સ્ટ્રીટકાર નેઇમ્ડ ડિઝાયર (1947)

January, 2009

સ્ટ્રીટકાર નેઇમ્ડ ડિઝાયર (1947) : ટેનેસી વિલિયમ્સનું પુલિત્ઝર પારિતોષિકવિજેતા અને અમેરિકન નાટ્યક્ષેત્રે પ્રવર્તમાન વલણોમાં વળાંક પ્રેરતું નાટક. નાટ્યઘટના તરીકે, આ નાટકમાં કેન્દ્રવર્તી પાત્ર બ્લેન્ચી દુબાઈની કરુણાન્ત કથાનું તખ્તાપરક નિરૂપણ છે. મોટી બહેન સ્ટેલા માબાપની જવાબદારી બ્લેન્ચી પર નાખી દઈ પરણી ગઈ. પછી કપરા સંજોગોમાં શિક્ષિકા તરીકે નિર્વાહ કરતી બ્લેન્ચી પ્રિય પાત્રને પરણ્યા પછી ટૂંક સમયમાં જ પતિના અવસાનથી, તેમજ માતાપિતાના અવસાન પછી રહેઠાણ સહિત સમસ્ત આધાર ગુમાવે છે. દરમિયાન ભડભડતી મનોકામનાઓની અતૃપ્તિની વ્યથાને માનસિક ભ્રમણાઓથી તથા બેફામ જીવનનાં નિષ્ફળ હવાતિયાંથી ટાળવા મથતી તે બદનામ ચરિત્રવાળી તરીકે પોતાના નિવાસવિસ્તારની વસ્તીથી તિરસ્કૃત અને બહિષ્કૃત થતાં છેવટે મોટી બહેનને આશરે જઈ પડે છે. ત્યાંથી નાટક શરૂ થાય છે અને જ્યારે તે પૂરું થાય છે ત્યારે બહેન સ્ટેલાના પોતાના પુરુષત્વ બાબતે અત્યાગ્રહી, આદિમ અને આક્રમક મનોદશાવાળા પતિ સ્ટેન્લીના માનસિક ત્રાસ અને છેવટે શારીરિક અત્યાચાર સામે ટકવા મથતી, સ્નેહ અને સધિયારો પામવાની આશાના અણસારમાંય નિષ્ફળ જતાં ભાંગી પડેલી, અત્યંત શરાબી થઈ ચૂકેલી બ્લેન્ચી માનસિક સમતુલા ગુમાવતાં મનોરુગ્ણાલયમાં ફંગોળાય છે. નાટકમાં બ્લેન્ચીનું આ દશાપરિવર્તન, વ્યક્તિત્વવિહીન સહનશીલ સ્ટેલા, આક્રમક સ્ટેન્લી, તેના તિનપત્તીશોખીન મિત્રો વગેરેનાં સંવાદો, ક્રિયાઓ અને ઘટનાઓથી અત્યંત અસરકારક એવી નાટ્યાત્મકતાથી રજૂ થયું છે. શ્રમજીવી વર્ગની જીવનઘટનાનું કેવળ માનવતાવાદી દૃષ્ટિને બદલે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી થયેલું નિરૂપણ અને તે દ્વારા તેમના જીવનમાં અનુભવાતી તીવ્ર અને ત્રાસદાયક તાણ આ કરુણાન્ત નાટકને સંવેદન-સભર બનાવે છે. વળી રંગરચનાનું વિશિષ્ટ સ્વરૂપ, પ્રકાશાયોજન, ધ્વનિસંપૂર્તિ વગેરેમાં અપનાવાયેલી નવીનતા પણ નાટકને અસરકારક બનાવવામાં સહાયક નીવડે છે.

આ કૃતિ ઈ. સ. 1846નું ઉત્તમ નાટક લેખાયેલું. ઈ. સ. 1951માં એલિયાક ઝાં દ્વારા તે ફિલ્મસ્વરૂપે રજૂ થતાં પણ એટલી જ યશસ્વી નીવડી.

કથા તરીકે બ્લેન્ચીની મનોદશાનું આ નાટક અમેરિકન સમાજના એક ભાગના જીવનમાં પ્રવર્તતી તંગ પરિસ્થિતિ સાથે પુરુષ અને સ્ત્રીના સ્વત્વલક્ષી સંઘર્ષને પણ દૃશ્યાત્મક રીતે પ્રસ્તુત કરે છે.

આ નાટ્યકૃતિ દ્વારા ટેનેસી વિલિયમ્સ નાટ્યક્ષેત્રે યશસ્વી પ્રતિભા તરીકે પ્રતિષ્ઠિત થાય છે.

વિનોદ અધ્વર્યુ