સ્ટટગાર્ટ (Stuttgart) : જર્મનીમાં આવેલા બાદેન-વૂર્ટેમ્બર્ગ રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 48° 41´ ઉ. અ. અને 9° 12´ પૂ. રે.. તે નીકર નદીને કાંઠે આવેલું છે. અગાઉ તે વૂર્ટેમ્બર્ગ સામ્રાજ્યનું તેમજ ડ્યૂકની જાગીરનું પાટનગર રહેલું. આજે તે જર્મનીનું આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે.

કૅસલ ચૉક, સ્ટટગાર્ટ

સ્ટટગાર્ટમાં આવેલી ઘણી ઇમારતો તેની સ્થાપત્યશૈલી માટે જાણીતી છે. તે પૈકી રેનેસાં-સ્થાપત્યશૈલીના મહેલો– આલ્તેશ શ્લોસ (જૂનો મહેલ) તથા ન્યૂએસ શ્લોસ (બૅરૉક અને રોકોકો શૈલીનો નવો મહેલ) વધુ જાણીતા છે. વૂર્ટેમ્બર્ગના ડ્યૂકો તથા રાજાઓનાં નિવાસસ્થાન તરીકે આ મહેલો ઉપયોગમાં લેવાતા હતા. વૂર્ટેમ્બર્ગની જાગીરના સ્થળ ખાતે જન્મેલા, સ્ટટગાર્ટના જાણીતા જર્મન નાટ્યલેખક અને કવિ ફ્રિડરિચ શિલર(1759–1805)ની યાદમાં આ શહેરે અહીંના એક ચોકનું નામ પાડી, તેમનું સ્મારક મૂકી બહુમાન કર્યું છે.

આ શહેરમાં મોટરવાહનો અને યાંત્રિક સામગ્રીના પુર્જા બનાવવાનાં કારખાનાં હોવાથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેના પર ભારે હવાઈ હુમલા કરેલા. જોકે આજે પણ ફરીથી સ્થાપેલા આ ઉદ્યોગો તથા ચોકસાઈવાળાં કમ્પ્યૂટર અને વીજાણુ-સામગ્રીના એકમો શહેરના અર્થતંત્રને જીવંત રાખે છે. આ ઉપરાંત અહીં મુદ્રણકામના એકમો પણ આવેલા છે. શહેરની હદમાં નજીકના સમૃદ્ધ ખેતીવિસ્તારનું વ્યસ્ત રહેતું એક બજાર પણ આવેલું છે. 1998 મુજબ આ શહેરની વસ્તી 5,84,600 જેટલી છે. વસ્તીની દૃષ્ટિએ જર્મનીમાં તે આઠમા ક્રમે આવે છે. સ્ટટગાર્ટ ખાતે સૌપ્રથમ વાર ભારતીય ધ્વજ માદામ ભિખાઈજી કામા દ્વારા લહેરાવવામાં આવ્યો હતો. વિદેશમાં 1907માં પ્રથમ વાર આ રીતે ભારતીય ધ્વજ લહેરાયો હતો.

જાહ્નવી ભટ્ટ