સ્વપીડન (masochism) : જાતીય સુખ મેળવવાની મનોદશાનો એક વિકૃત પ્રકાર. મનોવિજ્ઞાનમાં પરપીડન (sadism) તેમજ સ્વપીડન (masochism) પદો એક પ્રકારના વિકૃત વર્તનના સિક્કાની બે બાજુની જેમ દ્વંદ્વમાં પ્રયોજાય છે. પરપીડન એટલે કોઈ વ્યક્તિએ અન્ય વ્યક્તિને વેદના, ત્રાસ કે હાનિ ઉપજાવતાં પોતાને જાતીય ઉત્તેજના અને તેથી જાતીય સુખનો અનુભવ થવો તેવી મનોદશા. આ પદનો સંબંધ માર્કવસ દ સદે નામના ફ્રેન્ચ દાર્શનિક સાહિત્યકાર સાથે છે. સ્વપીડન એટલે કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથેના સંબંધમાં પોતાને સામી વ્યક્તિ તરફથી ત્રાસ, પીડા ઉપજાવવામાં આવે તો જ એ (પીડા ભોગવનાર) પોતાને જાતીય ઉત્તેજના અને તેથી જાતીય સુખનો અનુભવ થાય તેવી મનોદશા. વ્યક્તિમાં સ્વપીડનની દશા તેને મરણતોલ માર મારીને, ચાબુક ફટકારીને, દોરડાથી બાંધીને, શસ્ત્રથી ઈજા કરીને કે હાંસી ઉડાવીને, અપમાનજનક ભાષા વાપરીને એમ અનેક રીતે ઉપજાવી શકાય. ઑસ્ટ્રિયન નવલકથાકાર કેવેલિયર લીઓપોલ્ડ વૉન સૅચર મેસાક(1836–1895)ની વેનસ ઇન ફર્સ નવલકથામાં નાયકના પાત્રનિરૂપણ સાથે સ્વપીડન પદનો સંબંધ રહેલો છે. પરપીડન કે સ્વપીડન દ્વારા જાતીય સુખ મેળવવાની મનોદશા ધરાવતી વ્યક્તિ પરપીડનલક્ષી કે સ્વપીડનલક્ષી પ્રકારની જાતીય વિકૃતિનો દર્દી છે એમ કહેવાય. કેટલીક વ્યક્તિ માત્ર પરપીડનલક્ષી હોય છે, અન્ય કેટલીક સ્વપીડનલક્ષી હોય છે. અપવાદરૂપ વ્યક્તિમાં આ બંને પ્રકારનાં વલણો એકસાથે પણ હોઈ શકે છે.

મનોજાતીય વિકૃતિઓની આ દશાઓને ઓળખવા માટે પરપીડન-સ્વપીડન પદો સૌપ્રથમ જર્મન મનોરોગચિકિત્સક રિચાર્ડ ફ્રાયહેર વૉન ક્રાફટ-એબિંગે (Richard Freiherr Von Kraft Ebbing) 1866માં પ્રયોજ્યાં હતાં. હેવલોક એલિસ ‘સ્ટડીઝ ઇન સાઇકૉલૉજી ઑવ્ સેક્સ’માં કહે છે કે પરપીડન-સ્વપીડન પદો પરસ્પરપૂરક આવેગિક મન:સ્થિતિઓને સ્પર્શે છે. અહીં વ્યક્તિને પોતાને થતી વેદના કે અન્યને આપવામાં આવતાં વેદના-ત્રાસને સામાન્ય ક્રૂરતા કે ક્રૂર મનોદશા સાથે સરખાવી શકાય નહિ. પરપીડા કે સ્વપીડામાં ઊપજતી વેદનાને સ્પષ્ટ રીતે માત્ર જાતીય ઉત્તેજના અને જાતીય સુખપ્રાપ્તિ સાથે જ સંબંધ છે.

જાતીય સંબંધમાં આવતી બે વ્યક્તિઓમાં એક પરપીડનપ્રિય અને બીજી સ્વપીડનપ્રિય હોય તો બંને ભાગીદારોને આ સંબંધમાંથી જાતીય ઉત્તેજના અને સુખપ્રાપ્તિ થાય છે. સ્વપીડક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ જાતીય ઉત્તેજના અને આનંદ પ્રાપ્ત કરવા સામી વ્યક્તિને પોતાને ચાબુકથી ફટકારવા, ઈજા પહોંચાડવા, માર મારવા, બળાત્કાર કરવા આજીજી, દબાણ કરે, પોતે ગુલામ-ચાકર છે એ રીતે પોતાને હડધૂત કરવા, પોતાનું અપમાન કરવા દબાણ કરે. સ્વપીડક વ્યક્તિ પોતાની જાતે પણ શસ્ત્રથી શરીરને ઈજા પહોંચાડી, બળતરા ઉપજાવી, વિદ્યુતના આંચકા મેળવી, શસ્ત્રક્રિયા કરાવીને કે જાતને અકસ્માતમાં સંડોવીને પણ જાતીય ઉત્તેજના અનુભવવા પ્રયાસ કરે છે.

ક્રાફટ-એબિંગે સૌપ્રથમ પરપીડન-સ્વપીડન પદોનો ઉપયોગ કર્યો તે પહેલાં 1498માં ઇટાલિયન તત્વવેત્તા Pico della Mirandotaએ ‘જાતીય સંબંધ બાંધતા પહેલાં વ્યક્તિને લાત મારવામાં આવે’ એવી રીતનું વર્ણન કર્યું છે. જર્મન તબીબ જૉન હેનરિચ મીબૉમે 1639માં સ્વપીડનની આ રીતની સમજૂતી આપવાનો પ્રયાસ કરતાં કહ્યું કે ‘વ્યક્તિને પીઠ ઉપર લાત મારવામાં આવતાં તેના મૂત્રપિંડમાં રહેલું વીર્ય ગરમ થાય છે અને આ વીર્ય વૃષણમાં પહોંચતાં તે વ્યક્તિને જાતીય ઉત્તેજના થાય છે.’ 1788માં ફ્રોનૉઇસ ઍમેદી ડોપેટે આ જ માન્યતાના આધારે કહ્યું કે ‘સ્ત્રીને પણ પીઠ ઉપર લાત મારવામાં આવે તો તેને જાતીય ઉત્તેજનાનો અનુભવ થાય છે.’ 4થી સદીમાં લખાયેલા વાત્સ્યાયનના ‘કામસૂત્ર’માં પણ કામક્રીડા દરમિયાન પરસ્પર સંમતિથી એકબીજાને ધોલધપાટ કરી આનંદ મેળવવાનો ઉલ્લેખ છે. બાઇબલમાં સજાતીય સંબંધો તેમજ પ્રાણી સાથેના સંબંધોનો નિષેધ છે; પરંતુ પરપીડન-સ્વપીડન વ્યવહારો પ્રતિબંધિત હોવાનો ઉલ્લેખ નથી.

પરપીડન-સ્વપીડન વિષમતાઓ ઊપજવા માટે સમજૂતી આપવાના પ્રયાસો કરનાર મનોવિજ્ઞાનીઓમાં સીગ્મંડ ફ્રૉઇડ અગ્રેસર છે. જોકે ફ્રૉઇડ તેમની સમજૂતીઓમાં સતત ફેરફારો કરતા રહ્યા છે. સૌપ્રથમ ફ્રૉઇડે કહ્યું કે સ્વપીડન એ પરપીડનનો જ એક પ્રકાર છે. વ્યક્તિ અન્યને પીડા આપવાની વૃત્તિને પોતાની તરફ વાળી પોતાની જાતને પીડા આપે છે. તેણે સ્વપીડનના પ્રાથમિક અને દ્વૈતીયિક એવા બે પ્રકારો પાડ્યા. તેમાં વળી ‘નારીવાદી’ અને ‘નૈતિક’ સ્વપીડનના પ્રકારો દાખલ કર્યા. તેણે કહ્યું કે આ બંને પ્રકારની મનોદશાઓ ઉત્પન્ન થવામાં વ્યક્તિના મનોજાતીય વિકાસ દરમિયાન ઉત્પન્ન થયેલી ‘અપરાધભાવની લાગણી’ કેટલેક અંશે જવાબદાર છે; પરંતુ વીસમી સદી દરમિયાન થયેલાં સંશોધનો ફ્રૉઇડના આ મતનું સમર્થન કરતાં નથી. 1950–1960નાં વર્ષોમાં પ્રગટ થયેલા, જાતીયતા-વિજ્ઞાની આલ્ફ્રેડ કીન્સેના, સ્ત્રીઓ તેમજ પુરુષોમાં જાતીય વ્યવહારો વિશેના હેવાલમાં સ્વપીડક-પરપીડક સંબંધોનો ખાસ્સો ઉલ્લેખ છે. 1977માં ઍન્ડ્રીઝ સ્પેંગ્લર અને 1986માં નૉર્મન બેસ્લોએ પોતાનાં સર્વેક્ષણો ઉપરથી તારવ્યું કે ‘ફ્રૉઇડના પરપીડન-સ્વપીડન વિશેના ખ્યાલો સંસ્કૃતિપ્રચુર પૂર્વગ્રહો અને અજ્ઞાનતાથી ભારિત હતા. 1969નાં પૉલ ગેબહાર્ડ તેમજ 1993નાં ટૉમસ વેઝેસ્ટીનનાં સંશોધનો બતાવે છે કે ‘સ્વપીડનની વૃત્તિ ઘણી વખત અમુક સામાજિક વર્ગ પૂરતી મર્યાદિત પેટાસંસ્કૃતિનું લક્ષણ છે.’

સ્વપીડનની મનોદશા ઊપજવા માટે એક સિદ્ધાંત એ છે કે ‘વ્યક્તિ અનેક પ્રકારના જાતીય કલ્પનાવિહારોમાં રાચે છે, જેમનો સંતોષ ન થઈ શકતાં તેમનું દમન થાય છે. આવી ન સંતોષી શકાયેલી, દમન થયેલી વૃત્તિઓ કાળક્રમે વધારે પ્રબળ બને છે; પરંતુ જ્યારે આ વૃત્તિઓનો સંતોષ કરવા માટેનાં દબાણો આક્રમક બને છે ત્યારે વ્યક્તિ જાતીય ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને અત્યંત તણાવ તેમજ ત્રાસ અનુભવે છે. એવી પણ એક માન્યતા છે કે સ્વપીડક વ્યક્તિને વાસ્તવમાં તો અધિકાર અને સત્તાધારી ભૂમિકા ભજવવાની ખેવના હોય છે; પરંતુ તેમ ન થઈ શકતાં તેનામાં સંઘર્ષ ઊપજે છે અને પછી પ્રત્યાઘાત રૂપે તે સામી વ્યક્તિ સમક્ષ નમ્રતા, લઘુતા, તાબેદારીની મનોદશા અનુભવે છે. એમ પણ માનવામાં આવે છે કે ‘સંઘર્ષયુક્ત પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટેની એક બચાવપ્રયુક્તિ તરીકે પરપીડન-સ્વપીડન મનોદશા ઊપજતી હોય છે.’ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં સ્વપીડનની વૃત્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

સ્વપીડનની દશા અન્ય સ્વરૂપોમાં પણ વર્તન-વ્યવહારોમાં જોવા મળે છે. ઘણી વ્યક્તિઓ પોતાને નિષ્ફળતા, હાર કે નાલેશી મળે અને પરિસ્થિતિમાંથી માર્ગ ન સૂઝે ત્યારે છાતી કૂટે, માથું પછાડે, ઉપવાસત્રાગાં કરે, બ્લેડથી કાપ મૂકે, આપઘાત કરે  એવી પ્રતિક્રિયાઓ આપે છે. પતિ સામે પ્રતિકાર ન કરી શકે, સમાજનાં બંધનો સામે બાથ ન ભીડી શકે, પ્રતિષ્ઠા જવાના ડરથી લોકને મોઢું ન બતાવી શકે એવા સંજોગોમાં વ્યક્તિની હતાશાની લાગણી પોતાની જાત પ્રત્યે વળે છે અને તે આત્મપ્રતારણા, આપઘાત, ભાગી જવું, સંસારત્યાગ જેવા વર્તનમાં સરી પડે છે. કેટલાક સાધુઓ ખીલાની બેઠક ઉપર બેસે છે, એક પગે સતત ઊભા રહે છે. મોહરમમાં કેટલાક પોતાની જાત ઉપર કોરડા, સાંકળો વીંઝે છે. આવી જાતને પીડા આપવાની પ્રવૃત્તિઓને જાતીય ઉત્તેજનાનો અનુભવ કરવા સાથે સંબંધ ન હોય તો ટૅકનિકલ અર્થમાં તે સ્વપીડન ન કહેવાય.

પર-સ્વપીડન મનોદશાઓ શાથી અને કેવી રીતે ઊપજે છે તે વિશેના જુદા જુદા સિદ્ધાંતો છે. શૈશવકાળમાં થયેલા અનુભવો, હૉર્મોનલ સ્રાવોમાં ઊપજતી વિષમતા, જનીનિક વલણો, ક્ષતિયુક્ત શિક્ષણ અને ટેવો, પુરુષપ્રધાન સમાજમાં ઉછેર તેમજ કેટલીક વાર સભાનપણે પસંદગી વગેરે પરિબળો જવાબદાર માનવામાં આવ્યાં છે; છતાં આ પરત્વે ઘણી અસ્પષ્ટતા અને અચોક્કસતા પ્રવર્તે છે અને સ્વપીડન અંગે કોઈ સર્વસ્વીકૃત, સર્વમાન્ય સમજૂતી આપતો સિદ્ધાંત ઉપલબ્ધ નથી.

સજાતીય સંબંધો, પ્રાણીઓ સાથે જાતીય વ્યવહારો, નજીકનાં સગાંઓ વચ્ચે જાતીય સંબંધો વગેરે વિશેનાં સમાજમાં પ્રવર્તતાં વલણોની તુલનામાં પરપીડન-સ્વપીડન પરત્વે સમાજનું વલણ કેટલેક અંશે સંદિગ્ધતા તેમજ સ્વીકૃતિનું છે; તેથી જર્મની, નૉર્વે, જાપાન વગેરે દેશોમાં પર-સ્વપીડન વલણો ધરાવતી વ્યક્તિઓનાં મંડળો શરૂ થયાં છે તેમજ આ વિષય વિશે આજે પૂરી છૂટથી મંતવ્યો રજૂ કરી શકાય છે અને લખાણો પ્રગટ થાય છે. પરદેશી સાહિત્યમાં પરપીડન-સ્વપીડન સંબંધોનું આલેખન કરતી ઘણી કૃતિઓ પ્રગટ થતી રહી છે. ગુજરાતી સાહિત્યમાં ધીરુબહેન પટેલની ‘વડવાનલ’ તેમજ ‘આગંતુક’ નવલકથાઓમાં અને મોહંમદ માંકડની ટૂંકી વાર્તા ‘રમત’માં પરપીડનની સમસ્યાનું આલેખન છે. ધીરુબહેન પટેલની ‘હુતાશન’ તેમજ મધુ રાયની ‘ચહેરા’ નવલકથામાં સ્વપીડન અને પરપીડન બંને પ્રકારના સંબંધો તેમજ રાવજી પટેલની ‘અશ્રુઘર’માં સ્વપીડનની ઘટના વણાયેલાં છે.

એક સમયે રોગિષ્ઠ કે વિકૃત મનાતા સજાતીયતા જેવા વિષમ જાતીય વ્યવહારો વિશે આજે સમાજનો અભિગમ બદલાયો છે. સમાજમાં સહિષ્ણુતાનાં વલણો વિકસ્યાં છે. આધુનિક સંશોધનો પણ પર-સ્વપીડનની મનોદશાને માનસિક રોગોની યાદીમાંથી બાકાત રાખવાની તરફેણ કરે છે. ડાયગ્નોસ્ટિક ઍન્ડ સ્ટેટિસ્ટિકલ મૅન્યુઅલ ઑવ્ મેન્ટલ ડિસ્ઑર્ડર્સ(DSM IV)ની 2000ની આવૃત્તિમાં પરસ્પર સંમતિથી થતા પર-સ્વપીડક વ્યવહારને જાતીય વિકૃતિ તરીકે ગણવામાં આવ્યા નથી. આજે મનોરોગચિકિત્સકો, માનસોપચારકો તેમજ જાતીય વિજ્ઞાનીઓ પરપીડન-સ્વપીડન વ્યવહારોને ‘માનસિક રોગ’ – વિકૃતિ નહિ ગણતાં તેમને ‘જાતીય ઉત્તેજના અનુભવવા માટે સતતાગ્રાહી કલ્પનાવ્યાપાર કે વ્યવહાર’ તરીકે ઘટાવે છે. આવા સતતાગ્રાહી વલણ ધરાવતી વ્યક્તિઓની સારવાર સલાહ-માર્ગદર્શન, ઔષધોપચાર, હૉર્મોનલ સારવાર, વર્તન-પરિવર્તન-ઉપચાર, જ્ઞાનાત્મક ઉપચાર વગેરે પદ્ધતિઓ દ્વારા થઈ શકે છે.

ભાનુપ્રસાદ અ. પરીખ