સ્કૂટર (scooter) : બૈ પૈડાંવાળું, મશીન દ્વારા ચલાવાતું વાહન (vehicle).

સ્કૂટરનો વિકાસ તબક્કાવાર થયો છે. સૌપ્રથમ બાઇસિકલ કે સાઇકલ માનવી વડે ચાલતું વાહન પ્રચલિત થયું. બાઇસિકલમાં ચેઇન વડે પાછળના વ્હિલને ગતિ આપવામાં આવે છે. આ વાહન પર્યાવરણની દૃષ્ટિએ બિલકુલ નિર્દોષ છે. આમ હોવા છતાં તેની ગતિ મર્યાદિત જ રહે છે, આથી વધુ ગતિમાન વાહન, જે સાઇકલ જેવું જ હોય તેની જરૂર લાંબું અંતર (જે શહેરી વસ્તીને ધ્યાનમાં રાખી) કાપવામાં અને ઓછા સમયમાં ગંતવ્ય પર પહોંચવામાં જણાઈ છે.

આ કારણે પ્રથમ મોપેડ, ત્યારબાદ મોટર-સાઇકલ અને પછી અદ્યતન તકનીકીની મદદથી બનેલ સ્કૂટર હાલમાં ઘણાં પ્રચલિત થયાં છે.

સ્કૂટર બહેનો આસાનીથી અને આરામદાયક રીતે ચલાવી શકે તે માટે તેની રચનામાં (architecture) મોટરબાઇક કરતાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

સ્કૂટરચાલક આરામદાયક રીતે તેના પગ ટેકવી, સ્કૂટરનું સંચાલન કરી શકે તે માટે સમતળ Floor-Board હોય છે. સ્કૂટરમાં એન્જિન અને તેની ચાલક સિસ્ટમ(Drive system)ને સીટની નીચે આવેલી axle સાથે જોડવામાં આવે છે, જેથી સમતળ Floor Board રાખી શકાય. દુનિયાભરમાં સ્ત્રીઓનો પોષાક સાડી, ગાઉન, સ્કર્ટનો હોય છે જેથી flat floor board હોવાથી તે આસાનીથી સ્કૂટર ચલાવી શકે છે.

સ્કૂટર, મોટરબાઇક કરતાં વજનમાં હલકું હોય છે. સ્કૂટરનાં પૈડાં પણ મોટરબાઇકના કરતાં નાની ત્રિજ્યાનાં હોય છે.

સ્કૂટરના એન્જિનની ક્ષમતા 50-150 CCની રાખવામાં આવે છે.

સ્કૂટરની માંગ બીજા વિશ્વયુદ્ધ પછી વધવા માંડી. ઇટાલીમાં આથી Lambretta અને Vespa કંપનીએ સ્કૂટર બનાવવાની પહેલ કરી. હાલમાં વિકસિત દેશો કરતાં વિકસતા દેશોમાં ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકો માટે આ સાધન રોજિંદા વાહનવ્યવહાર માટે ઘણું ઉપયોગી સાબિત થયું છે.

જૂના મૉડલના સ્કૂટરમાં પાછલા પૈડાને ગતિ ક્લચ અને ગિયરની મદદથી આપવામાં આવે છે. હાલમાં બે પ્રકારનાં સ્કૂટર પ્રચલિત છે. એક પ્રકારમાં continuously variable transmissionની મદદ વડે સ્કૂટર તેના ઈંધણ વડે ચાલતા એન્જિનથી ગતિમાન થાય છે. આ પદ્ધતિમાં ક્લચ અને ગિયર હોતાં નથી. બીજા પ્રકારના સ્કૂટરને મોટરથી ગતિ પ્રાપ્ત થાય છે. આ મોટર બૅટરીની મદદથી ચાલે છે. બૅટરીને એક વાર ચાર્જ કર્યા પછી આશરે 70 કિમી. વાહન ચાલ્યા બાદ – રિચાર્જ કરવી પડે છે. મોટર અને બૅટરી બંને સીટની નીચેના ભાગમાં રાખેલ હોય છે. ચાલક જ્યારે સ્કૂટર પાર્ક કરે છે ત્યારે તેનું હેલમેટ તે સીટની નીચેના ભાગમાં રાખી શકે છે.

પ્રકાશ ભગવતી