સ્ટ્રેટફર્ડ અપૉન એવૉન (Stratford upon Avon)

January, 2009

સ્ટ્રેટફર્ડ અપૉન એવૉન (Stratford upon Avon) : ઇંગ્લૅન્ડના વૉરવિકશાયર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર.  ભૌગોલિક સ્થાન : તે 52° 12´ ઉ. અ. અને 1° 41´ પ. રે.ની આજુબાજુનો 977 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની વસ્તી મોટે ભાગે ગ્રામીણ છે. આ સ્થળ બર્મિંગહામથી દક્ષિણે તથા ઑક્સફર્ડથી વાયવ્યમાં આવેલું છે. તે બર્મિંગહામ સાથે રેલમાર્ગ અને સડકમાર્ગથી જોડાયેલું છે.

શેક્સપિયરનું નિવાસસ્થાન

આ શહેરની મધ્યભાગમાંથી એવૉન નદી પસાર થાય છે. આ નદી પર ધનુષ્ય આકારનો પુલ આવેલો છે, તેનું નિર્માણ 15મી સદીમાં કરવામાં આવેલું. નદી પરનો બીજો એક પુલ 19મી સદીમાં બનાવાયો છે, તેમાં આધુનિક ટૅકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શહેર સદીઓથી વૉરવિકશાયર રાજ્યનું મુખ્ય મથક રહ્યું છે. આ સ્થળ દુનિયાભરમાં જાણીતા બનેલા સાહિત્યકાર શેક્સપિયરની જન્મભૂમિ હોવાથી તે મહત્વનું પ્રવાસન-મથક પણ બની રહ્યું છે.

નીતિન કોઠારી