સ્પેન્ડર, સ્ટીફન (હેરોલ્ડ) (સર) (જ. 28 ફેબ્રુઆરી 1909, લંડન; અ. 15 જુલાઈ 1995) : અંગ્રેજ કવિ અને વિવેચક. 1930ના ગાળામાં પ્રગતિશીલ વિચારધારાથી છલોછલ નવસર્જનો દ્વારા રાજકીય ચેતનાની અભિવ્યક્તિને કારણે ખૂબ ઝડપથી પ્રસિદ્ધિ પામ્યા. તે સમય પછી રચાયેલાં કાવ્યોમાં બાહ્ય, રાજકીય પરિસ્થિતિ ઓછી વ્યક્ત થતી જોવા મળે છે, પરંતુ તે કવિતાઓમાં અંગત જીવનની સંવેદના વ્યક્ત થઈ છે. એ સમયમાં સર્જન પામેલાં કાવ્યોમાં કવિની પોતાની અંતશ્ચેતનાનું પ્રતિબિંબ પડેલું દેખાય છે. 1940ના દાયકામાં કવિ પોતાના વિવેચન-લેખો અને ‘હોરાઇઝન’ (1939–1941) તથા ‘એન્કાઉન્ટર’ (1953–1967) જેવાં સાહિત્યિક સામયિકોમાં પ્રકાશિત કરેલ પ્રભાવશાળી વિવેચનનોંધોને કારણે ખૂબ ખ્યાતિ પામ્યા.

સ્ટીફન સ્પેન્ડર (હેરોલ્ડ) (સર)

તે જમાનામાં સર્જાતું સાહિત્ય તેમના વિચારોના પ્રભાવ હેઠળ કંડારાવા માંડ્યું. સ્પેન્ડર લંડનની યુનિવર્સિટી કૉલેજ સ્કૂલ અને પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ દરમિયાન તે જમાનાની ખ્યાતનામ પ્રતિભાઓ ડબ્લ્યૂ. એચ. ઑડન તથા સી. ડી. લ્યૂઇસના પરિચયમાં આવ્યા. 1930–1933ના ગાળામાં તેમણે કેટલોક સમય જર્મનીમાં ત્યાંના જાણીતા કવિ ક્રિસ્ટોફર ઇશરવુડના સહવાસમાં ગાળ્યો. આ બધાની અસર તેમની આરંભની કૃતિઓ ‘પોએમ્સ’ (1933), વિયેના (1934), પદ્યનાટક ‘ટ્રાયલ ઑવ્ અ જજ’ (1938) અને ‘ધ સ્ટીલ સેન્ટર’(1939)માં જોવા મળે છે. આ સમયમાં રચાયેલી કવિતામાં જર્મન કવિ રિલ્કે અને લોર્કાનો પ્રભાવ સ્પષ્ટ જણાય છે. સ્પેન્ડરની કવિતામાં સમાજના નિરૂપણ કરતાં વ્યક્તિગત સંવેદનાની અભિવ્યક્તિનો સંઘર્ષ તેમના સમકાલીન કવિઓની કવિતાઓ કરતાં તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. આત્મનિરીક્ષણ અને આર્દ્રતા જેવાં તેમનાં વ્યક્તિત્વનાં પાસાં તેમની કવિતામાં અભિવ્યક્ત થયાં છે. તેમના કાવ્યગ્રંથો ‘રુઇન્સ ઍન્ડ વિઝન્સ’ (1942), ‘પોએમ્સ ઑવ્ ડેડિકેશન’ (1947) વગેરેમાં પ્રગટ થતી માનવતા અને પ્રામાણિકતાના ગુણોની અભિવ્યક્તિને કારણે ખૂબ પ્રશંસા પામ્યા; તેમાંય ‘પોએમ્સ ઑવ્ ડેડિકેશન’માં પ્રસિદ્ધ થયેલ ‘એલિજી ફૉર માર્ગરેટ’ની વિવેચકોએ ખૂબ પ્રશંસા કરી છે. 1949માં પ્રગટ થયેલ કાવ્યગ્રંથ ‘ધ એજ ઑવ્ બીઇંગ’માં ઊંડા ચિંતનનાં કાવ્યોનો સમાવેશ થયો છે. 1955માં તેમનો કાવ્યગ્રંથ ‘કલેક્ટેડ પોએમ્સ’ અને 1971માં ‘ધ જનરસ ડેઝ’ નામનો પોતાનો નવો કાવ્યગ્રંથ પ્રગટ થયાં. સ્પેન્ડરનું અંગ્રેજી ગદ્ય સાહિત્યમાં પણ નોંધપાત્ર પ્રદાન છે. તેમનો વાર્તાસંગ્રહ ‘ધ બર્નિંગ કૅક્ટસ’ 1936માં પ્રસિદ્ધ થયો અને તેમની નવલકથા ‘ધ બૅકવર્ડ સન’ 1940માં પ્રસિદ્ધ થઈ. 1935માં પ્રસિદ્ધ થયેલ ‘ધ ડિસ્ટ્રક્ટિવ એલિમેન્ટ’, 1953માં પ્રકાશિત થયેલ ‘ધ ક્રિયેટિવ એલિમેન્ટ’ અને 1963માં પ્રગટ થયેલ ‘ધ સ્ટ્રગલ ઑવ્ ધ મૉડર્ન’ તેમના જાણીતા વિવેચનગ્રંથો છે. 1951માં કવિએ પોતાની આત્મકથા ‘વર્લ્ડ વિધિન વર્લ્ડ’ પ્રકાશિત કરી. આ તમામ ગ્રંથોને કારણે તેમને પ્રભાવશાળી ગદ્યકાર તરીકે પ્રસિદ્ધિ મળી છે. સ્પેન્ડર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નૅશનલ ફાયર સર્વિસના સભ્ય તરીકે 1941થી 1944 દરમિયાન સેવા આપતા રહ્યા. યુદ્ધવિરામ બાદ તેમણે અમેરિકાની વારંવાર મુલાકાત લઈ ત્યાંની યુનિવર્સિટીઓમાં શિક્ષણ તથા વ્યાખ્યાનો આપવાનું કાર્ય ચાલુ રાખેલું. 1970થી લંડનની યુનિવર્સિટીમાં તે અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા.

પંકજ સોની