સ્કૅન્ડિનેવિયા

યુરોપ ભૂમિખંડના વાયવ્ય ભાગમાં સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પ, જટલૅન્ડ (Jutland) દ્વીપકલ્પ તેમજ તેમને અડીને આવેલા અન્ય ટાપુઓથી રચાતો સમગ્ર ભૂમિપ્રદેશ. તેમાં સામાન્ય રીતે નૉર્વે, સ્વીડન તથા ડેન્માર્ક – આ ત્રણ દેશોને સમાવવામાં આવે છે. ખાસ કરીને તેમનાં સ્થાન, ભૂસ્તરીય રચના, જાતિ અને ભાષાકીય દૃષ્ટિએ જોતાં આ પ્રદેશ એક ભૌગોલિક એકમ રચે છે. આમ છતાં ઍટલૅંટિક મહાસાગરથી વધતા-ઓછા અંતરને લીધે તેમાં થોડીક વિભિન્નતાઓ નજરે પડે છે. મુખ્યત્વે તેના ઍટલૅંટિક-કાંઠાના પશ્ચિમ ભાગો સમુદ્રથી વિશેષ પ્રભાવિત થયેલા છે.

સ્કૅન્ડિનેવિયા

અક્ષાંશીય વ્યાપની દૃષ્ટિએ જોતાં સ્કૅન્ડિનેવિયાનો આ સમગ્ર પ્રદેશ લગભગ 55° ઉ. અક્ષાંશવૃત્તથી 81° ઉ. અક્ષાંશવૃત્ત સુધી વિસ્તરેલો છે. આ પૈકીના તેના ઉત્તરના કેટલાક ભાગો તો ઉત્તર ધ્રુવવૃત્ત(661° ઉ. અક્ષાંશવૃત્ત)થી પણ વધુ ઉત્તરમાં આવેલા છે. આમ અક્ષાંશવૃત્તના સંદર્ભમાં જોતાં તેમની આબોહવામાં પણ પરિવર્તનો જોઈ શકાય છે.

ભૂસ્તરીય રચનાની દૃષ્ટિએ વિચારતાં સ્કૅન્ડિનેવિયાના પૂર્વ વિસ્તારો ‘બાલ્ટિક શીલ્ડ’(બાલ્ટિક ભૂકવચ)ના ભાગ રૂપે છે. ‘ફેનો-સ્કૅન્ડિયા’ અથવા ‘બાલ્ટિક શીલ્ડ’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આજથી આશરે એક અબજ વર્ષ પૂર્વે ‘ચર્નિયન ગિરિનિર્માણ’ અથવા ‘પ્રિ-કેમ્બ્રિયન ગિરિનિર્માણક્રિયા’ થઈ હોવાનું ભૂસ્તરવેત્તાઓનું મંતવ્ય છે. બાલ્ટિક શીલ્ડનો પ્રદેશ સ્કૅન્ડિનેવિયાના ગ્લીન્ટ (Glint) નામના પ્રદેશથી લઈને બોથનિયાના અખાત નીચે થઈ ફિનલૅન્ડ અને ઉત્તર રશિયા સુધી વિસ્તરેલો છે. આ સમગ્ર પ્રદેશનો આકાર ઊંધી ઢાલ (shield) જેવો એટલે કે બાલ્ટિક સમુદ્રની ઉત્તરમાં અંતર્ગોળ ઢોળાવવાળો હોવાથી તેને ‘બાલ્ટિક શીલ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં આર્કિયન યુગના ગ્રૅનાઇટ, નાઇસ અને સ્ફટિકમય શિસ્ટ જેવા વિકૃત ખડકો આવેલા છે.

સ્કૅન્ડિનેવિયામાં બાલ્ટિક શીલ્ડની પશ્ચિમે કૅલિડોનિયન પર્વતોના અવશેષો જોવા મળે છે. પ્રથમ જીવયુગ(Palaeozoic Era)ની શરૂઆતમાં મોટા ભાગના યુરોપના પ્રદેશો પર સમુદ્રનાં અતિક્રમણો થયેલાં. તેની અસર સ્કૅન્ડિનેવિયા અને સ્કૉટલૅન્ડ પર પણ થયેલી. આ પ્રદેશોમાં કાંપના નિક્ષેપની જમાવટ થયેલી. આજથી આશરે 35થી 40 કરોડ વર્ષ પૂર્વે પ્રથમ જીવયુગના સાઇલ્યુરિયન કાળ(Silurian Period)ના અંતિમ ભાગમાં કૅલિડોનિયન ગિરિ-નિર્માણક્રિયા થઈ જેના પરિણામે નિક્ષેપિત કાંપમાં ગેડીકરણ થતાં તેમાંથી પર્વતોનું ઉત્થાન થયું. વધુ દબાણને લીધે ખડકોમાં વિકૃતીકરણ થતાં શિસ્ટ, નાઇસ જેવા સ્ફટિકમય ખડકો વગેરેની રચના થઈ. સાઇલ્યુરિયનડેવોનિયન કાળ(SilurianDevonian Period)માં રચાયેલા પર્વતો ‘જૂના ગેડ પર્વતો’ તરીકે ઓળખાય છે. આવા પર્વતો મુખ્યત્વે નૉર્વેમાં અને તેની ઉત્તરમાં છેક સ્પિટ્સ-બર્જન સુધી પથરાયેલા છે. આ હારમાળાનું ગેડીકરણ નૈર્ઋત્યથી ઈશાન ખૂણા તરફનું છે. તૃતીય જીવયુગ (Tertiary Period) દરમિયાન ‘આલ્પાઇન ગિરિનિર્માણક્રિયા’ થતાં આ જૂના ગેડ પર્વતોમાં સ્તરભંગક્રિયા પણ ઉદભવી. ઉત્તર નૉર્વેમાં આવેલા સુલાઇટલમા (Sulitelma) જ્વાળામુખી શિખરની રચના પણ આ જ સમયમાં થઈ. સ્તરભંગક્રિયાને લીધે સ્કૅન્ડિનેવિયાના ઘસારાનાં મેદાનોમાં ઍટલૅંટિક મહાસાગર તરફ ઊંચો તથા પૂર્વ દિશા તરફ આછો ઢોળાવ ધરાવતા વિસ્તારોની રચના થઈ. નૉર્વેના કિનારાના ભાગોમાં પ્રાદેશિક ઉત્થાન થતાં સમુદ્ર તથા ઊંચી ભૂમિ વચ્ચે 2,286 મી.થી 2,438 મી. જેટલી ઊંચાઈના સોપાનાકાર પ્રદેશનો ઉદભવ થયો. વળી અનેક દિશાઓમાં સ્તરભંગ થતાં અનેક પ્રદેશો ઊંચા-નીચા થઈ ગયા. નબળા ભૂપૃષ્ઠવાળા ભૂમિપટ્ટાઓમાં નદીઓએ ઊંડી ખીણો બનાવી. ત્યાર બાદ પ્રવર્તેલા હિમયુગો દરમિયાન હિમનદીઓ દ્વારા ઘસારો થતાં તેમાં ઊંડી ‘યુ’ (U) આકારની ખીણોની રચના થઈ. તેની સાથે સાથે કપાયેલો ફિયૉર્ડ પ્રકારનો કિનારો પણ અસ્તિત્વમાં આવ્યો.

નૉર્વે, સ્વીડન તથા ડેન્માર્ક – આ ત્રણેય દેશોનો ટૂંકો ભૌગોલિક પરિચય નીચે મુજબ છે :

નૉર્વે

આ દેશ સ્કૅન્ડિનેવિયાના પશ્ચિમ ભાગમાં આશરે 57° 57´ ઉ. અક્ષાંશવૃત્તથી 71° 11´ ઉ. અક્ષાંશવૃત્ત તેમજ 4° 30´ પૂ. રેખાંશવૃત્તથી 31° 10´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેની ઉત્તર અને વાયવ્યમાં આર્કટિક મહાસાગર, દક્ષિણમાં ઉત્તર સમુદ્ર, પશ્ચિમમાં ઍટલૅંટિક મહાસાગરના ભાગરૂપ નૉર્વેજિયન સમુદ્ર, પૂર્વમાં સ્વીડન, ઈશાનમાં ફિનલૅન્ડ તથા રશિયાની સાંકડી પટ્ટી આવેલી છે. તે સ્વાલબાર્ડ દ્વીપસમૂહ તથા મૅયન (Mayen) દ્વીપ પર પણ કબજો ધરાવે છે. તેની ફિયૉર્ડ સહિતની સમુદ્રતટરેખાની કુલ લંબાઈ લગભગ 21,340 કિમી. જેટલી છે. આ દેશનો આશરે 2 ભાગ ઉત્તર ધ્રુવવૃત્તની ઉત્તરમાં આવેલો છે. આ દેશ ‘મધ્યરાત્રિના સૂર્યના દેશ’ તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 3,23,895 ચોકિમી. છે. આ દેશ વંશપરંપરાગત અને બંધારણીય રાજાશાહી શાસનપદ્ધતિને વરેલો છે. વળી તે નોબેલ પુરસ્કારનો પ્રણેતા છે. અહીં દર વર્ષે 10 ડિસેમ્બરે ઓસ્લોમાં ‘નોબેલ શાંતિ-પુરસ્કાર’ પ્રદાન કરવામાં આવે છે. આ દેશમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિકીકરણ થયેલું હોવાથી, અહીંના લોકોનું જીવનધોરણ ઘણું ઊંચું છે.

ભૂસ્તરીય રચના, ભૂપૃષ્ઠ તથા જળપરિવાહ : સ્કૅન્ડિનેવિયાના ઉચ્ચપ્રદેશના ભાગ રૂપે આવેલા આ દેશના મોટા ભાગના વિસ્તારો પહાડી છે; જ્યારે અહીં નીચા કે સપાટ ભૂમિપ્રદેશોનું પ્રમાણ તદ્દન ઓછું છે. અહીંના પ્રાચીન ખડકો અત્યંત ઘસારો પામેલા છે. ઉચ્ચપ્રદેશનો દક્ષિણ ભાગ ‘ફેલ્ડ’ (Fjeld) તરીકે ઓળખાય છે અને તે અનેક ઊંચાં શિખરો ધરાવે છે. તેમાં ગ્લિટરટિન્ડ (Glittertind) 2,554 મી., યોકુલેગન (Jokulleggan) 1,916 મી., સ્કૉગ્સહૉર્ન (Skogshorn) 1,725 મી., ગોલ્ડહોપિંગ (Goldhoping) 2,469 મી., જોટનહીમ (Jotunheim) વગેરે મુખ્ય છે. તે બધાં બારે માસ હિમાચ્છાદિત રહે છે. નૈર્ઋત્યના ઊંચા પર્વતીય પ્રદેશોનો ઢોળાવ અગ્નિ તરફનો છે. ઊંચાઈવાળા ભાગોમાં નદીઓની છીછરી ખીણો તથા ફેલ્ડની સીમા પર હિમનદીઓએ ‘યુ’ આકારની ખીણોની રચના કરી છે. ‘યુ’ આકારની ખીણોમાં સામાન્ય રીતે બરફ જામેલો રહે છે. નૉર્વેમાં ખાસ કરીને પશ્ચિમ કિનારે હિમનદીઓનું ઘસારાકાર્ય વધુ થયેલું જણાય છે, જ્યારે દક્ષિણ–પૂર્વ ભાગમાં તેમનું નિક્ષેપનકાર્ય જોવા મળે છે. આ દેશનો કિનારો ફિયૉર્ડ (fjord) સ્વરૂપનો એટલે કે અત્યંત ખાંચાખૂંચીવાળો છે. કિનારાની નજીકમાં અંદાજે 50,000થી વધુ ટાપુઓ આવેલા છે. ફિયૉર્ડની ઉપરની સપાટ ભૂમિ ‘સેટર’ (saeter) તરીકે ઓળખાય છે અને તેના પર માછીમારો વસવાટ કરે છે.

આ પહાડી દેશ, નાની નાની અને વાયવ્યથી અગ્નિમાં લગભગ એકબીજીને સમાંતરે વહેતી અનેક નદીઓ ધરાવે છે. અહીંની નદીઓ પહાડી ઢોળાવોમાં વહેતી હોવાથી નાની અને તીવ્ર વેગવાળી છે, જેથી વહાણવટા માટે બહુ ઉપયોગી નથી. હૂંફાળી દરિયાઈ આબોહવાની અસરને લીધે નદીઓનાં જળ બરફ બની જતાં નથી, તે તેમની લાક્ષણિકતા છે. બીજું કે આ બધી નદીઓ જળવિદ્યુત ઉત્પાદનમાં અત્યંત ઉપયોગી પુરવાર થઈ છે. દેશના ઉત્તર ભાગમાં રીસેન (Reisen), આલ્ટેન ઈવ (Alten Elv), બાર્ડો (Bardo) વગેરે તથા મધ્ય ભાગમાં ઑર્કા ઈવ (Orka Elv), હીસેન ઈવ (Heisen Elv), નામસેન (Namsen) વગેરે નદીઓ મુખ્ય છે; જ્યારે દક્ષિણે લોગેન (Logen), બૅગના (Bagna) વગેરે નદીઓ અગત્યની છે. આ ઉપરાંત અહીં નાનાંમોટાં અનેક સરોવરો પણ જોવા મળે છે. તે પૈકી મ્યોસા (Mjosa), તુન (Tun), રોસ (Ross), બિગદીન (Bygdin), મ્યોસેન (Mjosen), નેમ્સ (Nems) વગેરે મુખ્ય છે.

આબોહવા : નૉર્વે 58° ઉ.થી 71° ઉ. અક્ષાંશ વચ્ચે વિસ્તરેલો હોવાથી તેના મોટા ભાગના વિસ્તારો શીત કટિબંધમાં આવે છે. આમ છતાં તેના બધા ભાગોની આબોહવા અતિશય ઠંડી નથી. તેના કિનારા પાસેથી ‘ઉત્તર ઍટલૅંટિકનો ગરમ પ્રવાહ’ વહે છે અને તે ત્યાંના તાપમાનને ઊંચે લઈ જાય છે; તેથી તેના કિનારાના ભાગો બારે માસ હિમમુક્ત રહે છે. જોકે વધુ ઉત્તરમાં કિનારાના વિસ્તારોમાં આ પ્રવાહની અસર ઓછી થઈ જતી હોવાથી ત્યાં શિયાળામાં બરફ જામી જાય છે.

એવી જ રીતે આ પહાડી દેશમાં કિનારાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું જતું જણાય છે; જેમ કે બર્જન અને ઓસ્લોનાં જાન્યુઆરી માસનાં તાપમાન અનુક્રમે 1.1° સે. તથા –5° સે. રહે છે, જ્યારે જુલાઈનાં તાપમાન અનુક્રમે 16° સે. અને 18° સે. અનુભવાય છે. વળી હેમરફેસ્ટ(Hammerfest)માં જાન્યુઆરીનું સરેરાશ તાપમાન –14° સે. જેટલું રહે છે. એવી જ રીતે આશરે 70° ઉત્તર અક્ષાંશવૃત્ત પર આવેલા ટ્રોમ્સોમાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે –3° સે. તથા 12° સે. જેટલાં હોય છે.

બીજી મહત્વની બાબત એ છે કે ઉત્તરના કેટલાક પ્રદેશોમાં સૂર્ય વધુ સમય સુધી પ્રકાશતો હોવાથી જમીનને વધુ સૂર્યાઘાત મળે છે, પરિણામે દક્ષિણના પ્રદેશો કરતાં ઉત્તરના પ્રદેશોનું તાપમાન સહેજ ઊંચું અનુભવાય છે. આ સિવાય આ દેશમાં સમુદ્રની અસરોને લીધે તાપમાનનો ગાળો ઓછો જોવા મળે છે.

નૉર્વેમાં વર્ષભર પશ્ચિમિયા પવનો સમુદ્ર પરથી ભેજ લઈને આવતા હોવાથી અહીં બારે માસ વરસાદ પડે છે, પણ તેમાં પશ્ચિમના ઢોળાવો સૌથી વિશેષ વરસાદ મેળવે છે. કેટલાક પ્રદેશોમાં તો વાર્ષિક 5,080 મિમી. વરસાદ નોંધાયો છે. બર્જનમાં વરસાદની વાર્ષિક સરેરાશ 2,130 મિમી.ની છે, જ્યારે હાર્ડેન્ગર ફિયૉર્ડ બર્જનથી થોડેક જ દૂર વર્ષાછાયામાં આવેલો છે, જે માત્ર સરેરાશ 1,270 મિમી. વરસાદ મેળવે છે. પાટનગર ઓસ્લોનો વાર્ષિક વરસાદ લગભગ 740 મિમી. છે. આશરે 70° ઉ. અક્ષાંશવૃત્ત પર આવેલા ટ્રૉમ્સોનો સરેરાશ વાર્ષિક વરસાદ 1,119 મિમી. જેટલો છે. નૉર્વેનાં પહાડી ક્ષેત્રો આશરે 200 દિવસ સુધી હિમાચ્છાદિત રહે છે. જોકે દક્ષિણના ઓસ્લોના પ્રદેશમાં લગભગ 50 દિવસ સુધી બરફ જામેલો રહે છે. નૉર્વેના ઉત્તર ભાગમાં મધ્યરાત્રિએ પણ સૂર્ય જોઈ શકાય છે, જેથી તેને ‘મધ્યરાત્રિના સૂર્યના દેશ’ તરીકે ઓળખવામાં આવે છે. નૉર્થકૅપના વિસ્તારમાં લગભગ બે માસ સુધી દિવસ રહે છે.

કુદરતી વનસ્પતિ, જંગલ અને મત્સ્યસંપત્તિ : દેશનો આશરે 76 % ભૂમિવિસ્તાર બિનઉત્પાદક છે, જેમાં દલદલપંકભૂમિ તથા ડુંગરાળ પ્રદેશોનો સમાવેશ થાય છે. બાકીનો જમીનવિસ્તાર મુખ્યત્વે જંગલ-આચ્છાદિત છે. જંગલપ્રવૃત્તિમાં ઘણા લોકો સંકળાયેલા છે. આશરે B ભાગનાં જંગલો (મુખ્યત્વે સ્પ્રુસ-વૃક્ષો) ખેડૂતહસ્તક છે, જ્યારે બાકીનાં સરકાર તેમજ ઉદ્યોગોહસ્તક છે. આમ છતાં બધાં જ જંગલો પર સરકાર દેખરેખ રાખે છે. આ ઉદ્યોગ હવે યંત્ર-આધારિત છે. વૃક્ષોની કાપણીનું કામ વિદ્યુત-સંચાલિત યંત્રો દ્વારા થાય છે. નૉર્વેમાં આશરે 25 % ભૂમિવિસ્તારમાં શંકુદ્રુમ જંગલો આવેલાં છે, જેના ઘણાખરા વિસ્તારો મધ્યના ઉચ્ચપ્રદેશમાં આવેલા છે. અહીં ઓક, એલ્મ, ઍશ, પાઇન, ફર, સ્પ્રુસ, હેમલોક જેવાં પોચું લાકડું આપતાં વૃક્ષો જોવા મળે છે. ઉત્તરના ભાગોમાં સિલ્વર બર્ચ વૃક્ષોનું પ્રમાણ વિશેષ છે. દેશની અગત્યની નિકાસોમાં કાગળ અને કાગળના માવાનો સમાવેશ થાય છે.

આ જંગલોમાં રીંછ, શિયાળ, વરુ, લિન્ક્સ (Lynx), નોળિયા, મિન્ક, માર્ટેન, મુજ, ખિસકોલી, સસલાં, મસ્કરૅટ, મરમટ (Marmot), બેજર (Badger) વગેરે પ્રાણીઓ તેમજ અનેક જાતનાં પક્ષીઓ જોવા મળે છે.

આધુનિક મત્સ્યનૌકાઓ (trawlers) દ્વારા અહીંના માછીમારો વાર્ષિક લગભગ 30 લાખ ટનથી પણ વધુ માછલાં પકડે છે. તેમાં કોડ (Cod), કેપેલિન (Capalin), હેરિંગ, મેકેરલ (Mackeral) વગેરે મુખ્ય જાતો છે. દેશમાં માછલાંની વપરાશ આશરે 10 %થી 15 % જેટલી છે. બાકીનાં માછલાં અને મત્સ્યપેદાશો(તાજાં, ઠારેલાં, ડબ્બામાં પૅક કરેલાં, મીઠામાં આથેલાં કે શેકેલાં માછલાં તેમજ ફિશ-મિલ તથા માછલાનું તેલ વગેરે)ની તે નિકાસ કરે છે. માછલાં પર પ્રક્રિયા કરવાના અનેક ઉદ્યોગો ચાલે છે. તે પૈકી માછલાં ઠારવાનો ઉદ્યોગ, સૌથી વધુ અગત્ય ધરાવે છે. આલેસન્ડ (Alesund) – એ દેશનું સૌથી મોટું મત્સ્યબંદર છે. વળી ન્યૂ ફાઉન્ડલૅન્ડના તથા ગ્રીનલૅન્ડના કિનારા પાસેથી સીલ માછલી પણ પકડવામાં આવે છે.

ખેતી અને પશુપાલન : આ ડુંગરાળ દેશનો માત્ર 3 % ભૂમિવિસ્તાર ખેતી હેઠળ છે તેમ કહી શકાય. ખેતી મુખ્યત્વે બે વિસ્તારોમાં કેન્દ્રિત થયેલી છે : (1) ઓસ્લોનો પ્રદેશ તથા (2) ટ્રૉન્ડહીમ (Trondheim) પ્રદેશ. આમ છતાં નદીઓની ખીણો તથા ફિયૉર્ડની બાજુઓનાં નાનાં નાનાં ખેતરોમાં પણ થોડીઘણી ખેતી કરવામાં આવે છે. જોકે આ ખેતરો એટલાં બધાં નાનાં છે કે ત્યાંના ખેડૂતો તેમની મુખ્ય આવક બીજે સ્થળેથી મેળવે છે. કિનારાના ખેડૂતો મુખ્યત્વે માછીમારો છે; જ્યારે અંતરિયાળ ભાગના ખેડૂતો જંગલનાં લાકડાં પર આધારિત રહે છે.

ઓટ, રાય, જવ, ઘઉં, ફળો, બટાટા અને ઘાસચારો – એ આ દેશના મુખ્ય ખેતીકીય પાકો છે. ખેતીની સાથેસાથે પશુપાલનપ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. પશુઓ ઉપરાંત ઘેટાંબકરાં, ડુક્કર તથા મરઘાંબતકાંનો ઉછેર થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા દૂધ, માખણ, પનીર, માંસ, ઈંડાં, ઊન વગેરે પેદાશો સહકારી ધોરણે મેળવાય છે. વળી આ દેશ રૂંવાંના ઉત્પાદનમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. ટાપુઓવાળા ભાગોમાં રૂપેરી રૂંવાંવાળા શિયાળનો ઉછેર કરીને રૂંવાંનું ઉત્પાદન કરવામાં આવે છે.

ખનિજો, ઊર્જાનાં સાધનો તથા ઉદ્યોગો : આ દેશમાં મુખ્યત્વે કોલસો, લોખંડ તથા તાંબાનાં ખનિજોનું ઉત્પાદન થાય છે. મૅગ્નેટાઇટ પ્રકારનાં લોહખનિજોનાં મુખ્ય ક્ષેત્રો પૂર્વ ફિનમાર્ક(Finnmark)માં કિર્કનેસ ખાતે તથા પશ્ચિમ નૉર્વેમાં ડુન્ડરલૅન્ડ (Dunderland) ખાતે આવેલાં છે. આ દેશમાં કોલસાની ખાણો છેક ઉત્તરે આવેલા સ્પિટ્સબર્જનમાં આવેલી છે. છૂટાંછવાયાં ક્ષેત્રોમાંથી અલ્પ પ્રમાણમાં ઉપલબ્ધ થતા પાઇરાઇટ સહિતના ખનિજમાંથી તાંબાની ધાતુ તથા ગંધક મેળવાય છે. આ સિવાય આ દેશમાં થોડાક પ્રમાણમાં જસતનું પણ ઉત્પાદન કરવામાં આવે છે.

આ દેશ પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. વધુમાં તેમાં આવેલાં જલ-સંસાધનો સસ્તી જળવિદ્યુતનું ઉત્પાદન કરવા માટે સાનુકૂળ છે. આશરે 275 મી.ની ઊંચાઈએથી 600 કરતાં પણ વધુ જળધોધ પડે છે, જેના દ્વારા પુષ્કળ જળવિદ્યુતનું ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ લગભગ 40 લાખ કિ.વૉ. જેટલી જળવિદ્યુત ઉત્પાદનક્ષમતા ધરાવે છે. આ દેશમાં ખાસ કરીને ઊંચી ભૂમિનાં ક્ષેત્રોમાં ઓસ્લો ફિયૉર્ડની બન્ને બાજુએ, પશ્ચિમકાંઠે સોગની તથા હાર્ડેન્ગર ફિયૉર્ડના પ્રદેશમાં તેમજ નેમોસથી નૉર્થ કૅપના ફિયૉર્ડ-વિસ્તારમાં જળવિદ્યુતમથકો પ્રસ્થાપિત કરવામાં આવેલાં છે. ટૉન્ડહાનનો દક્ષિણ ભાગ દેશનાં K ભાગનાં જળવિદ્યુતમથકો ધરાવે છે. અહીં ઉત્પાદિત જળવિદ્યુતના લગભગ અર્ધા ભાગની વિદ્યુત વીજ-રાસાયણિક (electro-chemical) તથા વીજ-ધાતુશોધન (electro-metallurgical) ઉદ્યોગોમાં વપરાય છે.

આ દેશમાં જંગલ-ઉદ્યોગ, કાગળ બનાવવાના ઉદ્યોગો, ઍલ્યુમિનિયમ-ઉદ્યોગ તેમજ ગંધક તથા અન્ય રાસાયણિક પદાર્થોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો આગળ પડતા છે. દેશનો લગભગ ચોથા ભાગનો ભૂમિવિસ્તાર જંગલ-આચ્છાદિત છે; જેમાં ફર, સ્પ્રુસ, પાઇન જેવાં પોચાં લાકડાંનું ઉત્પાદન થાય છે. જંગલોમાંથી ઉપલબ્ધ થતાં લાકડાંને લીધે લાકડાં કાપવાના તથા લાકડાં વહેરવાના ઉદ્યોગો ઉપરાંત કાગળ, પ્લાયવૂડ તેમજ ફર્નિચર બનાવવાના ઉદ્યોગો વિકસિત થયા છે. લાકડાં વહેરવાની મિલો નદીકાંઠે આવેલી હોવાથી લાકડાંનું વહનખર્ચ થતું નથી. સર્પસ્બર્ગ (Sarpsborg), ડ્રામેન (Drammen), સ્કીન (Skien) વગેરે આ ઉદ્યોગનાં મહત્વનાં કેન્દ્રો છે. ટ્રૉન્ડેલૅગ(Trondelag)માં પણ કાગળનું ઉત્પાદન થાય છે. આ દેશની કુલ નિકાસનો 25 % ભાગ કાગળ અને કાગળનો માવો છે.

દેશનો ખાંચાખૂંચીવાળો દરિયાકાંઠો અને જંગલોમાંથી મળી આવતાં ઇમારતી લાકડાંને લીધે આ દેશમાં જહાજ બાંધવાના ઉદ્યોગના વિકાસ માટેની સાનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે. જોકે બ્રિટન અને જર્મનીથી પોલાદની આયાત કરવામાં આવે છે. વિશ્વનાં જહાજો બનાવતાં રાષ્ટ્રોમાં તે છઠ્ઠો ક્રમ ધરાવે છે. અન્ય બંદરોસહિત ઓસ્લો અને બર્જન આ ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે. વળી આ દેશ મોટા પાયા પર માછલાં પકડવાની મત્સ્યનૌકાઓ (trawlers), ડ્રિફ્ટર્સ (drifters) તથા ટ્રામ-સ્ટીમર(tram-steamers)નું પણ ઉત્પાદન કરે છે.

આ દેશમાં સસ્તી જળવિદ્યુત મળતી હોવાને કારણે ઍલ્યુમિનિયમ-ઉદ્યોગનો ઘણો સારો વિકાસ સધાયો છે. આ ઉદ્યોગ માટેનો જરૂરી કાચો માલ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. હોયોન્ગર (Hoyonger) આ ઉદ્યોગનું મુખ્ય મથક છે. વળી આ દેશમાં વીજ-રાસાયણિક (electro-chemical) પેદાશોનું ઝાઝું ઉત્પાદન થાય છે. તેમાં નાઇટ્રેટ, કૅલ્શિયમ કાર્બાઇડ, ઍમોનિયા, કૅલ્શિયમ નાઇટ્રેટ, સાઇનેમાઇડ વગેરે રસાયણો મુખ્ય છે. આ ઉપરાંત આ દેશમાં મત્સ્ય-ઉદ્યોગ તથા રાસાયણિક ખાતર બનાવવાને લગતા ઉદ્યોગો પણ વિકાસ પામેલા છે.

પરિવહન અને વ્યાપાર : આ દેશ પહાડી ભૂપૃષ્ઠ તથા અત્યંત શીત આબોહવા ધરાવતો હોવાથી અહીં પરિવહનનાં સાધનોનો મર્યાદિત પ્રમાણમાં વિકાસ થયેલો છે. ખાસ કરીને અહીં રેલ તથા સડકમાર્ગો બાંધવા તેમજ નિભાવવા અત્યંત ખર્ચાળ છે. રેલમાર્ગ ઊંચે કે નીચે અથવા તો બોગદાં મારફત પસાર થાય છે. વધુમાં સડકમાર્ગો અત્યંત વાંકાચૂંકા વળાંકો ધરાવે છે. એવી જ રીતે અગ્નિ વિસ્તારમાં બોગદાં ખોદીને રેલમાર્ગ પસાર કરવામાં આવ્યો છે. પાટનગર ઓસ્લો રેલ તથા સડકમાર્ગે દેશનાં અગત્યનાં મથકો સાથે સંકળાયેલું છે. અહીં એક રેલમાર્ગ ગ્લોમનની ખીણમાં થઈને નિડારોજને જોડે છે, જ્યારે બીજો રેલમાર્ગ 150થી પણ વધુ બોગદાં પાર કરીને હાર્ડેન્ગરફિલ્ડને સાંકળે છે.

આજે તે આશરે 4,178 કિમી. લંબાઈના રેલમાર્ગો તથા આશરે 91,545 કિમી. લંબાઈના સડકમાર્ગો ધરાવે છે. કેટલીક જગ્યાએ જ્યાં ટ્રેનસેવા પૂરી થતી હોય ત્યાં તેની પૂર્તિ માટે બસસેવાઓ કાર્યરત રહે છે. વળી ફેરીસેવાઓ એક સડકમાર્ગને બીજા સડકમાર્ગ સાથે જોડવાનું કાર્ય કરે છે. આ દેશમાં જળમાર્ગોનો પણ વિકાસ થયેલો છે. ખાસ કરીને તેમાં દરિયાઈ જળમાર્ગો વિશેષ અગત્યના છે. દરિયાકાંઠા પરનાં બંદરો તથા ફિયૉર્ડ તેમજ ટાપુઓને સાંકળતા દરિયાઈ જળમાર્ગો પર નૌકાઓ દ્વારા માનવ અને માલસામાનની હેરફેર થાય છે. આ દેશમાં ‘સ્કૅન્ડિનેવિયન ઍરલાઇન સર્વિસ’ (SAS) નામની હવાઈ સેવા અગત્યની છે. અહીં 50 જેટલાં હવાઈ મથકો છે. તે પૈકી ઓસ્લોમાં ફૉરનેબુ (Fornebu) તથા ગાર્ડમોએન (Gardemoen); સ્ટેવેન્જરમાં સોલા (Sola) તેમજ બર્જનની પાસે ફ્લેસલૅન્ડ (Flesland) – એ મુખ્ય હવાઈ મથકો છે.

આ દેશને પોતાનો વિશાળ દરિયાઈ વ્યાપારી નૌકાકાફલો છે. તે મુખ્યત્વે યંત્રસામગ્રી, વાહનો, ધાતુઓ, બળતણો, કાપડ, ખાદ્યવસ્તુઓ, રસાયણો વગેરેની આયાત કરે છે; જ્યારે તે માછલી, જંગલ-પેદાશો, ધાતુઓ, જહાજો, વીજ-રાસાયણિક પેદાશો અને વીજ-ધાતુશોધનની પેદાશોની નિકાસ કરે છે.

વસ્તી અને વસાહતો : અનિયમિત ધરાતળ તથા પ્રતિકૂળ આબોહવાને કારણે આ દેશમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે. તે આશરે 45,69,000 (2003) જેટલી વસ્તી ધરાવે છે. વધુમાં તેનું વસ્તીવિતરણ તદ્દન અસમાન છે; એટલું જ નહિ, તેની સરેરાશ વસ્તીગીચતા પણ ઘણી નીચી છે. તેની સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી.એ 13.8 વ્યક્તિઓ જેટલી છે. વળી દેશની આશરે 74.2 % વસ્તી શહેરી વસાહતોમાં વસવાટ કરે છે. અગ્નિ ખૂણા-દિશામાં ઓસ્લોની ચારે બાજુ, દેશની લગભગ 50 % વસ્તી વસે છે, જ્યારે બાકીની વસ્તી દેશમાં આવેલી નદીખીણોમાં તેમજ સમુદ્રકાંઠાના ભાગોમાં વસવાટ કરે છે. આર્થિક પ્રવૃત્તિઓના સંદર્ભમાં વસ્તીવિતરણ તપાસતાં તેની આશરે 35 % વસ્તી જંગલ-ઉદ્યોગમાં, 15 % વસ્તી ખેતી તથા પશુપાલનપ્રવૃત્તિમાં, 13 % વસ્તી મત્સ્ય-ઉદ્યોગમાં, 10 % વસ્તી ખાણ-ઉદ્યોગમાં તેમજ બાકીની વસ્તી અન્ય પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે.

આ દેશની ભાષા નૉર્વેજિયન છે અને મોટા ભાગના એટલે કે આશરે 94 % લોકો એવૅન્ગ્લિકલ લ્યુથેરન (Evangelican Lutheran) ધર્મ પાળે છે. બાકીના થોડાક લોકો પ્રૉટેસ્ટન્ટ તથા રોમન કૅથલિક ધર્મનું અનુસરણ કરે છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 99 % જેટલું છે.

આ દેશમાં આશરે 20,000 જેટલા લૅપ લોકો વસવાટ કરે છે. નાર્વિક તથા ટ્રૉમ્સો નજીકના વિસ્તારોમાં તેમની વસ્તીનું પ્રમાણ વિશેષ છે. વળી સામી (Sami) એ દૂર ઉત્તરની આદિવાસી પ્રજા છે અને તેમની વસ્તી અંદાજે 30,000 જેટલી છે.

ઓસ્લો : (વસ્તી : 7,61,259) નૉર્વેનું સૌથી મોટું શહેર, અગત્યનું બંદર તથા પાટનગર છે. તેનું સ્થાન ઓસ્લો ફિયૉર્ડના મથાળે આવેલું છે. તે દેશનું રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક તથા અન્ય પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. આ ઉપરાંત બર્જન (વસ્તી : 2,35,000), ટ્રૉન્ડહીમ (વસ્તી : 1,52,699), સ્ટેવેન્જર (Stavanger) (વસ્તી : 1,11,007), બેરમ (Baerum) (વસ્તી : 1,02,529), ક્રિશ્ચિયન સૅન્ડ (Kristian Sand), ડ્રૅમન (Drammen), ટ્રૉમ્સો (Tromso) વગેરે દેશની અગત્યની અન્ય શહેરી વસાહતો છે.

નૉર્વેના પાટનગર ઑસ્લોનું વિહંગ દૃશ્ય

સ્વીડન

યુરોપના સ્કૅન્ડિનેવિયા દ્વીપકલ્પના પૂર્વ ભાગમાં આવેલો આ દેશ 55° 20´ ઉ.થી 69° 04´ ઉ. અક્ષાંશવૃત્તો તથા 10° 58´ પૂ.થી 24° 10´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલો છે. આ દેશની પશ્ચિમે નૉર્વે, ઉત્તરમાં આર્ક્ટિક મહાસાગર, પૂર્વમાં બોથનિયાની ખાડી અને અગ્નિ ખૂણા તરફ બાલ્ટિક સમુદ્ર વિસ્તરેલો છે. આ દેશનો લગભગ 4 ભાગ ઉત્તર ધ્રુવવૃત્ત(661° ઉ. અક્ષાંશવૃત્ત)ની ઉત્તરે આવેલો છે. સ્વીડનની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ લગભગ 400 કિમી. તથા ઉત્તર-દક્ષિણ લંબાઈ લગભગ 1,600 કિમી. જેટલી છે. આ દેશનું ક્ષેત્રફળ આશરે 4,49,793 ચોકિમી. જેટલું છે. નૉર્વેની જેમ આ દેશનો સમુદ્રતટ પણ ખાંચાખૂંચીવાળો છે. આ દેશમાં છેક ઈ. સ. 1434થી બંધારણીય રાજાશાહી ચાલતી આવી છે. આજે તે દુનિયામાં સૌપ્રથમ કક્ષાના કલ્યાણરાજ્ય તરીકે ઊપસી આવ્યું છે.

ભૂપૃષ્ઠ તથા જળપરિવાહ : નૉર્વે સાથેની સીમા પર નૈર્ઋત્યથી ઈશાન ખૂણા તરફ પ્રસરેલી સ્કૅન્ડિનેવિયન પર્વતમાળાના ઊંચા પહાડી ભાગો આ દેશના લગભગ 25 % ભૂમિવિસ્તારને આવરે છે. તેના ઉત્તર ભાગમાં આવેલાં કેબ્નેકૈસે (Kebnekaise) અને સારેક્તજૅક્કા (Sarektjakka) શિખરો અનુક્રમે 2,123 મી. તથા 2,090 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેનાથી દક્ષિણ તરફ આવતાં ડુંગરાળ પ્રદેશોની ઊંચાઈમાં ઘટાડો થતો જાય છે; જેમ કે, સાઇલૅર્ના (Sylarna) 1,766 મી. તથા હર્જેહોઘા (Harjehogha) 1,172 મી.ની ઊંચાઈ ધરાવે છે. દેશનો સામાન્ય ઢોળાવ વાયવ્ય ખૂણાથી અગ્નિ ખૂણા તરફનો છે. ભૂતકાળમાં હિમયુગો દરમિયાન આ પ્રદેશો હિમગ્રસ્ત હતા; તેથી હિમનદીઓ દ્વારા થયેલા ધોવાણને લીધે અહીં ગોળ માથાવાળી ટેકરીઓ તથા ‘યુ’ આકારની ખીણોની રચના થઈ છે, જ્યારે હિમનદીઓ દ્વારા થયેલા નિક્ષેપનકાર્યથી બનેલી હિમ અશ્માવલીઓના અવરોધને કારણે સરોવરો રચાયાં છે, જે આ પ્રદેશની લાક્ષણિકતા છે.

આ દેશની બધી જ નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહીને બાલ્ટિક સમુદ્રને મળે છે. જોકે નદીઓની ખીણો ‘યુ’ આકાર ધરાવે છે, પણ કેટલીક જગ્યાએ સાંકડી અને ઊંડી ખીણો બનેલી છે, જેમાં લાંબાં સરોવરોની રચના થઈ છે. તોર્ને એલ્ફ (Torne Elf), લુલિયા એલ્ફ (Lulea Elf), કેલિક્સ એલ્ફ (Kalix Elf), વિન્ડેલ એલ્ફ (Vindel Elf) વગેરે નદીઓના ઉપરવાસમાં સરોવરો આવેલાં છે. આ ઉપરાંત ડાલ એલ્ફ (Dal Elf), વાન એલ્ફ (Wan Elf), ક્લેર એલ્ફ (Klar Elf) વગેરે અન્ય નદીઓ છે. આ પૈકીની ડાલ એલ્ફ નદી અનેક સરોવરોમાંથી પસાર થઈને બાલ્ટિક સમુદ્રને મળે છે. આ દેશના દક્ષિણ ભાગમાં ત્રણ મોટાં સરોવરો આવેલાં છે. આ ઉપરાંત નાનાંનાનાં અનેક સરોવરો પણ છે, જેથી આ વિસ્તાર ‘સરોવરોના પ્રદેશ’ તરીકે જાણીતો છે.

આબોહવા, કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન : આ દેશ સ્કૅન્ડિનેવિયાના પૂર્વ ભાગમાં એટલે કે ઍટલૅંટિક સમુદ્રતટથી દૂર આવેલો છે, જેથી નૉર્વે જેટલી સામુદ્રિક અસરો આ દેશની આબોહવા પર જોઈ શકાતી નથી. આમ નૉર્વે કરતાં આ દેશની આબોહવા વિશેષ ઠંડી છે. અહીંનું શિયાળાનું તાપમાન 0° સે.થી નીચે રહેતું હોવાથી તેના દક્ષિણ ભાગમાં આવેલો બાલ્ટિક સમુદ્ર શિયાળામાં થીજી જાય છે. સ્ટૉકહોમના જાન્યુઆરી માસનાં સરેરાશ દૈનિક મહત્તમ તથા લઘુતમ તાપમાન અનુક્રમે –1° સે. અને –5° સે. તેમજ જુલાઈ માસનાં સરેરાશ દૈનિક મહત્તમ તથા લઘુતમ તાપમાન અનુક્રમે 22° સે. તથા 14° સે. જેટલાં રહે છે. આ દેશમાં પશ્ચિમિયા પવનો બારે માસ વરસાદ આપે છે, પણ તે સ્કૅન્ડિનેવિયન પર્વતમાળાની વર્ષાછાયામાં આવે છે, જેથી અહીં વરસાદનું પ્રમાણ ઓછું છે. આશરે 65° ઉ. અક્ષાંશવૃત્ત પર આવેલા પિટિયા (Pitea), 517 મિમી. જેટલો વાર્ષિક વરસાદ મેળવે છે, જ્યારે પાટનગર સ્ટૉકહોમ (59° 21´ ઉ. અ.) તથા ગોથેનબર્ગ (Gothenburg) (57° 42´ ઉ. અ.)ના વાર્ષિક વરસાદનું પ્રમાણ અનુક્રમે 554 મિમી. તથા 670 મિમી. જેટલું છે.

આ દેશના આશરે અર્ધા ભાગમાં જંગલો પ્રસરેલાં છે. બીજી રીતે જોતાં તેનો ઉત્તરનો આશરે 80 % વિસ્તાર તથા દક્ષિણનો આશરે 5 % વિસ્તાર જંગલ-આચ્છાદિત છે તેમ કહી શકાય. ઉત્તરે આવેલા ટુન્ડ્ર પ્રદેશની દક્ષિણમાં બર્ચ વૃક્ષોનાં જંગલો છે; જ્યારે પૂર્વમાં પાઇન તથા ફર વૃક્ષોનાં  જંગલો છે. મધ્યસ્થ ભાગોમાં ફર, સ્પ્રુસ, પાઇન વગેરે પોચું લાકડું આપતાં વૃક્ષો વિશેષ છે, જ્યારે દેશના દક્ષિણના વિસ્તારો પાનખર-મિશ્રિત જંગલ-આચ્છાદિત છે; જોકે તેમાં બીચ વૃક્ષોનું પ્રમાણ વધારે છે. અહીં થોડાંક જંગલોને સાફ કરીને તેને સ્થાને ખેતીનો વિકાસ કરવામાં આવ્યો છે. આ દેશના કુલ નિકાસફાળામાં એકલાં લાકડાંનું જ પ્રમાણ 50 % જેટલું થવા જાય છે.

શંકુદ્રુમ જંગલોમાં મુખ્યત્વે રીંછ, શિયાળ, વરુ, લિન્ક્સ (lynx), નોળિયા, મીન્ક, માર્ટેન, મુજ, કરીબુ, ખિસકોલી, સસલાં, માર્મોટ (marmot), મસ્કરેટ વગેરે પ્રાણીઓ તેમજ મિશ્ર જંગલોમાં બાઇસન (bison), હરણ, શિયાળ, બૅજર (badger), જંગલી ભુંડ જેવાં પ્રાણીઓ જોવા મળે છે. વળી પર્વતીય વિસ્તારો પર પ્રસરેલાં જંગલો ચૅમોઇસ (chamois), જંગલી બકરાં જેવાં પ્રાણીઓ તેમજ આલ્પાઇન ગરુડ જેવાં પક્ષીઓ ધરાવે છે.

ખેતી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ : આ દેશમાં દલદલ પંકભૂમિ અને પહાડી વંધ્ય જમીનો તેમજ વિષમ આબોહવાનો વિચાર કરતાં અહીં એકંદરે સારી ખેતીલાયક જમીનોનું પ્રમાણ ઓછું હોય તે સ્વાભાવિક છે. આ દેશમાં આશરે 9 % ભૂમિમાં ખેતીપ્રવૃત્તિ કરવામાં આવે છે. સ્કૅનિયા(Scania)નો નીચો પ્રદેશ વિશેષ ખેતીક્ષમ છે અને આ પ્રદેશની 70 % જમીનો ખેતી હેઠળ છે. વળી આ પ્રદેશમાં ખેતરોના વિસ્તાર મોટા છે. સ્કૅનિયાના પ્રદેશની તુલનામાં અન્યત્ર એકંદરે ખેતીનું પ્રમાણ અલ્પ છે. આ દેશ ખાદ્ય પાકોની બાબતમાં સ્વનિર્ભર છે. અહીંના ખેડૂતો મુખ્યત્વે ઘઉં, જવ, રાય (rye), ઓટ, બટાટા, સુગરબીટ, ફ્લેક્સ તેમ જ અન્ય પાકોની ખેતી કરે છે. અહીં રાયની ખેતી વિશેષ અગત્ય ધરાવે છે. રાયબ્રેડ બનાવીને તેની નિકાસ કરવામાં આવે છે. ઓટ, જવ તથા ક્લોવરની ખેતી પશુચારા માટે થાય છે.

સ્વીડન પશુપાલનની બાબતમાં પ્રગતિશીલ છે. ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ પશુઓને ખવડાવવામાં આવે છે. અહીં ઢોર, ડુક્કર, મરઘાંબતકાં વગેરે પશુઓ પાળવામાં આવે છે. આ દેશમાં પણ સહકારી ધોરણે ડેરીઉદ્યોગનો વિકાસ થયો છે. અગ્નિ સ્કૅનિયાનો પ્રદેશ ડેરીઉદ્યોગ માટે જાણીતો છે. આ દેશ માખણ, ચીઝ, માંસ, ઈંડાં વગેરેની નિકાસ કરે છે.

આ દેશમાં દરિયાકાંઠે મત્સ્ય ઉદ્યોગનો વિકાસ થયો છે. બોથનિયાના અખાતમાંથી હેરિંગ (herring) તથા સાલ્મન (salman), બાલ્ટિક સમુદ્રમાંથી ઈલ્સ (eels) તથા ફ્લૉઉન્ડર (flounder) તેમજ પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાંથી કોડ (cod) તથા મૅકેરલ (mackeral) માછલીઓ મુખ્યત્વે પકડવામાં આવે છે.

ખનિજસંપત્તિ, ઊર્જાસંસાધનો તથા ઉદ્યોગો : આ દેશમાંથી લોખંડ, તાંબું, જસત, સીસું, સોનું, ચાંદી, કોલસો વગેરે ખનિજો મળી આવે છે. અહીં મુખ્યત્વે લોહખનિજો પુષ્કળ પ્રમાણમાં મેળવાય છે. તેના બર્ગસ્લૅગન (Bergslagen) જિલ્લામાં લોહખનિજોની 500 જેટલી ખાણો છે. તેનું બીજું લોહક્ષેત્ર લૅપલૅન્ડ ખાતે આવેલું છે. જેમાં ગૅલિવારે (Gallivare) તથા કિરુના(Kiruna)ની ખાણો પ્રખ્યાત છે. આ ઉપરાંત આ દેશમાં સ્કૅનિયાના વાયવ્ય ભાગમાં કોલસાનું નાનું ક્ષેત્ર આવેલું છે.

ઊર્જા-સંસાધનોની બાબતમાં વિચારતાં આ દેશમાં જળવિદ્યુત ઉત્પાદનક્ષેત્રે ભારે વિકાસ સધાયો છે. સસ્તી જળવિદ્યુતનો લાભ માત્ર શહેરી વસાહતોને જ નહિ, પણ ગ્રામીણ વસાહતોને પણ મળે છે. દક્ષિણ સ્વીડનના ઉચ્ચપ્રદેશમાં લૅગન (Lagan) નદી પર મોટું જળવિદ્યુત-મથક સ્થાપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશાળ સરોવરોની નજીકમાં ગોતા (Gota), ક્લૅર (Klar) તથા ડાલ (Dal) નદીઓ પરનાં જળવિદ્યુત-મથકો પણ કાર્યરત છે. આ સિવાય ઉત્તર સ્વીડનના નૅટલાન પ્રદેશમાં પણ જળવિદ્યુત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થતી હોવાથી વધારાની વિદ્યુતને ડેન્માર્કમાં નિકાસ કરવામાં આવે છે.

અહીંની ભૌગોલિક પ્રતિકૂળતાઓએ આ દેશના ઔદ્યોગિક વિકાસમાં મર્યાદા આણી છે. આમ છતાં અહીં મળતી સસ્તી વિદ્યુતનો લાભ લોહખનિજ-ક્ષેત્રોને તેમજ રેલપરિવહન સેવાઓને મળ્યો છે, જેથી પરોક્ષ રીતે ઉદ્યોગોના વિકાસને પણ વેગ મળ્યો છે. જોકે કારખાનાં, ખાસ કરીને કાચા માલના પ્રાપ્તિસ્થાન નજીક સ્થપાયાં છે. કેટલાક ઉદ્યોગો મધ્યસ્થ સરોવરોના પ્રદેશમાં કેન્દ્રિત થયેલા છે. અહીં રાસાયણિક ખાતરો, કાચ, દીવાસળી, કાગળ અને કાગળનો માવો, કાપડ, લોખંડ-પોલાદ, સ્ટવ, ટર્બાઇન (turbine) ટેલિફોન, વિમાનોના ભાગો, ચોકસાઈપૂર્વકનાં માપન-ઉપકરણો, ડેરી-ઉદ્યોગની મશીનરી, ઘડિયાળ બનાવતા એકમો, મત્સ્ય-ઉદ્યોગ વગેરે મુખ્ય ઉદ્યોગો છે.

આ દેશમાં સ્ટૉકહોમ, ગોટેબર્ગ, મોટાલા, નોરકૉપિંગ, યોનકૉપિંગ, લિન્કૉપિંગ, ઓસ્ટરગોટલૅન્ડ, માલ્મો, વાસ્ટેરાસ (Vasteras), બર્ગસ્લૅગ (Bergslag) વગેરે અગત્યનાં ઔદ્યોગિક મથકો છે.

દક્ષિણ સ્વીડનમાં લોહખનિજો, સસ્તી જળવિદ્યુત તથા સસ્તી પરિવહન-સેવાઓ તેમજ કેળવાયેલો માનવશ્રમ ઉપલબ્ધ થતો હોવાથી અહીં લોખંડ-પોલાદ, ઑટોમોબાઇલ, કાગળ અને તેનો માવો, દીવાસળી, લાકડાં વહેરવાં તથા કૃત્રિમ રેશમ બનાવવાને લગતા ઉદ્યોગો વિકાસ પામ્યા છે. ગોટેબર્ગના ઔદ્યોગિક પ્રદેશમાં મુખ્યત્વે જહાજ-બાંધકામ, લોહપોલાદ, યંત્રો, કાપડ, ઑટોમોબાઇલ, ખનિજ-તેલશોધન જેવા ઉદ્યોગોનો વિકાસ સધાયો છે. વળી માલ્મો-વેસ્ટ સ્કૅનના ઔદ્યોગિક પ્રદેશમાં જહાજ-બાંધકામ, બિનલોહ ધાતુઓ, રસાયણો વગેરેનું ઉત્પાદન થાય છે. લિન્કૉપિંગ–ઓસ્ટરગોટલૅન્ડનો ઔદ્યોગિક પ્રદેશ યંત્ર-સામગ્રી, વિમાનો, કાપડ, કાગળના ઉદ્યોગો માટે જાણીતો છે. પાટનગર સ્ટૉકહોમમાં વિદ્યુતનાં સાધનો તથા યંત્ર-સામગ્રીને લગતા એકમો મુખ્ય છે. વાસ્ટેરાસ-બર્ગસ્લૅગના ઔદ્યોગિક પ્રદેશમાં લોહપોલાદ તથા યંત્રસામગ્રીને લગતા ઉદ્યોગો વિકસિત થયા છે. ટૂંકમાં, ગોટેબર્ગ તેના જહાજ-બાંધકામના ઉદ્યોગ માટે, નોરકૉપિંગ તેના પોલાદ તથા સુતરાઉ કાપડના ઉદ્યોગ માટે તેમજ યોનકૉપિંગ તેના દીવાસળીના ઉદ્યોગ માટે વિખ્યાત છે.

પરિવહન અને વ્યાપાર : આ દેશની આબોહવા અતિશય શીત છે. વળી તે વિષમ ભૂપૃષ્ઠ ધરાવે છે, જેથી પરિવહનનાં સાધનોના વિકાસ આડે મર્યાદા આવે છે. આ કારણથી ઉત્તર સ્વીડનમાં ભૂમિ-પરિવહન સેવાઓનું પ્રમાણ અલ્પ છે. આ દેશમાં રેલમાર્ગોની કુલ લંબાઈ 11,255 કિમી. જેટલી છે. તે પૈકીની આશરે 7,000 કિમી. લંબાઈની રેલવે વિદ્યુતશક્તિથી ચાલે છે. સ્ટૉકહોમ તથા ગોટેબર્ગ રેલમાર્ગોનાં મુખ્ય મથકો છે. અહીં સ્ટૉકહોમથી ગાવલે, ઉપસલા, ઇસ્તુના, વેસ્ટીરાજ વગેરેને જોડતા રેલમાર્ગો ઉપરાંત ગોટેબર્ગથી માલમો, કાર્લ્સક્રોના, કેલમાર, સ્ટૉકહોમ, લિડકૉપિંગ તથા નૉર્વેનાં શહેરોને જોડતા રેલમાર્ગો આવેલા છે.

સ્વીડનમાં આશરે 4,22,000 કિમી. લંબાઈના સડકમાર્ગો છે, તે પૈકી દેશના મધ્ય તથા દક્ષિણ ભાગોમાં સડકમાર્ગોનું પ્રમાણ વધારે છે. ખાસ તો ઉદ્યોગો માટે કાચા માલની હેરફેર કરવા માટે સડકમાર્ગો મહત્વના છે. ગોટેબર્ગ, સ્ટૉકહોમ તેમજ ઉપસલા એ સડકમાર્ગોનાં મુખ્ય કેન્દ્રો છે.

સ્વીડનમાં આંતરિક જળમાર્ગ તરીકે ગોટા નહેર ઉપયોગમાં લેવાય છે.  તે સરોવરો, નદીઓ વગેરેમાંથી પસાર થાય છે અને 70 દરવાજા ધરાવે છે. તેની લંબાઈ આશરે 475 કિમી. જેટલી છે. આ નહેર દ્વારા ગોટેબર્ગ તથા સ્ટૉકહોમ સંકળાયેલાં છે. આ દેશનો સમુદ્રતટ ખાંચાખૂંચીવાળો હોવાથી તેના પર ઘણાં કુદરતી બંદરો આવેલાં છે. તે પૈકી સ્ટૉકહોમ, ગોટેબર્ગ તથા માલમો મુખ્ય છે. આ દેશનો મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેના પશ્ચિમ કાંઠા પરના ગોટેબર્ગ બંદર મારફત થાય છે. આ ઉપરાંત ગાવલે (Gavle), લુલિયા (Lulea), કાલમાર (Kalmar) વગેરે અન્ય અગત્યનાં બંદરો છે.

સ્વીડનમાં ‘સ્વીડિશ ઍરલાઇન’ તથા ‘સ્કૅન્ડિનેવિયન ઍરલાઇન સિસ્ટમ (SAS) દ્વારા હવાઈસેવાઓ ચાલે છે. આ દેશ આશરે 49 જેટલાં હવાઈ મથકો ધરાવે છે. તે પૈકી સ્ટૉકહોમમાં આવેલું બ્રોમા (Bromma), માલ્મોમાં આવેલું બુલટોફ્ટા (Bulltofta) તથા ગોટેબર્ગમાં આવેલું ટોર્સલાન્ડા (Torslanda) તેનાં મુખ્ય હવાઈ મથકો છે.

લાકડાં, કાગળ અને કાગળનો માવો, દીવાસળી, લોખંડ, દૂધ, પનીર, માખણ, વિદ્યુતનો સામાન વગેરે દેશની મુખ્ય નિકાસો છે; જ્યારે યંત્ર-સામગ્રી, ખાદ્યચીજવસ્તુઓ, કાપડ, કોલસો વગેરે તેની મુખ્ય આયાતો છે. આ દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારના મુખ્ય ભાગીદારોમાં જર્મની, બ્રિટન તથા પોલૅન્ડનો સમાવેશ થાય છે.

વસ્તી અને વસાહતો : આ દેશની કુલ વસ્તી આશરે 89,58,000 (2003) જેટલી છે. પહાડી અસમતળ ભૂપૃષ્ઠ તથા વિષમ આબોહવાને લીધે આ દેશનું વસ્તીવિતરણ તથા વસ્તીગીચતાનું પ્રમાણ તદ્દન અસમાન છે. સમગ્ર દેશના સંદર્ભમાં તેની વસ્તીગીચતાનું પ્રમાણ તપાસીએ તો દર ચોકિમી.એ 22 વ્યક્તિઓ જેટલું છે. આમ છતાં અહીં સ્ટૉકહોમ તથા સ્કેન (Skane) – આ બે પ્રદેશો ગીચ વસ્તી ધરાવે છે. તેમની સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી.એ અનુક્રમે 281 તથા 102 વ્યક્તિઓની છે. આ પ્રદેશોમાં દેશની આશરે 60 % વસ્તી વસવાટ કરે છે. આ પ્રદેશોમાં પાટનગર સ્ટૉકહોમ તથા તેની આસપાસના વિસ્તારો તેમજ ગોટેબર્ગ વગેરે વિશેષ ગીચ વસ્તી ધરાવે છે. આ દેશની આશરે 83 % વસ્તી શહેરોમાં વસવાટ કરે છે.

ઓરેબ્રોનો કિલ્લો

સરોવરોના પ્રદેશમાં આવેલું સ્ટૉકહોમ (વસ્તી : 7,50,000) દેશનું સૌથી મોટું શહેર અને પાટનગર છે. આ ઉપરાંત તે દેશનું રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને અન્ય પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર તેમજ ભૂમિ, જળ અને હવાઈ પરિવહન સેવાઓનું મુખ્ય મથક છે. ગોટેબર્ગ (વસ્તી : 4,67,000) એ દેશનું અગત્યનું બંદર તથા ઔદ્યોગિક મથક છે. તે તેના જહાજ-બાંધકામ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત માલ્મો (વસ્તી : 2,60,000), ઉપસલા (વસ્તી : 1,90,000), લિન્કૉપિંગ (વસ્તી : 1,33,000), વાસ્ટ્રેરાસ (Vastreras) (વસ્તી : 1,26,000), ઓરેબ્રો (Orebro), નૉર્કોપિંગ, હેલસિંગબર્ગ, જોકોપિન્ગ, ઉમિયા (Umea) વગેરે અન્ય અગત્યની શહેરી વસાહતો છે.

આ દેશના ઉત્તર ભાગમાં આશરે 10,000 જેટલા લૅપ લોકો વસવાટ કરે છે. તે પૈકીના લગભગ 3,000 લોકો અસ્થાયી છે.

ડેન્માર્ક

ઉ. યુરોપના સ્કૅન્ડિનેવિયન દેશોમાં સૌથી નાનો દેશ. તેની એક બાજુએ ઉત્તર સમુદ્ર તથા બીજી બાજુએ બાલ્ટિક સમુદ્ર વિસ્તરેલો છે. તે દ્વીપકલ્પ તથા અનેક ટાપુઓનો બનેલો છે. આ દેશનો મુખ્ય ભૂમિભાગ જટલૅન્ડ (Jutland) દ્વીપકલ્પ છે. આ ઉપરાંત ઝીલૅન્ડ (Zealand), ફીન (Fyn), લૉલૅન્ડ (Lolland), ફાલ્સ્ટર (Falster), ફ્યુનેન (Funen), બૉર્નહોમ (Bornholm) જેવા મોટા ટાપુઓ તેમજ 480 જેટલા નાના નાના ટાપુઓ મળીને આ દેશની રચના થઈ છે. વળી તેનું ઉત્તર સમુદ્ર તથા બાલ્ટિક સમુદ્ર વચ્ચેનું સ્થાન ઘણું જ વિશિષ્ટ છે. તેથી જ તેને ‘ઉત્તર યુરોપના ક્રૉસરોડ’ (Crossroads of Northern Europe) તરીકેની ઉપમા આપવામાં આવી છે. આ દેશ આશરે 54° 33´ ઉ.થી 57° 45´ ઉ. અક્ષાંશવૃત્તો અને 8° 04´ પૂ.થી 15° 12´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ લગભગ 43,074 ચોકિમી. જેટલું છે. તે પૈકી જટલૅન્ડ દ્વીપકલ્પ આશરે 23,874 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. ડેન્માર્કની દક્ષિણે 67 કિમી. લંબાઈની જર્મની સાથેની ભૂમિસીમા આવેલી છે. વળી આ દેશના લાંબા ફિયૉર્ડ તથા અનેક ટાપુઓને લીધે તેની સમુદ્રતટરેખાની લંબાઈ આશરે 65,000 કિમી. જેટલી થવા જાય છે. ડેન્માર્કનું કોઈ પણ સ્થળ સમુદ્રથી 52 કિમી.થી વધુ દૂર આવેલું નથી. બીજી નવાઈની વાત એ છે કે ડેનિશ લોકો થોડીક પેઢીઓ પૂર્વે દરિયાઈ ચાંચિયા હતા. દુનિયાનો સૌથી મોટો ટાપુ ગ્રીનલૅન્ડ તેમજ ફૅરો (Faeroe) ટાપુઓ પણ ડેન્માર્કની રાજ્યસત્તા નીચેના પ્રદેશો છે.

ડેન્માર્ક એ દુનિયાનો સૌપ્રથમ દેશ છે કે જ્યાં ઈ. સ. 1989થી સમલૈંગિક (Homosexual) વ્યક્તિઓ વચ્ચે લગ્ન કરવાની છૂટ મળેલી છે.

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : આ દેશ યુરોપનાં ઉત્તરનાં સપાટ મેદાનોના ભાગરૂપ છે. આ મેદાનો સમુદ્રસપાટીથી વધુમાં વધુ 173 મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. આ દેશનું સર્વોચ્ચ સ્થળ યડિંગ સ્કૉવહોજ (Yding Skovhoj) છે અને તે 173 મી.ની ઊંચાઈ ધરાવે છે. તે જટલૅન્ડ દ્વીપકલ્પમાં આર્હસ નગરથી નૈર્ઋત્યમાં થોડેક દૂર આવેલું છે. બૉર્નહોમ (Bornholm) ટાપુમાં મુખ્યત્વે ગ્રૅનાઇટ ખડકો જોવા મળે છે, કારણ કે તે બાલ્ટિક શીલ્ડના એક ભાગરૂપ છે. આ દેશના બાકીના ભાગોમાં તૃતીય જીવયુગ(Tertiary Era)ના ચૂનામય ખડકો પર ચતુર્થજીવ યુગ(Quartnery Era)માં રચાયેલી હિમ-અશ્માવલીઓ (moraine) જેવા પદાર્થો નિક્ષેપિત થયેલા છે. કિનારાના ભાગો રેત, કાંકરા અને પથ્થરના બનેલા છે. તેના પૂર્વ ભાગો હિમનદીઓ દ્વારા નિક્ષેપિત થયેલી ગોળાશ્મ મૃદ(boulder clay)થી રચાયેલા છે. અહીં ઘણી જગ્યાએ હિમ-અશ્માવલીઓની ટેકરીઓ દૃષ્ટિગોચર થાય છે. હિમ દ્વારા થયેલા તીવ્ર ધોવાણના પરિપાક રૂપે તેના પૂર્વ કાંઠા પર ખાંચાખૂંચીવાળા દરિયાઈ ફાંટા(ફિયૉર્ડ્ઝ)ની રચના થઈ છે. આમ છતાં ઉત્તર સમુદ્રના કિનારે પથરાયેલા રેતીના ઢૂવાઓને કારણે બંદરોનો વિકાસ થઈ શક્યો નથી.

આ દેશમાં થોડીક નાની નાની નદીઓ છે. તે પૈકી ગુડેના (Gudena) જટલૅન્ડના ઉત્તર-પૂર્વ ભાગમાં વહીને કૅટ્ટેગાટ (Kattegat) સામુદ્રધુનીમાં મળે છે. આ ઉપરાંત જટલૅન્ડમાં સ્કાઇવ (Skive), સ્ટોર (Stor), વરગોડ (Vorgod), ઓમે (Omme), વર્દે (Varde), ગેલ્સ (Gjels) વગેરે અન્ય ખૂબ નાની નદીઓ છે. વળી ઝીલૅન્ડ ટાપુ પણ સસ (Sus) નામની એક નાની નદી ધરાવે છે.

આબોહવા, કુદરતી વનસ્પતિ અને મત્સ્યસંપત્તિ : આ દેશ દરિયાઈ સ્થાન ધરાવે છે. તેની આબોહવા શીત પણ સમધાત છે. શિયાળામાં અહીં ઉત્તર યુરોપનાં મેદાનો તરફથી શીત પવનો વાય છે. આ ઉપરાંત શિયાળામાં બાલ્ટિક સમુદ્ર થીજી જાય છે, જેથી ડેન્માર્કનું તાપમાન નીચે જાય છે. પાટનગર કૉપનહેગનનાં જાન્યુઆરી માસનાં સરેરાશ દૈનિક મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 2° સે. તથા 2° સે. તેમજ જુલાઈ માસનાં સરેરાશ દૈનિક મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 22° સે. અને 14° સે. જેટલાં રહે છે. આ દેશમાં પશ્ચિમિયા પવનો બારે માસ વરસાદ આપે છે, આમ છતાં ઉનાળામાં વરસાદનું પ્રમાણ વિશેષ હોય છે. વળી ઑગસ્ટ માસમાં ઉત્પન્ન થતા મધ્ય અક્ષાંશવૃત્તના વંટોળો પણ વરસાદ આપવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત પૂર્વ કાંઠા કરતાં પશ્ચિમ કાંઠા પર વરસાદનું પ્રમાણ વિશેષ હોય છે. પાટનગર કૉપનહેગન (9 મી.) તથા ફૅનો(Fano) (3 મી.)ના વાર્ષિક વરસાદનું પ્રમાણ અનુક્રમે 603 મિમી. તથા 729 મિમી. જેટલું છે. આજે આ દેશના આશરે 10.5 % ભૂમિવિસ્તારમાં જંગલો છવાયેલાં છે. દેશનો પૂર્વ ભાગ અગાઉ મુખ્યત્વે ઓક તથા ઍશ વૃક્ષોનાં પાનખર જંગલો ધરાવતો હતો, પણ આ જંગલોને ખેતી માટે સાફ કરવામાં આવતાં આજે તેમાંથી થોડાંઘણાં જંગલો બચેલાં છે. તેમાં બીચ વૃક્ષો વિશેષ પ્રમાણમાં ધરાવે છે. પશ્ચિમના ભાગો પણ આવા થોડાઘણા જંગલવિસ્તારોથી છવાયેલા છે. જટલૅન્ડમાં કેટલાંક સરોવરો પાસે પીટ-કોલસા(Peat bog)ની રચના થયેલી છે, જેને બળતણ માટે ખોદી કાઢવામાં આવે છે. જોકે હવે આ પ્રકારની જમીનોને નવસાધ્ય કરવામાં આવી છે. અહીં જમીનધોવાણ અટકાવવા માટે કેટલાંક સ્થળોએ વૃક્ષારોપણ પણ કરવામાં આવેલું છે. વળી રેતીના ઢૂવાઓને વિસ્તરતા અટકાવવા તેના પર ઘાસ અને વેલા જેવી વનસ્પતિઓનું વાવેતર પણ કરવામાં આવે છે.

અહીં દરિયાકાંઠે મત્સ્ય-ઉદ્યોગનાં કેન્દ્રો આવેલાં છે. જટલૅન્ડના પશ્ચિમ કિનારે ઉત્તર સમુદ્રમાં પ્લાઇસ (Plaice) અને ઈલ (Eel) જાતની માછલીઓનાં (મત્સ્ય)ક્ષેત્રો આવેલાં છે, ત્યાં એસબર્ગ (Esbjerg) નામનું મત્સ્ય-ઉદ્યોગનું કેન્દ્ર વિકસિત થયું છે. પૂર્વ જટલૅન્ડના ઉત્તર છેડે સ્કાગન (Skagan) નામનું કેન્દ્ર છે કે જ્યાં પ્લાઇસ (Plaice), હેરિંગ, કોડ વગેરે માછલાંની જાતો પકડવામાં આવે છે.

ખેતી તથા પશુપાલન : આ દેશમાં અનેક ઉપાયો દ્વારા જમીનસુધારણા કરવામાં આવી છે, પરિણામે દેશનો લગભગ 56 % ભૂમિવિસ્તાર ખેતી નીચે આણી શકાયો છે. વળી બીડ અને ચરિયાણ-ભૂમિનું પ્રમાણ 7.5 % જેટલું છે. ખેતી એ આ દેશની અગત્યની આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં દેશની આશરે 25 % કરતાં વધુ વસ્તી રોકાયેલી છે. આમ આ દેશ ખેતીપ્રધાન છે. આ દેશમાં સુધારેલાં બિયારણો તથા રાસાયણિક ખાતરોની વપરાશ, રોગનિયંત્રણ, યાંત્રિકીકરણ વગેરેને લીધે ખેતઉત્પાદનમાં ધાર્યાં પરિણામો હાંસલ કરી શકાયાં છે. અહીં મુખ્યત્વે ઘઉં, જવ, ઓટ, રાય, બટાટા, શુગરબીટ તેમજ પશુચારાના પાકોની ખેતી અગત્યની છે. ખેતીનાં કુલ કાર્યોમાં 37 % જેટલાં કાર્યો ખેતમજૂરો દ્વારા કરાવવામાં આવે છે. દેશમાં મોટા ભાગનાં ખેતરોમાં ટ્રૅક્ટરો તેમજ ખેતીનાં અન્ય યંત્રો કે ઓજારોનો ઉપયોગ થાય છે.

આ દેશમાં ખેતીની સાથે સાથે પશુપાલનપ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. અહીં દુધાળાં પશુઓ, ડુક્કરો, ઘેટાં અને મરઘાંબતકાંનો વૈજ્ઞાનિક પદ્ધતિએ ઉછેર થાય છે; જેનાથી મુખ્યત્વે દૂધ, માંસ, ઈંડાં વગેરે જેવી પશુપેદાશો મેળવાય છે. આ દેશના B કરતાં વધુ ખેડૂતો પાસે દૂધ દોહવાનાં યંત્રો છે. અહીં સહકારી ધોરણે ડેરી-ઉદ્યોગનો વિકાસ સધાયો છે. આ દેશમાં આશરે 1,200થી વિશેષ સહકારી મંડળીઓ છે, જે લગભગ 90 % જેટલી દૂધની વ્યવસ્થા સંભાળે છે. દર વર્ષે લગભગ દોઢ લાખ ટન જેટલું માખણ તથા 85,000 ટન જેટલા ચીઝનું ઉત્પાદન તે કરે છે.

ડેન્માર્કમાં આશરે 60 જેટલાં ડુક્કરના માંસનાં કારખાનાં (Bacon factories) આવેલાં છે, જે સંશોધનકેન્દ્રો પણ ચલાવે છે. ડેન્માર્ક ખેતીપ્રધાન દેશ હોવા છતાં તેની જરૂરિયાતના લગભગ 2 ભાગના અનાજની તે વિદેશથી આયાત કરે છે. આ ઉપરાંત તે દુધાળાં પશુઓને તથા ડુક્કરોને ખવડાવવા માટે મોટા પ્રમાણમાં ઘાસચારાની તથા અનાજની પણ આયાત કરે છે. આ દેશ એક બાજુએ માખણની નિકાસ કરે છે, પણ બીજી બાજુએ આ દેશમાં માથાદીઠ માખણની વપરાશ કરતાં માર્ગેરિનની વપરાશ બેથી ત્રણ ગણી વધારે છે, જેથી માર્ગેરિન બનાવવા માટે મોટા પ્રમાણમાં તે વનસ્પતિ-તેલની આયાત કરે છે.

ખનિજ તથા ઊર્જા સંસાધનો અને ઉદ્યોગો : આ દેશમાં કોઈ ખનિજો કે ઊર્જા સંસાધનો ન હોવા છતાં પણ અહીં અનેક ઉદ્યોગો વિકસિત થયેલા છે. દેશના બધા જ ઉદ્યોગો આયાતી સંચાલનશક્તિ પર આધારિત છે, જેથી અહીંનાં બંદરો ઔદ્યોગિક-કેન્દ્રો તરીકે વિકાસ પામ્યાં છે. જોકે મોટા ભાગના ઉદ્યોગો સ્થાનિક બજાર માટે જ ઉત્પાદન કરે છે. આમ છતાં થોડાક ઔદ્યોગિક એકમો તેમના ઉત્પાદનની નિકાસ પણ કરે છે.

આ દેશમાં મુખ્યત્વે ખેતી તથા પશુપાલન પર આધારિત ઉદ્યોગો વિકસિત થયા છે, પણ તેમાં સૌથી વધુ આવક આપતો મુખ્ય ઉદ્યોગ ખાદ્યપ્રક્રમણને લગતો છે. આ ઉદ્યોગમાં રોકાયેલા લોકોનું પ્રમાણ ઘણું વધારે છે. દેશમાં આશરે 1,400 જેટલી ડેરીઓ છે. તેમને બાદ કરતાં ખાદ્યપ્રક્રમણને લગતા ઉદ્યોગોનું સ્થાનીકરણ બંદરોની નજીકમાં થયેલું છે. આ સિવાય દરિયાકાંઠે મત્સ્ય-ઉદ્યોગનો પણ વિકાસ થયો છે. સ્થાનિક રીતે ઉપલબ્ધ થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગોમાં પૉર્સેલીન (Porcelain) તથા સિમેન્ટ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ સિવાય અહીં આયાત પર આધાર રાખતો કાપડ-ઉદ્યોગ પણ અગત્યનો છે.

આ દેશમાં અન્ય ઉદ્યોગો પણ વિકસિત થયા છે. તેમાં જહાજ-બાંધકામ, વિવિધ પ્રકારની યંત્રસામગ્રી, લોખંડ-પોલાદ, કાપડ-વણાટ, ઇજનેરી, ફર્નિચર, રસાયણો વગેરેને લગતા ઉદ્યોગો આગળ પડતા છે. દેશ ડીઝલ-એન્જિન, મરીન-એન્જિન, મોટરશિપ જેવાં સાધનોનું પણ ઉત્પાદન કરે છે.

આ દેશની આશરે 2 ભાગની વસ્તી ઉદ્યોગો દ્વારા રોજી મેળવે છે. વળી કુલ ઔદ્યોગિક શ્રમિકોમાંથી  ભાગના શ્રમિકો પાટનગર કૉપનહેગન વિસ્તારમાં વસવાટ કરે છે.

પરિવહન તથા વ્યાપાર : આ દેશ દ્વીપકલ્પ તથા જુદા જુદા ટાપુઓનો બનેલો છે. આમ ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો અહીં એક સળંગસૂત્રતા જળવાતી નથી, આથી પરિવહનક્ષેત્રે મર્યાદિત પ્રમાણમાં વિકાસ સધાયો છે.

આ દેશમાં સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા રેલવેનું સંચાલન થાય છે. તેના રેલમાર્ગોની લંબાઈ લગભગ 2,743 કિમી.ની છે. આજે સરકાર દ્વારા સંચાલિત રેલવે મુસાફરો તથા માલસામાનની હેરફેર કરવામાં મોટો ફાળો આપી રહી છે. ઝીલૅન્ડ ટાપુને ફૉલ્સ્ટર ટાપુ સાથે જોડતા પુલો બનાવીને રેલમાર્ગ બાંધવામાં આવ્યો છે. આ સિવાય જુદા જુદા ટાપુઓને તેમજ સ્વીડન અને જર્મનીને જોડતા રેલમાર્ગ વચ્ચે આશરે 246 કિમી. લાંબી ફેરીસેવા (ferry service) પણ ઘણું જ મહત્વ ધરાવે છે.

ડેન્માર્કની સૌથી જૂની અને મોટી યુનિવર્સિટી – કૉપનહેગન યુનિવર્સિટીની ગોળાકાર ટાવરસહિતની વેધશાળા

આ દેશ લગભગ 71,663 કિમી. લંબાઈના સડકમાર્ગો ધરાવે છે. પાટનગર કૉપનહેગન સડકમાર્ગોનું મુખ્ય મથક છે. સડકમાર્ગો દેશનાં મુખ્ય નગરો તથા ખેતીકીય પ્રદેશોને સાંકળે છે. ડેન્માર્કમાં સરેરાશ 17 વ્યક્તિએ એક મોટરકાર છે. આ દેશ ટાપુઓનો બનેલો છે. અહીં સમુદ્રતટની લંબાઈ પણ ઘણી વિશેષ છે. દેશની મોટા ભાગની આંતરિક પરિવહન સેવાઓમાં સમુદ્રમાર્ગોનો ફાળો વિશેષ છે. આ દેશની 85 % વસ્તી શહેરી છે અને આ દેશનાં 10 હજારથી વધુ વસ્તી ધરાવતાં 35 શહેરો પૈકીનાં 28 શહેરો દરિયાકાંઠે વસેલાં છે. જળમાર્ગો દ્વારા માનવીની હેરફેર તો થાય છે જ, આમ છતાં માલસામાનના પરિવહન માટે આ જળમાર્ગો વધુ ઉપયોગી બન્યા છે. તેમના દ્વારા કોલસો, ખનિજતેલ, પથ્થર, સિમેન્ટ વગેરે જેવી ભારે વજનદાર સામગ્રીની હેરફેર વધુ સરળ બને છે.

કૉપનહેગન બંદર કરમુક્ત છે, તેથી મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર તેમજ સૌથી વધારે માલસામાનની હેરફેર આ બંદર મારફત થાય છે. આ ઉપરાંત આર્હસ (Aarhus), આલબર્ગ (Aalborg), એસબર્ગ (Esbjerg), ફ્રેડરિસિયા (Fredericia), ઓડેન્સ (Odense) વગેરે અન્ય અગત્યનાં બંદરો છે.

કૉપનહેગન બંદરનું રમણીય દૃશ્ય

આ દેશમાં ‘સ્કૅન્ડિનેવિયન ઍરલાઇન્સ સિસ્ટમ’ (SAS) દ્વારા હવાઈ સેવાઓ ચાલે છે. અહીં તેર જેટલાં હવાઈ મથકો છે, તે પૈકી કૉપનહેગન એ દેશનું સૌથી મોટું હવાઈ મથક છે. કૉપનહેગન – આલબર્ગ, કૉપનહેગન – રોન (Ronne) અને કૉપનહેગન – આર્હસની નિયમિત હવાઈ સેવાઓ ઉપલબ્ધ છે. કૉપનહેગન ખાતેના કાસ્ટ્રુપ (Kastrup) હવાઈ મથકથી ટોકિયો અને લૉસ એન્જલ્સ વચ્ચે પણ હવાઈ સેવાઓ ચાલે છે. આ દેશના આયાત-નિકાસ વ્યાપારના મુખ્ય ભાગીદારોમાં જર્મની, સ્વીડન, ફ્રાન્સ, યુ.કે., યુ.એસ., નૉર્વે, જાપાન વગેરે દેશોનો સમાવેશ થાય છે. આ દેશમાંથી મુખ્યત્વે માંસ અને ડેરીપેદાશો, ઔદ્યોગિક યંત્રસામગ્રી, કાપડ અને તૈયાર વસ્ત્રો, રાસાયણિક પેદાશો, ટ્રાન્સપોર્ટ સાધનો વગેરેની નિકાસ થાય છે; જ્યારે ઔદ્યોગિક કાચો માલ, બળતણો, યંત્રસામગ્રી તથા પરિવહન સાધનસામગ્રી, રસાયણો, પેટ્રોલિયમ વગેરેની તે આયાત કરે છે.

વસ્તી અને વસાહતો : આ દેશની વસ્તી આશરે 54,00,000 (2000) જેટલી છે. વળી તેની સરેરાશ વસ્તીગીચતા દર ચોકિમી.એ લગભગ 123 વ્યક્તિઓ જેટલી થવા જાય છે. આમ છતાં ઝીલૅન્ડ અને ફીન (Fyn) ટાપુઓમાં વસ્તીગીચતાનું પ્રમાણ વિશેષ છે. નૉર્વે અને સ્વીડનમાંથી સ્થળાંતર કરીને આ દેશમાં ઘણા લોકોએ વસવાટ કર્યો છે. આ દેશના લોકો ડેનિશ તરીકે ઓળખાય છે. અહીંના 90 % લોકો એવેન્ગલિકલ લ્યૂથેરન (Evangelical Lutheran) ધર્મ પાળે છે. લોકોની મુખ્ય ભાષા ડેનિશ છે. આ ઉપરાંત અહીં થોડાક પ્રમાણમાં ફૅરોઇઝ (faroese) તથા અન્ય ભાષાઓ તેમજ બોલીઓનો ઉપયોગ પણ થતો જોવા મળે છે. અહીંની પ્રજામાં શિક્ષણનું પ્રમાણ 90 % જેટલું છે.

વસાહતોની દૃષ્ટિએ જોઈએ તો કૉપનહેગન, આર્હસ, ઓડેન્સ, આલબર્ગ, એસબર્ગ વગેરે નગરોની વસ્તી એક લાખથી વધુ છે. આ પછીનાં બીજાં સાત નગરો 25,000 કરતાં વધુ વસ્તીવાળાં છે, જ્યારે બાકીનાં 23 નગરોમાં 10થી 25 હજાર જેટલી વસ્તી વસવાટ કરે છે.

ઝીલૅન્ડ ટાપુ પર આવેલું કૉપનહેગન, દેશનું સૌથી મોટું નગર – પાટનગર ઉપરાંત અગત્યનું ઔદ્યોગિક કેન્દ્ર અને બંદર છે. તેને મુક્ત બંદર તરીકે જાહેર કરવામાં આવ્યું હોવાથી અહીં વ્યાપાર તથા ઉદ્યોગોનો વિશેષ વિકાસ સધાયો છે. બૃહત્ કૉપનહેગન દેશની લગભગ 25 % વસ્તી ધરાવે છે. આ નગરમાં જહાજ-બાંધકામ, ઇજનેરી, કાપડ, રસાયણો, ખાદ્યપ્રક્રમણ વગેરેને લગતા ઉદ્યોગો આગળ પડતા છે. તેની વસ્તી લગભગ 10,85,813 (2003) જેટલી છે. પૂર્વ જટલૅન્ડમાં આવેલું આર્હસ (વસ્તી : 2,22,559) એ દેશનું બીજો ક્રમ ધરાવતું શહેર અને બંદર છે. ખેતીકીય પ્રદેશમાં અગત્યના મથક તરીકેનું તેનું સ્થાન નોંધપાત્ર છે. અહીં ઇજનેરી ઉદ્યોગ વિકસિત થયો છે. ફીન ટાપુ પરનું ઓડેન્સ (વસ્તી : 1,45,000) અગત્યનું બંદર અને ઔદ્યોગિક મથક છે. અહીં લોખંડ-પોલાદ તથા જહાજ-બાંધકામને લગતા ઉદ્યોગો વિકાસ પામેલા છે. આલબર્ગ (વસ્તી : 1,21,100), એ જટલૅન્ડ દ્વીપકલ્પના ઉત્તર ભાગમાં લીમ ફિયૉર્ડ પર આવેલું છે. તે દેશનું આગળ પડતું બંદર અને નગર છે. આ ઉપરાંત એસબર્ગ (Esbjerg), રૅન્ડર્સ (Randers), કૉલ્ડિંગ (Kolding), હેલ્સિંગર (Helsingor), હોરસેન્સ (Horsens) વગેરે અન્ય અગત્યની શહેરી વસાહતો છે.

બીજલ પરમાર