સૌરાષ્ટ્ર સમાચાર : ભાવનગરથી પ્રકાશિત થતું દૈનિક. ગુજરાતના હાલના સૌથી મોટા દૈનિક ‘ગુજરાત સમાચાર’ દ્વારા 1961માં ભાવનગરથી ‘સૌરાષ્ટ્ર સમાચાર’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો; પરંતુ એકાદ વર્ષમાં જ બંધ કરી દીધું હતું. ત્યાર બાદ 1964ના જૂન–જુલાઈ મહિનામાં ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના હાલના મૅનેજિંગ ડિરેક્ટર અને મૅનેજિંગ તંત્રી પ્રતાપભાઈ શાહે ‘ગુજરાત સમાચાર’ પાસેથી આ અખબારના શૅર ખરીદી લીધા અને એ જ વર્ષે 15મી ઑગસ્ટથી ‘સૌરાષ્ટ્ર સમાચાર’નો ફરીથી પ્રારંભ કર્યો હતો. 15 ઑગસ્ટ, 2004થી ‘સૌરાષ્ટ્ર સમાચાર’નું સંચાલન દૈનિક ‘ભાસ્કર’ જૂથે પોતાને હસ્તક લીધું છે અને હાલ(2008)માં આ અખબાર ‘ભાસ્કર’ જૂથના એક અખબાર તરીકે ભાવનગરથી જ પ્રકાશિત થાય છે. 1964–1965ના અરસામાં ભાવનગરથી અન્ય નાનાં દૈનિક–સામયિકો પણ પ્રકાશિત થતાં હતાં; પરંતુ મશીનરી અને પત્રકારત્વની અલગ ભાતને કારણે એ અરસામાં ‘સૌરાષ્ટ્ર સમાચાર’ વાચકોમાં ઝડપથી લોકપ્રિય થવા લાગ્યું હતું. ‘સૌરાષ્ટ્ર સમાચાર’ને ભાવનગરના અને એ સમગ્ર પ્રદેશનાં અન્ય અખબારોથી અલગ પાડતી જો કોઈ ખાસ બાબત હોય તો એ છે કે આ અખબાર રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સમાચારો આપવાની સાથે સાથે ખાસ કરીને ભાવનગર જિલ્લાની લગભગ તમામ પ્રકારની ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક, સાહિત્યિક અથવા અન્ય કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ હોય એ તમામને ટૂંકાણમાં પણ યથાયોગ્ય સ્થાન આપીને ન્યાય આપે છે. ‘સૌરાષ્ટ્ર સમાચાર’ની આ વિશેષતા જ તેને જિલ્લાનાં બે-ત્રણ અગ્રણી અખબારોમાં સ્થાન અપાવવા માટે કારણભૂત છે. આ અખબારના મૅનેજિંગ તંત્રી શ્રી પ્રતાપભાઈ શાહ એક સમયે ‘ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ (કૉંગ્રેસ પક્ષ) સાથે સંકળાયેલા હતા અને એ પક્ષની ટિકિટ ઉપર 1977માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા; એટલું જ નહિ, પરંતુ તત્કાલીન સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. ત્યાર બાદ 1980માં તેઓ સંસદીય ચૂંટણી લડ્યા; પરંતુ તેમાં સફળતા ન મળતાં સક્રિય રાજકારણને અલવિદા કરી દીધી હતી અને ફરી ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના સંચાલનકાર્યમાં પૂરો સમય આપવાનું શરૂ કર્યું. જોકે તેઓ સક્રિય રાજકારણમાં હતા ત્યારે અખબારના સંચાલનની જવાબદારી તેમના પુત્ર દીપકભાઈને સોંપી હતી. ‘સૌરાષ્ટ્ર સમાચાર’ 1964માં શરૂ થયું ત્યારે તેનો ફેલાવો લગભગ 1,600 નકલોનો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે અને હાલ (2007–2008માં) તે 40,000 નકલોનો ફેલાવો ધરાવે છે. 4344 વર્ષના આ ગાળામાં બે વખત તેનો ફેલાવો 45,000 સુધી પહોંચ્યો હતો. ‘સૌરાષ્ટ્ર સમાચારે’ વાર્ષિક લવાજમની સાથે ભેટ આપવાની યોજના 1994થી શરૂ કરી હતી અને તે આજે પણ ચાલુ છે. શ્રી પ્રતાપભાઈ આ ઉપરાંત 1985માં ભારતીય ભાષાકીય અખબારોના સંગઠન(‘ઇલ’-ના)ની ન્યૂઝપેપર પરચેઝ કમિટીના પ્રમુખપદે પણ રહ્યા હતા અને ત્યાર બાદ 1990ના દાયકામાં ગુજરાતી ન્યૂઝપેપર ઍસોસિયેશનમાં ટ્રેઝરર અને પ્રમુખપદે સેવા આપી હતી.

અલકેશ પટેલ