સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ

January, 2009

સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ (જ. 22 જાન્યુઆરી 1849, સ્ટૉકહોમ; અ. 14 મે 1912, સ્ટૉકહોમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વીડિશ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. પિતા કાર્લ ઑસ્કાર સ્ટ્રિન્ડબર્ગ સ્ટીમર એજન્ટ અને માતા લગ્ન પહેલાં હોટલમાં વેઇટ્રેસ. આ વાતનો ઉલ્લેખ તેમણે મહત્વની ઘટના તરીકે પોતાની આત્મકથા ‘સન ઑવ્ અ સર્વન્ટ’(1913)માં નોંધી છે.

સ્ટ્રિન્ડબર્ગ (જોહાન) ઑગસ્ટ

સ્ટ્રિન્ડબર્ગનું જીવન અત્યંત ડામાડોળ પરિસ્થિતિમાં વીતેલું. પ્રથમ લગ્ન વિચ્છેદ પામ્યું ત્યારે તેમને લાગેલું કે યુરોપિયન નારીવાદીઓએ પોતાની પત્ની સિરીને પોતાની પાસેથી છીનવી લીધી છે અને ઊલટું, તે લોકો તેમને ગુનેગાર ઠરાવી રહ્યા છે. પોતે પુરુષમાં નથી તેવી અફવાને ખોટી ઠેરવવા તેમણે એક વાર ડૉક્ટરને પોતાની સાથે વેશ્યાગૃહમાં લઈ જઈને પોતાના પુરુષત્વની ખાતરી કરાવેલી. સ્ટ્રિન્ડબર્ગની કૃતિઓના પાયામાં પોતાના અંગત જીવનની વ્યથા પડેલી છે. તેમની સૌપ્રથમ યશસ્વી નવલકથા ‘ધ રેડ રૂમ’(1879)માં તેઓ સામાજિક દંભ તથા શહેરી કૌભાંડોને પ્રકાશમાં લાવવાનું કામ કરે છે. નવલકથાનું મુખ્ય પાત્ર આદર્શવાદમાંથી વ્યથામય રીતે વાસ્તવિકતાના ભાનમાં કઈ રીતે આવે છે તેની એ કથા છે. ‘ધ કન્ફેશન્સ ઑવ્ અ ફૂલ’(1895)નો 1912માં ‘અ મૅડમૅન્સ ડિફેન્સ’ તરીકે અંગ્રેજી અનુવાદ ફરી વાર પ્રસિદ્ધ થયેલો, તેમાં લેખકે પોતાના લગ્ન-વિચ્છેદની વાત વ્યથામય રીતે રજૂ કરી છે. ‘ઇન્ફર્નો’(1897)માં લેખક પોતાના પૅરિસના નિવાસ દરમિયાનની વીતક કથા કહે છે. 1901થી 1904 દરમિયાન તેમના ત્રીજા લગ્નજીવનનો સમય શાંતિથી પસાર થયેલો, પણ તેનોય અંત આવી ગયેલો, અલબત્ત, ઓછી મુશ્કેલીથી. એ સમગ્ર ઘટનાની વાત ‘એન્સામ’(1903)માં કરવામાં આવી છે. સ્ટ્રિન્ડબર્ગની વિનોદવૃત્તિનો પરિચય ‘ધ પીપલ ઑવ્ હોમ્સો’(1887)માંથી પ્રાપ્ત થાય છે. ‘ઇન ધી આઉટર સ્કેરીઝ’ (1890) નિત્શેની કલ્પનાના મહામાનવ બૉર્ગને પ્રાકૃતિક નિયમોને અધીન રહીને કેવી પરિસ્થિતિમાં મુકાવું પડ્યું તેનો ચિતાર છે. સ્ટ્રિન્ડબર્ગ પોતાની કૃતિઓમાં કાળક્રમે સમાજશાસ્ત્રી, નારીવાદી, નિત્શેવાદી, નિત્શેવિરોધી, મૂડીવાદી, ચુસ્ત ખ્રિસ્તી, લોકશાહીવાદી કે ગૂઢ રહસ્યોમાં શ્રદ્ધા ધરાવનાર વ્યક્તિ તરીકે પ્રગટ થાય છે. ‘ઇન ધી આઉટર સ્કેરીઝ’માં તેમના નિત્શે વિશેના વિચારો તથા ડાર્વિન અંગેના વિચારો વચ્ચેના દ્વંદ્વનું નિરૂપણ છે. જેમ ઇબ્સનનું ‘આધુનિક નાટકના પિતા’ તરીકે નાટકના ઇતિહાસમાં સ્થાન છે તેવું જ સ્ટ્રિન્ડબર્ગનું નાટકમાં ‘એક્સ્પ્રેશનિઝમના ઉદગાતા’ તરીકેનું ઐતિહાસિક મહત્વ છે. સ્ટ્રિન્ડબર્ગે નાટકમાં રજૂ કરેલી વ્યથા છેક સાંપ્રત જમાનાના માનવીના હૃદયને સ્પર્શે છે તે નોંધનીય છે. સ્ટ્રિન્ડબર્ગનાં પ્રારંભનાં નાટકો ‘ધ ફાયર’ (1887) અને ‘મિસ જુલી’(1888)માં સ્ત્રીઓના બિનપાયાદાર વહેમ અને આનુશંકિકતા અંગેના વિચારો પ્રગટ થયા છે. પાછળથી સ્ટ્રિન્ડબર્ગ સ્વીડનબૉર્ગની વિચારધારાના પ્રભાવ હેઠળ આવ્યા અને પછીથી પ્રતીકવાદી બન્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સ્વીડિશ સાહિત્યકારનું પ્રદાન નાટકના વિકાસની દૃષ્ટિએ ગણનાપાત્ર છે. 1880ના દાયકામાં ચાલતા ‘યંગ સ્વીડન’ નામના સાહિત્યવર્તુળના લેખકો ઉપર સ્ટ્રિન્ડબર્ગનો પ્રભાવ ગાઢ હતો. સ્ટ્રિન્ડબર્ગે કવિતાનું પણ સર્જન કરેલું, પણ મુખ્યત્વે ઊર્મિપ્રધાન એવી તેમની કવિતા દેશબહાર પ્રસિદ્ધિ પામી શકેલી નહિ. એ જમાનાના સ્વીડનના સાહિત્યકારો ઉપર તેમનો ઘણો જ પ્રભાવ રહેલો.

પંકજ સોની