ્થાન છે.

બળદેવભાઈ કનીજિયા