સ્કૉટલૅન્ડ-યાર્ડ : ઇંગ્લૅન્ડના પાટનગર લંડન ખાતે આવેલ પોલીસ-મથક. લંડન નગરના એક માર્ગના નામ પરથી આ મથકનું નામ પાડવામાં આવ્યું છે. 1829થી સ્કૉટલૅન્ડ-યાર્ડનું મૂળ મથક જે મકાનમાં હતું તે મકાન તે પૂર્વે સ્કૉટિશ શાહી પરિવારના મુલાકાતીઓ માટે કામચલાઉ નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. 1829–1967 દરમિયાન લંડન મહાનગરના પોલીસ-વિભાગનું તે મુખ્ય મથક હતું; જેનું કાર્યક્ષેત્ર 2,036 ચોરસ કિમી. જેટલું હતું અને તેમાં 80 લાખની વસ્તી હતી. 1890માં ટૅમ્સ નદીના કિનારે તે ખસેડવામાં આવ્યું હતું, જે ન્યૂ સ્કૉટલૅન્ડ-યાર્ડ તરીકે ઓળખાતું. 1967માં ફરી એક વાર તેનું કાર્યાલય તે જ વિસ્તારમાં પણ અલગ સ્થળે ફેરવવામાં આવ્યું હતું.

સમગ્ર દેશના પોલીસ-વિભાગની પ્રવૃત્તિઓનું સંકલન આ સ્થળેથી થાય છે તથા તેમાં દેશવિદેશના ગુનાઓની વિગતોનો સંગ્રહ રાખવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે