સ્ટૅમ્ફર્ડ થૉમસ રૅફલ (સર)

January, 2009

સ્ટૅમ્ફર્ડ, થૉમસ રૅફલ (સર) (જ. 5 જુલાઈ 1781; અ. 5 જુલાઈ 1826) : સિંગાપોરના આદ્યસ્થાપક. 14 વર્ષની નાની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની લંડન ખાતેની મધ્યસ્થ કચેરીમાં કારકુન તરીકે જોડાયા. કેટલાંક વર્ષો પછી જાવા(ઇન્ડોનેશિયા)ના ગવર્નર બન્યા. ત્યાં રહીને તેમણે ત્યાંના સમાજજીવનમાં ઘણા વિકાસલક્ષી સુધારા કર્યા.

ડચ લોકોને હંફાવવા કંપનીના નિર્ણયની પરવા કર્યા વિના, કંપનીની સત્તાની ઉપરવટ જઈને પણ તેમણે જોહોર(મલયેશિયા)ના સુલતાન પાસેથી એ વખતે કંગાળ ગણાતો સિંગાપોરનો ટાપુ ખરીદી લીધો. કંપનીની રૂઢિચુસ્ત તેમજ વેપારી વિચારસરણીથી જુદું પડતું પ્રગતિવાદી માનસિક વલણ તેઓ ધરાવતા હોવાથી લોકોને તેઓ મનસ્વી લાગતા; પરંતુ તેઓ સ્વભાવે શાંત, પ્રેમાળ તથા ગુલામી પ્રથાના વિરોધી હતા. તેઓ પ્રકૃતિવિજ્ઞાનના અને ભાષાશાસ્ત્રના જાણકાર અને જિજ્ઞાસુ હતા.

તેમનું સ્વાસ્થ્ય નાજુક રહેતું હોવા છતાં સમય વેડફ્યા વિના દૂર પૂર્વના દેશોમાં બ્રિટિશ હિતો સ્થાપવા–જાળવવા અવિશ્રાંત ખંતીલા પ્રયાસો કર્યે રાખેલા. એ જ પાયા પર એક સદી પછી અહીં બ્રિટિશ રાજ્ય સ્થપાયેલું.

ગિરીશભાઈ પંડ્યા