સ્પર્શ : પદાર્થને અડકતાં કે તેના ભૌતિક સંસર્ગમાં આવતાં અનુભવાતી સંવેદના. સ્પર્શ-સંવેદના દ્વારા પદાર્થનો આકાર કે તેની કઠણતાનો અનુભવ થાય છે. તેના દ્વારા ઉષ્મા, શીતલતા, પીડા કે દબાણની પરખ પણ થાય છે. સ્પર્શને લગતાં સંવેદનાગ્રાહી કેન્દ્રો ત્વચા કે મુખમાં તથા ગર્ભાશય અને ગુદાની શ્લેષ્મકલામાં આવેલાં છે. આ ઉપરાંત તે સ્નાયુઓ, સાંધાઓ અને અંત:કર્ણમાં પણ આવેલાં હોય છે. સ્પર્શને લગતાં સંવેદનાગ્રાહી કેન્દ્રોનું વિતરણ એકસરખું હોતું નથી. શરીરના કેટલાક ભાગની સપાટી પર તેનું પ્રમાણ ખૂબ વધારે તો ક્યાંક નહિવત્ છે. જીભનો અગ્રભાગ, ગાલ અને આંગળીનાં ટેરવાં ઉપર સંવેદનાગ્રાહી કેન્દ્રો વધારે પ્રમાણમાં છે. ત્વચાની સપાટી ઉત્તેજિત થતાં કેટલીક સંવેદના ઉદભવે છે, જેને ત્વકીય ઉત્તેજના (cutaneous sensation) અથવા સ્પર્શ તરીકે ઓળખવામાં આવે છે.

સ્પર્શજન્ય સંવેદના (tactile sensation) : આ સંવેદનામાં સ્પર્શ, દબાણ, ધ્રુજારી, ખંજવાળ અને ગલીપચીનો સમાવેશ થાય છે. આ સ્પર્શજન્ય સંવેદનામાં જોવા મળતા તફાવતોનો ખ્યાલ તુરત જ આવી જાય છે, કારણ કે તેમનો ઉદભવ એક જ પ્રકારની સંવેદના ઉત્તેજિત થવાથી થાય છે. સ્પર્શ, દબાણ અને ધ્રુજારી વિવિધ પ્રકારની કૅપ્સ્યૂલ ધરાવતા (મિકેનો રિસેપ્ટર) મોટા વ્યાસવાળા મજ્જિત ચેતાતંતુના ઉત્તેજિત થવાથી અનુભવાય છે; જ્યારે ખંજવાળ અને ગલીપચીનો અનુભવ મુક્ત ચેતાના અંતભાગના નાના વ્યાસવાળા અમજ્જિત ચેતાતંતુઓ દ્વારા થાય છે. સ્પર્શની સંવેદના સામાન્ય રીતે ત્વચાના સ્તરની નીચે આવેલા નિચર્મ (dermis) વિસ્તારમાં આવેલાં સ્પર્શજન્ય સંવેદનાંગોને પરિણામે થાય છે. ખૂબ ઝડપથી અનુભવાતાં સ્પર્શ-સંવેદનાંગોમાં સ્પર્શકણો આવેલા હોય છે. જેનું સ્થાન વાળ વગરની ચામડીના નીચેના સ્તરમાં આવેલા નિચર્મ વિસ્તારમાં આવેલું હોય છે. સ્પર્શકણ એ ચેતાના શિખાતંતુનો અંડાકાર જથ્થો છે, જેની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. સ્પર્શકણોનું સૌથી વધુ પ્રમાણ હથેળી, પોપચાં, જીભની ટોચ, હોઠ, ડીંટડી, પગનાં તળિયાં અને શિશ્નની ટોચ પર આવેલું હોય છે. ખંજવાળ કેટલાંક રસાયણોને કારણે ચેતાના મુક્ત છેડા ઉત્તેજિત થવાથી ઉદભવે છે; જ્યારે ગલીપચીનો અનુભવ ચેતાના મુક્ત છેડા ઉત્તેજિત થવાથી થાય છે. ગલીપચીનો અનુભવ જ્યારે બીજું કોઈ સ્પર્શ કરે ત્યારે થાય છે, જાતે જ સ્પર્શ કરતાં ગલીપચીનો અનુભવ થતો નથી.

સ્પર્શજન્ય સંવેદનાંગો – ત્વચાના ઊભા છેદમાં

સ્પર્શ-સંવેદનાની તીવ્રતા માપવા માટેના યંત્રને એસ્થેસિયોમીટર (esthesiometer) કહે છે. આ યંત્ર કંપાસની માફક (drawing compass) બે સોય જેવી સળીઓ ધરાવે છે. જીભની સપાટી ઉપર 1.1 મિમી.ના સળીઓ વચ્ચેના અંતરથી સ્પર્શ-દબાણની સંવેદના પરખાય છે; પરંતુ ખભાની પાછળની બાજુએ બે સોયના છેડા વચ્ચેનું અંતર 65 મિમી. રાખવામાં આવે તો જ સ્પર્શ-સંવેદના પારખી શકાય છે.

ઘણા પદાર્થો એક કરતાં વધુ પ્રકારની સંવેદનાને ઉત્તેજિત કરે છે; જેમ કે ગરમ લોખંડના સળિયાને સ્પર્શ કરતાં એક સાથે દબાણ, ઉષ્મા અને પીડાની લાગણી અનુભવાય છે. શરીર ઉપર ઉષ્મા, શીતળતા, પીડા કે સ્પર્શની સંવેદના પારખનારાં લાખો કેન્દ્રો આવેલાં હોય છે.

યોગેશ મણિલાલ દલાલ